ડ્રગ્સની દુનિયાના 'ગોડફાધર' અલ ચેપો સામે કેસ શરૂ

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
ન્યૂ યૉર્કની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મેક્સિકોના ડ્રગલોર્ડ ખ્વાકીન અલ ચેપો ગૂસમેન સામે ખટલો શરૂ થયો છે. સરકારી પક્ષનું કહેવું છે કે અલ ચેપો ડ્રગ્સ કાર્ટેલનો શક્તિશાળી નેતા છે. જ્યારે બચાવ પક્ષના વકીલનું કહેવું છે કે 'ચેપોની કોઈ હેસિયત નથી.'
પ્રૉસિક્યૂટરોનું કહેવું છે કે અમેરિકામાં ડ્રગ્સનો સૌથી વધારે પુરવઠો પૂરો પાડનાર સિનાલોઆ ડ્રગ કાર્ટેલ પાછળ ગૂસમેનનું મગજ કામ કરે છે.
અત્યંત સુરક્ષિત જેલમાંથી એક સુરંગ મારફતે ભાગી છૂટ્યાના પાંચ મહિના બાદ જાન્યુઆરી 2016માં ગૂસમેનની ફરી એક વખત ધરપકડ કરી લેવામાં આવી હતી.
અલ ચેપો પર નેટફ્લિક્સે 35 એપિસોડની સિરીઝ તૈયાર કરી હતી.
એમ માનવામાં આવી રહ્યું છે કે એમના નજીકના પૂર્વ સાથી ઉપરાંત કેટલાંક અન્ય લોકો પણ તેમના વિરુધ્ધ કોર્ટમાં જુબાની આપશે.

ભારે સુરક્ષા વચ્ચે સુનાવણી

ઇમેજ સ્રોત, Getty Images
સીએનએનના રિપોર્ટ પ્રમાણે, કોર્ટની કાર્યવાહી દરમિયાન ગૂસમેન ડાર્ક કલરનો શૂટ પહેર્યો હતો અને તેમના ચહેરા પર સ્મિત હતું.
બે વર્ષ અગાઉ ગૂસમેનનું મેક્સિકોથી અમેરિકામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.
સુનાવણીને પગલે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુનાવણીના સ્થળે SWAT ટીમને ગોઠવવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યુરીના નામ પણ જાહેર કરવામાં નથી આવ્યા. સમગ્ર સુનાવણી લગભગ ચાર મહિના સુધી ચાલશે.
બીજી બાજુ, ગૂસમેનને 'બલિનો બકરો' બનાવવામાં આવ્યો હોવાના આરોપોને મેક્સિકોના રાષ્ટ્રપતિએ નકારી કાઢ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કોણ છે અલ ચેપો?

ઇમેજ સ્રોત, AFP
ખ્વાકીન ગૂસમેનનો જન્મ 1957માં એક ખેડૂતના કુટુંબમાં થયો હતો. તેઓ અફીણ અને ગાંજાના ખેતરોમાં કામ કરતા હતા અને અહીંથી જ એમણે ડ્રગ તસ્કરીના દાવપેચ શીખ્યા હતા.
ત્યાર બાદ 'ધ ગૉડફાધર' નામથી જાણીતા અને શક્તિશાળી ગ્વાડાલાજારા કાર્ટેલના પ્રમુખ મિગેલ એંજલ ફેલિક્સ ગેલાર્ડોના તેઓ શિષ્ય બન્યા અને તેમની પાસેથી ડ્રગ્સની તસ્કરીની આંટીઘૂંટી શીખ્યા.
5 ફૂટ અને 6 ઇંચ લાંબા ગૂસમેનને શૉર્ટી પણ કહેવામાં આવે છે. તેઓ 1980ના દાયકામાં ઉત્તર-પશ્ચિમી મેક્સિકોમાં પ્રભાવશાળી સિનાલોઆ કાર્ટેલની ટોચ સુધી પહોંચી ગયા.
આ અમેરિકાનું સૌથી મોટો ડ્રગ્સ તસ્કરી કરનારું જૂથ બની ગયું અને વર્ષ 2009માં ફોર્બ્સ પત્રિકાએ સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં 701માં ક્રમાંકે ગૂસમેનને મૂક્યા હતા.
એ વખતે એમની કુલ સંપત્તિ લગભગ એક અરબ ડૉલર આજુબાજુ હતી.


વર્ષ 1993માં એક હરીફ ગેંગએ અલ ચેપો પર હુમલો કર્યો હતો, પણ એમાંથી તેઓ બચી ગયા હતા. જોકે આ વર્ષે એમની એક વ્યાપક અભિયાન બાદ ગ્વાટેમાલામાંથી ધરપકડ કરવામાં આવી હતી.
આ દરમ્યાન તેઓ અત્યંત સુરક્ષાવાળી જેલોમાં રહ્યા હતા. વર્ષ 2001માં તેઓ એક સુરક્ષા ગાર્ડની મદદ વડે જેલમાંથી ફરાર થઈ ગયા હતા.
ગૂસમેનને બીજી વખત પકડવા માટે ઘણાં દેશઓમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું, તેઓ વર્ષ 2014 સુધી ફરાર રહ્યા. ફેબ્રુઆરી 2014માં એમની ફરીથી ધરપકડ કરી લેવામાં આવી હતી.
એક વખત ફરીથી તેઓ જેલમાંથી ફરાર થઈ ગયા હતા. પણ 2016માં એમની ફરીથી ધરપકડ કરી લેવામાં આવી હતી અને એમને અમેરિકાને પ્રત્યાર્પિત કરી દેવામાં આવ્યા હતા.
એમને અલ રેપિડો, શૉર્ટી, એલ સેનોર, એલ યેફે, નાના, આપા, પાપા અને ઇંગે જેવા ઉપનામોથી પણ ઓળખવામાં આવે છે.


સિનાલોઆ કાર્ટેલ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સિનાલોઆ મેક્સિકોનો એક ઉત્તર-પશ્ચિમી પ્રાંત છે અને આના પરથી સિનાલોઆ કાર્ટેલ નામ આવ્યું છે. ગૂસમેનના આદેશ પર આ કાર્ટેલે અનેક હરિફ ડ્રગ તસ્કરી ગૅંગ્સનો ખાતમો કર્યો અને અમેરિકાને ડ્રગ વેચનારું સૌથી મોટું નેટવર્ક બની ગયું.
અમેરિકન કોંગ્રેસમાં જુલાઈ 2018માં રજૂ કરવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે, આ કાર્ટેલ વર્ષના ત્રણ અરબ ડૉલરની કમાણી કરે છે.
અમેરિકામાં ચાલતા કેસ અનુસાર અત્યારે દુનિયામાં ડ્રગ તસ્કરી કરનારું સૌથી મોટું જૂથ છે.
રિપોર્ટ અનુસાર, આ ગૅંગનો પ્રભાવ ઓછામાં ઓછા પચાસ દેશોમાં છે. જોકે હાલનાં વર્ષોમાં આ કાર્ટેલને ઘણાં હરીફ જૂથો તરફથી પડકાર મળ્યો છે અને સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ કાર્ટેલનો પ્રભાવ ઘટી રહ્યો છે.


ગૂસમેન પર કયા આરોપ?

ઇમેજ સ્રોત, Getty Images
અલ ચેપો ગૂસમેન પર કુલ 17 ગુના નોંધાયેલા છે. એમના પર સેંકડો ટન કોકેઇનની અમેરિકામાં તસ્કરી કરવાનો આરોપ છે.
કેસ અનુસાર ગૂસમેન અને એમના સાથીઓએ 84 વખત અમેરિકામાં ડ્રગ્સના મોટા શિપમૅન્ટ મોકલ્યાં છે. 18 માર્ચ 2007 ના રોજ 19,000 કિલો કોકેઇન મોકલવાનો આરોપ પણ એમના પર લગાડવામાં આવેલો છે.
એમના પર હેરોઇન, મેથાફેટેમિન, ગાંજા અને અન્ય ડ્રગ્સ ઉત્પાદિત કરવાનો અને વેચવાનો આરોપ પણ છે.
કેસમાં જણાવવામાં આવ્યું છે કે એમણે ભાડૂતી હત્યારાઓની મદદ વડે સેંકડો હત્યા, અપહરણ અને વિરોધીઓ પર હુમલા કરાવ્યા છે.
અમેરિકન અધિકારી ડ્રગના ધંધામાંથી રળેલા 14 અરબ ડૉલર પણ ગૂસમેન પાસેથી જપ્ત કરવા માંગે છે, જોકે એમનો આ હેતુ કેટલો પાર પડે છે એના પર સવાલ છે.

એમને કેવી રીતે પકડવામાં આવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
8 જાન્યુઆરી 2016ના રોજ જ્યારે એક એક વ્યાપક અભિયાન બાદ ગૂસમેનની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે મેક્સિકોના તત્કાલીન રાષ્ટ્રપતિ એનરીકે નીટોએ ટ્વીટ કર્યું હતું, "અભિયાન પૂર્ણ થયું."
ઉત્તર-પશ્ચિમી મેક્સિકોના તટીય શહેર લૉસ મોચીસના ધનવાન વિસ્તારમાંથી એમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ થોડા દિવસો પહેલાં જ અહીંયા પહોંચ્યા હતા.
આ અગાઉ તેઓ મેક્સિકોના વિવિધ ભાગોમાં રહ્યા હતા.
મેક્સિકોના ખાસ સૈન્ય બળોના હુમલામાં ગૂસમેનના પાંચ સુરક્ષાગાર્ડ માર્યા ગયા હતા, પણ ગૂસમેન જ્યારે કારમાં ફરાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ એમને પકડી લેવામાં આવ્યા હતા.
ધરપકડના થોડાક દિવસો બાદ જાણવા મળ્યું કે હોલીવૂડ અભિનેતા સીન પેને ધરપકડ પહેલાં જંગલમાં એમનો ઇન્ટરવ્યૂ લીધો હતો.
આ ઇન્ટરવ્યૂ રોલિંગ સ્ટોનમાં છાપવામાં આવ્યો હતો અને એની ખૂબ ટીકા કરવામાં આવી હતી. રિપોર્ટો અનુસાર મેક્સિકોનું પોલીસબળ, સીન પેનનો પીછો કરતાં કરતાં જ ગૂસમેન સુધી પહોંચ્યું હતું, પણ આ અહેવાલોની પુષ્ટિ થઈ શકી નહોતી.


તેઓ ફરાર કેવી રીતે થયા?

ઇમેજ સ્રોત, Getty Images
ગૂસમેનના કેસની સુનાવણી દરમ્યાન ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એનું એક કારણ એ પણ છે કે ગૂસમેન બે વખત અત્યંત સુરક્ષિત જેલમાંથી ફરાર થઈ ચૂક્યા છે.
વર્ષ 2001માં તેઓ પુએન્ટે ગ્રાંડે જેલમાંથી કપડાં લઈ જનારી ટ્રૉલીમાં સંતાઈને ભાગી છૂટ્યા હતા. જેલના ગાર્ડોને લાંચ આપી તેઓ આમ કરી શક્યા હતા.
તેર વર્ષ બાદ એમને ફરીથી વર્ષ 2014માં પકડી લેવામાં આવ્યા ત્યાર બાદ 2015માં તેઓ એક ભારે સુરક્ષિત જેલમાં એમના ઓરડામાં બનાવવામાં આવેલી દોઢ કિલોમીટર લાંબી સુરંગ મારફતે ફરાર થઈ ગયા હતા.
આ સુરંગમાં હવાની અવર જવર માટે વેન્ટિલેશન પણ હતું, લાઇટો લગાડવામાં આવી હતી. સુરંગનો બીજો છેડો એક નિર્માણ સ્થળમાં નીકળતો હતો.
બાદમાં મેક્સિકોની ટીવી ચેનલો પર પ્રસારિત રિપોર્ટોમાં દર્શાવવામાં આવ્યું હતું કે ગૂસમેનના ઓરડામાંથી આવતા તીવ્ર અવાજ પર ગાર્ડોએ કોઈ લક્ષ્ય આપ્યું નહોતું.

હવે શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન પ્રૉસિક્યૂટર્સે દશકો સુધી મહેનત કરી પુરાવા એકઠા કર્યાં છે. પોતાના પક્ષને મજબૂત કરવા માટે એમણે મેક્સિકો અને કોલંબિયાની પણ મદદ લીધી છે.
પ્રૉસિક્યૂટર ,અમેરિકા અને મેક્સિકોના પોલીસ અધિકારીઓ ઉપરાંત બેલેસ્ટિક અને નિષ્ણાતોની તેમજ નજરે નિહાળનાર સાક્ષીની પણ મદદ લેશે.
માનવામાં આવી રહ્યું છે કે એમના કેટલાક પૂર્વ સાથી એમની વિરુદ્ધ જુબાની આપી શકે છે, એમાં એક અત્યંત નજીકના સાથીનો પણ સમાવેશ થાય છે.
પ્રૉસિક્યૂટર સાથે કરવામાં કરવામાં આવેલા કરારમાં જીસસ વિનસેન્ટ ઝામવાડાએ સ્વીકાર કર્યો છે કે તેઓ કાર્ટેલના ટોચના સભ્ય હતા અને એમણે હજારો કિલો કોકેઇન અને હેરોઇનની અમેરિકામાં તસ્કરી કરી હતી. આ ડ્રગ્સ ઝડપી ગતિવાળી નૌકાઓ, પવનડુબ્બીઓ અને ખાનગી વિમાનો મારફતે અમેરિકામાં લાવવામાં આવ્યા હતા.
એમને કબૂલ્યું છે કે કાર્ટેલ પાસે સૈન્ય ક્ષમતાવાળા હથિયાર છે અને પોતાના ધંધાને વધારવા માટે તેઓ હિંસાનો માર્ગ પણ અપનાવે છે.
ગૂસમેનના પક્ષે ઘણાં મોટા વકીલોની ટીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે. એમાંથી એક છે જૈફરી લિશ્ટમેન, જેમણે વર્ષ 2005માં માફિયા ડૉન જૉટ ગૉટ જુનિયરને જેલમાં જતા બચાવી લીધા હતા.
જૈફરી લિશ્ટમેને બીબીસીને જણાવ્યું હતું કે તેઓ કોર્ટને જણાવશે કે ગૂસમેન કાર્ટેલના પ્રમુખ નથી. જોકે એમણે એ પણ સ્વીકાર્યું કે આ મુદ્દે પુરાવા એટલાં બધાં છે કે બચાવ પક્ષને પોતાનો તર્ક રજૂ કરવામાં અડચણ ઊભી થશે.
સરકારનું કહેવું છે કે એમની પાસે હજાર પાનાનો દસ્તાવેજ છે, રેકર્ડ કરવામાં આવેલા ઓડિયો સંવાદ છે જેમાં ગૂસમેન ડ્રગ તસ્કરી સાથે જોડાયેલી વાતો કહી રહ્યા છે.
અદાલતમાં પોલીસ કાર્યવાહી દરમ્યાન જપ્ત કરવામાં આવેલા હથિયાર અને ડ્રગ પણ રજૂ કરવામાં આવશે. સરકારી પ્રૉસિક્યૂટરનું એ પણ કહેવું છે કે એમની પાસે કોલંબિયાના ડ્રગ માફિયા પાસેથી પ્રાપ્ત દસ્તાવેજ છે જેમાં ડ્રગ લેવડ દેવડની જાણકારી પણ છે.


કોર્ટમાં કેવી સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગૂસમેનને મેનહટન મેટ્રોપૉલિટન કરેક્શન સેન્ટરમાં એકલાં જ રાખવામાં આવ્યા છે. આ ન્યૂયોર્કની સૌથી સુરક્ષિત જેલ છે, પણ એમનો કેસ બ્રુકલિનમાં ચાલી રહ્યો છે.
જેટલી વખત એમને જેલથી કોર્ટમાં લઈ જવામાં આવ્યા દર વખતે બ્રુકલિન બ્રિજને બંધ કરવો પડ્યો હતો.
પોલીસની ગાડીઓ, બખ્તરધારી ગાડીઓ ,ઍમ્બુલન્સ અને કટોકટી સમયના વાહનોની સાથે ગૂસમેનને જમીનની નીચેના માર્ગેથી કોર્ટમાં પહોંચાડવામાં આવે છે.
કોર્ટની સુરક્ષાને પણ કડક બનાવી દેવામાં આવી છે. સ્નિફર ડૉગને શંકાસ્પદ વિસ્ફોટકોની શોધમાં લગાડી દેવામાં આવ્યા છે. વકીલો અને નજરે નિહાળનાર સાક્ષીઓને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
કોર્ટમાં જુબાની આપનાર સાક્ષીઓનાં નામ જાહેર કરવામાં આવ્યા નથી અને તેઓને ચાંપતી સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે.
આટલું જ નહીં જ્યૂરીના સભ્યોના નામ અને સરનામાં પણ ખાનગી રાખવામાં આવ્યાં છે. તેમના ઠામઠેકાણાં અંગે મીડિયા કે વકીલોને પણ જાણકારી નથી અપાઈ.
હથિયારધારી સૈનિકોની સુરક્ષા હેઠળ જ્યૂરીના સભ્યોને કોર્ટમાં લઈ જવામાં આવશે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












