BBC Exclusive : પ્રિન્સેસ લતિફા : દુબઈના રાજવીનાં એ પુત્રી જેમણે પિતા પર લગાવ્યો 'બંધક' બનાવવાનો આરોપ

પ્રિન્સેસ લતીફા

ઇમેજ સ્રોત, Princess Latifa

ઇમેજ કૅપ્શન, પ્રિન્સેસ લતીફાના વીડિયોમાંથી લીધેલી તસવીર, આ વીડિયો ગુપ્ત રીતે રેકર્ડ કરવામાં આવ્યો હતો
    • લેેખક, બીબીસી પેનોરમા
    • પદ, રિપોર્ટિંગ ટીમ
તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

2018માં દેશમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરી ચૂકેલાં દુબઈના શાસકની દીકરીએ તેમના દોસ્તોને મોકલેલા વીડિયો સંદેશમાં આક્ષેપ કર્યો છે કે તેમના પિતાએ તેમને 'બંધક' બનાવ્યાં છે તથા તેમનો જીવ જોખમમાં છે.

બીબીસી પૅનોરમા સાથે શૅર કરેલાં વીડિયો ફૂટેજોમાં પ્રિન્સેસ લતિફા અલ મકતુમ કહે છે કે તેમણે બોટ મારફત નાસી છૂટવાનો પ્રયાસ કર્યો ત્યારે કમાન્ડોએ તેમને ઝડપી લીધાં હતાં અને માદક પદાર્થ ખવડાવીને ફરી અટકાયત કરી લેવાઈ હતી.

હવે ગુપ્ત સંદેશા મળતા બંધ થઈ ગયા છે અને દોસ્તો આ મામલે હસ્તક્ષેપ કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘને વિનંતી કરી રહ્યા છે. જેને પગલે સંયુક્ત રાષ્ટ્રએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.

દુબઈ અને સંયુક્ત આરબ અમીરાત (યૂએઈ)એ અગાઉ જણાવ્યું હતું કે રાજકુમારી પરિવારની છત્રછાયામાં સલામત છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘનાં ભૂતપૂર્વ માનવાધિકાર રાજદૂત મૅરી રોબિન્સને 2018માં લતિફાને મળ્યા બાદ તેમને "મુશ્કેલીમાં ફસાયેલી સ્ત્રી" ગણાવ્યાં હતાં. મૅરી રોબિન્સન હવે એવું કહે છે કે તેમને રાજકુમારીના પરિવાર દ્વારા "ભયાનક રીતે છેતરવામાં" આવ્યાં હતાં.

લતિફાની વર્તમાન હાલત અને ઠામઠેકાણાની તપાસ માટે આંતરરાષ્ટ્રીય પગલાં લેવાની સંયુક્ત માગણીમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકારના ભૂતપૂર્વ હાઈ કમિશનર અને આયર્લૅન્ડના રાષ્ટ્રપ્રમુખે પણ સૂર પૂરાવ્યો છે.

તેમણે કહ્યું હતું, "હું લતિફા બાબતે સતત ચિંતિત છું. પરિસ્થિતિ બદલાઈ છે. તેથી તેની તપાસ થવી જોઈએ એવું હું માનું છું."

લતિફાના પિતા શેખ મોહમ્મદ બિન રશિદ મકતુમ વિશ્વના સૌથી ધનવાનો પૈકીના એક હોવા ઉપરાંત દુબઈના શાસક અને યૂએઈના નાયબ રાષ્ટ્રપ્રમુખ છે.

લતિફાને એકાદ વર્ષ પહેલાં પકડીને દુબઈ પાછા લાવવામાં આવ્યાં એ પછી તેમને એક ફોન આપવામાં આવ્યો હતો. એ ફોન પર લતિફાએ વીડિયો રૅકૉર્ડ કર્યા હતા.

તેમણે બાથરૂમમાં એ રૅકૉર્ડિંગ કર્યું હતું, કારણ કે તેમને જ્યાં રાખવામાં આવ્યાં છે એ સ્થળે માત્ર બાથરૂમનો જ દરવાજો લોક કરી શકાય છે.

એ સંદેશાઓમાં લતિફાએ ઘણી વાતો જણાવી છે. તેમણે જણાવ્યું છે કે તેમને બોટમાંથી ઉતારવામાં આવ્યાં ત્યારે તેમણે સૈનિકો સામે "મુક્કા અને લાતો મારીને" ઝીંક ઝીલી હતી અને તેમણે અમીરાતનો એક કમાન્ડોના હાથ પર એ ચિત્કારી ઉઠ્યો એટલા જોરથી બચકું ભર્યું હતું.

લતિફાએ જણાવ્યું છે કે એક ખાનગી વિમાનમાં પરત લઈ જવામાં આવતાં હતાં ત્યારે તેમને ઘેનની દવા આપવામાં આવી પછી તેઓ બેભાન થઈ ગયાં હતાં અને દુબઈ પહોંચ્યા ત્યાં સુધી એ જ અવસ્થામાં રહ્યાં હતાં.

line
ટીના ઝોહેનેન

લતિફાએ જણાવ્યું છે કે તેમને પોલીસના પહેરા હેઠળ બારીવાળી એક વિલામાં એકલાં રાખવામાં આવ્યાં છે, જેના દરવાજા બંધ રાખવામાં આવે છે. તેમના માટે તબીબી કે કાયદાકીય મદદની કોઈ વ્યવસ્થા નથી.

લતિફાને ઝબ્બે કરીને અટકાયતમાં રાખવાની વિગતનો ઘટસ્ફોટ તેમનાં ગાઢ સખી ટીના જૌહીઐનન, મામાના દીકરા માર્કસ ઈસ્સાબ્રી અને ડૅવિડ હાઈઘે બીબીસીના પૅનોરમા કાર્યક્રમમાં કર્યો હતો. આ ત્રણેય લતિફાની મુક્તિની ઝૂંબેશ ચલાવી રહ્યાં છે.

ત્રણેયે જણાવ્યું હતું કે લતિફાની સલામતીની ચિંતાને કારણે તેમણે આ સંદેશાઓ જાહેર કરવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે.

દુબઈસ્થિત વિલામાં અટકાયતમાં રાખવામાં આવેલાં લતિફાનો આ લોકો સંપર્ક સાધી શક્યાં હતાં.

લતિફાને જે સ્થળે રાખવામાં આવ્યાં છે તેની વિગતવાર તપાસ પૅનોરમાએ કરી હતી.

શેખ મોહમ્મદે અત્યંત સફળ શહેરનું નિર્માણ કર્યું છે, પણ માનવાધિકાર કર્મશીલો કહે છે કે તેમાં ભિન્નમતને જરા સરખું સ્થાન નથી અને ન્યાયતંત્ર મહિલા સાથે ભેદભાવ કરી શકે છે.

શેખ મોહમ્મદ હોર્સ રેસિંગનો જંગી ઉદ્યમ ધરાવે છે અને તેઓ રોયલ ઍસ્કોટ જેવા મોટા હોર્સ રેસિંગ કાર્યક્રમોમાં વારંવાર હાજરી આપે છે. એ કાર્યક્રમમાં જ તેઓ ક્વીન ઍલિઝાબેથ દ્વિતિય સાથે જોવા મળ્યા હતા.

પ્રિન્સેસ લતિફા અને લતિફાનાં સાવકી માતા રાજકુમારી હયા બિન્ત અલ હુસૈન બાબતે શેખ મોહમ્મદે વ્યાપક ઝાટકણીનો સામનો કરવો પડ્યો છે. રાજકુમારી હયા બિન્ત અલ હુસૈન તેમનાં બે બાળકો સાથે 2019માં દુબઈથી લંડન ભાગી ગયાં હતાં.

line

બોટ મારફત પલાયન

2019માં રૉયલ ઍસ્કૉટમાં મહારાણી એલિઝાબેથ અને શેખ મોહમ્મદ

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, 2019માં મહારાણી ઍલિઝાબેથ શેખ મોહમ્મ્દ સાથે ( જમણેથી બીજા) એ હોર્સ રેસિંગ ઇવૅન્ટમાં

લતિફા હાલ 35 વર્ષનાં છે. 16 વર્ષની વયે તેમણે નાસી છૂટવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો. ફ્રેન્ચ બિઝનેસમેન હેર્વે જૌબેર્ટના સંપર્ક બાદ નાસી છૂટવાની યોજનાનો તેમણે 2011માં અમલ કર્યો હતો. લતિફાના બ્રાઝિલિયન માર્શલ આર્ટ ઈન્સ્ટ્રક્ટર ટીના જૌહીઐનનની મદદ વડે એ કામ કરવામાં આવ્યું હતું.

2018ની 24 ફેબ્રુઆરીએ લતિફા અને ટીના જૌહીઐનન એક ઈન્ફ્લેટેબલ બોટમાં જાતે હલેસાં મારીને આંતરરાષ્ટ્રીય જળપ્રદેશમાં પહોંચ્યા હતા, જ્યાં હેવ જૌબેર્ટ અમેરિકન રાષ્ટ્રધ્વજવાળી યોટમાં તેમની રાહ જોઈ રહ્યા હતા.

જોકે, એ ઘટનાના આઠ દિવસ પછી ભારત નજીક કમાન્ડો એ બોટમાં ચડી આવ્યા હતા. ટીના જૌહીઐનનના જણાવ્યા મુજબ, તેઓ લતિફાની સાથે ડૅક હેઠળના બાથરૂમમાં છૂપાયેલા હતા, પણ સ્મોક ગ્રેનેડ્ઝને કારણે તેમણે બહાર આવવું પડ્યું હતું.

લતિફાને ત્યાંથી દુબઈ પાછા લઈ જવામાં આવ્યાં હતાં અને એ પછીથી અત્યાર સુધી તેમના કોઈ સમાચાર મળ્યા નથી.

ટીના જૌહીઐનન અને બોટની ચાલક ટુકડીના સભ્યોને દુબઈમાં બે સપ્તાહમાં અટકાયતમાં રખાયા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોતાની ભૂમિકા બાબતે ભારત સરકારે ક્યારેય કોઈ કૉમેન્ટ કરી નથી.

2018માં નાસી છૂટવાના પ્રયાસ બાદ લતિફાએ વધુ એક વીડિયો રૅકૉર્ડ કર્યો હતો. લતિફાને પકડી પાડવામાં આવ્યાં પછી એ વીડિયો યૂટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. લતિફાએ કહ્યું હતું, "તમે આ વીડિયો જોઈ રહ્યા હશો, પણ આ સારી વાત નથી. કાં તો મારું મોત થયું હશે અથવા હું અત્યંત ખરાબ પરિસ્થિતિમાં હોઈશ."

આ વીડિયોને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક ચિંતા પ્રસરી હતી અને લતિફાની મુક્તિની હાકલ કરવામાં આવી હતી. લતિફા બાબતે યુએઈ જોરદાર દબાણ હેઠળ આવી ગયું હતું અને મેરી રોબિન્સન સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

line

એ બેઠકમાં શું થયું હતું?

પ્રિન્સેસ લતીફાનો 2018નો વીડિયો

ઇમેજ સ્રોત, Princess Latifa

ઇમેજ કૅપ્શન, 2018 માં રાજકુમારી લતીફાનું વીડિયો રેકર્ડિંગ, નાસી છૂટવાના તેમના નિષ્ફળ પ્રયાસ પછઈ આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો

પ્રિન્સેસ હયાની વિનંતીને પગલે ડીસેમ્બર-2018માં તેઓ લન્ચ માટે દુબઈ એક પહોંચ્યાં હતાં. એ લન્ચમાં લતિફા પણ હાજર હતાં.

મૅરી રૉબિન્સને પેનોરમાને જણાવ્યું હતું કે લતિફા દ્વિમુખી વ્યક્તિત્વની તકલીફથી પીડાતાં હોવાનું તેમને અને પ્રિન્સેસ હયાને અગાઉ કહેવામાં આવ્યું હતું, પણ લતિફાને આવી કોઈ તકલીફ નથી.

મેરીએ જણાવ્યું હતું કે મેં લતિફાને તેમની હાલત વિશે કશું પૂછ્યું ન હતું, કારણ કે હું તેમની "પીડા વધારવા" ઈચ્છતી ન હતી.

એ લન્ચના નવ દિવસ બાદ યુએઈના વિદેશ મંત્રાલયે મૅરી રૉબિન્સનનો લતિફા સાથેનો ફોટોગ્રાફ પ્રકાશિત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ ફોટોગ્રાફ લતિફા સલામત હોવાનો પૂરાવો છે.

મેરી રૉબિન્સને કહ્યું હતું, "ફોટોગ્રાફ જાહેર કરાયો તેમાં મારી સાથે છેતરપીંડી થઈ હતી. એ સંપૂર્ણપણે આશ્ચર્યજનક હતું...હું દિગ્મૂઢ થઈ ગઈ હતી."

line
પ્રિન્સેસ હાયા અને બૅરોનેસ ફિયોના શૅકલટન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફેબ્રુઆરી 2020માં પ્રિન્સેસ હાયા (ડાબે) તેમનાં વકીલ બૅરોનેસ ફિયોના શૅકલટન હાઈકોર્ટમાં

2019માં શેખનાં એક પત્ની પ્રિન્સેસ હયા તેમના બે બાળકો સાથે બ્રિટન નાસી છૂટ્યાં અને તેમણે શેખ સામે સલામતી તેમજ સતામણીના આદેશની માગણી એ પછી દુબઈના શાસક પરિવારમાંની તંગદિલી ઇંગ્લૅન્ડની હાઈકોર્ટ સમક્ષ ઉઘાડી પડી ગઈ હતી.

હાઈકોર્ટે ગયા વર્ષે શ્રેણીબદ્ધ સત્યશોધક ચૂકાદા આપ્યા હતા. તેમાં જણાવવામાં આવ્યું હતું કે શેખ મોહમ્મદે લતિફાને 2002 તથા 2018માં પરત લાવવાના આદેશ આપ્યા હતા અને તેનો અમલ કરાવ્યો હતો. લતિફાનાં મોટીબહેન શમ્સાએ પણ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

શેખ મોહમ્મદે વર્ષ 2000માં શમ્સાનું ગેરકાયદે અપહરણ પણ કરાવ્યું હતું.

કોર્ટે જણાવ્યું હતું કે "લતિફા અને શમ્સાને સ્વાતંત્ર્યથી વંચિત રાખવાની નીતિનો અમલ" શેખ મોહમ્મદે ચાલુ રાખ્યો છે.

કોર્ટે આ કેસમાં ગયા માર્ચમાં શેખ મોહમ્મદની વિરુદ્ધમાં અને પ્રિન્સેસ હયાની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. કોર્ટે શેખ મોહમ્મદને "અપ્રમાણિક" ગણાવ્યા હતા. આ ચૂકાદાથી રાહત મળશે એવી લતિફાના મિત્રોને આશા હતી.

હાલ વીડિયો મૅસેજો જાહેર કરવાના નિર્ણય બાબતે ટીના જૌહીઐનને એટલું જ કહ્યુ હતું કે લતિફા સાથેનો સંપર્ક તૂટી ગયાને લાંબો સમય થઈ ગયો છે.

વીડિયો મેસેજ હાલ બહાર પાડવા બાબતે પોતે ઉંડી વિચારણા કરી હોવાનું જણાવતાં ટીના જૌહીઐનને કહ્યું હતું, "અમે લતિફા માટે અટક્યા વિના લડતાં રહીએ એવું તેઓ ઈચ્છતા હશે."

ફૂટર
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો