PUBG : ચાંગ બ્યુંગ-ગ્યુ, એ સૈનિક જેને મોબાઇલ ગેમે અબજપતિ બનાવી દીધા

ઇમેજ સ્રોત, Facebook/Byubg Gyu Chang
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હીથી
કોઈ મોબાઇલ ગેમ કોઈ વ્યક્તિને અબજપતિ બનાવી શકે?
દુનિયાની સૌથી લોકપ્રિય મોબાઇલ ગેમમાં સામેલ પબજી જે ભારતમાં પ્રતિબંધ લદાયા પછી નવા અવતારમાં આવવાની તૈયારીમાં છે, તેને લૉન્ચ કરનાર વ્યક્તિ માટે આ શક્ય બન્યું છે.
પબજી પાછળ રહેલ માણસ માત્ર અબજપતિ બન્યા છે એટલું જ નહીં, તેમની ગણના દેશની ટોચની 50 અમીર વ્યક્તિમાં થાય છે.
વર્ષ 2019માં ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી પ્રમાણે દક્ષિણ કોરિયાની 50 સૌથી ધનિક વ્યક્તિઓમાં જ્યારે ચાંગ બ્યુંગ-ગ્યુનું નામ આવ્યું, ત્યારે ઘણા લોકોને નવાઈ લાગી.
ચાંગ બ્યુંગ-ગ્યુ બ્લૂહોલ કંપનીના માલિક છે, જે હાલ ક્રાફ્ટન તરીકે ઓળખાય છે. તેમની કંપની ઑનલાઇન ગેમ્સ બનાવે છે.

દસ વર્ષ સુધી સફળતા માટે સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
2007માં ચાંગ બ્યુંગ-ગ્યુએ બ્લૂ હૉલની સ્થાપના કરી હતી, પણ 2017 સુધી તેમને જોઈતી સફળતા નહોતી મળી.
જોકે વર્ષ 2017થી 2019 વચ્ચે કંઈક એવું થયું કે ચાંગ બ્યુંગ-ગ્યુ દક્ષિણ કોરિયાના સૌથી ધનિક 50 લોકોમાં સામેલ થઈ ગયા.
PUBG ગેમ જે દુનિયાની સૌથી લોકપ્રિય ગેમ મનાય છે, તેના કારણે આ બે વર્ષમાં ચાંગ બ્યુંગ-ગ્યુનું નસીબ પલટાઈ ગયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
PUBG ગેમની લોકપ્રિયતાનું પ્રમાણ 2017માં તેણે સર્જેલો વિશ્વવિક્રમ છે, માત્ર 79 દિવસમાં આ ગેમના પ્રી-રિલીઝ વેચાણથી 100 મિલિયન ડૉલરની આવક થઈ હતી.
ભારતમાં પ્રતિબંધિત લદાયા બાદ હવે PUBG નવા ભારતીય અવતારમાં બૅટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાના નામથી ટૂંક સમયમાં લૉન્ચ થવા જઈ રહી છે.

PUBGથી સાત હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કરવાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2021 માં ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી દક્ષિણ કોરિયાના 50 સૌથી ધનિક લોકોની યાદીમાં ચાંગ બ્યુંગ-ગ્યુ 48મા ક્રમે છે અને તેમની સંપત્તિ 990 મિલિયન ડૉલર એટલે 7,345 કરોડ રૂપિયા કરતાં વધારે છે.
ક્રાફ્ટન અને PUBGની પ્રગતિની સાથે-સાથે ચાંગ બ્યુંગ-ગ્યુની સંપત્તિમાં વધારો થવો નિશ્ચિત હતો.
તેમની કંપની આવતા મહિને આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે અને ત્યાર બાદ તેઓ કોરિયાના ટોચના 10 ધનિકોમાં પણ સામેલ થઈ શકે છે.
ચાંગ બ્યુંગ-ગ્યુએ કોરિયા ઍડ્વાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીમાંથી સ્નાતક, અનુસ્નાતક અને પીએચડીની ડિગ્રી મેળવી છે.
1997માં તેમણે ઑનલાઇન ચૅટ કૉમ્યુનિટી બનાવી હતી, જે યુવાનોમાં લોકપ્રિય થઈ હતી. જે બાદ તેઓ દક્ષિણ કોરિયાની સેનામાં સામેલ થઈ ગયા હતા.
2005માં તેમણે ફર્સ્ટ સ્નો નામનું એક સર્ચ ઍન્જિન બનાવ્યું, જે દક્ષિણ કોરિયાની સૌથી મોટી સર્ચ કંપની ‘નેવર’ને વેચી દેવામાં આવ્યું હતું.
તેમણે આ સોદાથી આવેલી રકમની મદદથી વેન્ચર કૅપિટલ નામની ફર્મ ખોલી અને 2007માં તેમણે ગેમ બનાવતી કંપની બ્લૂહોલની સ્થાપના કરી.
2011માં કંપનીએ ટેરા નામની ઑનલાઇન ગેમ લૉન્ચ કરી, પણ તેને સફળતા ન મળી.
2016 સુધીમાં કંપનીને વધારે સફળતા ન મળી, પણ 2017માં બ્લૂહોલે PUBG લૉન્ચ કરી અને ટૂંક સમયમાં તે વિશ્વની લોકપ્રિય ગેમ બની ગઈ. ક્રાફ્ટન કંપનીના નફાનો 94 ટકા ભાગ PUBGને આભારી છે.

ક્રાફ્ટન કંપનીનું દાખલારૂપ મૉડલ
એ પછી ચાંગ બ્યુંગ-ગ્યુની કિસ્મત એવી ચમકી કે દક્ષિણ કોરિયામાં તેઓ અને તેમની કંપની દાખલારૂપ બની ગયાં છે. તેમની કંપની ક્રાફ્ટન દક્ષિણ કોરિયાનો સૌથી મોટો IPO (ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ) લાવવાની તૈયારી કરી રહી છે.
આ આઈપીઓ દ્વારા કંપની 4.9 બિલિયન ડૉલર એટલે કે 36 હજાર કરોડ રૂપિયાથી વધારે મૂડી ઊભી કરવા માગે છે.
આઈપીઓ બાદ ચાંગ બ્યુંગ-ગ્યુની સંપત્તિમાં જંગી વધારો થવાની સંભાવના છે, કેમ કે તેઓ આ કંપનીમાં 16 ટકા શેર ધરાવે છે.
અહેવાલ અનુસાર આઈપીઓ બાદ ચાંગ બ્યાંગ-ગ્યુની સંપત્તિ 336 મિલિયન ડૉલર થઈ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

એક વર્ષમાં તૈયાર થઈ PUBG ગેમ
PUBG ગેમનો આઇડિયા ક્રાફ્ટનના હાલના સીઈઓ (ચીફ ઍક્ઝિક્યુટીવ ઑફિસર) કિમ ચાંગ હાનનો હતો, લોકોને આ ગેમ જેટલી રસપ્રદ લાગે છે તેટલી જ રસપ્રદ બ્લૂહોલ કંપની સાથે કિમના જોડાવવાની કહાણી પણ છે.
2015માં ચાંગ બ્યુંગ-ગ્યુએ કેટલાક ગેમ સ્ટુડિયો ખરીદી લીધા હતા, જેમાં કિમ ચાંગ હાનનો સ્ટુડિયો પણ હતો. કિમ બાદમાં ક્રાફ્ટન સાથે જોડાઈ ગયા.
તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે PUBGની મંજૂરી માટે ત્રણ મહિના સુધી રાહ જોવી પડી હતી. આ ગેમ સફળ થશે કે કેમ તે વિશે ચાંગ બ્યુંગ-ગ્યુને શંકા હતી, ગેમનો પ્લૉટ એકદમ અલગ હોવાથી ચાંગને વિશ્વાસ નહોતો.
થોડા સમય બાદ ચાંગ બ્યુંગ-ગ્યુ રાજી થઈ ગયા અને ગેમના ગ્રાફિક્સ બનાવવા માટે આયર્લૅન્ડના બ્રૅન્ડન ગ્રીનની નિમણૂક કરી.
બ્રેન્ડન બ્લૂહોલમાં ક્રિઍટીવ ડિરેક્ટર તરીકે જોડાયા, એક વર્ષની અંદર કિમ, બ્રૅન્ડન અને તેમની ટીમે PUBG ગેમ તૈયાર કરી દીધી હતી.

ઇમેજ સ્રોત, TAUSEEF MUSTAFA

ચાર વર્ષમાં એક બિલિયન ડાઉનલોડ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગેમની સફળતાની વાત કરીએ તો ચાર વર્ષની અંદર PUBG એક અબજ વખત ડાઉનલોડ કરવામાં આવી છે, આમાં ચીનના આંકડાનો સામવેશ થતો નથી.
PUBGની 75 મિલિયન કૉપી વેચાઈ ગઈ છે અને હજુ પણ વેચાઈ રહી છે. 150 દેશો એવા છે, જ્યાં PUBG સૌથી વધુ ડાઉનલોડ થયેલી ગેમ છે.
2018માં એક ઇન્ટરવ્યૂમાં ચાંગ બ્યુંગ-ગ્યુએ જણાવ્યું કે તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે આ ગેમ આટલી સફળ રહેશે.
તેઓ ગેમની ચાર લાખ નકલ વેચવાની ગણતરી રાખતા હતા, જેથી ગેમ બનાવવા માટે જે ખર્ચ થયો છે તે નીકળી જાય, પરંતુ ધાર્યા કરતાં ઘણી વધારે સફળતા મળી છે.
ધ ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ મુજબ ચાંગ બ્યુંગ-ગ્યુ ક્રાફ્ટનના સૌથી મોટા શૅરહોલ્ડર છે, તેમની પાસે કંપનીના 16.4 ટકા શૅર છે.
ટેન્સેન્ટ પાસે 15.5 ટકા શૅર છે, નાના શૅરહોલ્ડરો કંપનીમાં 23.2 ટકા શૅર ધરાવે છે.

2018નું વર્ષ અને ચાંગ બ્યુંગ-ગ્યુ માટે જૅકપૉટ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
2018માં ચાંગ બ્યુંગ-ગ્યુએ અણધારી સફળતા પ્રાપ્ત કરી, તેમની કંપનીને લાંબા સમય બાદ 220 મિલિયન ડૉલરનો નફો થયો હતો.
આ પહેલાંના વર્ષે એટલે કે 2017માં કંપનીને 820 મિલિયન ડૉલરનું નુકસાન થયું હતું.
પણ એક વર્ષમાં જ કંપનીનું ટર્નઓવર વધીને 1 બિલિયન ડૉલર થઈ ગયું, જેની બહુ લોકોને અપેક્ષા પણ નહોતી.
કંપનીની સફળતા જોઈને ચીનની વિખ્યાત ટેન્સેન્ટે ક્રાફ્ટન કંપનીના 10 ટકા શૅર 550 મિલિયન ડૉલરમાં ખરીદી લીધા હતા, જે બાદ કંપનીએ ફરીથી ક્રાફ્ટનમાં રોકાણ કર્યું હતું.
જોકે ચીનની કંપની સાથે જોડાણને પગલે ભારત કે જ્યાં પબજીના મબલક ચાહકો હતો, ત્યાં પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
જોકે PUBG ગેમ ભારતમાં બૅટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાના નવા અવતારમાં લૉન્ચ થઈ રહી છે,



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















