સોશિયલ મીડિયામાં નરેન્દ્ર મોદી સરકાર કે રાજકીય નેતાઓ વિશે ટીકા-ટિપ્પણી કરવું મુશ્કેલ બની રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી ગુજરાતી
ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લગભગ 68.7 મિલિયન ફોલોઅર્સ છે અને ફેસબુક પર 46 મિલિયન ફોલોઅર્સ છે. વળી તેમનાં વિવિધ પ્લૅટફૉર્મ પર અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પણ દેશ-વિદેશના કરોડો ફોલોઅર્સ છે. સમગ્ર ભાજપ અને મોદી સરકારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સનું પ્રમાણ જંગી છે.
અત્રે એ નોંધનીય છે કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વિજય મામલે સોશિયલ મીડિયાએ ચાવીરૂપ ભૂમિકા નિભાવી હતી અને વર્તમાન સમયમાં પણ પીએમ મોદીનાં ભાષણો વિવિધ સોશિયલ મીડિયા ચૅનલો અને પ્લૅટફૉર્મ પર સંયુક્તરૂપે પ્રસારિત કરાય છે.
જેનો અર્થ એ થાય છે કે મોદી સરકાર એક લોકશાહીમાં રાજનીતિ મામલે સોશિયલ મીડિયાનું શું મહત્ત્વ છે એ સારી રીતે જાણે છે.
વળી, વાણીસ્વાતંત્ર્ય માટે સોશિયલ મીડિયા એક મહત્ત્વનું સાધન પુરવાર થયું છે. પરંતુ સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહેતી મોદી સરકાર પર ટીકાકારોનો અવાજ દબાવવાના આક્ષેપ લાગી રહ્યા છે.

મોદી સરકારે છબી બનાવવા સોશિયલ મીડિયાની મદદ લીધી

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયા પર મોદી સરકાર કે ભાજપની સરકારની ટીકા કરનારાઓ સામે આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાના કિસ્સા અને આક્ષેપો બંને સપાટી પર આવી રહ્યા છે.
વિપક્ષ પણ ભાજપની સરકાર પર આરોપ લગાવતા કહે છે કે, જે પાર્ટી ખુદ સોશિયલ મીડિયાના દમ પર પોતાની છબી તૈયાર કરે છે, તે જ પાર્ટી અન્યોને સોશિયલ મીડિયા પર પોતાનો અવાજ ઉઠાવવા નથી દેતી.
બીજી તરફ સોશિયલ મીડિયા કંપનીઓને સરકારની ટીકા કરનારી સામગ્રી હઠાવવા આપવામાં આવતી કાયદાકીય નોટિસો અને સોશિયલ મીડિયા પર સરકારની ટીકા અથવા ક્યારેય રમૂજી રીતે માર્મિક કટાક્ષ કરતી પોસ્ટ બદલ યુવકો સામે થતી પોલીસ ફરિયાદની ઘટનાઓ તેની સાક્ષી બની રહી છે.
જોકે મોદી સરકાર સમયેસમયે આ મામલે પોતાના બચાવમાં કહેતી આવી છે કે તે દેશના હિતમાં અને કાયદાકીય આધારો સાથે જ નીતિ બનાવે છે અને આ મામલે નિર્ણયો લઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં એવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે જેમાં યુવકોએ જો કોઈ નેતા અથવા સરકાર વિશે રમૂજી ટિપ્પણી કે ટીકાયુક્ત ટિપ્પણી કરી હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી હોય.
તાજેતરમાં અને ભૂતકાળમાં પણ ગુજરાતમાં સુરત, વડોદરા, ભરૂચમાં તથા ઉત્તર પ્રદેશમાં આવા કિસ્સા જોવા મળ્યા હતા
મોટાભાગના કિસ્સાઓમાં યુવકો સામે આઈટી ઍક્ટ સહિતના ગુનાઓ દાખલ કરવામાં આવે છે. જેમની સામે આ રીતે કાર્યવાહી થઈ છે એમાં કેટલાક લેખકો અને પત્રકારો પણ સામેલ છે. તો વળી કેટલાક માત્ર નાગરિક હતા.

સરકારવિરોધીઓનો અવાજ દબાવવાની કોશિશ કરે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આથી એક સવાલ ઊભો થયો છે કે શું સરકાર હવે તેના વિરોધીઓની સાથોસાથ ટીકાકારો સામે પણ આક્રમક વલણ દાખવી રહી છે?
તાજેતરમાં વડોદરાના યુવકે મુખ્ય મંત્રી વિજય રૂપાણીનો કથિત રમૂજી વીડિયો બનાવ્યો હતો તે મામલે તેની સામે કાર્યવાહી થઈ હતી. યુવક સામે થયેલી આવી કડક કાર્યવાહીની સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ હતી.
જેમાં એવું પણ કહેવાયું કે વડા પ્રધાન ખુદ સોશિયલ મીડિયા પર મિમ્સ પસંદ કરે છે, તો પછી સાધારણ રમજૂ બદલ યુવક સામે આવી કાર્યવાહી કેમ કરવામાં આવી.
દરમિયાન રાજકીય બાબતોના જાણકારોનું એવું પણ કહેવું હોય છે આ પ્રકારના કિસ્સાઓમાં મોટાભાગની જે ફરિયાદો થતી હોય છે તે રાજકીય રીતે પ્રેરિત હોય છે.
સુરતમાં એક યુવકે ભાજપના નેતા સામે કથિત રીતે ટીકાયુક્ત ટિપ્પણી કરતા તેની સામે કાર્યવાહી થઈ હતી. જેમાં નેતા તરફથી એવી ફરિયાદ થઈ હતી કે ટિપ્પણી વાંધાજનક છે. જેને લઈને યુવકને કથિતરૂપે નવ કલાક લૉકઅપમાં કાઢવા પડ્યા હતા.

2014 પછી ટ્ર્રૅન્ડ બદલાયો?
આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા નિષ્ણાત અને પૉલ સ્ટ્રેટજિસ્ટ પાર્થેશ પટેલનું કહેવું છે કે વિરોધમાં ઉઠતો અવાજ દબાવવા માટે સરકારની આક્રમકતામાં વધારો જોવા મળી રહ્યો છે એ સાચી વાત છે.
પાર્થેશ પટેલ ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા સાથે હાલ જોડાયેલા છે. તેઓ તેમના સોશિયલ મીડિયાના અભિયાનનું પણ સંચાલન કરે છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "વર્ષ 2014 પછી ટ્રૅન્ડ બદલાયો છે. અને તાજેતરમાં ટીકાકારો સામે કડક વલણ તથા કાર્યવાહનો સિલસિલો વધ્યો હોય એવું લાગે છે."
"મે ભાજપની સોશિયલ મીડિયા ટીમમાં પણ કામ કર્યું છે. મારું મારા જૂના સાથીઓને પણ એ જ કહેવું હોય છે કે રાજનીતિની ગરિમા જાળવી રાખવી. એકદમ ઊતરતી કક્ષાનું રાજકારણ ન કરવું જોઈએ. ભાજપે સોશિયલ મીડિયાની મદદથી છબી બનાવી હતી. તેમની ટીમ ખૂબ જ સક્રિય હોય છે."
"પરંતુ હવે બન્યું એવું છે કે કોરોનાકાળમાં તેમના સમર્થકોએ પણ સ્વજન ગુમાવ્યા છે. એટલે પહેલાં એવું હતું કે તમે જો મોદી કે સરકાર વિરુદ્ધ કંઈ લખો તો આ સમર્થકો તમારી પાછળ પડી જતા અને બચાવમાં ઊતરી આવતા."
"પણ હવે તેઓ ખુદ સમજી રહ્યા છે કે દેશમાં શું ચાલી રહ્યું છે. આથી જો કોઈ રમૂજ કરે અથવા ટીકા કરે તો રાજકીય નેતાનો બચાવ કરવા પહેલાની જેમ સમર્થકો તૂટી નથી પડતા. જેને પગલે એક સમયે રાજકીય નેતા કે સરકાર કંટાળી જાય છે અને રોષે પણ ભરાઈ જાય છે."
"ઉપરોક્ત કારણસર રાજકીય નેતા અથવા પાર્ટીના ઇશારે એ પત્રકાર અથવા સોશિયલ મીડિયા યુઝર સામે પોલીસ ફરિયાદ કરી દેવાય છે. વળી ફરિયાદ પણ મોટાભાગે એવી વ્યક્તિ સામે થાય છે જે સાધારણ હોય અને ઓછી જાણીતી હોય."
"આવું કરવાથી તેઓ સંદેશ આપે છે કે સાધારણ માણસ જો પોતાની વાત કહેશે તો તેને પણ જેલમાં જવાનો વારો આવી શકે છે. વળી વિવાદ થતાં વ્યક્તિનો પરિવાર પર તેને આ બધી બાબતોથી ભવિષ્યમાં દૂર રહેવા દબાણ કરે છે."
તેમણે ઉમેર્યું, "અમે એટલા માટે જ જે યુવાનોને આ રીતે પરેશાન કરવામાં આવતા હોય તેમને કાનૂની સહાય માટેની વ્યવસ્થા પણ કરી છે."
"વળી બીજી તરફ ભાજપનો આઈટી સેલ ખુદ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતનાં નેતાઓની રમૂજી તસવીરો શૅર કરે છે. પણ તેમાં તેમની સામે કૉંગ્રેસે ક્યારેય આ રીતે ફરિયાદો નથી કરી. ન કોઈ અન્ય કાર્યવાહી થઈ છે."

#ResignModi અને મોદી સરકાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
દરમિયાન કોરોનાકાળમાં દેશમાં બીજી લહેરમાં જે મોતનું તાંડવ થયું એના સાક્ષી દેશના તમામ નાગરિક છે. એ સમયે ટ્વિટર પર #ResignModi ટ્રૅન્ડ થયું હતું.
પરંતુ પાછળથી જાણવા મળ્યું કે આ હૅશટૅગને સમાવતો કૉન્ટેન્ટ ફેસબુક પર મળી નથી રહ્યો. તે હઠાવી લેવાયો છે.
આ વિશે ફેસબુકે કબૂલાત પણ કરી હતી કે કંપનીએ ભૂલમાં કૉન્ટેન્ટ હઠાવી લીધો હતો.
ઉપરાંત સરકારે ટ્વિટર, ફેસબુક સહિતનાં પ્લૅટફૉર્મને 100થી વધુ પોસ્ટ હઠાવવા પણ નિર્દેશ આપ્યા હતા. સરકારે કહ્યું હતું કે આ પોસ્ટ ખોટી માહિતીઓ ફેલાવી દુષ્પ્રચાર કરનારી છે આથી તેને હઠાવી દેવામાં આવે.
સરકારે ઇન્ફર્મેશન ટેકનૉલૉજી ઍક્ટ 69(A) હેઠળ આ નિર્દેશ આપ્યા હતા. જેમાં સરકારને દેશના સાર્વભૌમત્ત્વ, દેશની અંખડિતતા અને રક્ષા મામલે સંબંધિત સામગ્રી બ્લૉક કરવાની સત્તા છે.
જોકે સરકારના ટીકાકારોનું કહેવું હતું આ પોસ્ટમાં કેટલીક પોસ્ટ સરકારની ટીકા કરનારી હતી આથી તેને હઠાવાઈ હતી.
એટલું જ નહીં પણ સરકારે ટ્વિટરને કેટલાંક એકાઉન્ટની યાદી આપી હતી અને તેને સસ્પેન્ડ કરી દેવા કહ્યું હતું.
તેમાં પણ કેટલાક વિપક્ષનાં નેતા, પત્રકારો, લેખકો અને બુદ્ધિજીવીઓ જેઓ સરકારની નીતિઓ મામલે કડક વલણ ધરાવે છે તેમનાં હૅન્ડલ્સ હોવાનું કહેવાયું હતું.
ફેબ્રુઆરી-2021માં ખેડૂત આંદોલન સમયે પણ આંદોલનને સમર્થન કરનારા કેટલાંક ટ્વિટર હૅન્ડલ અને ફેસબૂક પૅજને સરકારે બંધ કરાવી દીધા હતા.
અત્રે નોંધવું કે મોદી સરકાર પર તેમના ટીકાકારો સામે અસહિષ્ણુ હોવાનો આરોપ પણ લાગતો આવ્યો છે. જેમાં લેખકો સહિતની હસ્તીઓએ તેમના ઍવોર્ડ પણ પરત કર્યાં હતા.
બીજી તરફ ગુજરાતની રુપાણી સરકાર પર પણ વિરોધનો અવાજ ડામી દેવાનો આરોપ લાગતો આવ્યો છે. ખેડૂત આંદોલન કે લોકરક્ષક દળની પરીક્ષા મામલે થયેલા વિવાદની ઘટના હોય, સરકારે અવાજ દબાવવાની કોશિશ કરી હોવાની ફરિયાદો ઊઠતી જ રહી છે.
નર્મદામાં સ્ટૅચ્યૂ ઑફ યુનિટી મામલે ત્યાંના સ્થાનિકો અથવા આદિવાસીઓના વિરોધપ્રદર્શનની વાત હોય કે પછી દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા જવા માગતા ગુજરાતના ખેડૂતોની વાત હોય, તમામ મામલે તેમને પોલીસ પાસેથી ધરણા કે રેલી માટેની પરવાનગીઓ નહીં મળતી હોવાની ઘટનાઓ પણ મીડિયામાં પ્રકાશમાં આવતી જ રહી છે.
જોકે ભાજપ અને તેમની સરકારના આ વલણ મામલે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રવક્તા યમલ વ્યાસનું કહેવું છે કે સરકારે આક્રમકતા નથી દાખવી.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "જ્યાં સુધી પાર્ટીની વાત છે તો અમારો સોશિયલ મીડિયા સેલ સરકારનાં કામકાજ અને પાર્ટીનાં કામકાજનો મુખ્યત્ત્વે પ્રચાર કરે છે. જેથી તેને લોકો સુધી પહોંચાડી શકાય."
"અને મોદી સરકારની ટીકા પણ થાય છે. અને તેને એક ફીડબૅક તરીકે પણ લેવામાં આવે છે. દરેક સરકારની ટીકાઓ થતી જ હોય છે. ઉપરાંત જે વાંધાજનક પોસ્ટ હોય તેની સામે સરકાર કાયદા મુજબ તેની રીતે કાર્યવાહી કરે છે."

સોશિયલ મીડિયા પર ટીકા કરતી વખતે શું ધ્યાનમાં રાખવું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ તમામ બાબતોથી એક સવાલ એ પણ સર્જાય છે કે તો શું સરકારની ટીકા કરી શકાય? સરકારની ટીકા કરતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવા જોઈએ જેથી કોઈ અનિચ્છનિય વિવાદ ટાળી શકાય?
આ મામલે બીબીસીએ કાયદા નિષ્ણાત સાથે પણ વાતચીત કરી. જેમાં અમદાવાદ હાઈકોર્ટના સિનિયર ઍડવોકેટ ઓમ કોટવાલે કહ્યું કે સરકારની ટીકા કોણ પણ વ્યક્તિ કરી શકે છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "બંધારણના આર્ટિકલ 19(1)(A)થી મળેલા અધિકારો હેઠળ દેશનો કોઈ પણ નાગરિક સરકારની કે રાજકીય નેતાની ટીકા કરી શકે છે. પણ તેમાં કેટલીક મર્યાદાઓ પણ આપી છે. આથી સોશિયલ મીડિયામાં પણ ટીકા કરી શકાય છે."
"પરંતુ તેની સાથે કેટલીક જવાબદારીઓ પણ રહેલી છે. તથા ટીકા સત્ય અને તથ્ય આધારિત હોવી જોઈએ. કોઈને જાણીજોઈને બદનામ કરવા, આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરડવા કે નૈતિકતાનાં ધારાધોરણો સાથે સમજૂતી થતી હોય એવા પ્રકારની ટીકા-ટિપ્પણીઓ કોર્ટકેસ નોતરી શકે છે."
તેમણે વધુમાં ઉમેર્યું "સરકાર, રાજકીય નેતા કે અધિકારી સામે ટીકા કરવા મામલે ઇન્ફર્મેશન ટેકનૉલૉજી ઍક્ટ કે સાઇબર લૉ અવરોધરૂપ નથી. સુપ્રીમ કોર્ટે આઈટી એક્ટની કલમ 66A મામલે શ્રેયા સિંઘલના કેસમાં આ મામલે સ્પષ્ટ તારણ આપ્યું હતું."
"જોકે તમારે પૉર્નોગ્રાફી અથવા વાંધાજનક પોસ્ટ જેમાં અશ્વીલતા હોય અથવા મહિલાની શારીરિક બાબતો મામલે કોઈ ટિપ્પણીઓ કરાઈ હોય તેની વાતો સોશિયલ મીડિયા પર ન લખવી જોઈએ કે ન આવી સામગ્રી મૂકવી જોઈએ. આવી સામગ્રી સાથે જો સત્ય આધારિત ટીકા પણ કરી હશે તો પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. તમારી સામે બદનક્ષીનો કેસ થઈ શકે. સિવિલ અથવા ક્રિમિનલ ડિફેમેશન કેસ થઈ શકે છે. ક્રિમિનલ કેસમાં બે વર્ષની જેલ અને 25000 હજારના દંડની જોગવાઈ છે."
"વળી જો વ્યક્તિએ સત્ય અથવા તથ્ય આધારિત ટીકા કરી હોય છતાં તેની સામે કાર્યવાહી કરાય તો તેણે સૌપ્રથમ આગોતરા જામીન માટે અરજી કરી લેવી જોઈએ જેથી તેની અટકાયત ન થઈ શકે અને માનસિક યાતના ન ભોગવવી પડે. તે પછીથી જામીન પણ લઈ શકે છે અને અપીલ પણ કરી શકે છે."
કોરોનાની બીજી લહેરમાં સરકારે જ્યારે સોશિયલ મીડિયા પર ટીકા અને મૃતદેહો કે હૉસ્પિટલોની દયનિય સ્થિતિની તસવીરો તથા માહિતી પોસ્ટ કરાતી હતી તેને પણ હઠાવવા માટે સક્રિયતા દાખવી હતી.
પરંતુ સુપ્રીમ કોર્ટે દરમ્યાનગીરી કરી કહ્યું હતું કે સરકાર સોશિયલ મીડિયા પર મદદ માગતી વ્યક્તિઓ અને સ્થિતિ દર્શાવતી પોસ્ટને સેન્સર ન કરી શકે.
એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક કેસની સુનાવણીમાં એવું પણ અવલોકન નોંધ્યું હતું કે રાજદ્રોહ મામલેના નિયમને ખાસ કરીને મીડિયાની આઝાદી સંબંધે ફરીથી સમીક્ષા કરવાની જરૂર છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












