સુરત : ભાજપ આઈટી સેલના સભ્યને કોરોના મામલે પક્ષની નીતિની ટીકા કરવા બદલ જેલ થઈ?

ઇમેજ સ્રોત, NITESH VANANI@FB
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત ભાજપનો ગઢ છે અને દક્ષિણ ગુજરાતનું સુરત તેની રાજનીતિનું મજબૂત મંચ રહ્યું છે. પરંતુ તાજેતરમાં સુરતમાં નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થક એવા ભાજપના આઈટી સેલના એક સભ્યને ભાજપની કોવિડ મામલે કામગીરીની કથિત ટીકા કરવા બદલ અને સોશિયલ મીડિયા સંબંધિત અન્ય કથિત કૃત્ય બદલ જેલમાં જવાની નોબત આવી હતી.
ઉત્તર પ્રદેશ હોય કે પશ્ચિમ બંગાળ કે ગુજરાત, સોશિયલ મીડિયામાં કોવિડની બીજી લહેરમાં મોદી સરકારની કામગીરી મામલે ભાજપના જ કાર્યકરો રોષ ઠાલવતા હોય એવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
એક સમયે મોદી અને ભાજપના કટ્ટર સમર્થક રહેલા લોકો ભાજપ સામે કેમ બાંયો ચઢાવી રહ્યા છે એ મહત્ત્વનો સવાલ છે.
સુરત શહેરની વાત કરીએ તો ભાજપના આઈટી સેલમાં કામ કરતા અને ભાજપ માટે છેલ્લાં દસથી વધુ વર્ષોથી જોડાયેલા નિતેશ વાનાણીએ સોશિયલ મીડિયામાં ભાજપની નીતિઓ સામે કથિત ટીકાયુક્ત ટિપ્પણીઓ કરવા બદલ જેલમાં જવાનો વારો આવ્યો હતો.
તેમને સ્થાનિક કોર્ટમાંથી જામીન મળ્યા છે પરંતુ 3 દિવસ પોલીસ કસ્ટડીમાં રહેવું પડ્યું હતું.

શું છે મામલો?

ઇમેજ સ્રોત, NITESH VANANI@FB
નિતેશ વાનાણીએ સોશિયલ મીડિયામાં કોરોના વાઇરસ મામલે સ્થાનિક વહીવટી તંત્ર અને નેતાગીરી મામલે કથિત ટીકાયુક્ત ટિપ્પણીઓ કરી હતી.
તેમની સામે દાખલ થયેલી ફરિયાદ અનુસાર તેમણે સોશિયલ મીડિયામાં એક ટિપ્પણી એવી કરી હતી કે, 'સુરતના મુસ્લિમ વિસ્તારમાં માસ્ક મુદ્દે દંડ ઉઘરાવાવમાં કૂણું વલણ અપનાવવામાં આવે છે, જ્યારે હિંદુ વિસ્તારોમાં કડક વલણ અપનાવવામાં આવે છે.'
આ નીતિ બદલ તેમણે આડકતરી રીતે સ્થાનિક નેતાગીરી પર સવાલ ઉઠાવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે અન્ય વ્યક્તિએ તેમની વિરુદ્ધ બે સમુદાયોમાં વૈમનસ્ય ફેલાવવા અને ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી શાંતિ ડહોળવાની કોશિશ કરવાનો આરોપ લગાવી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી.
જેને પગલે સુરતના સાયબર ક્રાઇમ વિભાગે (સુરત ગ્રામ્ય પોલીસે) તેમની ધરપકડ કરી હતી.
ગત શુક્રવારે બપોરે તેમની અટકાયત કરાઈ હતી અને પછી તેમના બે દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જેથી તેઓ સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યા હતા.
બીજી તરફ ભાજપ માટે વર્ષો સુધી સેવા આપનાર વ્યક્તિ સાથે આવી ઘટના બનતા તેમના વર્તુળના કેટલાક ભાજપી સભ્યોએ પણ વિરોધ નોંધાવી રાજીનામા આપ્યાં હોવાની વાત છે.
તદુપરાંત એવી પણ ચર્ચા છે કે નિતેશ વાનાણીને સબક શિખવાડવા માટે આ રીતે પક્ષના જ કોઈ નેતાના ઇશારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કોણ છે નિતેશ વાનાણી?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ સમગ્ર બાબતની સોશિયલ મીડિયામાં પણ ચર્ચા જાગી છે. કારણ કે જેની ધરપકડ થઈ તે વ્યક્તિ ભાજપના આઈટી સેલની સભ્ય છે.
નિતેશ વાનાણીના મિત્ર મુકેશ ગુજરાતી અનુસાર નિતેશ મૂળ ભાવનગરના વતની છે અને છેલ્લાં ઘણાં વર્ષોથી સુરતમાં જ રહે છે.
તેઓ મુખ્યત્ત્વે રિયલ એસ્ટેટ સંબંધિત જમીનદલાલીનું કામકાજ કરે છે. અને પરિવારમાં તેમને પત્ની, બે સંતાનો છે.
તેમના ભાજપ સાથેના જોડાણ વિશે વધુ જણાવતા મુકેશ ગુજરાતીએ બીબીસીને કહ્યું, "નિતેશ વાનાણી છેલ્લાં 10થી વધું વર્ષોથી ભાજપ માટે કામ કરે છે. તેમણે સૌરાષ્ટ્રમાં પણ કાર્યકર્તાઓને જોડવાનું કામ કર્યું હતું. તેઓ કટ્ટર મોદી સમર્થક છે. ભાજપ માટે તેમણે ગ્રાઉન્ડ સ્તરે ઘણું કામ કર્યું છે."
"પરંતુ તેમણે સોશિયલ મીડિયામાં ટીકાયુક્ત ટિપ્પણીઓ કરતા તેમની ધરપકડ કરાઈ. જોકે તેના વિરોધમાં ઘણાએ રાજીનામાં આપ્યાં છે. શહેર પ્રમુખની કામગીરી મામલે સવાલ સર્જાય એવી કથિત ટિપ્પણીઓ તેમણે સોશિયલ મીડિયા પર કરી હતી."
"તેઓ સોશિયલ મીડિયા પર મોદીના સમર્થનમાં લખતા પણ આવ્યા છે. પરંતુ એકાએક આવું કેમ થયું એ એક સવાલ છે. તેમણે માસ્કના દંડની નીતિ મુદ્દે પણ એક ટિપ્પણી કરી હતી."
તેમણે વધુમાં ઉમેર્યું,"નિતેશનાં માતાપિતા થોડા દિવસો પહેલા જ કોરોનામાંથી રિકવર થયાં છે. તેઓ નિતેશ સાથે જ હતાં પરંતુ કેટલાક દિવસો પહેલાં વતન પરત ગયાં છે. જોકે તેમનાં માતાને નિતેશની ધકપકડના સમાચાર નહોતા આપવામાં આવ્યા કેમ કે તેમને ડાયાબિટિશ હોવાથી તેમની તબિયત વધારે ખરાબ થઈ શકે એવું જોખમ હતું. પરંતુ તેમના પિતાને આ વાતની જાણ કરાઈ હતી. જેઓ આ વાત જાણીને ચિંતામાં સરી પડ્યા હતા."
દરમિયાન નિતેશના મોટા ભાઈ મોહન વાનાણી સાથે પણ બીબીસીએ વાતચીત કરી.
તેમણે જણાવ્યું,"શુક્રવાર બપોર પછી મારા ભાઈની અટકાયત થઈ અને રાત્રે 12 વાગ્યાની આસપાસ તેમનાં પત્નીને ફોન આવ્યો કે તેમની ધરપકડ કરવામાં આવે છે."
"કોરોના વાઇરસની મહામારી ચાલી રહી હોવાથી આવા સમયે ધરપકડના સમાચારથી પત્ની, પરિવાર ચિંતામાં આવી ગયાં હતાં. બીજા દિવસે મૅજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાયા અને બે દિવસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા. મંગળવારે જામીન પ્રક્રિયા હાથ ધરવામાં આવી."
તેમણે ઉમેર્યું,"મારો ભાઈ ભાજપ સાથે જોડાયેલો છે અને કામગીરી કરે છે તે મને ખ્યાલ છે. પરંતુ સોશિયલ મીડિયા મામલેનો વિવાદ અંગે મને હજુ ખ્યાલ નથી. પરંતુ તેની વાતો કોઈકને પસંદ નથી આવી એટલે આવું થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે."

'પરિવારને કોઈ ખાસ મદદ ન કરાઈ'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે બીજી તરફ પોલીસ ફરિયાદી અને ફરિયાદ અનુસાર નિતેશ વાનાણી પર સોશિયલ મીડિયામાં બનાવટી એકાઉન્ટ બનાવી અશ્લીલ, ગેરમાર્ગેદોરનારી અને વૈમનસ્ય ફેલાવતી સામગ્રી અપલૉડ/પોસ્ટ કરવાનો આરોપ છે.
તેમની સામે આઈપીસીની વિવિધ કલમો અને ઇન્ફર્મેશન ટૅકનૉલૉજીની કલમ 66-D, 67 પણ લગાવવામાં આવી છે.
જોકે આ સમગ્ર મામલે પક્ષ તરફથી પરિવારને કોઈ ખાસ મદદ નહીં મળી હોવાનું પણ પરિવાર અને મિત્ર વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે.
તમામ કાનૂની લડાઈ અને સહાયની પરિવારે ખુદ વ્યવસ્થા કરી હોવાનું પરિવારનું કહેવું છે.
જોકે તેમણે એમ પણ ઉમેર્યું કે નિતેશના સમર્થનમાં કેટલાક સાથી કાર્યકરો હાજર રહ્યા હતા. પરંતુ કોઈ પદાધિકારીએ ખાસ હાજરી નહોતી આપી.
આ સમગ્ર મામલે બીબીસીએ સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.
તેમણે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમની જાણમાં એ બાબત આવી છે કે કેટલાક કાર્યકરો અને નેતાઓમાં રોષ છે. પરંતુ રાજીનામાં કોઈએ આપ્યાં નથી.
વળી નિતેશ વાનાણીના વકીલ ઝમીર શેખે બીબીસી સાથેની વાતચીતમાં પુષ્ટિ કરતા જણાવ્યું કે તેમના અસીલ વાનાણીને 15 હજાર રૂપિયાના બૉન્ડ સાથે જામીન મળી ગયા છે.
તેમણે બીબીસીને જણાવ્યું, "મિતેશ વાનાણીને જામીન મળી ગયા છે. પોલીસે વધુ રિમાન્ડ માગ્યા હતા પરંતુ મૅજિસ્ટ્રેટે નામંજૂર કર્યા અને જામીન અરજી મંજૂર કરી દીધી છે."

ગુજરાતમાં વધી રહેલી ઘટનાઓ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
જોકે ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાજકારણી અથવા સરકારની ટીકા કરનારી વ્યક્તિઓ પર આ રીતે કાયદાકીય કાર્યવાહીઓનો સિલસિલો ધીમેધીમે વધી રહ્યો છે.
ખાસ કરીને કોરોના વાઇરસના સમયે જ્યારે લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યો છે, તેવી સ્થિતિમાં તેમનો રોષ સપાટીએ આવી રહ્યો છે. તેમાં ભાજપના કાર્યકર્તાઓ પણ સામેલ હોવાનું જણાઈ રહ્યું છે.
તાજેતરમાં જ સીએમ વિજય રૂપાણીનો રમૂજી વીડિયો બનાવનાર વડોદરાના એક યુવક સામે પણ કાર્યવાહી થઈ હતી.
તો સુરતના જ એક સ્થાનિક સ્વતંત્ર પત્રકાર વંદન ભાદાણી સામે એક નહીં પણ ત્રણત્રણ વખત આ પ્રકારની કાર્યવાહીઓ કરાઈ હતી.
તેમણે સોશિયલ મીડિયા પર રાજકીય નેતાઓ વિરુદ્ધ કથિતરૂપે ટીકાયુક્ત શબ્દોથી ટિપ્પણીઓ કરી હોવાથી તેમની ત્રણ વખત અટકાયત કરાઈ હતી.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "મને 9 કલાક લૉકઅપમાં રાખવામાં આવ્યો હતો કેમ કે મેં સોશિયલ મીડિયા પર સુરતના રાજકારણીઓની ટીકા કરી તેમના વિરુદ્ધ પોસ્ટ કરી હતી."
"ખરેખર આવું કરીને સિસ્ટમ તમને ડરાવવા માગે છે જેથી તમે અવાજ ન ઉઠાવો. તમને માનસિક ત્રાસ આપવામાં આવે છે જેથી તમારી હિંમત તૂટી જાય. આખીય સિસ્ટમ આ રાજકારણીઓના ઇશારે કામ કરતી હોય છે."
વંદન ભાદાણીનું કહેવું છે કે તેમને માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ પરેશાનીઓનો સામનો કરવો પડ઼્યો હતો એવું જ નથી પરંતુ તેમને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.
જોકે તેમનું કહેવું છે કે તેમણે ન માફી માગી હતી કે ન ઝુક્યા હતા.
વંદન ભાદાણી કહે છે,"મેં આ સમગ્ર બાબતની ફરિયાદ મૅજિસ્ટ્રેટ સ્તર સુધી કરી હતી. જેનું સારું પરિણામ પણ આવ્યું અને પોલીસને આ મામલે પછી નોટિસ ફટકારવામાં આવી હતી."
તેમણે ઉમેર્યું, "મારી જાણમાં એવા ઘણા યુવકો છે જેમને ભૂતકાળમાં આ રીતે પોલીસ ફરિયાદો દ્વારા હેરાન કરાયા છે. ખરેખર બંધારણના વાણી સ્વાતંત્ર્યના અધિકારોનું એક રીતે શોષણ કરવામાં આવે છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












