પાકિસ્તાન : ઝિયા-ઉલ-હકની પેલેસ્ટાઇવાસીઓના નરસંહારમાં શું ભૂમિકા હતી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આબિદ હુસૈન
- પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ
પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે લગભગ સાત દાયકાથી સંઘર્ષ ચાલ્યો આવે છે જેમાં સામાન્ય રીતે પેલેસ્ટાઇનના આરબોએ ઇઝરાયલની સેનાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ 51 વર્ષ અગાઉ પેલેસ્ટાઇનની સ્વતંત્રતાની લડાઈ લડનારાઓએ મુસ્લિમ દેશ જોર્ડન સામે પણ એક યુદ્ધ લડ્યું હતું. તેમાં તેમણે જાનમાલનું ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
પરંતુ મોટા ભાગના વાચકોને યાદ નહીં હોય કે આ યુદ્ધમાં પાકિસ્તાનના એક સૈન્ય અધિકારીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ વાત 1970માં 16 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ચાલેલા એક યુદ્ધની છે જેને ઇતિહાસમાં 'બ્લૅક સપ્ટેમ્બર' તરીકે ઓળખવામાં આવે છે.
ત્યાર પછી ઘણા નિરીક્ષકોએ લખ્યું છે કે જોર્ડનના શાસક શાહ હુસૈનને આ યુદ્ધમાં નિર્ણાયક સલાહ આપનારા પાકિસ્તાનના ભાવિ સૈન્ય સરમુખત્યાર ઝિયા-ઉલ-હક હતા. તેમની સલાહના કારણે જ જોર્ડનની સેનાને યુદ્ધ જીતવામાં મદદ મળી હતી.

જોર્ડનના શાસકે જ્યારે ઝિયા-ઉલ-હકની મદદ માગી

ઇમેજ સ્રોત, Getty Images
1967માં ઇઝરાયલ વિરુદ્ધ થયેલા છ દિવસના યુદ્ધમાં જોર્ડનનો પરાજય થયા પછી દેશમાં પરિસ્થિતિ બહુ તણાવભરી હતી. ઇજિપ્ત અને સીરિયાની સાથે જોર્ડનને પણ આ યુદ્ધમાં ભારે નુકસાન થયું હતું. તેણે જેરૂસલેમ, ગાઝા અને વેસ્ટ બૅન્ક જેવા પ્રદેશ ગુમાવવા પડ્યા હતા.
તેવામાં પેલેસ્ટિનિયન 'ફિદાયિનો'એ વેસ્ટ બૅન્ક નજીકના વિસ્તારમાં માથું ઊંચક્યું અને તેમણે અનેક વખત ઇઝરાયલના નિયંત્રણવાળા સરહદી ક્ષેત્રમાં સફળ હુમલા કર્યા. તેનાથી તેમની લોકપ્રિયતા વધી ગઈ. આ કારણથી ફિયાયીનને સીરિયા અને ઇરાકનો ટેકો મળવા લાગ્યો.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોર્ડનના પ્રમુખ શાહ હુસૈને પોતાના પાકિસ્તાની મિત્ર બ્રિગેડિયર ઝિયા-ઉલ-હક પાસે મદદ માંગી. ઝિયા તે સમયે ઓમાન ખાતે પાકિસ્તાની દૂતાવાસમાં ડિફેન્સ એટેચેની ફરજ બજાવતા હતા.
લેખક અને રિસર્ચર તારિક અલી પોતાના પુસ્તક 'ધ ડોયલ'માં લખે છે કે ઝિયા-ઉલ-હક અમેરિકામાં પોતાની તાલીમ પૂરી કરીને સ્વદેશ પાછા ફર્યા ત્યારે તેમને જોર્ડન મોકલી દેવાયા. જોર્ડને તાજેતરમાં જ છ દિવસના યુદ્ધમાં શરમજનક હાર સહન કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઝિયા-ઉલ-હકની એક સલાહ જોર્ડનને અપાવી જીત

ઇમેજ સ્રોત, Getty Images
આ વાતની પુષ્ટિ કરતાં અમેરિકાની સીઆઇએના ભૂતપૂર્વ અધિકારી બ્રૂસ રિડેલે પોતાના પુસ્તક 'વ્હાય વી વોન'માં લખ્યું છે કે ઝિયા-ઉલ-હક ત્રણ વર્ષ અગાઉ જોર્ડન આવ્યા હતા. પાકિસ્તાન અને જોર્ડનની સેના વચ્ચે સૈન્ય મામલે સંબંધો મજબૂત બનાવવાની જવાબદારી તેમને સોંપાઈ હતી. તેમણે જોર્ડનમાં બનતી ઘટનાઓનો રિપોર્ટ પાકિસ્તાન મોકલવાની પણ જવાબદારી અપાઈ હતી.
પરંતુ બ્રિગેડિયર ઝિયા-ઉલ-હકે તેનાથી ઉપરવટ જઈને જવાબદારીઓ નિભાવી. તેનો ઉલ્લેખ તે સમયે જોર્ડનમાં હાજર સીઆઈએના અધિકારી જેક ઓકોનેલે પોતાના પુસ્તક 'કિંગ્સ કાઉન્સિલ'માં કર્યો છે.
લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ માટે બે વર્ષ ગાળનારા જૈક ઓકોનેલ લખે છે, "વર્ષ 1970માં સીરિયાની સેના જ્યારે જોર્ડન પર હુમલો કરવા માટે પોતાની ટેન્કો લઈને આવી ગઈ અને જોર્ડનને અમેરિકા તરફથી સહાયતા માટે કોઈ જવાબ ન મળ્યો. પરિણામે શાહ હુસૈનની ચિંતા વધી ગઈ."
આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હુસૈને પોતાના 'મિત્ર' ઝિયા-ઉલ-હકને સીરિયાના મોરચાનું નિરીક્ષણ કરવા અને વાસ્તવિક સ્થિતિથી માહિતગાર કરવા વિનંતી કરી.
જેક ઓકોનેલ લખે છે કે ઝિયા-ઉલ-હકે જોર્ડનના અધિકારીઓને પરિસ્થિતિ વિશે પૃચ્છા કરી ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે, "સ્થિતિ બહુ ખરાબ છે."
પોતાના પુસ્તકના ચોથા પ્રકરણમાં બ્રૂસ રિડેલ લખે છે કે, "આ પ્રસંગે ઝિયા-ઉલ-હકે શાહ હુસૈનને સીરિયાની સેના વિરુદ્ધ જોર્ડનની વાયુસેનાનો ઉપયોગ કરવા સલાહ આપી. આ નિર્ણયના કારણે જ જોર્ડનને યુદ્ધ જીતવામાં સફળતા મળી."

ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ભૂલ

ઇમેજ સ્રોત, Getty Images
'બ્લૅક સપ્ટેમ્બર'માં ઝિયા-ઉલ-હકની ભૂમિકા વિશે સૌથી મહત્ત્વની જુબાની શાહ હુસૈનના ભાઈ અને તત્કાલીન ક્રાઉન પ્રિન્સ હસન બિન તલાલે બ્રૂસ રિડેલ સાથેની વાતચીતમાં આપી હતી.
તેઓ લખે છે, "પ્રિન્સ હસન બિન તલાલે એપ્રિલ 2010માં તેમને જણાવ્યું હતું કે, ઝિયા-ઉલ-હક શાહ હુસૈનના મિત્ર અને વિશ્વાસુ હતા. શાહી પરિવાર આ યુદ્ધમાં તેમની મદદ બદલ આભારી હતો. તેમાં તેમની હાજરી એટલી મહત્ત્વની હતી કે તેઓ લગભગ સૈન્યનું નેતૃત્વ કરી રહ્યા હતા."
બ્રૂસ રિડેલે જણાવ્યા પ્રમાણે, "ઝિયા-ઉલ-હકની આ કાર્યવાહીથી પાકિસ્તાનના અધિકારીઓ નારાજ થયા, કારણ કે ઝિયાએ જોર્ડનની સેના વતી લડાઈમાં ભાગ લઈને પોતાની રાજકીય જવાબદારીઓ અને આદેશોને ભંગ કર્યો હતો."
પરંતુ શાહ હુસૈને ઝિયા-ઉલ-હકનો તેમની સેવાઓ બદલ આભાર માન્યો અને તેમના માટે ભલામણો પણ કરી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે બ્લૅક સપ્ટેમ્બર યુદ્ધમાં ઝિયા-ઉલ-હકે મેળવેલી સફળતાઓ વિશે પાકિસ્તાનના નવા નિમાયેલા વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને જણાવ્યું. ત્યાર પછી વડાપ્રધાન ભુટ્ટોએ ઝિયા-ઉલ-હકને બ્રિગેડિયરમાંથી મેજર જનરલના પદ પર પ્રમોશન આપ્યું.
ત્યાર બાદ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના ભૂતપૂર્વ સલાહકાર રાજા અનવરે પોતાના પુસ્તક 'ધ ટેરેરિસ્ટ પ્રિન્સ'માં વડા પ્રધાન ભુટ્ટોના અયોગ્ય નિર્ણયો વિશે લખ્યું હતું. તેમના મત મુજબ શાહ હુસૈને તે પ્રસંગે ઝિયા-ઉલ-હકની ભલામણ કરી ન હોત તો ઝિયાની સૈન્ય કારકિર્દી નિશ્ચિતપણે બ્રિગેડિયરના સ્વરૂપમાં જ ખતમ થઈ ગઈ હોત.
"એવું કહેવાય છે કે ઝિયા-ઉલ-હકે 'બ્લૅક સપ્ટેમ્બર' નરસંહારમાં ભાગ લીધો હતો અને પોતાની સૈન્ય તથા રાજકીય જવાબદારીઓની અવગણના કરી હતી અને નિયમોનો ભંગ કર્યો હતો."
"પરંતુ શાહ હુસૈનની ભલામણ પરથી કદાચ વડાપ્રધાન ભુટ્ટોને એવો સંકેત મળ્યો કે ઝિયા-ઉલ-હક તેમના પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવા કોઈ પણ હદ સુધી જઈ શકે છે."

'ઝિયા-ઉલ-હકે મોકલેલી સેનાએ પેલેસ્ટાઇવાસીઓના કરેલ નરસંહારનો કોઈ હિસાબ નથી'

ઇમેજ સ્રોત, Getty Images
શું 'બ્લૅક સપ્ટેમ્બર' દરમિયાન પેલેસ્ટાઇનવાસીઓના 'નરસંહાર'માં ઝિયા-ઉલ-હક સામેલ હતા?
સત્તાવાર રીતે જોવામાં આવે તો આ યુદ્ધ 16 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ચાલ્યું. ત્યાર બાદ આગામી વર્ષના જુલાઈ સુધી નાનીમોટી અથડામણો થતી રહી.
વિવિધ સંદર્ભ અને બ્રૂસ રિડેલ સહિતના વિવિધ વિશ્લેષકોનો અંદાજ છે કે આ લડાઈમાં ત્રણથી ચાર હજાર પેલેસ્ટિનિયન ફિદાયીન માર્યા ગયા હતા. સીરિયાએ લગભગ 600 સૈનિકો ગુમાવ્યા હતા અને જોર્ડનના 537 સૈન્ય કર્મચારી માર્યા ગયા હતા.
બીજી તરફ પેલેસ્ટાઇનના નેતા યાસિર અરાફતે દાવો કર્યો હતો કે આ યુદ્ધમાં 20થી 25 હજાર જેટલા ફિદાયીન માર્યા ગયા હતા.
પેલેસ્ટાઇનના સંઘર્ષમાં પાકિસ્તાન તેની પડખે ઊભું છે. તાજેતરના ઘટનાક્રમમાં પણ દુનિયાભરના ઘણા દેશોની જેમ પાકિસ્તાનમાં પણ પેલેસ્ટાઇનના સમર્થનમાં ઘણા પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં, જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા.
તેવી જ રીતે ઐતિહાસિક રીતે પાકિસ્તાન તરફથી પણ પેલેસ્ટાઇનને ટેકો આપવાની અને ઇઝરાયલનો વિરોધ કરવાની નીતિને કાયમી ગણવામાં આવી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભૂતકાળમાં જ્યારે પણ ઇઝરાયલ સાથે રાજનૈતિક સંબંધોને ફરીથી શરૂ કરવાના કોઈ સંકેત મળ્યા છે, ત્યારે તેના અંગે ઉગ્ર ચર્ચા અને ટીકા શરૂ થાય છે. તેને પેલેસ્ટાઇનવાસીઓ સાથે વિશ્વાસઘાત ગણવામાં આવે છે. પરંતુ તેની એક બીજી બાજુ પણ છે.
તારિક અલીએ પોતાના પુસ્તક 'ધ ડાયલ'માં વિખ્યાત ઇઝરાયલી જનરલ મોશે દાયાનનું નિવેદન ટાંક્યું છે. તેમણે લખ્યું છે કે, "શાહ હુસૈને 11 દિવસમાં જેટલા પેલેસ્ટાનિયનોને માર્યા તેટલાને તો ઇઝરાયલ 20 વર્ષમાં પણ ન મારી શકે."
તેવી જ રીતે ડાબેરી વલણ ધરાવતા ભારતીય પત્રકાર અને ઇતિહાસવિદ્ વિજય પ્રસાદ પોતાના 2002ના લેખમાં લખે છે કે "શાહ હુસૈને ઝિયા-ઉલ-હકની મદદથી પેલેસ્ટાઇનવાસીઓને હરાવવા માટે એક વણઝારાની સેના મોકલી અને ત્યાર પછી એવો નરસંહાર થયો જેનો કોઈ હિસાબ નથી."

ઝિયા-ઉલ-હકની ભૂમિકા અંગે પ્રવર્તતું રહસ્ય

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ પાકિસ્તાનના એક ભૂતપૂર્વ રાજનૈતિક અધિકારીએ આજથી 11 વર્ષ અગાઉ આના કરતાં વિપરીત મત રજૂ કર્યો હતો જેઓ તે સમયે, એટલે કે સપ્ટેમ્બર 1970માં જોર્ડનમાં તહેનાત હતા.
ઑગસ્ટ 2010માં અંગ્રેજી અખબાર ધ ન્યૂઝમાં પ્રકાશિત પોતાના લેખમાં ભૂતપૂર્વ રાજદૂત તૈયબ સિદ્દીકીએ લખ્યું છે કે "છ દિવસના યુદ્ધમાં પરાજય બાદ વિવિધ આરબ દેશોઓ પાકિસ્તાન પાસે સૈન્ય સહાયતા અને તાલીમની વિનંતી કરી હતી. ત્યાર પછી પાકિસ્તાને જોર્ડન, સીરિયા અને ઇરાકમાં પોતાના અધિકારીઓ મોકલ્યા હતા."
તૈયબ સિદ્દીકી લખે છે કે જોર્ડન મોકલવામાં આવેલા લોકોમાં ત્રણેય સેનાના કુલ 20 ઉચ્ચ અધિકારી સામેલ હતા.
તેમનું નેતૃત્વ ભૂમિદળના મેજર જનરલ નવાજિશ અલી કરતા હતા અને ઝિયા-ઉલ-હક તેમના ડૅપ્યુટી હતા.
તૈયબ સિદ્દીકી લખે છે કે ત્યારબાદ શાહ હુસૈનની વિનંતી પર પાકિસ્તાની વાયુસેનાની એક રેજિમેન્ટ પણ જોર્ડન પહોંચી ગઈ. પરંતુ આ ટીમને માત્ર જોર્ડનની સેનાને તાલીમ આપવાનું કામ સોંપાયું હતું. તેમણે કોઈ યુદ્ધમાં ભાગ લેવાનો ન હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તૈયબ સિદ્દીકી પોતાના લેખમાં લખે છે, "પાકિસ્તાની રાજદૂત અને સૈન્યની ગેરહાજરીમાં તેઓ ત્યાં દૂતાવાસનું નેતૃત્વ કરતા હતા. બીજી સપ્ટેમ્બરે તેમને ઝિયા-ઉલ-હકનો ફોન આવ્યો ત્યારે તેમણે કહ્યું કે શાહ હુસૈને સીરિયાની સરહદ નજીક ઇરબિદ શહેરમાં તેમને સૈન્ય ડિવિઝનનું નેતૃત્વ કરવા માટે કહ્યું છે, કારણ કે જોર્ડનના કમાન્ડર મેદાન છોડીને ભાગી ગયા છે."
તૈયબ સિદ્દીકી લખે છે, "મેં તાત્કાલિક સંરક્ષણ સચિવ ગ્યાસુદ્દીનને ફોન કર્યો અને તેમને આ વિશે જણાવ્યું તો તેમણે જરાય ખચકાટ વગર મંજૂરી આપી દીધી. મેં પોતાના વાંધા જણાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે મને અટકાવતા કહ્યું, 'અમે ઇશ્તિખારા કરી લીધું છે.' હાશમી સામ્રાજ્યનો સિતારો બુલંદ થઈ રહ્યો છે. બાદશાહના નિર્દેશોનું પાલન કરો."
તૈયબ સિદ્દીકી અનુસાર ઝિયા-ઉલ-હકે સૈન્ય ટૂકડીની કમાન સંભાળી લીધી, પરંતુ કોઈ પણ સૈન્ય અભિયાન શરૂ કરતા પહેલાં જ સીરિયાએ અમેરિકા અને ઇઝરાયલના દબાણ હેઠળ પોતાની સેનાને પાછી બોલાવી લીધી.
તેઓ લખે છે, "કથિત પેલેસ્ટિનિયન નરસંહારમાં ઝિયા-ઉલ-હકની કુલ ભૂમિકા આટલી જ હતી."
તૈયબ સિદ્દીકી પોતાના લેખના અંતમાં લખે છે કે, "સામાન્ય રીતે એવું નિશ્ચિતપણે કહેવામાં આવે છે કે ઝિયા-ઉલ-હક હજારો પેલેસ્ટાઇનવાસીઓની હત્યામાં સામેલ હતા અને ત્યાર પછી યાસિર અરાફતે નિર્ણય લીધો હતો કે તેઓ ક્યારેય પાકિસ્તાન નહીં જાય."
"પરંતુ આ વાતનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. યાસિર અરાફત ત્યાર પછી ઘણી વખત પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












