આયુર્વેદ કે ઍલૉપથી : સારવારની કઈ પદ્ધતિ સારી?

ઍલૉપથીને એક સ્ટુપિડ અને દેવાળીયુ વિજ્ઞાન કહ્યા બાદ બાબા રામદેવ ફરીવાર વિવાદમાં સપડાયા છે.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ઍલૉપથી માટે 'સ્ટુપિડ' શબ્દ વાપર્યો અને તેને 'દેવાળિયું વિજ્ઞાન' ગણાવ્યું, જેના કારણે યોગગુરુ વિવાદમાં સપડાયા
    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

બાબા રામદેવ ઍલૉપથી માટે 'સ્ટુપિડ' શબ્દ વાપર્યો અને તેને 'દેવાળિયું વિજ્ઞાન' ગણાવ્યું, જેના કારણે યોગગુરુ વિવાદમાં સપડાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કડક શબ્દોમાં લખેલા પત્ર બાદ બાબા રામદેવે તેમનું વિવાદાસ્પદ નિવેદન પાછું લીધું છે.

સ્વામી રામદેવે કહ્યું હતું કે ઍલૉપથિક દવાઓ ખાવાથી લાખો લોકોનાં મૃત્યુ થયાં હતાં.

જ્યારે સ્વાસ્થ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું હતું, "ડૉક્ટરો અંગે રામદેવની ટિપ્પણી અસ્વીકાર્ય છે તેમણે તાત્કાલિક માફી માગવી જોઈએ."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

જોકે આ વિવાદ અહીં અટકે એ પહેલાં તેમણે પત્ર લખીને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન એટલે કે IMAને અને દવા કંપનીઓને 25 સવાલ પૂછ્યા હતા.

રામદેવના વિવાદાસ્પદ નિવેદન બાદ ઍલૉપથી અને આયુર્વેદમાંથી કઈ ચિકિત્સાપદ્ધતિ સારી, તે વિશે ચર્ચા છેડાઈ ગઈ છે.

line

ઍલૉપથી શું છે અને શરૂઆત કયા દેશમાં થઈ?

આર્વેદિક, ઍલોપેથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍલૉપેથી શબ્દ ગ્રીક શબ્દો ઍલૉસ અને પૅથોસને જોડીને બનાવવામાં આવ્યો છે

ગુજરાતી શબ્દકોશ સાર્થ પ્રમાણે ઍલૉપથીએ 'ચિકિત્સાની એક આધુનિક પાશ્ચાત્ય પદ્ધતિ' છે, જ્યારે લૅક્સિકન શબ્દકોશ પ્રમાણે 'ચિકિત્સાની યુરોપીય ઉપચારપદ્ધતિ' છે અને તેમાં 'રોગને એકદમ દબાવી દેવાના ઉપચારને પ્રાધાન્ય' આપવામાં આવે છે.

બ્રિટિશ કૉલમ્બિયા મેડિકલ જર્નલ પ્રમાણે વર્ષ 1800માં ઍલૉપથી શબ્દની પહેલી વખત ચર્ચા થઈ અને આની પાછળ જર્મનીના ચિકિત્સક અને હોમિયોપથી પદ્ધતિના જનક સેમ્યુઅલ હનીમનની મહત્ત્વની ભૂમિકા હતી.

ડૉ. નોરીન ઇફ્તિખાર લખે છે કે ઍલૉપેથી શબ્દ ગ્રીક શબ્દો ઍલૉસ અને પૅથોસને જોડીને બનાવવામાં આવ્યો છે.

છેલ્લાં 200 વર્ષમાં ઍલૉપથી પદ્ધતિમાં ઘણા ફેરફાર આવ્યા છે અને આજે આ ચિકિત્સાપદ્ધતિ મોટાભાગની બીમારીની સારવારમાં ઉપયોગી થાય છે પણ તેની કેટલીક આડઅસરો પણ છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવી કહે છે, "100માંથી 95 લોકો ઍલૉપથી પદ્ધતિથી સારવાર કરવાનો આગ્રહ રાખે છે. માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સારવાર ઍલૉપથી પદ્ધતિથી થાય છે અને તેની હૉસ્પિટલો જ વધારે છે, જે બતાવે છે કે આ પદ્ધતિમાં લોકોને કેટલો ભરોસો છે."

line

આયુર્વેદની શરૂઆત ક્યારે થઈ? તેનો અર્થ શું થાય?

ભારતમાં આજે પણ પૂરતા પ્રમાણમાં આર્યુવેદિક ડૉક્ટર નથી.

ઇમેજ સ્રોત, GETTY IMAGES/BSIP

ઇમેજ કૅપ્શન, ભારતમાં આજે પણ પૂરતા પ્રમાણમાં આર્યુવેદિક ડૉક્ટર નથી.

જોહ્ન હૉપકિન્સ મેડિસિન અનુસાર ભારતમાં 3000 વર્ષ પહેલાં આર્યુવેદની શોધ થઈ હતી. આયુર્વેદ શબ્દ પણ બે શબ્દોથી બન્યો છે, આયુ એટલે જીવન અને વેદ એટલે વિજ્ઞાન અથવા જ્ઞાન. આયુર્વેદ એટલે જીવનનું જ્ઞાન.

આ ચિકિત્સાપદ્ધતિમાં વ્યક્તિના શરીરની અશુદ્ધીઓ દૂર કરવા, લક્ષણો ઘટાડવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા જેવી બાબતો પર કામ કરવામાં આવે છે. દવા બનાવવા માટે વૃક્ષો, તેલ, ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

"તે સમયમાં આયુર્વેદિક ભણેલા વૈદો જ બધા રોગોનું ઉપચાર કરતા હતા અને શસ્ત્રક્રિયા પણ કરતા હતા. 150-200 વર્ષ પહેલાં અંગ્રેજો ભારત આવ્યા ત્યારે તેમણે ભારતની ચિકિત્સાપદ્ધતિ જોઈ અને તેમાં સુધારા-વધારા કરીને આધુનિક ચિકિત્સાપદ્ધતિની શોધ કરી."

જામનગરસ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર અનુપ ઠાકર કહે છે કે આયુર્વેદમાં બીમારીના મૂળિયામાં જઈને સારવાર કરવામાં આવે છે. ઘણી એવી બીમારી છે કે જેમાં આયુર્વેદિક સારવારના સારાં પરિણામો મળ્યાં છે.

line

આયુર્વેદમાં સર્જરી કે ઑપરેશન શક્ય છે?

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર અનુપ ઠાકર કહે છે ઘણી એવી બીમારી છે જેમાં આયુર્વેદિક સારવારના સારા પરિણામ મળ્યા છે.

ઇમેજ સ્રોત, AYUSH MINISTRY

ઇમેજ કૅપ્શન, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર અનુપ ઠાકર કહે છે ઘણી એવી બીમારી છે જેમાં આયુર્વેદિક સારવારનાં સારાં પરિણામ મળ્યાં છે

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના સભ્ય અને જાણીતા સર્જન ડૉક્ટર અજય પટેલ કહે છે, "આધુનિક વિજ્ઞાનમાં શરૂથી જ શરીરની ઍનૅટૉમી એટલે કે શરીર-સંરચના સંબંધી વિજ્ઞાન ભણાવવામાં આવે છે."

તેઓ આયુર્વેદ સાથે તુલના કરતાં કહે છે કે "તેમાં ક્યાં કઈ નસ હશે, સ્નાયુ કેવા હશે, ચરબીનું થર કેવું હશે અને ઑપરેશન કરતી વખતે કઈ નસ કાપવાથી લોહી નીકળશે, શરીરના કયા ભાગમાં કયા પ્રકારની ગાંઠ હશે અને એને કઈ રીતે દૂર કરી શકાય એવી તમામ બાબતોનો ઍનૅટૉમીમાં સમાવેશ થાય છે."

"આ ગાંઠ સ્નાયુની છે કે નસની એ આયુર્વેદમાં નક્કી ન કરી શકાય, એટલે આયુર્વેદમાં ઑપરેશન કરવું અઘરું છે."

જોકે આયુર્વેદના ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞોનો મત આ બાબતે જુદો છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ગુજરાતના આયુર્વેદિક ઍસોસિયેશનના સેક્રેટરી ડૉ. હસમુખ સોની કહે છે કે "2007 પછી આયુર્વેદમાં પણ સર્જરીની તાલીમ આપવામાં આવે છે, જેને આયુર્વેદમાં 'શલ્ય' અને 'શાલક્ય' કહેવાય છે. આચાર્ચ શુશ્રૂત સર્જરીના જનક ગણાય છે અને ચિકિત્સાશાસ્ત્ર 5000 વર્ષ જૂનું છે."

line

ઍલૉપથીમાં આડઅસર થાય પણ આયુર્વેદમાં આડઅસર થાય?

એલોપેથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍલૉપથીમાં સામાન્યતઃ લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે

પ્રોફેસર અનુપ ઠાકર કહે છે કે "ઘણી એવી બીમારી છે, જેમાં આયુર્વેદિક સારવારનાં સારાં પરિણામ મળ્યાં છે. આયુર્વેદમાં બીમારીના મૂળ સુધી જઈને સારવાર કરવામાં આવે છે. દરેક દરદીના શરીરને અનુરૂપ સારવાર કરવામાં આવે છે."

પ્રોફેસર ઠાકર કહે છે, "ઍલૉપથીમાં સામાન્યતઃ લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે, જેમકે તાવ આવવો અથવા શરદી થવી. આ બીમારીમાં દરેક દરદીને સરખી દવા આપવામાં આવે છે, જ્યારે આયુર્વેદમાં આમ થતું નથી."

તેઓ કહે છે કે "બીજું કે સારવાર લેતી વખતે દરદીને કોઈ આડઅસર થતી નથી અને જે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેની અસરકારકતા પણ પુરવાર થયેલી હોય છે."

શું આયુર્વેદ વધુ અસરકારક છે? તેના જવાબમાં પ્રોફેસર ઠાકર કહે છે, "ઍલૉપથી અને આયુર્વેદની પોત-પોતાની પદ્ધતિ છે અને એવું કોઈ સંશોધન થયું નથી કે જે જણાવે કે કઈ પધ્ધતિ વધારે સારી છે. એવી કેટલીક બીમારી છે, જેમાં દરદીને આયુર્વેદથી વધારે લાભ થયો છે."

line

આયુર્વેદથી કોરોના વાઇરસની સારવાર થાય?

આયુર્વેદ

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમણની સારવાર માત્ર ઍલૉપથી દવાઓથી કરવામાં આવી રહી છે.

ભારતમાં પતંજલિ દ્વારા કોરોનીલ દવા બજારમાં લૉન્ચ કરવામાં આવી હતી પણ તેની ટ્રાયલનાં પરિણામોને લઈને હજુ પણ પ્રશ્નો છે.

જોકે આ દવા પતંજલી સ્ટોર્સમાં મળે છે અને લોકો તેનું સેવન પણ કરી રહ્યા છે.

આરટીઆઈ હેઠળ કરાયેલ અરજીના જવાબમાં સીડીએસસીઓ (સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન)એ જણાવ્યું કે હજી સુધી કોરોના વાઇરસ માટે કોઈ આયુર્વેદિક દવાને મંજૂરી આપવામાં આવી નથી.

અમદાવાદમાં પ્રેક્ટિસ કરતાં ડૉ. મોના દેસાઈ કહે છે, "ઍલૉપથી સારવારથી ઇઝરાયલ જેવા દેશ કોરોનાથી મુક્ત થઈ ગયા છે અને અમેરિકા, યુકેમાં પરિસ્થિતિ ઘણી સુધરી છે."

"WHO (વિશ્વ આરોગ્ય સંગઠન) અને ICMR (ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા કોઈ પણ આયુર્વેદિક દવાને પરવાનગી આપવામાં આવી નથી. આયુર્વેદિક દવાઓ વિશે તો ડૉક્ટરોને માહિતી પણ નથી ત્યારે સારવારમાં તેની અસરકારકતા વિશે કઈ રીતે વિશ્વસાર રાખી શકાય."

જોકે પ્રોફેસર અનુપ ઠાકર જુદો મત ધરાવે છે. તેમને લાગે છે કે આયુર્વેદિક દવાથી કોરોના દરદીને લાભ થઈ શકે છે. હાલમાં યુનિવર્સિટી દ્વારા આયુર્વેદિક દવાની ટ્રાયલ કરવામાં આવી રહી છે.

તેઓ કહે છે કે "અમે આયુ-64ની ટ્રાયલ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીની ટ્રાયલમાં પુરવાર થયું છે કે તે અસરકારક છે. દરદીમાં કોરોનાની અસરમાં ઘટાડો લાવે છે અને દવા લીધા બાદ દરદી સાત દિવસમાં કોરોના નૅગેટિવ થઈ જાય છે. આ દવા સેન્ટ્રલ કાઉન્સિલ ફૉર આયુર્વેદીક રીસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવી છે."

line

આયુર્વેદિક સારવારના ફાયદા અને ગેરફાયદા

આયુર્વેદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આયુર્વેદિક તબીબો દાવો કરે છે કે આ ચિકિત્સાપદ્ધતિમાં દરદીને કોઈ આડઅસર થતી નથી

આયુર્વેદિક સારવારથી સૌથી મોટો લાભ એ થાય છે કે તે રોગના મૂળ સુધી જાય છે અને જો દરદીને બીજી કોઈ બીમારી હોય તો તેને ધ્યાનમાં રાખીને સારવાર કરે છે.

આ ઉપરાંત જે દવાઓ બને છે તે કુદરતી પદાર્થોમાંથી બને છે અને તેમાં કોઈ પણ પ્રકારના કૅમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી.

આયુર્વેદિક તબીબો દાવો કરે છે કે આ ચિકિત્સાપદ્ધતિમાં દરદીને કોઈ આડઅસર થતી નથી અને તેના દ્વારા વિવિધ બીમારીની સારવાર શક્ય છે.

ભારતમાં પૂરતા પ્રમાણમાં આર્યુવેદિક ડૉક્ટર નથી, બીજી સૌથી મોટી મુશ્કેલી છે કે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં બહુ લાંબો સમય જોઈએ છે.

ડૉ. કિરીટ ગઢવી કહે છે કે "ઍપેન્ડિક્સ અથવા હર્નિયા જેવી બીમારીઓમાં ઑપરેશન સિવાય કોઈ સારવાર નથી. આ પ્રકારની સારવાર માત્ર ઍલૉપથીમાં શક્ય છે. આયુર્વેદિક પધ્ધતિમાં ઇમરજન્સી સારવાર જેવી સુવિધા મળતી નથી."

આયુર્વેદિક ચિકિત્સામાં સંશોધનનો પણ અભાવ છે અને હાલમાં જે આયુર્વેદિક દવાઓ બજારમાં મળી રહી છે, તેમાંથી કેટલીક દવાઓથી દરદીને શું લાભ થશે તે જાણવા માટે કોઈ સંશોધન અથવા પુરાવા પ્રાપ્ય નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો