સ્વાઇન ફ્લૂ : ગુજરાતમાં જેનું નામ સાંભળીને લોકો થથરી ઊઠતાં તે બીમારી કઈ રીતે કાબૂમાં લેવાઈ હતી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વર્ષ 2009માં સ્વાઇન ફ્લૂનો રોગચાળો વિશ્વમાં ફેલાવા માંડ્યો.
સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આ રોગચાળાના ભરડામાં ગુજરાત પણ આવી ગયું હતું.
તે સમયે લેખક ગુજરાત સરકારમાં આરોગ્ય મંત્રાલયની જવાબદારી સંભાળતા હતા.
તેઓ આ લેખમાં ગુજરાત સરકારે અને ખાસ કરીને આરોગ્યવિભાગે કેવી રીતે ચિંતાજનક ગયેલા રોગને રોકવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો તે વિશે જણાવે છે.

ગુજરાતમાં નોંધાયો સ્વાઇન ફ્લૂનો પ્રથમ કેસ

ઇમેજ સ્રોત, Getty Images
વૈશ્વિકીકરણની એક આડઅસર એ છે કે એકથી બીજા ખંડો વચ્ચે ઊડાઊડ કરતા પ્રવાસીઓની સંખ્યા અનેક ગણી વધી છે.
પરિણામે એક દેશમાંથી બીજા દેશમાં મહામારીનો ઉપદ્રવ સરળતાથી પહોંચે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
વર્ષ 2009ના જુલાઈ માસમાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો સૌપ્રથમ કેસ નોંધાયો.
ત્યાર પછીનો દોઢ વરસ જેટલો સમયગાળો સ્વાઇન ફ્લૂ સામે ટકરાવાનો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
24 માર્ચ 2010 સુધીમાં ભારતમાં સ્વાઇન ફ્લૂના 4222 કેસ નોંધાયા હતા.
તે સામે 2009 અને 2010માં સમગ્ર વિશ્વમાં 6,22,482 કેસ તેમજ 18,036 મોત સ્વાઇન ફ્લુને કારણે થયાં.
આ રોગ ગુજરાત માટે નવો હતો અને એટલે અમુક અંશે તેના માટેની ટ્રીટમેન્ટ પ્રોટોકોલનો પણ ઝાઝો ખ્યાલ ન હોય તે સ્વાભાવિક હતું.
રાજ્યમાં 24 મે 2010 સુધીમાં સ્વાઇન ફ્લૂના 10,193 કેસ અને 1035 મૃત્યુ નોંધાયાં. એટલે મૃત્યુ દર દસ ટકા જેટલો હતો.
ગુજરાતમાં પહેલો કેસ સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે નોંધાયો.
બે દિવસ પહેલાં મિશિગન, અમેરિકાથી આવેલ એક 11 વર્ષની બાળકીમાં આ રોગનાં લક્ષણો જણાયાં.
એ સમયે ગુજરાતમાં ટેસ્ટિંગ માટેની કોઈ સવલત નહોતી એટલે ટેસ્ટિંગ માટેના સૅમ્પલ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજી, પુણે ખાતે મોકલવામાં આવતા.
આ છોકરી અમદાવાદ ઍરપૉર્ટ પર ઊતરી ત્યારે જ એને ઊંચો તાવ હતો અને બાળરોગ નિષ્ણાત ડૉ. નાયક પાસે પહોંચી ત્યાં સુધીમાં અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન પણ પ્રસરી ચુક્યું હતું.

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો પ્રથમ શિકાર

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ એટલે કે H1N1 વાઇરસથી પહેલું મૃત્યુ પામનાર પ્રવીણ પટેલ (43 વર્ષ) અમેરિકાસ્થિત બિનનિવાસી ભારતીય હતા.
પટેલ અમેરિકાથી જ આ રોગનો ચેપ લઈને આવ્યા હતા. તેમનાં પત્ની નયનાબહેન પણ સ્વાઇન ફ્લૂ પૉઝિટિવ જણાયાં.
તેમને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ પટેલ દંપતી ગુજરાતમાં 31 જુલાઈ 2009ના રોજ આવ્યું. એ લોકો એટલાન્ટામાં પોતાનો સ્ટોર ચલાવતાં હતાં.
લૂફ્તાન્સાની ફ્લાઇટમાં તેઓ મુંબઈ આવ્યાં અને મુંબઈથી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ લઈને અમદાવાદ આવ્યાં. તેમનાં ત્રણ બાળકો સ્કૂલ ચાલુ હોવાને કારણે અમેરિકામાં જ રહી ગયાં.
5 ઓગસ્ટના દિવસે પ્રવીણ પટેલને ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરાયા પણ ચેપ ફેફસાંમાં પહોંચતા સ્થિતિ વણસતાં તેમને સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા.
એ વખતે ઍરપૉર્ટ પર કોઈ થર્મલ સ્ક્રીનિંગની સવલત નહોતી.
સ્વાઇન ફ્લૂના પ્રારંભિક કેસ વર્ષ 2009માં મેક્સિકોમાં નોંધાયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં સો જેટલા દેશો સ્વાઇન ફ્લૂના ભરડામાં આવી ગયા.
મે 2009 અને ડિસેમ્બર 2010 વચ્ચે 47,840 કેસ ભારતમાં નોંધાયા અને 2744 મૃત્યુ થયાં.
તેમાંથી ગુજરાતમાં 6561 કેસ એટલે કે 13.8 ટકા અને મૃત્યુ 439 એટલે કે 16 ટકા થયાં.
આ રોગ માટે તે વખતે કોઈ વિશેષ જાણકારી ઉપલબ્ધ નહોતી.
એની મારકશક્તિ પણ પાંચ ટકા કરતાં વધારે હતી અને એને કારણે આ રોગ સામે રાજ્યમાં મોટો આતંક ના ફેલાય તે માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યા હતાં.

રાજ્યની સરકારી હૉસ્પિટલોનો ફાળો

ઇમેજ સ્રોત, Getty Images
સ્વાઇન ફ્લૂના દર્દીઓની સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો અને 24 કલાક નિષ્ણાત તબીબોની ટુકડી કામે લગાડાઈ હતી.
ધીરે-ધીરે રાજ્યની બીજી મોટી સિવિલ હૉસ્પિટલમાં પણ આ દર્દીઓને સારવાર આપવા માટેની વ્યવસ્થા ઊભી થઈ.
શરૂઆતમાં મોટી તકલીફ સ્વાઇન ફ્લૂના ચેપ માટેની ટેસ્ટિંગની વ્યવસ્થા ગુજરાતમાં નહોતી એ હતી.
એ દરમિયાન ચેપગ્રસ્ત જણાતા વ્યક્તિઓના નમૂના પુણે મોકલવા પડતા.
પુણેથી અહેવાલ આવે ત્યારે જ ખ્યાલ આવતો કે દર્દી પૉઝિટિવ છે કે નૅગેટિવ.
ત્યાં સુધીમાં લક્ષણોને આધારે સારવાર અપાતી.
આ અવરોધ દૂર કરવા માત્ર 15 દિવસમાં જ અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ ખાતે ટેસ્ટિંગ લૅબોરેટરી ઊભી કરાઈ હતી.
આટલું જ નહીં આ રોગ માટે જરૂરી દવા ટેમિફ્લૂનો પૂરતો જથ્થો આગોતરા આયોજન થકી મેળવી લેવાયો હતો.
2009 કે 2010નું વરસ જ્યારે આ રોગનો પ્રકોપ ચરમસીમાએ હતો ત્યારે ટેમિફ્લૂની અછત ક્યારેય ઊભી થઈ નહોતી.
આ રોગ અત્યંત ચેપી હોઈ કૉન્ટેક્ટ ટ્રેસિંગ એટલે કે દર્દીના સંપર્કમાં આવેલા લોકોને શોધી કાઢી એમને પ્રોફિલેક્ટિવ એટલે કે રોગ પ્રતિરોધક ટ્રીટમેન્ટ તરીકે એક અઠવાડિયા સુધી રોજની એક ટેમિફ્લૂ ગળાવવાનો સરકારના આરોગ્ય તંત્રના જે તે વિભાગના તબીબના સીધા નિરીક્ષણ હેઠળ પ્રબંધ કર્યો હતો.
જાહેર સ્થળોએ જ્યાં લોકો ભેગા થતા હોય ત્યાં અને ઍરપૉર્ટ પર થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા ગોઠવી કોઈપણ શંકાસ્પદ કેસ જણાય તો એને આઇસોલેશનમાં મૂકવાની વ્યવસ્થા ઊભી કરી.
આમ કોઈપણ રીતે લોકોમાં દહેશત ફેલાય અથવા અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થાય તે ટાળવામાં આવ્યું.

જનભાગીદારીથી સુનિશ્ચિત કરાઈ રોગ સામે જીત

ઇમેજ સ્રોત, Getty Images
શાળા-કૉલેજો બંધ કરવાને બદલે ત્યાં કોઈપણ વિદ્યાર્થીને આ રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્યતંત્રને જાણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી.
અંબાજી ભાદરવી પૂનમનો મેળો કે વાઇબ્રન્ટ નવરાત્રી જેવા પ્રસંગો પણ મોકૂફ ન રાખતાં થર્મલ સ્ક્રીનિંગનો વ્યાપક ઉપયોગ કરી શંકાસ્પદ કિસ્સાઓમાં આઇસોલેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
સ્વાઇન ફ્લૂ સામેની લોકજાગૃતિ ઊભી કરવા માટે અત્યંત લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'ના કલાકારો પાસે આ રોગની સામાન્ય માહિતી અને હાથ ધોવાની પદ્ધતિ વગેરેની ટૂંકી ફિલ્મ તૈયાર કરાવી અને એ જ રીતે 'ગભરાટ નહીં પણ સાવચેતી જરૂરી' એ હેડલાઇન સાથે હૅન્ડબિલ અને હૉર્ડિંગ્સની જાહેરખબરોના માધ્યમનો વ્યાપક રીતે ઉપયોગ કર્યો.
માત્ર ટેલિવિઝન જ નહીં, પરંતુ રેડિયો થકી પણ છેવાડાનાં ગામના લોકો સુધી આ રોગની માહિતી અને તેની સામે બચાવના ઉપાયો પહોંચી રહે તે માટેનાં પગલાં ભરવામાં આવ્યાં હતાં.
રાજ્ય સરકારના સિનિયર ડૉકટરોને ટેલિવિઝન કાર્યક્રમો તેમજ દૂરદર્શનના કાર્યક્રમમાં મોકલી જનજાગૃતિ ઊભી કરવા માટેનો પ્રયાસ કર્યો.
આ સમગ્ર અભિયાન માત્ર સરકાર પૂરતું જ મર્યાદિત ન રાખતાં ઇન્ડીયન મેડીકલ ઍસોસિયેશન ગુજરાત, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, ચૅમ્બર ઑફ કૉમર્સ, સહકારી સંસ્થાઓ, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ, વગેરે લગભગ દોઢસો કરતાંય વધારે સંસ્થાઓને કામે લગાડી.
આ રોગ સામે એક વ્યાપક જનઆંદોલન ઊભું કર્યું જેમાં આ સંસ્થાઓ સાથે કામ કરતા ડૉક્ટરો, અગ્રણી નાગરિકો તેમજ સંતો-મહંતો બધા જ જોડાયા.
આ સિવાય સરકારે પ્રેસ કૉન્ફરન્સ ગોઠવવાના સ્થાને આ રોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે છાપાંમાં કૉલમ લખનારા લોકોની કૉન્ફરન્સ બોલાવી.
અને તેમને આ રોગ અંગેની વિગતો આપી. જેથી લાંબા સમય સુધી છાપાંમાં આ રોગ અંગેની કૉલમો છપાતી રહે.
તેમજ BAPS, ગાયત્રી પરિવાર અને સદ્વિચાર પરિવાર જેવી સંસ્થાઓને જાગૃતિ સાથે સેવાનાં કામમાં જોડ્યા.
જેથી તેમના સમાજમાં આ રોગની રોકથામ માટેનાં શક્ય તમામ પગલાં વહેલી તકે ભરી શકાય
નાગરિક સહભાગિતાનો આ એક ઉત્તમ પ્રયોગ હતો.
જેનાં ખૂબ સારાં પરિણામો આવ્યાં.
આ પહેલાં કચ્છમાં ભૂકંપના કારણે જે તારાજી થઈ હતી તેમાંથી કચ્છને બેઠું કરવા આ જ પ્રકારનો સ્વૈચ્છિક સંસ્થાઓ અને સોશિયલ ઇન્ફલ્યુઅન્સર્સ એટલે કે સમાજને દોરી શકે એવી વ્યક્તિઓનો ઉપયોગ થયો હતો.
દરમિયાનમાં અમદાવાદ ખાતે ટેસ્ટિંગની સવલત ઊભી થઈ. સૌરાષ્ટ્રની માંગ હતી આવી સવલત રાજકોટ ખાતે ઊભી કરવાની, જે ટેસ્ટિંગ લૅબોરેટરી માત્ર ત્રણ જ દિવસમાં ઊભી કરી.
સુરત અને ભાવનગર ખાતે પણ ટેસ્ટિંગની સવલત ઊભી થઈ. આમ, સ્વાઇન ફ્લૂનું ઝડપથી નિદાન શક્ય બન્યું એના કારણે ઝડપથી ટ્રીટમેન્ટ આપી શકાઈ.
આ રોગને નાથવામાં, આ રોગને વધુ ફેલાતો અટકાવવામાં તેમજ તેની ઘાતક શક્તિ કાબૂમાં રાખવામાં લોકભાગીદારી અને તે ટેસ્ટિંગની સવલતો તેમજ દવાઓની ઉપલબ્ધિ અને હૉસ્પિટલમાં વૅન્ટિલેટર સાથે સુસજ્જ આઇસોલેશન વૉર્ડ, આ બધું જ આરોગ્યવિભાગના તંત્રની કામગીરી સાથે જોડાઈ અને એની ખૂબ સુંદર અસર ઊભી કરી શકાઈ.

સરકાર અને લોકોના પ્રયત્નોનો

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારે અને આરોગ્ય વિભાગે તે સમયે H1N1 (સ્વાઇન ફ્લૂ) આખરે શું છે?, વયસ્કોમાં સ્વાઈન ફ્લૂનાં લક્ષણો, સામાન્ય શરદી-ઉધરસ અને સ્વાઇન ફ્લૂમાં શો ફરક?, સ્વાઇન ફ્લૂ કેવી રીતે ફેલાય છે?, આ બીમારીથી બચવાના ઉપાય, આના માટે કઈ દવા છે? અને સ્વાઇન ફ્લૂથી બચવાના સામાન્ય રોગપ્રતિરોધક પગલાં અને ઘરગથ્થુ ઉપાય કયા કયાં? વગેરે મુદ્દે ગુજરાતના જનમાનસમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવ્યું.
બાળકોના કિસ્સામાં ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની, વારંવાર ઊલટી થવી, ચાલી ન શકવું, ક્રિયાપ્રતિક્રિયા ના આપવી, મૂંઝવણ અને વારેવારે રડવું, તાવ અને શરદીનો ભોગ બનવું વગેરે જણાય તો તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવાનું જણાવવામાં આવ્યું.
આમ, સરકારી પ્રયત્નોથી સ્વાઇન ફ્લૂ સામે તે સમયે રાજ્ય સરકારનું અભિયાન એ માત્ર સરકારી કાર્યક્રમમાં જ ન બની રહેતા એક જનઆંદોલનમાં પરિવર્તિત થયું જેને કારણે સામૂહિક પ્રતિકારશક્તિ અને સમાજ તેમજ આ સંસ્થાઓ પાસે ઉપલબ્ધ સંસાધનો તેમજ માનવબળ આ કાર્યમાં જોડાયાં.
એ વખતે 2009 અને 2010ના વર્ષમાં આ રોગ સામે એક પ્રકારનો ગભરાટ અને આતંક ઊભો થાય તેવી સ્થિતિ હતી.
આ ગભરાટ અને આતંકને સૌની શક્તિનો સરવાળો કરી મહદ્અંશે ટાળી શકાયા અને એક રીતે કહીએ તો ગુજરાતના જનજીવનને જરાય સ્થગિત કર્યા વગર સહુના સાથ અને સહકારથી આ કટોકટી પાર પડાઈ.

આ રોગનો સંપૂર્ણ સફાયો થઈ શક્યો નથી?

ઇમેજ સ્રોત, Getty Images
હજુ પણ આ રોગ ભારતમાંથી ચાલ્યો ગયો નથી. 2012થી 2019 સુધી 8327 લોકો સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યુ પામ્યા છે. ભેજવાળું વાતાવરણ અને ઠંડી હોય ત્યારે આ રોગ ફેલાય છે.
2019માં ગુજરાત અને રાજસ્થાનમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે. નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલના આંકડા પ્રમાણે પહેલી જાન્યુઆરી 2019થી 24 ફેબ્રુઆરી 2019ના એક મહિનો અને 25 દિવસના ગાળામાં રાજસ્થાનમાં 137 લોકો અને ગુજરાતમાં 88 લોકો આ દરમિયાન મૃત્યુ પામ્યા છે.
2019માં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 7790 કેસ નોંધાયા હતા, 431 મૃત્યુ થયાં. જે 2018માં નોંધાયેલ 2163 કેસ અને 97 મૃત્યુ કરતાં ઘણા વધારે છે.
ગુજરાતમાં છેલ્લાં પાંચ વરસમાં સ્વાઇન ફ્લૂને કારણે 1251 લોકોનાં મોત થયાં છે અને 22,303 જેટલા કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂના મૃત્યુઆંકમાં ગુજરાત ભારતમાં ચોથા નંબરે છે.
2012માં માત્ર 101 કેસ અને 30 મૃત્યુ સ્વાઈન ફ્લૂ થકી થયાં હતાં. સ્વાઇન ફ્લૂ H1N1 નથી દેશમાંથી વિદાય થયો, નથી ગુજરાતમાંથી વિદાય થયો.
સ્વાઇન ફ્લૂથી જ્યારે પહેલું મોત થયું તે 7 ઓગસ્ટ 2009ના દિવસે ગુજરાતમાં સોપો પડી ગયો હતો. આ રોગથી બધા જ થરથરતા હતા. ત્યાર પછીના વરસોમાં 2012 અને 2013 કરતાં પણ વધુ મૃત્યુ સ્વાઇન ફ્લૂને કારણે ગુજરાતમાં થયાં છે. આમ છતાંય હવે સ્વાઇન ફ્લૂ આપણને કોઠે પડી ગયો છે.
કદાચ લાંબા સમયથી ચાલતા આ રોગની ટી.બી. કે અન્ય જીવલેણ રોગોની માફક હવે બીક ભાગી ગઈ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












