મ્યાનમાર તખતાપલટોઃ વિરોધ પ્રદર્શનમાં મૃત્યુ પામનારાં 19 વર્ષનાં યુવતીને શ્રદ્ધાંજલિ આપવા ભારે મેદની ઉમટી

મ્યાનમારના માંડલે શહેરમાં સૈન્ય શાસન સામે વિરોધ પ્રદર્શન દરમિયાન 19 વર્ષની છોકરી ક્યાલ સિનનું મૃત્યુ થયું હતું. ગુરુવારે તેમનાં અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજર રહ્યાં હતા અને ક્યાલને શ્રદ્ધાંજલી અર્પી હતી. ગોળી વાગવાથી બુધવારે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

લોકો ક્યાલ સિનને ઍન્જલ એટલે પરી બોલાવી રહ્યાં છે. વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે એક ટી-શર્ટ પહેર્યું હતું જેમાં લખ્યું હતું કે "બધું બરાબર થઈ જશે."

સોશિયલ મીડિયા પર પણ લોકો ક્યાલ સિનને યાદ કરી રહ્યાં છે અને તેમને હીરો તરીકે ગણાવી રહ્યાં છે.

સમાચાર એજન્સી રૉઈટર્સના અહેવાલ અનુસાર ગુરુવારે ક્યાલ સિનના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાજર લોકોએ ક્રાંતિનાં ગીતો ગાયાં હતા અને સૈન્ય તખતાપલટા સામે સૂત્રોચ્ચાર કર્યાં હતા.

વિરોધ પ્રદર્શનમાં સામેલ થતાં પહેલાં ક્યાલ જાણતા હતાં કે તેમની સાથે કંઈપણ ઘટના બની શકે છે. તેમણે ફેસબુક પર પોતાનાં બ્લડ ગ્રુપ વિશેની માહિતી પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે જો તેમને કઈ થઈ જાય તો તેમના અંગો જરૂરિયાતમંદોને દાન કરવામાં આવે.

બુધવારે વિરોધ પ્રદર્શનમાં ક્યાલ સાથે રહેલાં મીટ થુ કહે છે કે, "વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટિયર ગૅસના શૅલ છોડ્યાં હતા. ટિયર ગૅસના કારણે અસર પામેલા લોકોની મદદ કરવા માટે ક્યાલે પાણીની પાઇપ ઉપાડી અને મોઢું ધોવા માટે તેઓ લોકોને મદદ કરવા લાગ્યા."

મીટ થુ કહે છે કે, "આ દરમિયાન પોલીસે ગોળીબાર કર્યો. ત્યારબાદ ક્યાલે મને ત્યાંથી જવા માટે કહ્યું."

તેઓ કહે છે, "આ લડાઈ નહોતી. લોકો પર ગોળી ચલાવવાની કોઈ જરૂર નહોતી."

મ્યાનમારમાં 38 પ્રદર્શનકારીઓનાં મોત બાદ મોટી સંખ્યામાં જનતા રસ્તા પર

દરમિયાન, મ્યાનમારમાં બુધવારે એક દિવસમાં 38 પ્રદર્શનકારીઓનાં મોત બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે.

દેશના સૌથી મોટા શહેર યંગૂનમાં પ્રદર્શનકારીઓએ કાંટાળા તારો અને ટાયરોથી બેરિકેડ્સ બનાવ્યા છે. અહીંથી આવી રહેલા સમાચારો મુજબ પોલીસે પ્રદર્શનકારીઓને હઠાવવા ટીયરગેસ અને ગોળીઓ વરસાવી છે. જોકે, હજી સુધી મૃત્યુના કોઈ સમાચાર નથી.

યંગૂન ઉપરાંત મુખ્ય શહેર મોન્યાવામાં પણ પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવી છે.

મીડિયા અહેવાલો મુજબ યંગૂનના પશ્ચિમમાં આવેલા પાથેન શહેરમાં પણ પોલીસે ગોળીબાર કર્યો છે.

સામાજિક કાર્યકર માઉંગ શાઉંગકાએ સમાચાર સંસ્થા રૉયટર્સને કહ્યું કે, "અમને ખબર છે કે અમને ગોળી વાગી શકે છે અને મરી પણ શકીએ છીએ પણ એનો અર્થ એ નથી કે અમે સેનાનું શાસન સ્વીકારી લઈએ."

'લોહિયાળ બુધવાર'

મ્યાનમારમાં સૈન્યના તખ્તાપલટના એક મહિના પછી હિંસા ચાલુ છે. બુધવારે ઓછામાં ઓછા 38 લોકોનાં મોત થયાં છે.

સંયુક્ત રાષ્ટ્રએ આને 'ખૂની બુધવાર' કહ્યો છે. મ્યાનમારમાં સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત ક્રિસ્ટિન શ્રેનરે કહ્યું છે કે દેશભરમાં હૃદયને હચમચાવી નાખનારા દૃશ્ય સામે આવી રહ્યા છે.

ક્રિસ્ટિને એમ પણ કહ્યું કે એવું લાગે છે કે સુરક્ષાદળો ગોળીબારમાં લાઇવ બુલેટનો ઉપયોગ કરી રહ્યા છે.

આખા મ્યાનમારમાં એક ફેબ્રુઆરીએ થયેલાં સૈન્યના તખતાપલટની સામે વિરોધપ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ માગ કરી રહ્યા છે કે આંગ સાન સૂ ચી સહિત ચૂંટાયેલા સરકારી નેતાઓને છોડી મૂકવામાં આવે.

આ નેતાઓને સત્તામાંથી હઠાવીને સૈન્યએ જેલમાં બંધ કરી દીધા છે. પ્રદર્શનકારી સૈન્ય સામે પણ તખ્તાપલટને ખતમ કરવાની માગ થઈ રહી છે. જોકે હિંસા ત્યારે સામે આવી છે જ્યારે પડોશી દેશ સૈન્યથી સંયમ રાખવાનો આગ્રહ કરી રહ્યા છે.

આવીને સીધા ગોળી મારવા લાગ્યા

ક્રિસ્ટિન શ્રેનરનું કહેવું છે કે તખતાપલટ પછી હાલ સુધીમાં 50 લોકોનાં મોત થયાં છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયાં છે. એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસ મેડિકલ દળના નિ:શસ્ત્ર લોકોને મારી રહી છે. એક ફૂટેજમાં જોવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓને ગોળી મારી દેવામાં આવી અને એવું લાગે છે કે આ રસ્તા પર થયું છે.

ક્રિસ્ટિને કહ્યું, "મેં કેટલાંક હથિયારોના નિષ્ણાતોને કહ્યું કે તે હથિયારોની ઓળખ કરે. સ્પષ્ટ નથી પરંતુ એવું લાગી રહ્યું છે કે પોલીસની પાસે જે હથિયાર છે તે 9 એમએમ સબમશીન ગન્સ છે અને તે લાઇવ બુલેટનો ઉપયોગ કરી રહ્યા છે."

સેવ ધ ચિલ્ડ્રનનું કહેવું છે કે જે લોકોને બુધવારે મારવામાં આવ્યા છે તેમાં 14 અને 17 વર્ષનાં બે છોકરા છે. આમાં એક 19 વર્ષની છોકરી પણ છે. સમાચાર એજન્સી રૉયટર્સે એક સ્થાનિક પત્રકારને કહ્યું કે મધ્ય મ્યાનમારના મોન્યવામાં પ્રદર્શન દરમિયાન છ લોકોનાં મોત થવાના સમાચાર છે અને 30 લોકો ઘાયલ થયાં છે.

સમાચાર એજન્સી એએફપીને એક મેડિકલ સ્વયંસેવકે કહ્યું કે મયીંગ્યાનમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયાં છે. તેમનું કહેવું છે કે સૈન્યએ ટિયર ગૅસ, રબર બુલેટ અને લાઇવ બુલેટનો ઉપયોગ કરી રહી છે. આ શહેરના એક પ્રદર્શનકારીએ રૉયટર્સને કહ્યું, "આ અમને વૉટર કેનનથી હઠાવી નથી રહ્યા અને ન ચેતવણી આપી રહ્યા છે. સીધી ગોળી મારી રહ્યા છે."

મંડાલયમાં એક પ્રદર્શનકારી વિદ્યાર્થીએ બીબીસીને કહ્યું કે તેની પાસે જ પ્રદર્શનકારીઓને મારી નાખવામાં આવ્યા. તેમણે કહ્યું, "મને લાગે છે કે અંદાજે 10 અથવા 10.30નો સમય હશે ત્યારે સૈન્ય અને પોલીસના જવાન આવ્યા અને હિંસક રીતે લોકો પર ગોળીઓ ચલાવવાનું શરૂ કરી."

આ મૃત્યુના અહેવાલ અંગે સૈન્ય તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

દબાણ છતાં સેનાનું વલણ મક્કમ

ક્રિસ્ટન શ્રેનરે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રે મ્યાનમારના સૈન્ય અધિકારીઓ સામે આકરો નિર્ણય લેવો જોઈએ. પોપ ફ્રાંસીસે ઉત્પીડનને બદલે સંવાદ કરવાનો આગ્રહ કર્યો છે. મ્યાનમારને લઈને પોડશી દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોનાં વિદેશમંત્રીઓએ ખાસ બેઠક કરી છે.

જોકે, તમામે સંયમ દાખવવાની સલાહ આપી છે. કેટલાંક મંત્રીઓએ સૈન્યશાસકોને આંગ સાન સૂ ચીને મુક્ત કરી દેવાની સલાહ આપી છે. 75 વર્ષીય સૂ ચીને નજરબંધ કરાયાં એ પછી તેઓ આ અઠવાડિયે કોર્ટમાં વીડિયો લિંક થકી હાજર જોવાં મળ્યાં હતાં.

સેનાનું કહેવું છે કે તખ્તાપલટ એટલે છે કેમ કે જેમાં સૂ ચીની નેશનલ લીગ ફૉર ડૅમોક્રસીને બહુમત મળ્યો છે તે નવેમ્બરની સામાન્ય ચૂંટણીમાં ગરબડ થઈ છે. જોકે, આ આરોપ મામલે સેનાએ કોઈ પુરાવા નથી આપ્યા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો