You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મ્યાનમાર : તખતાપલટ બાદ મહત્ત્વના નેતાઓની ધરપકડ શરૂ
શુક્રવારે સેનાએ આંગ સાન સૂ ચીના પક્ષ નેશનલ લીગ ફૉર ડેમૉક્રેસી (એનએલડી)ના નેતા વિન હિટેનની ધરપકડ કરી છે.
79 વર્ષના વિન હિટેન એનએલડીના મહત્ત્વના નેતા છે અને તેઓ આંગ સાન સૂ ચીના મોટા સમર્થક છે.
હિટેનની શુક્રવાર સવારે યાન્ગૂનસ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.
બીબીસી સાથે વાત કરતા હિટેને જણાવ્યું કે સેના અને પોલીસ અધિકારીઓ તેમને પાટનગર રંગૂન લઈ જઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે, "રાજદ્રોહના કાયદા હેઠળ તેમની અટકાયત કરવામાં આવી છે. રોજદ્રોહના ગુનામાં મહત્તમ આજીવનકેદની સજા આપવામાં આવે છે. જોકે હજુ સુધી તેમની પર જે આરોપ
લગાવવામાં આવ્યા છે તેની કોઈ માહિતી તેમને આપવામાં આવી નથી."
"આટલા દિવસોથી હું જે કહી રહ્યો છું એ તેમને પસંદ નથી. મારા શબ્દોથી તેઓ ડરી ગયા છે."
જ્યારથી સેના દ્વારા તખ્તપલટો કરવામાં આવ્યો છે ત્યારથી હિટેન સતત ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, જેમાં તેઓ તખ્તપલટા માટે સેના અને સેનાના નેતા મિન આંગ લિયાન્ગની ટીકા કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થોડા દિવસો પહેલાં સ્થાનિક મૅગેઝિન ફ્રન્ટિયરને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં હિટેને જણાવ્યું હતું કે તાત્માદો અથવા મ્યાનમારના આર્મ્ડ ફોર્સિસેર્સની તખ્તપલટો કરવાના કારણે
બદનામી થશે.
"તખ્તપલટો કરવાથી એ સાબિત થાય છે કે તેઓ બુદ્ધિશાળી નથી અને ટૂંકી માનસિકતા ધરાવે છે. 1962માં જનરલ વિને તખ્તપલટો કર્યો હતો તેનો મને અનુભવ છે. તખ્તપલટાના કારણે
મ્યાનમારની અર્થવ્યવસ્થાને 26 વર્ષ સુધી સહન કરવું પડ્યું છે."
ફેસબુકને ત્રણ દિવસ સુધી બ્લૉક કરી દેવાયું
ચૂંટાયેલી સરકારને ઊથલાવી દીધા બાદ મ્યાનમારની સેનાએ દેશમાં ફેસબુક બ્લૉક દીધું છે.
મ્યાનમારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે 7 ફેબ્રુઆરી સુધી દેશમાં ફેસબુકને બ્લૉક કરી નાખવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે દેશમાં 'સ્થિરતા જળવાઈ રહે' તે માટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને બ્લૉક કરવામાં આવ્યું છે અને લોકો તેનો ઉપયોગ કરી શકશે નહીં.
મ્યાનમારમાં ઘણાં લોકો માત્ર ફેસબુક મારફતે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. મ્યાનમારમાં તખતાપલટા બાદ સેનાની કાર્યવાહીનો વિરોધ કરી રહેલા લોકો માટે ફેસબુક એક મોટું પ્લૅટફોર્મ બની ગયું છે.
મ્યાનમારની કુલ વસ્તીમાં 53 મિલિયન લોકો ફેસુબકનો ઉપયોગ કરે છે. એટલે કે અડધી વસ્તી ફેસબુક વાપરે છે. તખતાપલટા સામે વિરોધ કરી રહેલા લોકોને સર્મથન આપવા માટે ઍક્ટવિસ્ટો દ્વારા ફેસબુક પર પેજ બનાવવામાં આવ્યું છે.
મોંઘા ટેલિકૉમ ચાર્જને બચાવવા માટે મ્યાનમારમાં ફેસબુક પોતાના ઍપને કોઈ પણ ડેટા ખર્ચ વગર ઉપયોગ કરવાની છૂટ આપે છે.
મ્યાનમારની સૈન્ય સત્તા દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહીની ફેસબુકે પુષ્ટી કરી છે. ફેસબુકે સરકારને આપીલ કરી કે તેઓ ઈન્ટરનેટ સેવા શરુ કરે જેથી લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સંપર્ક કરી શકે અને મહત્ત્વની માહિતી મેળવી શકે.
મ્યાનમારના આર્મ્ડ ફોર્સિસના વડા મિન આંગ લિયાન્ગ દ્વારા તખતોપલટો કરવામાં આવ્યો છે. લિયાન્ગે દેશમાં એક વર્ષ સુધી કટોકટી લાદી દીધી છે.
નવેમ્બર 2020માં મ્યાનમારમાં ચૂંટણીઓ થઈ હતી જેમાં નૅશનલ લીગ ફૉર ડેમૉક્રેસી પાર્ટીએ ભારે અંતરથી જીત હાંસલ કરી હતી. સેનાનો દાવો છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગરબડ થઈ છે
મ્યાનમાર તખતાપલટોઃ આંગ સાન સૂચી સામે કેસ નોંધવામાં આવ્યા, 15મી સુધી હિરાસતમાં રહેશે
સોમવારે મ્યાનમારની સેના દ્વારા તખતાપલટો કર્યા બાદ બુધવારે મ્યાનમારની પોલીસે ચૂંટાયેલા નેતા આંગ સાન સૂચી સામે વિવિધ આરોપો હેઠળ કેસો નોંધ્યાં છે.
પોલીસ મુજબ સૂચીને 15 દિવસની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે. પોલીસે દ્વારા સૂચી સામે જે વિવિધ આરોપો મૂકવામાં આવ્યાં છે તેમાં આયાત-નિકાસના કાયદાનો ભંગ કરવાનો અને ગેરકાયદેસર કૉમ્યુનિકેશનના સાધનો વસાવવાનો આરોપ પણ સામેલ છે.
આંગ સાન સૂચી ક્યાં છે તેની કોઈ સત્તાવાર માહિતી સૈન્ય દ્વારા આપવામાં આવી નથી પરતું માનવામાં આવી રહ્યું છે કે સૂચીને નાય પી ટો સ્થિત તેમનાં ઘરમાં નજરકેદમાં રાખવામાં આવ્યાં છે.
પોલીસ દસ્તાવેજો મુજબ બરતરફ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ વિન મ્યિંટ સામે પણ આરોપ મૂકવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ સામે આરોપ છે કે કોરોના વાઇરસ રોગચાળામાં લોકોને એકઠા કરવાની મનાઈ હોવા છતાં તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યો છે. તેમને પણ બે અઠવાડિયા માટે પોલીસ રિમાન્ડમાં મોકલી આપવામાં આવ્યા છે.
આરોપો શું છે?
આંગ સાન સૂચી અને રાષ્ટ્રપતિ વિન મ્યિંટ સામે પોલીસે જે આરોપો મૂક્યાં છે તેની માહિતી ફર્સ્ટ ઈન્ફોરમેશન રિપોર્ટ (એફઆઈઆર) માં છે. પોલીસે એફઆઈઆર કોર્ટમાં જમા કરાવી છે.
એફઆઈઆરમાં આંગ સાન સૂચી પર આરોપ છે કે તેમને ગેરકાયદેસર રીતે કૉમ્યુનિકેશનના સાધનો - વૉકીટૉકી- આયાત કરી છે અને તેનો ઉપયોગ કર્યો છે. આ સાધનો નાય પી ટો સ્થિત તેમનાં ઘરમાં મળી આવ્યા છે.
પોલીસ કાગળો અનુસાર સાક્ષીઓની પૂછપરછ કરવા માટે, પુરાવાઓ મેળવવા માટે અને કાનૂની મદદ મેળવવા માટે સૂચીને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે.
વિન મ્યિંટ સામે નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ કાયદાનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોવિડ પ્રતિબંધો હોવા છતાં સમર્થકોને મળવા માટે 220 ગાડીઓને કાફલો લઈ જવાનો તેમના પર આરોપ છે.
જ્યારથી સેનાએ તખતાપલટો કર્યો છે ત્યારથી આંગ સાન સૂચી અને રાષ્ટ્રપતિ વિન મ્યિંટ એક વખત પણ જાહેરમાં આવ્યા નથી.
મ્યાનમારના આર્મડ ફોર્સસેસના વડા મિન આંગ લિયાન્ગ દ્વારા તખતોપલટો કરવામાં આવ્યો છે. લિયાન્ગે દેશમાં એક વર્ષ સુધી કટોકટી લાદી દીધી છે.
નવેમ્બર 2020માં મ્યાનમારમાં ચૂંટણીઓ થઈ હતી જેમાં નૅશનલ લીગ ફૉર ડેમૉક્રેસી પાર્ટીએ ભારે અંતરથી જીત હાંસલ કરી હતી. સેનાનો દાવો છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગરબડ થઈ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો