You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'દિલ્હીની સરહદ આંતરરાષ્ટ્રીય બૉર્ડર લાગી રહી છે'
કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે "છેલ્લા બે મહિનાથી બેઠેલા ખેડૂત શું કહી રહ્યા છે, તેઓ એટલું જ કહે છે કે અમારી માટે કાયદો બનાવો છો તો અમને પૂછો કે એની અમારી પર શું અસર થશે."
દિલ્હીમાં પ્રજાસત્તાકદિને થયેલી હિંસામાં માર્યા ગયેલા નવરીત સિંઘના પરિવારને મળવા પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના રામપુર પહોંચ્યાં હતાં.
પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે "આ ખેડૂતોની લડત છે, જેની પાછળ ન કોઈ રાજનેતા છે, ન કોઈ રાજકીય પાર્ટી."
તેમણે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કહ્યું કે જો ખેડૂતો વાત કરવા માગતા હોય તો હું એક ફોન કૉલ જેટલો દૂર છું. તેમનામાં એટલો અહંકાર છે કે તેઓ ખેડૂતોને મળવા નથી જઈ શકતા. વડા પ્રધાનના આવાસથી દિલ્હી બૉર્ડર દૂર કેટલી છે."
તેમણે કહ્યું, "સરકારને હવે અહંકાર આવી ગયો છે. જનતા સાથેનું તેમનું જોડાણ તૂટી ગયું છે, હવે તેમને જનતાનો અવાજ સંભળાતો નથી."
તેમણે એવું પણ કહ્યું કે દિલ્હીની સરહદ પર બૅરિકેડિંગ જોઈ એવું લાગે છે જાણે આંતરરાષ્ટ્રીય સરહદ હોય.
ખેડૂત આંદોલન : વિપક્ષના સાંસદોને ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોને મળતા અટકાવાયા
ગાઝીપુર બૉર્ડર પર ખેડૂત નેતાઓને મળવા પહોંચેલા નેતાઓને પોલીસે રોકી લીધા છે.
10 રાજકીય પક્ષોના 15 સાંસદો દિલ્હી-ઉત્તર પ્રદેશને જોડતી ગાઝીપુર બૉર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળવા ગયા હતા. પરંતુ તેમને પોલીસે રોકી લીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિરોમણી અકાલી દળનાં નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે આ અંગે સૂચના આપી.
ગાઝીપુર પહોંચીને હરસિમરત કૌરે કહ્યું, "અમે અહીં છીએ કારણ કે સંસદમાં આ અંગે ચર્ચા કરી શકીએ. સ્પીકર અમને આ મુદ્દો ઉઠાવવા નથી દેતા."
પ્રિયંકા ગાંધી ટ્રૅક્ટર રેલીમાં માર્યા ગયેલા ખેડૂતને મળવા રવાના
કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી યુપીના રામપુર જઈ રહ્યાં છે. પ્રિયંકા ગાંધીનો કાફલો સવારે રામપુર જવા માટે રવાના થઈ ગયો છે.
અહેવાલો અનુસાર, પ્રિયંકા ગાંધી ટ્રેક્ટર પરેડ દરમિયાન માર્યા ગયેલા પ્રદર્શનકારી નવરીતના ઘરે જશે.
આ સિવાય વિપક્ષના નેતાઓનો એક કાફલો ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોની મુલાકાતે નીકળ્યું છે.
ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ એએનઆઈને કહ્યું, "અમને જાણકારી મળી હતી કે નવરીતનું ટ્રેક્ટર રેલી દરમિયાન મોત થયું હતું. પ્રિયંકા ગાંધી રામપુરમાં આજે તેમના ઘરે પહોંચીને પરિવારજનો સાથે મુલાકાત કરશે."
નવરીત ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના બિલાસપુરના ડિબડિબા ગામના રહેવાસી હતા.
દિલ્હીના આઈટીઓ વિસ્તારમાં તેમનું મૃત્યુ થયું હતું. પ્રદર્શનકારીઓએ તેમનું મૃત્યુ ગોળી વાગવાને કારણે થયું હોવાનો આરોપ લગાવ્યો હતો.
જોકે પોલીસનું કહેવું હતું કે ટ્રેક્ટર પલટી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. તેને સંબંધિત સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યાં છે.
નવરીત હાલમાં ઑસ્ટ્રેલિયાથી આવ્યા હતા અને ખેડૂત આંદોલનમાં સામેલ થયા હતા.
ખેડૂત આંદોલન પર અમેરિકાનું નિવેદન
અમેરિકન વિદેશમંત્રાલયના એક પ્રવક્તાએ ભારતમાં ચાલતાં ખેડૂત આંદોલન અને કૃષિકાયદા પર નિવેદન આપ્યું છે.
પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું કે 'શાંતિપૂર્ણ પ્રદર્શન લોકંતત્રની કસોટી' છે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ ભારતમાં ચાલતાં આંદોલન પર ટ્વીટ કર્યાં હતાં અને ત્યારબાદ ભારતીય વિદેશમંત્રાલયના નિવેદન બાદ અમેરિકાનું આ નિવેદન આવ્યું છે.
અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું, "સામાન્ય રીતે અમેરિકા ભારતીય બજારની દક્ષતાને સુધારવા અને ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષિત કરવા માટે ઉઠાવેલાં પગલાંનું સ્વાગત કરે છે."
જોકે ખેડૂત પ્રદર્શન સાથે સંકળાયેલા સવાલ પર પ્રવક્તાએ કહ્યું કે કોઈ પણ સમસ્યા બંને પક્ષોએ વાતચીતથી ઉકેલવી જોઈએ.
પ્રવક્તાએ કહ્યું કે "અમે માનીએ છીએ કે શાંતિપૂર્ણ પ્રદર્શનથી કોઈ પણ સંપન્ન લોકતંત્રની કસોટી થાય છે અને એ યાદ રાખવાની જરૂર છે કે ભારતીય સુપ્રીમ કોર્ટે પણ એમ જ કહ્યું છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો