You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Union Budget 2021 : શું આ વર્ષનું બજેટ રોજગારી પેદા કરી શકશે?
- લેેખક, નિધિ રાય
- પદ, મુંબઈ
નાણામંત્રી નિર્મલા સીતારમણના કોવિડ યુગના બજેટને શેરબજાર અને ઘણા અર્થશાસ્ત્રીઓએ વધાવી લીધું છે. સરકારે આખરે પોતાની તિજોરી ખોલી છે અને અર્થતંત્રના તમામ મહત્ત્વના ક્ષેત્રોમાં મૂડીરોકાણ પર ભાર મૂક્યો છે. રોજગારીનું સર્જન કરવું એ નરેન્દ્ર મોદી સરકાર માટે એક બહુ મોટો પડકાર રહ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના અહેવાલ પ્રમાણે ડિસેમ્બર મહિનામાં દેશમાં બેરોજગારીનો દર 9 ટકા હતો.
ભારતમાં કોરોનાકાળમાં કરોડો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અથવા તેમના પગારમાં ઘટાડો થયો છે. કોરોના દરમિયાન કેટલા લોકોએ રોજગારી ગુમાવી તે વિશે સરકારે હજુ સુધી સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી.
અમે જેમની સાથે વાત કરી તે નિષ્ણાતો માને છે કે આ વખતના બજેટથી યોગ્ય લોકોના ખિસ્સામાં નાણાં જશે. જેથી બજેટનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો અપેક્ષિત પરિણામો પ્રાપ્ત થશે.
એક્સિસ બેન્કના ચીફ ઇકૉનૉમિસ્ટ સૌગાતા ભટ્ટાચાર્યએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “આ બજેટમાં રોજગારીના સર્જન માટે વિવિધ પગલાં લેવાયા છે. તેમાં સૌપ્રથમ 13 સેક્ટરમાં સ્થાનિક ઉત્પાદનને ઉત્તેજન આપવા માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ)નું ક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું છે. તેનાથી વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે સંકલન વધારવામાં મદદ મળશે. આ ઉપરાંત ટેક્સટાઈલ્સ જેવા સેક્ટર માટે ઇન્વેસ્ટમેન્ટ પાર્ક, ફિશરીઝ માટે એન્સિલરી ફાર્મમાં રોકાણને ઉત્તેજન આપવામાં આવશે.”
ભટ્ટાચાર્યએ ઉમેર્યું કે, “એફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે લેવાયેલાં પગલાંથી બાંધકામક્ષેત્રે રોજગારી વધશે. લોજિસ્ટિક્સ પણ મોટી સંખ્યામાં જોબ પેદા કરી શકે તેવું ક્ષેત્ર છે. ખાનગી ફાઇનાન્સ મેળવવાઅને તેને નવી રોજગારીમાં રૂપાંતરિત કરવા માટે અસરકારક અમલીકરણ સૌથી મહત્ત્વનું રહેશે.”
પ્રોજેક્ટ નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે મહત્વનું
કેર રેટિંગ્સના સિનિયર ઇકૉનૉમિસ્ટ કવિતા ચાકો જણાવે છે કે, “પ્રોજેક્ટ્સના અસરકારક અમલીકરણ અને તેને નિશ્ચિત સમયમર્યાદામાં પૂરા કરવામાં આવે તે મહત્ત્વની બાબત રહેશે. પ્રોજેક્ટને મંજૂરી, ફાઇનાન્સિંગ, જમીન સંપાદન, ટેન્ડરિંગમાં વિલંબ વગેરે અવરોધ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત કોરોનાના કારણે અનિશ્ચિતતા વધી છે.”
આ વખતના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાથી પ્રોફેશનલ્સની ગુણવત્તામાં સુધારો થશે તેમ ફોર્ટિસ હેલ્થકેરના એમડી અને સીઈઓ ડો. આશુતોષ રઘુવંશી જણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડો. રઘુવંશીએ ઉમેર્યું કે, “એલાઇડ હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે કમિશનની જાહેરાતથી દેશમાં હેલ્થકેર પ્રોફેશનલ્સની ગુણવત્તા સુધરશે. આપણા ઉદ્યોગમાં મોટી સંખ્યામાં માનવ સંસાધન પ્રોફેશનલ્સની ભરતી કરવામાં આવે તેવી પણ શક્યતા છે કારણ કે સંસ્થાઓને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે તેની જરૂર છે.”
ઇન્ડિયન સ્ટાફિંગ ફેડરેશનના પ્રમુખ લોહિત ભાટિયાએ જણાવ્યું કે બજેટમાં કરવામાં આવેલી નીતિવિષયક જાહેરાતોથી અર્થતંત્રમાં રોજગારીના ફોર્મલાઇઝેશનમાં મદદ મળશે.
ચાર લેબર કોડના અમલીકરણ, જેમાં ફૂલ ટાઈમ કર્મચારીઓની સાથે છુટક કામ કરનારા લોકો, ઉબર, સ્વિગી અને ડંઝો જેવી કંપનીઓના પ્લેટફોર્મ વર્કર્સને સોશિયલ સિક્યોરિટી આપવી, તથા લઘુત્તમ વેતન અંગે બેન્ચમાર્ક સ્થાપિત કરવામાં આવશે. સરકાર છુટક કામ કરનારા લોકો, બાંધકામ અને બીજા અસંગઠીત ક્ષેત્રના લોકોને મદદ કરવા માટે ડેટા એકત્ર કરી રહી છે જેથી તેમને આરોગ્ય, આવાસ, કૌશલ્ય, વીમો અને પોષણ યોજનાઓના લાભ મળી શકે.
તેમણે જણાવ્યું કે, “એક દેશ, એક રાશન કાર્ડ જેવી યોજનાઓ પણ મદદરૂપ બનશે. ઔપચારિક સેક્ટરના તમામ રોજગારને સામાજિક સુરક્ષાના હેતુ માટે ગણતરીમાં લેવામાં આવશે તે મુજબની જાહેરાત ફ્રન્ટલાઈન કર્મચારીઓને મદદરૂપ છે. તે દર્શાવે છે કે આપણે રોજગારીના ફોર્મલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છીએ.”
મહિલાઓને સૌથી વધારે ફાયદો
ટીમલિઝ સર્વિસિસના સહ-સ્થાપક અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ રિતુપર્ણા ચક્રવર્તીએ જણાવ્યું કે, “આ વખતના બજેટમાં સૌથી વધુ મહિલાઓને ફાયદો થશે.”
તેઓ કહે છે, “બજેટની જાહેરાતો મુજબ મહિલાઓ દરેક કેટેગરીમાં કામ કરી શકશે અને તેઓ પૂરતા રક્ષણ સાથે નાઇટ-શિફ્ટમાં પણ કામ કરી શકશે. તેનાથી મહિલાઓને ઔપચારિક વર્કફોર્સમાં જોડાવાની વધુ તક મળશે. સ્કિલિંગ, એપ્રેન્ટિસશિપ અને ઉચ્ચ શિક્ષણમાં રોકાણ અને યોજનાઓથી હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ અને ઉત્પાદકતા સુધારવામાં ચોક્કસ મદદ મળશે.”
રિતુપર્ણા ચક્રવર્તીએ એક મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો કે વ્યક્તિગત પ્રોફેશનલ્સ માટે સરકારે ખાસ કંઇ કર્યું નથી.
તેમણે કહ્યું કે, “મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સના સૂત્રને વળગી રહીને અને ઇઝ ઓફ ડુઇંગમાં સુધારો કરવાની નીતિ ચાલુ રાખતા આ વખતના બજેટમાં યુનિક એન્ટરપ્રાઇઝિંગ નંબર માટે એક રોડમેપની જાહેરાત કરવામાં આવશે તેવી અપેક્ષા હતી. હાલમાં બિઝનેસ ચલાવવા માટે 27 કે તેનાથી પણ વધારે રજિસ્ટ્રેશનની જરૂર પડે છે. બજેટમાં વ્યક્તિગત વર્કિંગ પ્રોફેશનલ્સને વધારે રાહત આપવી જોઈતી હતી. તેમને ઇપીએફ યોગદાન વિશે વધારે પસંદગી આપવાની જરૂર હતી.”
આનંદ રાઠી સિક્યોરિટીઝના ચીફ ઇકોનોમિસ્ટ સુજન હાજરા જણાવે છે કે ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક એ સરકાર માટે મોટો પડકાર છે. તેઓ કહે છે, “સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકે તો માંદા એકમોમાંથી છૂટકારો નહીં મળે અને નવી રોજગારીઓ પેદા નહીં કરી શકાય. ડિસઇન્વેસ્ટમેન્ટ કરવું સરળ નહીં હોય કારણ કે આ એકમોના વર્તમાન કર્મચારીઓ તેનો ઉગ્ર વિરોધ કરશે અને બજારની સ્થિતિ પણ બહુ સારી નથી.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો