ઈરાનના મુખ્ય વૈજ્ઞાનિક મોહસિન ફખરીઝાદેહની હત્યા પર સેનાએ કહ્યું, ‘બદલો ચોક્કસ લઈશું’

ઈરાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેમના મુખ્ય પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીઝાદેહની હત્યા કરી દેવામાં આવી છે.

રાજધાની તહેરાનની પાસે આવેલા શહેર અબસાર્ડમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલા બાદ સ્થાનિક હૉસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.

ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે તેમની હત્યાની નિંદા કરતા કહ્યું કે આ 'રાજ્ય પ્રાયોજિત આતંકની ઘટના' છે.

પશ્વિમના દેશોની જાસૂસી એજન્સીઓનું માનવું છે કે ઈરાનના ગુપ્ત પરમાણુ હથિયાર કાર્યક્રમ પાછળ મોહસિન ફખરીઝાદેહનો હાથ હતો.

વિદેશના રાજદૂતો તેમને 'ઈરાનના પરમાણુ બૉમ્બના પિતા' કહેતા હતા. ઈરાન કહેતું આવ્યું છે કે તેમનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશ માટે છે.

વર્ષ 2010 અને 2012ની વચ્ચે ઈરાનના ચાર પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરવામાં આવી હતી અને ઈરાને તેના માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું.

કેવી રીતે થઈ હત્યા?

શુક્રવારે ઈરાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું, "હથિયારબંધ આતંકવાદીઓએ સંરક્ષણ મંત્રાલય મોહસિન ફખરીઝાદેહની કારને નિશાન બનાવી હતી."

"આતંકવાદીઓ અને તેમના અંગરક્ષકો વચ્ચે થયેલી અથડામણમાં ફખરીઝાદેહને ખૂબ ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા."

"દુર્ભાગ્યપૂર્ણ રીતે મેડિકલ ટીમની તેમને બચાવવાની તમામ કોશિશો નિષ્ફળ રહી."

ઈરાનની સમાચાર એજન્સી ફારસ અનુસાર પ્રત્યક્ષદર્શીઓએ પહેલાં બ્લાસ્ટ અને પછી મશીન ગનના ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો.

એજન્સી અનુસાર પ્રત્યક્ષદર્શીઓએ 3-4 ઉગ્રવાદીઓ માર્યા ગયાની વાત કરી છે.

ઇઝરાયલનો હાથ?

ઈરાનના વિદેશમંત્રી જવાદ ઝરીફે ટ્વીટ કરીને કહ્યું છે, "આતંકવાદીઓએ આજે ઈરાનના એક મુખ્ય વૈજ્ઞાનિકની હત્યા કરી દીધી છે. આ બુઝદિલ કાર્યવાહી, જેમાં ઇઝરાયનો હાથ હોવાના ગંભીર સંકેત છે અને આનાથી હત્યારાઓના જંગ કરવાના સંકેતો મળે છે."

ઝરીફનું કહેવું છે, "ઈરાન આંતરરાષ્ટ્રીય સમુદાયો, ખાસ કરીને યુરોપીય સંઘને વિનંતી કરે છે કે તેઓ તેમનું શરમજનક બેવડું વલણ ખતમ કરીને આ આતંકી પગલાની નિંદા કરે."

તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું, "ઈરાન ફરી એક વખત આતંકવાદનો શિકાર બન્યું છે. આતંકવાદીઓએ ઈરાનના એક મહાન વિદ્વાનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે. અમારા નાયકોએ દુનિયા અને અમારા વિસ્તારોમાં સ્થિરતા અને સુરક્ષા માટે હંમેશાં આતંકવાદનો સામનો કર્યો છે. ખોટાં કામો કરનારાઓની સજા અલ્લાહનો કાનૂન છે."

ઈરાની સેનાના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી)એ કહ્યું છે કે ઈરાન તેમના વૈજ્ઞાનિકની હત્યાનો બદલો જરૂર લેશે.

ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સના મેજર જનરલ હુસૈન સલામીએ કહ્યું, "પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરીને અમને આધુનિક વિજ્ઞાન સુધી પહોંચવાથી રોકવાની સ્પષ્ટ કોશિશ કરવામાં આવી રહી છે."

મોહસિન ફખરીઝાદેહ કોણ હતા?

મોહસિન ફખરીઝાદેહ ઈરાનના સૌથી પ્રમુખ પરમાણુ વૈજ્ઞાનિક હતા અને આઈઆરજીસીના વરિષ્ઠ અધિકારી હતા.

પશ્વિમના દેશના સુરક્ષા નિષ્ણાતો અનુસાર તેઓ ઈરાનમાં ખૂબ તાકતવર હતા અને ઈરાનના પરમાણુ હથિયાર કાર્યક્રમમાં તેમની ભૂમિકા પ્રમુખ હતી.

ઇઝરાયલે વર્ષ 2018માં કેટલાક ગુપ્ત દસ્તાવેજો હાંસલ કરવાનો દાવો કર્યો હતો જે અનુસાર મોહસિને ઈરાનનો પરમાણુ કાર્યક્રમ શરૂ કર્યો હતો.

એ સમયે ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું, "આ નામને યાદ રાખજો."

વર્ષ 2015માં ન્યૂયૉર્ક ટાઇમ્સે મોહસિન ફખરીઝાદેહની સરખામણી રૉબર્ટ ઓપનહાઇમર સાથે કરી હતી.

ઓપનહાઇમર એ વૈજ્ઞાનિક હતા જેમણે મેનહટ્ટન પરિયોજનાનું નેતૃત્વ કર્યું હતું, જેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પહેલો પરમાણુ બૉમ્બ બનાવ્યો હતો.

ઇઝરાયલે વૈજ્ઞાનિકની હત્યા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો