પાકિસ્તાનના સૈન્ય સામે જંગે ચડનારા અને મુશર્રફને મૃત્યુદંડ ફટકારા જજની કહાણી, જેમનું મૃત્યુ કોરોનાને કારણે થયું

ઇમેજ સ્રોત, PESHAWAR HIGH COURT
- લેેખક, એમ. ઈલ્યાસ ખાન
- પદ, બીબીસી ન્યૂઝ, ઇસ્લામાબાદ
કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલા ન્યાયમૂર્તિ વકાર અહેમદ સેઠ, પાકિસ્તાનમાંના જૂજ સ્પષ્ટવક્તા ન્યાયમૂર્તિઓ પૈકીના એક હતા. તેઓ પાકિસ્તાનના શક્તિશાળી સૈન્યને પણ પડકાર આપી શકતા હતા.
શ્રદ્ધાંજલિ આપનારાઓએ 59 વર્ષના વકાર અહેમદ શેઠને હિંમતવાન, નીડર અને નિષ્પક્ષ ગણાવ્યા હતા.
પેશાવર હાઈ કોર્ટ(પીએચસી)ના વડા ન્યાયમૂર્તિ તરીકે તેમણે આપેલા ચુકાદાને કારણે દેશનું સૈન્ય અને સરકાર બન્ને તેમના પર રોષે ભરાયા હતાં.
તેમણે આપેલા ચુકાદાઓમાં દેશનિકાલ પામેલા ભૂતપૂર્વ શાસક જનરલ પરવેઝ મુશર્રફને ફાંસીની સજાનો સમાવેશ થાય છે. એ ચુકાદો સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચાયો હતો.
સૈન્ય જે કાયદા હેઠળ ગુપ્ત અટકાયત કેન્દ્રો ચલાવતું હતું એ કાયદાને રદ્દ કરીને, માનવાધિકારના ઉલ્લંઘનના મુદ્દે તેમણે વહીવટીતંત્રને પડકાર્યું હતું અને ત્રાસવાદ વિરોધી કાયદા હેઠળ દોષી ઠરાવાયેલા સંખ્યાબંધ લોકોને પુરાવાને અભાવે છોડી મૂક્યા હતા.
પાકિસ્તાનમાં સૈન્ય તાજેતરનાં વર્ષોમાં તેની વગ વિસ્તારી રહ્યું છે ત્યારે ન્યાયમૂર્તિ સેઠના અવસાનને મોટા આંચકારૂપ ગણવામાં આવી રહ્યું છે.
ઇસ્લામાબાદની હૉસ્પિટલમાં 13 નવેમ્બરે તેમનું અવસાન થયું ત્યારથી સમગ્ર દેશના વકીલો શોકમાં છે.
પાકિસ્તાનના સ્વાયત માનવાધિકાર પંચ(એચઆરસીપી)ના સેક્રેટરી જનરલ હૅરિસ ખાલિકે ન્યાયમૂર્તિ સેઠના મૃત્યુને "પાકિસ્તાનની આભાસી લોકશાહીમાં સ્વતંત્ર રહેવા માટે સંઘર્ષ કરી રહેલા ન્યાયતંત્ર માટે મોટો ઝટકો" ગણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૅરિસ ખાલિકે બીબીસીને જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિ સેઠે "દુર્ભાગ્યે લઘુમતીમાં જ રહેલા નિષ્ઠાવાન અને નિર્ભય ન્યાયમૂર્તિઓની" પરંપરાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ભૂતપૂર્વ સેનેટર અફ્રાસિઆબ ખટકે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિ સેઠનું કદ તેમણે આપેલા નોંધપાત્ર ચુકાદાઓને કારણે જ નહીં, "દમનકારી પરિસ્થિતિમાં પણ એવા ચુકાદા આપવા માટે દેખાડેલી હિંમત"ને કારણે પણ વધ્યું હતું.
સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિએશનના પ્રમુખ અબ્દુલ લતીફ આફ્રિદીએ ન્યાયમૂર્તિ સેઠને "સૈન્ય સામે બાથ ભીડવામાં ક્યારેય પાછા ન પડેલા હિંમતવાન અને દ્રઢનિશ્ચય વ્યક્તિ" ગણાવ્યા હતા.
અબ્દુલ લતીફ આફ્રિદીએ ડૉન અખબારને જણાવ્યું હતું કે "એ માટે તેમણે આકરી કિંમત ચૂકવી હતી."
ન્યાયમૂર્તિ સેઠ સિનિયર હોવા છતાં સુપ્રીમ કોર્ટ માટે તેમની બઢતી ત્રણવાર અટકાવવામાં આવી હોવાનું આફ્રિદીએ જણાવ્યું હતું.

સૈન્યને હચમચાવતા ચુકાદાઓ

ઇમેજ સ્રોત, SHAHNAWAZ KHAN
ન્યાયમૂર્તિ સેઠના વડપણ હેઠળની ત્રણ ન્યાયમૂર્તિઓની વિશેષ અદાલતે જનરલ પરવેઝ મુશર્રફને ગત વર્ષે મૃત્યુદંડની સજા આપીને ઇતિહાસ સર્જ્યો હતો.
2007માં બંધારણને સસ્પેન્ડ કરીને કટોકટી લાદવા બદલ જનરલ મુશર્રફને રાજદ્રોહના દોષી જાહેર કરવામાં આવ્યા હતા.
1947માં બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થયા પછી જે દેશમાં રાજકીય નિર્ણયપ્રક્રિયા પર સૈન્યનો અંકુશ રહ્યો છે, એ દેશની કોઈ અદાલતે ટોચના લશ્કરી અધિકારી માટે બંધારણમાંની રાજદ્રોહની કલમનો અમલ કર્યો હોય એવી એ પહેલી ઘટના હતી.
એ સજાનો અમલ થવાની શક્યતા નથી. પોતે કંઈ ખોટું કર્યાનો સતત ઈનકાર કરતા રહેલા જનરલ મુશર્રફને તબીબી કારણોસર 2016માં પાકિસ્તાન છોડવાની પરવાનગી આપવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, AFP
ચુકાદામાં તેની મંજૂરી આપતાં જણાવવામાં આવ્યું હતું કે જનરલ મુશર્રફ સજાના અમલ પહેલાં મૃત્યુ પામે તો તેમના મૃતદેહને ઇસ્લામાબાદ ખાતેની સંસદ બહાર ઘસડી લાવવામાં આવે અને "ત્રણ દિવસ લટકાવવામાં આવે."
આ ચુકાદાથી રોષ ફેલાયો હતો. સરકાર ન્યાયમૂર્તિ સેઠને પદ માટે અયોગ્ય ગણાવીને તેમની સનદ રદ્દ કરવા ઇચ્છતી હતી અને કાયદા નિષ્ણાતો આદેશને ગેરબંધારણીય ગણાવતા હતા.
આ ચુકાદાએ દેખીતી રીતે સૈન્યની દુખતી રગ દાબી દીધી હતી.
સૈન્યએ એવું નિવેદન બહાર પાડ્યું હતું કે "આ ચુકાદાથી સશસ્ત્ર દળોને તીવ્ર વેદના થઈ છે. "જનરલ મુશર્રફ ક્યારેય દેશદ્રોહી હોઈ ન શકે."
એ ચુકાદા બાબતે ટિપ્પણી કરતાં એચઆરસીપીના હૅરિસ ખાલિકે જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિ સેઠની શબ્દોની પસંદગી બાબતે કેટલાક લોકો અસહમત હોઈ શકે, પરંતુ "લશ્કરી શાસકને બંધારણની ભાવના અનુસાર દેશદ્રોહ માટે દોષિત ઠેરવવાનું તેમનું કામ એક ઐતિહાસિક પરાક્રમ હતું."
એ ચુકાદાને આજે પણ કોર્ટ્સ મારફત પડકારવામાં આવી રહ્યો છે.

સૈન્યને નારાજ કરનાર અન્ય ચુકાદા

ઇમેજ સ્રોત, Getty Images
જનરલ મુશર્રફ સંબંધી ચુકાદા સિવાયના ન્યાયમૂર્તિ સેઠના બીજા ચુકાદાઓથી પણ સૈન્ય નારાજ થયું હતું.
જુન-2018માં પેશાવરમાં વડા ન્યાયમૂર્તિ તરીકે પદભાર સંભાળ્યા બાદ તરત જ તેમણે લશ્કરી કોર્ટ્સની ગુપ્ત કાર્યવાહીમાં દોષી ઠરાવાયેલા 200 નાગરિકોને છોડી મૂક્યા હતા.
એ લશ્કરી કોર્ટ્સની રચના પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલમાં તાલિબાને ડિસેમ્બર-2014માં હુમલો કર્યા પછી કરવામાં આવી હતી.
એ લોકોની મુક્તિ માટે તેમણે પુરાવાના અભાવ અને "હકીકત તથા કાયદામાં દુષ્ટભાવનાને" કારણરૂપ ગણાવ્યા હતા.
ખૈબરપખ્તુન્ખ્વા પ્રાંતમાં વિચારપૂર્વક અમલી બનાવવામાં આવેલા એક કાયદાને તેમણે ગયા વર્ષે ઑક્ટોબરમાં રદ્દ કર્યો હતો.
અદાલતી કે વહીવટી દેખરેખ વિના નાગરિકોને અનિશ્ચિત મુદ્દત સુધી અટકાયતમાં રાખવા માટેનાં ગુપ્ત અટકાયત કેન્દ્રો ચલાવવાની સત્તા એ કાયદા હેઠળ સૈન્યને આપવામાં આવી હતી.
ડૉન અખબારના કાયદાકીય બાબતોના સિનિયર સંવાદદાતા વાસિમ અહમદ શાહે પેશાવરમાં કહ્યું હતું કે "લશ્કરી કોર્ટના દોષિતોની ગત વર્ષે મુક્તિને કારણે સૈન્યનો કેટલોક વર્ગ ગુસ્સે થયો હતો, પણ અટકાયત કેન્દ્રો વિશેના કાયદાને તેમણે રદ્દ કર્યો પછી એકદમ સ્પષ્ટ થઈ ગયું હતું કે ન્યાયમૂર્તિ સેઠ નીડર છે અને સત્તાનાં કેન્દ્રોની કોઈ તરફેણ કરતા નથી."
તેમણે ઉમેર્યું હતું કે "બાદમાં જનરલ મુશર્રફ સામેનો ખટલો ચલાવનારી ત્રણ સભ્યોની ખાસ કોર્ટના વડા તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી ત્યારે તે કેસમાં શેની અપેક્ષા રાખવી એ મોટાભાગના લોકો જાણતા હતા."

કાયદાની ઝીણવટભરી જાણકારી

ઇમેજ સ્રોત, AFP
વકાર અહેમદ સેઠનો જન્મ તત્કાલીન નૉર્થવેસ્ટ ફ્રન્ટિયર પ્રૉવિન્સના ડેરા ઇસ્માઇલ ખાન શહેરના એક મધ્યમવર્ગીય પરિવારમાં 1961ની 16 માર્ચે થયો હતો.
તેમણે મોટાભાગનું શિક્ષણ પેશાવરમાં લીધું હતું. 1985માં તેઓ કાયદા અને પૉલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ થયા હતા.
એ જ વર્ષે તેમણે વ્યવસાયી વકીલ તરીકે નોંધણી કરાવી હતી.
ન્યાયમૂર્તિ સેઠથી પરિચિત વકીલોએ જણાવ્યું હતું કે મૂળભૂત રીતે તેઓ સમાજવાદી હતા.
ડાબેરી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની વિદ્યાર્થી પાંખમાં તેઓ સક્રિય હતા. બાદમાં તેમણે તેમની ઑફિસમાં કાર્લ માર્ક્સ, વ્લાદિમિર લેનિન અને લીઓન ટ્રૉટસ્કીના પોસ્ટર્સ લટકાવ્યાં હતાં.
ન્યાયમૂર્તિ સેઠ સાથે ગાઢ સંબંધ ધરાવતા પેશાવરસ્થિત વકીલ શાહનવાઝ ખાને કહ્યું હતું કે "તેઓ હંમેશાં લો-પ્રોફાઈલ રહ્યા હતા અને પીએચસી બારનાં રાજકારણમાં ક્યારેય સક્રિય ન હતા."
તેમણે ઉમેર્યું હતું કે "તેઓ તેમણે જેમાં વકીલાત કરવાનું સ્વીકાર્યું હોય એ કેસોની વિગત પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા."
"મોટાભાગના વકીલોને અરજદાર તેમની ફી ચૂકવતો હોય ત્યાં સુધી ગમે તેવા કેસની વકીલાત સ્વીકારવાનો વાંધો ન હતો, પણ ન્યાયમૂર્તિ સેઠ મહત્ત્વહીન કેસો સ્વીકારવાનો ઇનકાર કરી દેતા હતા."
માફીને લાયક હોય તેવા કેસમાં પોતાની ફી માફ કરી દેતા વકીલ તરીકે પણ ન્યાયમૂર્તિ સેઠને યાદ રાખવામાં આવશે.
તેઓ તેમના ચુકાદાઓમાં ઝીણવટભરી કાયદાકીય મથામણ કરતા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જાન્યુઆરી, 2019માં બહાર પાડવામાં આવેલા પાકિસ્તાનની લશ્કરી અદાલતો વિશેના પોતાના બ્રીફિંગ પેપર્સમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે (આઈસીજે) સ્વીકાર્યું હતું કે લશ્કરી અદાલતો દ્વારા દોષી ઠરાવાયેલા લોકોની અરજીઓને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે 2016માં કાર્યક્ષેત્ર બહારની ગણાવીને ફગાવી દીધી હતી, પણ એ જ અરજદારોએ ન્યાયમૂર્તિ સેઠની હાઈ કોર્ટનો સંપર્ક 2018માં કર્યો ત્યારે તેનું પરિણામ અલગ આવ્યું હતું.
પાકિસ્તાનમાં છૂપાયેલા વિશ્વના મોસ્ટ વૉન્ટેડ ગુનેગાર બિન લાદેનને શોધવામાં અમેરિકાના મદદગાર બનેલા લાદેનના કહેવાતા ડૉક્ટર શકિલ આફ્રિદીને આરોપમુક્ત કરીને ન્યાયમૂર્તિ વહીવટીતંત્રને વધુ આંચકો આપશે એવું ઘણાએ વિચાર્યું હતું.
પાકિસ્તાનમાં છૂપાયેલા અલ-કાયદાના નેતા બિન લાદનને અમેરિકાએ હવાઈ હુમલામાં ખતમ કર્યો તેનાથી પાકિસ્તાન ભારે શરમજનક સ્થિતિમાં મૂકાયું હતું.
ઘણા લોકો માને છે કે દેશદ્રોહના આરોપી બનાવાયેલા ડૉ. આફ્રિદી બલીનો બકરો બન્યા છે.
બિન લાદેનને ખતમ કરવાની 2011ની કાર્યવાહીમાં કોઈ ભૂમિકા બદલ ડૉ. આફ્રિદી પર ઔપચારિક રીતે ક્યારેય કોઈ આરોપ મૂકવામાં આવ્યો ન હતો.
તેમને અન્ય આરોપસર સજા કરવામાં આવી હતી. ડૉ. આફ્રિદીએ પોતાને નિષ્પક્ષ સુનાવણીથી વંચિત રાખવામાં આવ્યા હોવાની દલીલ કરી હતી.
પત્રકાર વાસિમ અહમદ શાહે કહ્યું હતું કે "ન્યાયમૂર્તિ સેઠનું અવસાન થયું છે ત્યારે વ્યક્તિગત હિતને બદલે પોતાના કામને સર્વોચ્ચ અગ્રતા આપે તેવા બીજા કોઈ જજ નહીં આવે તો ડૉ.આફ્રિદીની મુક્તિની આશા ધૂંધળી બની રહેશે."

'આમ આદમીની જેમ'

ઇમેજ સ્રોત, SHAHNAWAZ KHAN
ન્યાયમૂર્તિ સેઠ તેમના ચુકાદાઓને કારણે મુશ્કેલીમાં મુકાશે એવું ઘણા લોકો ધારતા હતા, પણ કોરોના વાઇરસને લીધે તેમના જીવનનો અંત આવશે એવું ભાગ્યેજ કોઈએ વિચાર્યું હશે.
મુશર્રફ દેશદ્રોહ કેસમાં ન્યાયમૂર્તિ સેઠે ચુકાદો આપ્યો પછી સત્તાધિશોનો છૂપો ટેકો ધરાવતા તત્ત્વોએ તેમના તિરસ્કારની ઝુંબેશ શરૂ કરી હતી.
વકીલ શાહનવાઝ ખાને કહ્યું હતું કે "અન્ય સિનિયર અધિકારીઓ ભવ્ય સલામતી ઝંખતા હતા, પણ ન્યાયમૂર્તિ સેઠ એવી પરવા કરતા ન હતા. તેથી તેઓ પોતાની જાત માટે જોખમ સર્જી રહ્યાનો ડર અમને વારંવાર લાગતો હતો."
શાહનવાઝ ખાને ઉમેર્યું હતું કે "ન્યાયમૂર્તિ સેઠ ઑફિસે જવા-આવવા માટે પોતાની અંગત કારનો જ ઉપયોગ કરતા હતા."
"તેઓ આમ આદમીની માફક પરિવાર માટે માર્કેટમાં શૉપિંગ કરતા કે જૂના મિત્ર સાથે કૅફેમાં ચાની ચુસ્કી લેતા પણ જોવા મળતા હતા."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












