અમેરિકાની ચૂંટણી 2020 : ફેસબુક, ટ્વિટર પક્ષપાતી વલણ અપનાવે છે?

અમેરિકામાં યોજાઈ રહેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણીના કારણે માત્ર અમેરિકન રાજનેતાઓ જ દબાણમાં છે એવું નથી. અમેરિકાની ટેકનોલૉજી ક્ષેત્રની મોટી કંપનીઓ પણ ભારે દબાણનો સામનો કરી રહી છે.

આ કંપનીઓ પર આરોપ છે કે તેઓ પોતાના સોશિયલ મીડિયાના સામ્રાજ્યનો દુરુપયોગ કરી રહી છે. પરંતુ આ કંપનીઓ વિરુદ્ધ હાલમાં ગુસ્સાની લહેરનું કારણ ટ્વિટર દ્વારા તાજેતરમાં લેવાયેલો એક નિર્ણય છે.

ટ્વિટરે પોતાના એક નિર્ણય દ્વારા લોકોને અમેરિકન અખબાર 'ન્યૂયૉર્ક પોસ્ટ'ના એક અહેવાલને શૅર કરતા અટકાવ્યા છે. આ અહેવાલ ડૅમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન સામેની તપાસને લગતો હતો.

આ અહેવાલમાં બાઇડનના પુત્ર હંટરના કેટલાક પુષ્ટિ ન થયેલા ઈમેઇલના સ્ક્રીન શોટ હતા જેનાથી હેક કરવામાં આવેલી સામગ્રી અંગે ટ્વિટરની નીતિનો ભંગ થતો હતો.

પરંતુ ટ્વિટર આ નિર્ણય પાછળનો તર્ક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું અને ત્યારપછી તેણે માફી પણ માગી લીધી. ત્યારબાદ ટ્વિટરે આ નિર્ણય જે નીતિ હેઠળ લેવાયો હતો તે નીતિને ખતમ કરી દીધી.

રિપબ્લિકન પાર્ટીના ઘણા સમર્થકો માટે આ એક અંતિમ પુરાવો હતો, એક એવો સ્પષ્ટ આધાર જે જણાવે છે કે સોશિયલ મીડિયા કન્ઝર્વેટિવ્ઝ (રૂઢિવાદીઓ)ની વિરુદ્ધ છે.

સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ આરોપ છે કે તેઓ મૂળભૂત રીતે ઉદારવાદી છે અને તેમના પ્લૅટફૉર્મ પર શું આવવું જોઈએ અને શું ન આવવું જોઈએ તે વિશે તેઓ યોગ્ય રીતે મધ્યસ્થી નથી કરતી.

આ અંગે રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ સૅનેટર ડેટ ક્રૂઝ માને છે કે જો આ અહેવાલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે હોત તો ટ્વિટરે જુદા પ્રકારની પ્રતિક્રિયા આપી હોત.

સોશિયલ મીડિયા કંપનીઓ સામે આરોપ

કન્ઝર્વેટિવ્ઝ જ્યારે સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ પક્ષપાતનો આરોપ લગાવે છે ત્યારે સામાન્ય રીતે તેમનો ઈશારો અયોગ્ય મૉડરેશન તરફ હોય છે.

એક એવી માન્યતા છે કે તેમની પોસ્ટને વધારે સેન્સર કરવામાં આવે છે અને દબાવવામાં આવે છે.

પરંતુ સોશિયલ મીડિયા કંપનીઓ પક્ષપાતી વલણ અપનાવે છે એ સાબિત કરવું ઘણું મુશ્કેલ છે.

ટ્વિટર અને ફેસબુક જેવી કંપનીઓ પોતાના ડેટા અને અલ્ગોરિધમની કામ કરવાની પદ્ધતિ અંગે ભારે ગુપ્તતા જાળવે છે અને આ માહિતી કોઈને આપતી નથી.

તેથી રિપબ્લિકન પાર્ટીના સમર્થકો કંઇક ખોટું થયું હોવાની વાત કરે ત્યારે તેઓ 'કોઈ ઘટનાની સાથે આરોપ' લગાવે છે. તેનો અર્થ એ થયો કે તેઓ એક ઉદાહરણ રજૂ કરે છે જે વ્યાપક વલણને પુરવાર કરતું હોય.

બીજી તરફ, ટેકનોલૉજી ક્ષેત્રની કંપનીઓ પોતાની સામેના પક્ષપાતી વલણના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢે છે.

પરંતુ એક વાત નક્કી છે કે ઘણી કંપનીઓએ મૉડરેશનની પ્રક્રિયા અંગે ગંભીરતા દેખાડવાનું શરૂ કરી દીધું છે. (મૉડરેશનનો હેતુ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પ્રકાશિત થતી સામગ્રીમાં નિયમો પ્રમાણે પસંદગી કરવાનો છે)

આ પ્રક્રિયામાં આ કંપનીઓ એ મુદ્દા સામે ઝૂઝી રહી હતી જેનો સામનો અખબારના સંપાદકે દરરોજ કરવો પડે છે. ઉદાહરણ તરીકે તેમણે શું છાપવું જોઈએ અને શું ન છાપવું જોઈએ.

આકરા સવાલો

ગયા બુધવારે ફેસબુક, ટ્વિટર અને ગૂગલના વરિષ્ઠ અધિકારીઓએ સૅનેટ સમિતિ સામે હાજર થઈને પોતાની સામે થયેલા આરોપો અંગે રાજનેતાઓને જવાબ આપવા પડ્યા હતા.

ટ્વિટરના સંસ્થાપક જેક ડોર્સીએ પોતાની કંપનીની એક નીતિ અંગે આકરા સવાલોના જવાબ આપવા પડ્યા હતા જેના હેઠળ ટ્વિટર કોઇ પોસ્ટને 'ખોટી માહિતી' તરીકે લેબલ કરે છે અથવા તેને પોતાની સાઇટ પરથી હઠાવી દે છે.

ડોર્સીને પૂછવામાં આવ્યું કે ટ્વિટરે કયા આધારે મેલ-ઇન બૅલેટ્સની સુરક્ષા અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પની એક પોસ્ટને લેબલ કરી હતી જ્યારે ઈરાનના આયાતુલ્લાહ અલી ખૌમેનીની પોસ્ટ્સની સામે કોઈ પગલાં ન લેવાયાં, જેમાં તેમણે ઇઝરાયલ વિરુદ્ધ હિંસાનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી.

ડોર્સી પર એ જણાવવા માટે પણ દબાણ કરવામાં આવ્યું કે તેમણે શેના આધારે ઈરાનના નેતાના ટ્વિટ્સને 'સૈન્ય ધમકી' ગણી જેના કારણે ટ્વિટરની નીતિઓનો ભંગ થયો ન હતો.

રિપબ્લિકન પાર્ટીના સૅનેટર ટેડ ક્રૂઝે ન્યૂયૉર્ક પોસ્ટ (કન્ઝર્વેટિવ તરફ ઝુકાવ ધરાવતું અખબાર)ની હંટર બાઇડન વિશે છાપવામાં આવેલી અપ્રમાણિત સ્ટોરીને પ્રતિબંધિત કરવા અંગે પણ ડોર્સીને સવાલ કર્યા હતા.

તેમણે પૂછ્યું, "મિસ્ટર ડોર્સી, મીડિયા કયો અહેવાલ આપી શકે છે અને અમેરિકન પ્રજાને શું સાંભળવાની છૂટ છે તે નક્કી કરવા માટે તમને કોણે પસંદ કર્યા છે? અને તમે સતત ડૅમોક્રેટિક પાર્ટીના સુપર પીએસી (કેમ્પેઇન ગ્રૂપ)ની જેમ વ્યવહાર શા માટે કરી રહ્યા છો, પોતાના ચૂંટણી અભિપ્રાયો કરતા અલગ હોય તેવા વિચારોને કેમ સ્થાન નથી આપતા?"

ડોર્સીએ ટ્વિટરના મૉડરેશનના પ્રયાસોમાં વધારે પારદર્શિતા લાવવાની વાત કરતા પહેલા જણાવ્યું કે, "હું આ ચિંતાઓને સમજું છું અને સ્વીકાર કરું છું."

પરંતુ સોશિયલ મીડિયા કંપનીઓથી માત્ર રિપબ્લિકન પાર્ટીના નેતા જ નારાજ ન હતા. સમિતિમાં હાજર ડૅમોક્રેટિક પાર્ટીના નેતાઓએ પણ સોશિયલ મીડિયા કંપનીઓ પર મિલિટન્ટ હેટ ગ્રૂપ્સના ફેલાવાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો.

સૅનેટર ગેરી પીટર્સ અને એમી ક્લોબુકરે લોકોને કટ્ટરવાદી બનાવવામાં ફેસબુકની કથિત ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. આ લોકોમાં એક એવી ટોળકી પણ સામેલ છે જે કથિત રીતે અમેરિકાના એક સ્ટેટ ગવર્નરનું અપહરણ કરવાની યોજના ઘડી રહી હતી.

ક્લોબુકરે પૂછ્યું કે, "તાજેતરના અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે તમારા અલ્ગોરિધમનો અમુક હિસ્સો લોકોમાં વિભાજન સર્જે તેવી સામગ્રી તરફ લઈ જાય છે. શું તેનાથી આપણી રાજનીતિ પર કેવી અસર પડી છે તેનાથી તમને કોઈ ફરક પડે છે?"

આ અંગે ફેસબુકના બૉસ માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે, "સૅનેટર, હું સન્માનપૂર્વક સિસ્ટમની કામ કરવાની પ્રક્રિયાના આ ચિત્રણ સાથે અસહમતી વ્યક્ત કરું છું."

આ ઉપરાંત ઝકરબર્ગે એમ પણ કહ્યું કે તેમની સાઇટ લોકોને એ કન્ટેન્ટ દર્શાવે છે જે તેમના માટે મહત્ત્વનું હોય છે.

અમેરિકાની પ્રજા શું વિચારે છે?

પિઉ રિસર્ચ સેન્ટર દ્વારા ઑગસ્ટમાં કરવામાં આવેલા એક સરવેમાં સંકેત મળ્યો છે કે રિપબ્લિકન પાર્ટીના 90 ટકા સમર્થકો જણાવે છે કે સોશિયલ મીડિયા સાઇટ્સ રાજકીય દૃષ્ટિકોણને સેન્સર કરે છે. જ્યારે ડૅમોક્રેટિક પાર્ટીના 59 ટકા સમર્થકો પણ આવું માને છે.

આવી સ્થિતિમાં શું આ સમર્થકોની માન્યતા પાછળ કોઈ નક્કર આધાર છે?

સોશિયલ મીડિયા સામે લગાવવામાં આવતા તમામ આરોપો વચ્ચે રિપબ્લિકન પાર્ટીના સમર્થકો એક આરોપ લગાવે છે કે સોશિયલ મીડિયા અલ્ગોરિધમ સંરક્ષણવાદી સામગ્રીને લોકો સુધી પહોંચાડવામાં અવરોધ પેદા કરે છે.

પરંતુ ફેસબુકનો ડેટા જોવાથી આ આરોપની પુષ્ટિ થઈ શકતી નથી.

ફેસબુકના સામ્રાજ્યનું જ એક પબ્લિક ઇનસાઇટ ટૂલ ક્રાઉડ ટેંગલ દરરોજ સૌથી વધારે લોકપ્રિય પોસ્ટ્સની યાદી તૈયાર કરે છે.

સામાન્ય રીતે કોઈ પણ દિવસે 10 સૌથી વધારે લોકપ્રિય રાજકીય પોસ્ટ્સમાં જમણેરી ઝોક ધરાવતા ટિપ્પણીકાર જેમ કે ડોન બોનગિનો અને બેન શેપિરોની સાથે સાથે ફોક્સ ન્યૂઝ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની પોસ્ટ્સની બોલબાલા હોય છે.

ફેસબુક પર રાષ્ટ્રપતિ ટ્રમ્પના 3.2 કરોડ ફૉલોઅર્સ છે જે તેમના હરીફ ડૅમોક્રેટિક પાર્ટીના જો બાઇડનના ફેસબુક ફૉલોઅર્સની સરખામણીમાં દશ ગણા વધારે છે.

ફેસબુક જમણેરી સામગ્રીને દબાવે છે તેવો આરોપ હોય તો એવું લાગે છે કે ફેસબુક આવું યોગ્ય રીતે નથી કરી રહી.

આવી સ્થિતિમાં સવાલ પેદા થાય છે કે શું ડાબેરી સામગ્રીની તુલનામાં જમણેરી સામગ્રીને વધારે પ્રાથમિકતા અપાઈ રહી છે કે કેમ.

આ તારણ સુધી પહોંચવું પણ એટલું સરળ નથી.

યુનિવર્સિટી ઑફ વર્જિનિયામાં મીડિયા સ્ટડીઝના પ્રોફેસર સિવા વૈદ્યનાથન જણાવે છે કે, "મને લાગે છે કે આને જમણેરી વિરુદ્ધ ડાબેરી પંથના સ્વરૂપમાં જોવું એક ભૂલ ગણાશે. ઝુકાવ એવી સામગ્રી પ્રત્યે છે જે તીવ્ર લાગણીઓ પેદા કરે છે."

તેઓ કહે છે કે અમેરિકામાં "કેટલીક અત્યંત જમણેરી પોસ્ટ્સ" વાઇરલ થઈ છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે તે પ્લૅટફૉર્મ માળખાકીય સ્તરે પક્ષપાતી વલણ સામે ઝૂઝી રહ્યું છે.

તેઓ જણાવે છે, "મેક્સિકોમાં તમે એક અલગ જ તસવીર જોશો કે કઈ ચીજને પ્રાથમિકતા મળી રહી છે."

પરંતુ તમે એ જોશો કે કઈ સામગ્રી દૂર કરવામાં આવી રહી છે, તો તમે સમજી જશો કે જમણેરી લોકોએ ડાબેરી વિચારધારા ધરાવતા લોકોની તુલનામાં મૉડરેશનને લગતા પ્રશ્નોનો વધારો સામનો કરવો પડી રહ્યો છે.

ઉદાહરણ તરીકે ડૅમોક્રેટિક પાર્ટીના કેટલાક સમર્થકો દાવો કરે છે કે પોસ્ટલ વોટિંગમાં ગોટાળા થયા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીના ઘણા સમર્થકો આવો દાવો કરે છે.

ફેસબુક વોટર ફ્રોડ સાથે સંકળાયેલા દાવાને લેબલ કરવાની નીતિ અપનાવે છે. ફેસબુકનો તર્ક એવો છે કે તે અમેરિકન ચૂંટણીપ્રક્રિયામાં લોકોનો ભરોસો ઓછો કરી શકે એવા દુષ્પ્રચારને અટકાવવાની કોશિશ કરી રહી છે.

આમ છતાં રિપબ્લિકન પાર્ટીના લોકો તેનાથી અસંગત રીતે પ્રભાવિત થાય છે.

અન્ય એક ઉદાહરણ જોઈએ- બ્લૅક લાઇવ્ઝ મેટર.

ફેસબુકના વડા માર્ક ઝકરબર્ગે ખુલ્લેઆમ આ આંદોલનને ટેકો આપ્યો છે. ફેસબુક પર બ્લૅક લાઇવ્ઝ મેટર પેજ પર 740,000 ફૉલોઅર્સ છે.

જોકે, ફેસબુક પર જ અન્ય એક પેજ બ્લૂ લાઇવ્ઝ મેટરની લાઇક્સ 2.3 મિલિયન સુધી છે. આ પેજનો હેતુ પોલીસ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ચલાવવામાં આવતા નૅરેટિવનો સામનો કરવાનો છે.

આ ગ્રૂપની બીએલએમ નામ લેવા અને વંશવાદના આરોપો સહિત ટીકા થઈ ચૂકી છે.

પરંતુ આ ગ્રૂપના સંસ્થાપક ક્રિસ્ટોફર બર્ગ આ વાતને ફગાવી દે છે. તેઓ કહે છે કે ફેસબુક સંરક્ષણવાદી (રૂઢિચુસ્ત) અવાજ પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવે છે.

શું આ પેજની લોકપ્રિયતાના આધારે આમ કહેવું યોગ્ય છે?

બર્ગ કહે છે, "હું પેજની પહોંચ અથવા ફૉલોઅર્સની સંખ્યા પર ધ્યાન નહીં આપું. હું પડદા પાછળની ચીજોને જોઈશ જેને કેટલાક લોકો પ્રભાવિત કરી શકે છે. જેમ કે કોઈ પેજને ડિમોનિટાઇઝ કરવામાં આવવું."

ફેસબુકને જ્યારે લાગે કે કોઈ પેજે તેના નિયમોનો ભંગ કર્યો છે, તો ફેસબુક તે પેજને જાહેરખબર અને સબસ્ક્રિપ્શનથી થતી આવકને અટકાવી દે છે.

બર્ગ માને છે કે આ એક એવો પક્ષપાત છે જે જાહેર થવું થોડું મુશ્કેલ છે. તથા જમણેરી પેજ તેનો શિકાર બને તેવી પરિસ્થિતિ વધારે જોવા મળે છે.

ટ્વિટર અંગે શું અભિપ્રાય છે?

સોશિયલ મીડિયાના વિશ્વમાં ફેસબુકની તુલનામાં ટ્વિટરનું એક અલગ જ સામ્રાજ્ય છે. ટ્વિટરના કુલ યૂઝર્સનો એક બહુ નાનો હિસ્સો નિયમિત રીતે કન્ટેન્ટ પોસ્ટ કરે છે.

પિઉના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકામાં ટ્વિટરનો બહુ વધારે ઉપયોગ કરનારા પુખ્ત વયના લોકોમાં 70 ટકા ડૅમોક્રેટ્સ હતા.

આ કારણોથી ટ્વિટર એક ઉદારવાદી જગ્યા જણાય છે પરંતુ ફરી એક વખત સંરક્ષણવાદીઓને લઈને ટ્વિટરનું પક્ષપાતી વલણ સાબિત કરવું આસાન નથી.

ચાલો આપણે કોવિડ 19નું ઉદાહરણ લઈએ.

એ વાત સાચી છે કે ટ્વિટરે જો બાઇડનની ટ્વિટ્સની તુલનામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટ્વિટ્સ સામે વધારે કાર્યવાહી કરી છે.

ઉદાહરણ તરીકે ટ્વિટરે ટ્રમ્પની એક પોસ્ટને બ્લૉક કરી દીધી હતી જેમાં એવું સૂચન કરાયું હતું કે ફ્લુની બીમારી કોવિડ કરતાં વધારે ખતરનાક છે.

પરંતુ અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે કોવિડ અંગે ટ્રમ્પ ખોટી માહિતી ફેલાવે તેવી શક્યતા ઘણી વધારે છે.

કોર્નેલ યુનિવર્સિટીના એક અભ્યાસ પ્રમાણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોવિડની ખોટી માહિતી ફેલાવવામાં સૌથી મોટા વાહક હતા.

આવામાં તેઓ ટ્વિટર મૉડરેટર્સની નજરમાં વધારે રહ્યા હોય એ વાત અંગે કોઈ આશ્ચર્ય નથી.

સોશિયલ મીડિયાની ગૂંચવણ

આ કારણથી સોશિયલ મીડિયા કંપનીઓએ પોતાના પ્લૅટફૉર્મ મૉડરેટ નહીં કરવાના રહે, કારણ કે તમે શું છપાવું જોઈએ અને શું ન છપાવું જોઈએ તેવો નિર્ણય લો, તે સાથે જ તમે રાજનીતિક નિર્ણયો લેવા લાગો છે.

રિપબ્લિકન પાર્ટીના કેટલાક સમર્થકો કોઈ પણ પ્રકારના મૉડરેશનને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ સમાન ગણે છે.

માર્ચ મહિનામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા એક કાર્યકારી આદેશમાં જણાવાયું હતું કે "અમે કેટલાક ઑનલાઇન પ્લૅટફૉર્મ્સને એ બાબતની છૂટ ન આપી શકીએ કે તેઓ અભિવ્યક્તિની એવી રીતને પસંદ કરે જેનો ઉપયોગ અમેરિકન પ્રજા ઇન્ટરનેટ પર કરી શકે."

બીજા શબ્દોમાં કહીએ તો મધ્યસ્થી કરવાના નિર્ણયને સૈદ્ધાંતિક રીતે સંરક્ષણવાદની વિરુદ્ધ ગણી શકાય છે.

ટ્રમ્પે એ પણ જણાવ્યું કે તેઓ કૉમ્યુનિકેશન ડિસેન્સી ઍક્ટના સેક્શન 320ને પણ દૂર કરશે. આ કાયદાના કારણે સોશિયલ મીડિયા કંપનીઓ માટે તેમના પ્લૅટફૉર્મ પર યૂઝર્સ દ્વારા કહેવાયેલી કે લખવામાં આવેલી વાતો પ્રત્યે તેમની જવાબદારી ખતમ થઈ જાય છે.

આવામાં આ કાયદાની ગેરહાજરી સોશિયલ મીડિયા ઉદ્યોગ માટે એક મોટો આંચકો સાબિત થશે. અને હવે ટેકનોલૉજી ક્ષેત્રની મોટી કંપનીઓ હસ્તક્ષેપની મુદ્રામાં આવી રહી છે. પછી તે

QAnon ષડયંત્ર હોય, હેટ સ્પીચ હોય કે પછી અન્ય કોઇ પ્રતિબંધિત પ્રવૃત્તિ હોય. તેમાં પક્ષપાતભર્યું વલણ અપનાવવાનો આરોપ લાગતો રહેશે.

જે રીતે પક્ષપાતી વલણના આ આરોપોને સાબિત કરવાનું મુશ્કેલ છે, એવી જ રીતે તેનો અસ્વીકાર કરવો પણ એટલું જ મુશ્કેલ છે.

અને હવે સોશિયલ મીડિયા કંપનીઓ એવી સ્થિતિમાં છે જ્યાં તેઓ એ વાતને ભારપૂર્વક જણાવે છે કે તે પક્ષપાતી વલણ નથી અપનાવતી. પરંતુ મોટા ભાગની અમેરિકન પ્રજા તેમના પર ભરોસો નથી કરતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો