નિકિતા તોમર મર્ડરઃ 'અમારી દીકરી મરી ગઈ પરંતુ તેણે ધર્મ ન બદલ્યો'

    • લેેખક, ચિંકી સિંહા
    • પદ, બીબીસી હિંદી માટે

ઘટનાના ત્રીજા દિવસે લોકો વચ્ચે ઊઠતો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતોઃ 'કાં તો આરોપીઓને ફાંસી આપો અથવા તેમનું ઍન્કાઉન્ટર કરી નાખો.'

ફરિદાબાદની નહેરુ કૉલેજમાં ભણતા કંચન ડાંગરે જણાવ્યું કે, "હત્યારાઓની સાથે એવું જ વર્તન થવું જોઈએ જેવું યોગીના રાજમાં થાય છે."

કંચન જમણેરી વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા છે.

કંચને પૂરા જોરથી નારો પોકાર્યો, "ગોલી મારો સા@% કો... લવજેહાદ મુર્દાબાદ."

કંચનની સાથે હરિયાણાના વલ્લભગઢસ્થિત અગ્રવાલ કૉલેજની સામે એકઠા થયેલા બીજા વિદ્યાર્થીઓએ પણ આ નારો દોહરાવ્યો. તે ગુરુવારનો દિવસ હતો.

આ જ અગ્રવાલ કૉલેજની બહાર સોમવારે 21 વર્ષની એક વિદ્યાર્થિનીને સરાજાહેર ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસે હત્યાના આરોપીને પકડી લીધો હતો.

પરંતુ કૉલેજની બહાર એકઠા થયેલા વિદ્યાર્થીઓને ન તો પોલીસ પર ભરોસો છે કે નથી ન્યાયતંત્ર પર વિશ્વાસ.

તેમને આ ઘટનામાં માત્ર એક જ રીતે ન્યાય મંજૂર છે કે અપરાધીનું ઍન્કાઉન્ટર કરવામાં આવે, તેમના મતે મૃત વિદ્યાર્થિની અને તેના પરિવારજનોને આ રીતે જ ન્યાય અપાવી શકાય તેમ છે.

કંચન ડાંગરે સવાલ ઉઠાવતા કહ્યું કે, "ગોળી મારવાવાળા મુસ્લિમો છે. મરનારી છોકરી હિંદુ હતી. અપરાધીનો પરિવાર તે છોકરી પર ધર્મપરિવર્તન કરીને મુસલમાન બનવા માટે દબાણ કરી રહ્યો હતો."

"ભારતમાં લવજેહાદના ઘણા કિસ્સા બહાર આવી રહ્યા છે. પરંતુ કોઇ છોકરી ના પાડી દે તો તેને મારી નાખવામાં આવે છે. જો તે 'હા' પાડે તો તેની લાશ સૂટકેશમાંથી મળે છે. અમે આવા અનેક કિસ્સા વિશે સાંભળ્યું છે. શું નિયમો અને કાયદા માત્ર અમારા માટે છે? અને તેમનું શું?"

'તેમનું' એટલે કંચન કહેવા માગતી હતી - કૉંગ્રેસ પાર્ટી અને મુસ્લિમો.

કંચનની સાથે હાજર અન્ય એક વિદ્યાર્થીની ગાયત્રી રાઠોડે એક ડગલું આગળ વધીને કહ્યું કે, "અમે ઇચ્છીએ છીંએ કે તેને દશ દિવસની અંદર ફાંસી આપવામાં આવે. અથવા તેનું એવી જ રીતે ઍન્કાઉન્ટર કરવામાં આવે જે રીતે યોગી સરકારમાં થાય છે. ભલે પછી તે ગેરકાયદે કેમ ન હોય."

પૂર્વગ્રહો અને ભયની જુગલબંધી

સોમવારે બપોરે વલ્લભગઢની અગ્રવાલ કૉલેજની બહાર જે વિદ્યાર્થિનીને ગોળી મારવામાં આવી હતી તેનું નામ નિકિતા તોમર હતું.

તે દિવસે નિકિતા જેવી કૉલેજની બહાર નીકળ્યાં કે તરત જ તૌસિફ નામના યુવાને તેને ગોળી મારી દીધી.

નિકિતા તૌસિફને ઓળખતા હતા. બંને ફરિદાબાદની રાવલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણતાં હતાં.

તે દિવસે નિકિતાનાં માતા તેને લેવા માટે કૉલેજ જઈ રહ્યાં હતાં, કારણ કે તેના પિતાને ફોન આવ્યો હતો કે તેમની પુત્રીને ગોળી મારી દેવામાં આવી છે.

આ કેસની કેટલીક વિગત એવી છે કે એક યુવકે કૉલેજની બહાર એક વિદ્યાર્થિનીને દેશી તમંચાથી ગોળી મારી દીધી અને પછી તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.

રસ્તાની સામેની બાજુ ડીએવી સ્કૂલમાં લાગેલા સીસીટીવી કૅમેરાની તસવીરો પરથી આ વાતનો પુરાવો મળે છે.

આ ઉપરાંત બાકીની બધી વાતો, લોકોના વિચારો, તેમના પૂર્વગ્રહો અને ભયની જોડી જામી છે. તેમાં એક સમુદાયના લોકો બીજા સમુદાયના લોકોને પોતાનાથી અલગ ગણાવે છે. તેમના વિશે સારું-ખરાબ બોલે છે. તેમની ખરાબ છબિ રજૂ કરે છે જેથી એ સાબિત થઈ શકે કે બીજો પક્ષ તેમનાથી સાવ અલગ છે.

કોઈ એક સમુદાય પોતાને બીજા કરતા અલગ બતાવે ત્યારે તે એ વિચાર પર આધારિત હોય છે કે તે સમુદાય બીજાના અસ્તિત્વ માટે જોખમી છે. આ વિચારને મીડિયા અને રાજકારણીઓ ખૂબ વેગ આપે છે.

'લવજેહાદ' જેની કોઈ કાનૂની વ્યાખ્યા નથી

ભારતના વર્તમાન કાયદામાં 'લવજેહાદ'ની કોઈ વ્યાખ્યા નક્કી કરવામાં નથી આવી. હજુ સુધી કોઈ પણ કેન્દ્રીય એજન્સીએ 'લવજેહાદ' જેવી કોઈ ઘટનાનો ઉલ્લેખ પણ નથી કર્યો.

સ્વયં કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં સંસદમાં આ વાત જણાવી હતી.

આ નિવેદન દ્વારા હકીકતમાં કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે પોતાને જમણેરી સંગઠનોના 'લવજેહાદ'ના દાવાથી અલગ કરી દીધી હતી.

જ્યારે દેશમાં ઘણા જમણેરી સંગઠનો મુસ્લિમ યુવકો અને હિંદુ યુવતીઓના સંબંધને 'લવજેહાદ' ગણાવીને તેને નિશાન બનાવતા રહે છે.

ભારતીય બંધારણની કલમ 25 દેશના દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની, પોતાની શ્રદ્ધા અનુસાર પૂજા કરવાની અને પોતાના ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાની સ્વતંત્રતા આપે છે.

શરત માત્ર એટલી કે કોઈની ધાર્મિક પ્રવૃત્તિઓથી નૈતિકતા, સામાજિક સૌહાર્દ અને કોઈની તબિયતને નુકસાન થવું ન જોઈએ.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને બીજી તપાસ એજન્સીઓએ કેરળમાં બે અલગઅલગ ધર્મના લોકો વચ્ચે થયેલા લગ્નની ઘણી ઘટનાઓની તપાસ કરી હતી. તેમાં વર્ષ 2018માં બહુ ચર્ચાસ્પદ બનેલો હાદિયાનાં લગ્નનો મામલો પણ સામેલ છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે 25 વર્ષની હાદિયા પોતાના પતિ સાથે રહેવા માટે સ્વતંત્ર છે.

સુપ્રીમ કોર્ટે આ મામલામાં કેરળ હાઈકોર્ટના એ ચુકાદાને પણ રદબાતલ કરી દીધો હતો, જેમાં હાદિયાના પિતાની અરજી પર એક મુસ્લિમ યુવક સાથે તેનાં લગ્નને કાયદેસર રીતે ગેરમાન્ય જાહેર કરી દેવાયા હતા.

પરંતુ નિકિતાના ઘરે પહોંચેલા કરણીસેનાના પ્રમુખ સૂરજપાલ અમુને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે સરકાર આ વિશે શું કહે છે, અને 'લવજેહાદ' અંગે કોર્ટે શું ચુકાદો આપ્યો હતો. તેમના માટે તો આ ઘટના એક તક સમાન હતી.

ઉત્તર પ્રદેશ અને હરિયાણાની સાથેસાથે બીજા વિસ્તારોમાંથી પણ કરણીસેનાના આગેવાનો નિકિતા તોમરના ઘેર ફરિદાબાદ પહોંચ્યા હતા. તેઓ 'મુસલમાનોને પાકિસ્તાન મોકલો'ના નારા લગાવતા હતા અને તેઓ આ કેસમાં પોતાની રીતે ન્યાય કરવા માગે છે.

સૂરજપાલ અમુએ જાહેરાત કરી કે કરણીસેનાની પોતાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) છે અને આ ટીમ દેશભરમાં લવજેહાદના કિસ્સા શોધી કાઢશે અને પોતાની રીતે 'ન્યાય' તોળશે.

સૂરજપાલ અમુએ જણાવ્યું કે, "તમે કયા કાયદાની વાત કરો છો? મુસ્લિમ છોકરાઓ પોતાના નામ બદલીને નિર્દોષ હિંદુ છોકરીઓને ફસાવી રહ્યા છે. અમે આ વાત બિલકુલ સહન નહીં કરીએ."

આખા કેસને લવજેહાદનો એંગલ અપાયો

નિકિતાના કિસ્સામાં એવું કહેવાય છે કે નિકિતાના પરિવારે 2018માં તૌસિફ સામે કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. તેમાં તેમણે તૌસિફ પર નિકિતાનું અપહરણ કરવાનો આરોપ મૂક્યો હતો.

ત્યારપછી બંને પરિવાર વચ્ચે એક સમાધાન થયું, જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે તૌસિફ હવે નિકિતાને પરેશાન નહીં કરે. પરંતુ તૌસિફની હરકતો બંધ ન થઈ.

તે નિકિતાને પરેશાન કરતો રહ્યો. આ કારણથી નિકિતાને કૉલેજ મૂકવા માટે તેમનાં માતા સાથે જતાં હતાં, જેથી તેમની પુત્રીને સુરક્ષા અનુભવાય અને તૌસિફ તેને પરેશાન કરી ન શકે.

પરંતુ ત્યારપછી નિકિતાનાં માતાએ દીકરીને કૉલેજ મૂકવા-લેવા જવાનું બંધ કરી દીધું. તેમને લાગ્યું કે હવે તૌસિફ તેમની પુત્રીને પરેશાન નહીં કરે.

નિકિતાના સ્વજનોએ તૌસિફ સામે કરેલી ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. તેનું એક કારણ એ હતું કે છોકરીવાળા હોવાના કારણે તેમને પોતાની બદનામી થવાની વધારે બીક હતી.

તેમની પુત્રીનાં લગ્નમાં અવરોધ નડવાનો ભય હતો. અને હવે આ કેસમાં છેડતીનો મામલો હઠાવીને 'લવજેહાદ'નો એંગલ આપવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશમાં હાથરસ કેસમાં કથિત બળાત્કારની પીડિત યુવતીના પરિવારે વારંવાર એ વાત કહી હતી કે તેમણે શરૂઆતમાં તેમની પુત્રી સાથે બળાત્કારની ફરિયાદ માત્ર એટલા માટે નહોતી કરી કે તેનાથી તેમની પુત્રીની બદનામી થવાનો ભય હતો. તેનો ડંખ તેમણે આખી જિંદગી ભોગવવો પડ્યો હોત.

પરંતુ નિકિતાના મામલામાં નારાજગી દર્શાવતી વિદ્યાર્થીઓએ સગવડ પ્રમાણે વલણ અપનાવ્યું હતું.

તેમણે પહેલેથી નક્કી કરી લીધું છે કે નિકિતાની હત્યા વાસ્તવમાં 'લવજેહાદ' છે. તેમને એ ખબર પણ નથી કે આ જુમલાનો કોઈ કાયદાકીય આધાર નથી. પરંતુ નિકિતાની કૉલેજ અને તેના ઘરની બહાર આ નારાબાજી ચાલુ રહી.

મૃત્યુ પછી હવે એક 'ક્ષત્રિયાણી'

હરિયાણાના સોહના રોડ પર સ્થિત આ એક મધ્યમવર્ગીય સોસાયટી છે. અહીં નિકિતા એક નાનકડા એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહેતા હતાં. તેમનું મકાન ગ્રાઉન્ડ ફ્લોર પર છે જેમાં બે ઓરડા છે.

ઘરે આવતાં-જતાં લોકોના બેસવા માટે બહાર એક તંબુ લગાવીને તેમાં ગાદલાં પાથરી દેવાયાં હતાં. દૂર-દૂરથી અલગઅલગ સંગઠનોના લોકો નિકિતાનાં ઘરે આવી રહ્યાં હતાં.

નિકિતાનાં માતા-પિતા સમક્ષ પુત્રીની હત્યાનો અફસોસ વ્યક્ત કરતા હતા, કારણ કે 'તે છોકરીએ પોતાનો ધર્મ બચાવવા માટે પોતાના પ્રાણ આપી દીધા.'

હવે નિકિતાને તેના મૃત્યુ પછી એક નાયિકા, એક 'ક્ષત્રિયાણી' તરીકે રજૂ કરવામાં આવે છે જેની 'હત્યાનો બદલો રાજપૂતો લેવાના છે.'

લગભગ 50 વર્ષની સ્વદેશી તે સોસાયટીના પડોશના બ્લૉકમાં રહે છે. તે નિકિતાને યાદ કરતા કહે છે, "હું તેને ઓળખતી હતી. તે બહુ સારી છોકરી હતી. ન્યાય જરૂર થવો જોઈએ. આરોપીઓને તે જગ્યાએ જ ઊભા રાખીને ગોળી મારી દેવી જોઈએ. તે જ ન્યાય ગણાશે."

મહેન્દ્ર ઠાકુર દિલ્હીથી નિકિતાનાં ઘરે પહોંચ્યા હતા. સહાનુભૂતિ દર્શાવતા મહેન્દ્રએ જણાવ્યું કે "તેઓ નિકિતાની જ્ઞાતિના જ છે."

તેમણે કહ્યું, "જો કાયદો તેમને સજા નહીં આપે તો અમે આપીશું. ઠાકુરોનો કોઈ પણ છોકરો તેમને મારી નાખશે. આવું જરૂર થશે. અમે રાજપૂત છીએ. તે જીવતો નહીં બચે. તેનું મોત થશે."

એક સમુદાય સામે બદલો લેવાની પ્રતિજ્ઞા

લીલા રંગની દીવાલો ધરાવતા એપાર્ટમેન્ટના લિવિંગ રૂમમાં એક ન્યૂઝ ચેનલની રિપોર્ટરે નિકિતાની માતાને પકડી રાખ્યાં હતાં. કૅમેરા લગાવી દેવાયા હતા અને રિપોર્ટરે નિકિતાની માતાના વાળ સરખા કર્યા.

ત્યારપછી તેમના પિતાને કહ્યું કે તેઓ તેની બાજુમાં આવીને બેસી જાય. ત્યારપછી રિપોર્ટરે કૅમેરા તરફ જોતા કહ્યું કે શું એક છોકરીના પિતા બદલો નહીં લે? ત્યારપછી તે 'લવજેહાદ' વિશે ઘણા સમય સુધી પોતાની વાત જણાવતી રહી.

તે રિપોર્ટરે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે મહિલાઓ પોતાની આબરૂ માટે જાગૃત બને અને 'લવજેહાદ'નો મક્કમતાથી સામનો કરે.

આ કૅમેરા હવે બીજા સમુદાયને નિશાન બનાવવાનો અડ્ડો બની ચૂક્યા હતા. ત્યારે બહારનો માહોલ વધારે હિંસક બનવા લાગ્યો.

મુસ્લિમ સમુદાયના બહિષ્કારનો અવાજ બુલંદ થતો જતો હતો. તેમને પાઠ ભણાવવાના અને પાકિસ્તાન મોકલી દેવાના નારા પોકારવામાં આવતા હતા.

ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ થોડું અંતર રાખીને ઊભા હતા. કેટલાક લોકો યુવાનોને પૂછતા હતા કે શું તેઓ એક હિંદુ છોકરીની હત્યાનો બદલો લેવા માટે તૈયાર છે? પોલીસવાળા માત્ર તમાશો જોતા ઊભા હતા.

તેમણે એક મેજ પર નિકિતાની તસવીર ગોઠવી હતી. તેના પર ફૂલોનો હાર ચઢાવવામાં આવ્યો હતો. તસવીરમાં નિકિતાએ વાદળી રંગનો જંપર પહેર્યો હતો. તસવીરમાં તેના ચહેરા પર હળવું સ્મિત હતું.

અહીં ઘૂમટો તાણીને આવેલાં મહિલાઓ એકઠાં થઈને નિકિતાને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યાં હતાં. નિકિતાનાં માતા વિજયવતી વારંવાર રડતાં હતાં.

તેઓ સતત એમ કહ્યાં કરતાં હતાં કે તેમની પુત્રી બહુ બહાદુર હતી. તેમનામાં તેમની પુત્રી જેવું સાહસ નથી. તેમને કોઈએ બંદૂકના નાળચે ગાડીમાં બેસવાનું કહ્યું હોત તો તેઓ જરૂર બેસી ગયા હોત.

વિજયવતીનાં બહેન ગીતા દેવી વારંવાર એમ કહેતાં હતાં કે, "મારી ભાણેજે હિંદુ ધર્મ માટે પોતાનો જીવ આપી દીધો. જો તે દિવસે તે કારમાં બેસી ગઈ હોત તો પછી તેની માતા પોતાની પુત્રીની આ કાયરતા સાથે જિંદગી કેવી રીતે ગુજારી શકી હોત?"

ગીતા દેવીએ વિજયવતીને દિલાસો આપતાં કહ્યું કે, "બહેન હવે તમે એવા ગર્વ સાથે જીવી શકો છો કે તમારી પુત્રી ઘણી બહાદુર હતી."

માતા જણાવતાં હતાં કે નિકિતા નેવીમાં લેફ્ટનન્ટ બનવા માગતી હતી અને 15 દિવસ પહેલાં જ તેણે ભરતીની પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા પછી તેને વિશ્વાસ હતો કે તેને પસંદ કરી લેવામાં આવશે.

નિકિતાનાં માસી ગીતાએ જણાવ્યું કે, "તે ઑફિસર બનીને દેશની સેવા કરવા માગતી હતી."

માતાએ જણાવ્યું કે દીકરીને શાળાએ ભણવા જવાનું બહુ ગમતું હતું. તે રોકાતી જ ન હતી.

રાજ્ય સરકાર અને 'લવજેહાદ'ના એંગલથી તપાસ

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજે જણાવ્યુંકે 2018માં નિકિતાના પરિવારે તૌસિફની સામે જે FIR કરાવી હતી તેની પણ તપાસ કરવાની જરૂર છે. આ ઘટનાની તપાસ માટે રચાયેલી એસઆઈટી જૂની FIRની પણ તપાસ કરશે.

અનિલ વીજે એ પણ જણાવ્યું કે આ ઘટનાની તપાસ 'લવજેહાદ'ના એંગલથી પણ કરવાની જરૂર છે.

વીજે સંકેત આપ્યો કે 2018માં કૉંગ્રેસે નિકિતાના પરિવાર પર દબાણ કરીને તૌસિફ સામેનો અપહરણનો કેસ પાછો ખેંચાવ્યો હતો જે ફરીદાબાદમાં 1860ના ઇન્ડિયન પિનલ કોડ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.

તે એફઆઈઆર 2 ઑગસ્ટ, 2018ના રોજ દાખલ કરવામાં આવી હતી, જેમાં નિકિતાના પિતા મૂલચંદ તોમરે આરોપ મૂક્યો હતો કે તેમની 18 વર્ષની પુત્રીનું અગ્રવાલ કૉલેજની બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું.

મૂલચંદે પોતાની એફઆઈઆરમાં તૌસિફને આરોપી ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નિકિતાનાં માતા પર અભિષેક નામની એક વ્યક્તિનો ફોન આવ્યો હતો.

અભિષેકે તેને જણાવ્યું હતું કે નિકિતાએ તેને ફોન કરીને કહ્યું હતું કે તૌસિફે તેનું અપહરણ કરી લીધું છે અને તે (અભિષેક) આ વાત નિકિતાના પરિવારજનોને જણાવી દે.

નિકિતાના ઘરે પહોંચેલા લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. તેને યાદ કરીને વારંવાર ધર્મપરિવર્તન વિરુદ્ધ તેની જીદને સલામ કરતા હતા. તેમાંથી કોઈ એમ નહોતું કહેતું કે તેને એકતરફી પ્રેમ કરનાર એક યુવક સતત તેનો પીછો કરતો હતો.

છેડતી કરવી અને પીછો કરવો એ એક અપરાધ છે અને ઘણી મહિલાઓએ પ્રેમના પ્રસ્તાવને નકારવા બદલ પોતાનો જીવ આપીને તેનું ભારે મૂલ્ય ચૂકવવું પડે છે.

પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવવાની સજા ભોગવતાં મહિલાઓ

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)ના જાન્યુઆરી 2020 સુધીના આંકડા દર્શાવે છે કે વર્ષ 2018માં દેશમાં દર 55 મિનિટે કોઇ યુવતીનો પીછો કરવાનો એક કેસ કોઈને કોઈ જગ્યાએ નોંધાતો હતો.

તે વર્ષે છેડતી અને પીછો કરવાના 9,438 કેસ નોંધાયા હતા જે 2014માં નોંધાયેલા આવા કેસની સરખામણીમાં બમણા હતા.

NCRBના ડેટા પ્રમાણે પીછો કરવાના અને છેડતીના આવા 9438 કેસમાંથી માત્ર 29.6 ટકા કેસમાં સજા થઈ હતી.

પીછો કરવાની ઘટનાઓને ઘણી વખત પીડિતાના જાતીય અપરાધની બીજી ફરિયાદો સાથે જોડીને જોવામાં આવે છે.

હાથરસના કેસમાં પણ આવું જ જોવા મળ્યું હતું, જેમાં છોકરીના ચારિત્ર્ય સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

ભારતમાં એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં મહિલા કોઈ વ્યક્તિના એકતરફી પ્રેમનો પ્રસ્તાવ નકારી કાઢે તો તેણે એસિડ ઍટેક જેવા ઘાતકી અપરાધનો ભોગ બનવું પડે છે, કારણ કે પુરુષો કોઈ મહિલા દ્વારા રિજેક્ટ કરવામાં આવે તે વાત સ્વીકારી શકતા ન હતા અને પોતાની હદમાં રહી શકતા ન હતા.

અહેવાલ અનુસાર નિકિતાની હત્યાનો આરોપી તૌસિફ બે દિવસ પહેલા કૉલેજ ગયો હતો, પરંતુ તે સમયે તે નિકિતાને મળી શક્યો ન હતો.

નિકિતાની હત્યા બાદ તેના પરિવારે જે એફઆઈઆર દાખલ કરાવી છે તેમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે તૌસિફ તેમની દીકરીને પરેશાન કરી રહ્યો હતો.

પોલીસનું કહેવું છે કે તૌસિફે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેનું કહેવું છે કે તે નિકિતાને પ્રેમ કરતો હતો, પરંતુ નિકિતાએ જ્યારે તેના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે તેણે નિકિતાને 'પાઠ ભણાવવા'નો નિર્ણય લીધો.

પોલીસ હવે નિકિતાના પરિવારે મૂકેલા એ આરોપની પણ તપાસ કરે છે કે તૌસિફ અને તેનો પરિવાર નિકિતા પર ધર્મપરિવર્તન કરીને તેને મુસલમાન બનવા અને નિકાહ કરવાનું દબાણ કરતા હતા. ગુરુવારે મૂલચંદ તોમરે આ આરોપોને દોહરાવ્યા હતા.

બીબીસી પાસે એફઆઈઆરની જે નકલ છે તેમાં હજુ સુધી નિકિતા પર ધર્મપરિવર્તન કરવા માટે કોઈ દબાણ હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પરંતુ હવે જે માહોલ બનાવવામાં આવી રહ્યો છે, તે એવો જ છે કે નિકિતા પોતાના ધર્મનો બચાવ કરતાં હતાં. તેઓ એક હિંદુ યુવતી હતાં અને ઇસ્લામને સ્વીકારવા માટે તૈયાર ન હતાં.

યુવતીનાં માસીનું કહેવું હતું કે, "નિકિતા તો તૌસિફની ધમકીઓ મળવા છતાં પોતાનો ધર્મ બદલવા માટે તૈયાર થઈ ન હતી. તેણે પોતાનો ધર્મ બચાવી લીધો. તેથી આજે તેના આંગણે આટલા બધા લોકો એકઠા થઈ રહ્યા છે."

નિકિતાનાં માતાએ પણ દર્દભર્યા અવાજમાં આ વાત દોહરાવી અને કહ્યું કે, "તેમને ન્યાય જોઈએ છે. તૌસિફનું ઍન્કાઉન્ટર થવું જોઈએ."

લવજેહાદના જુમલાએ સૌથી પહેલી વાર 2009માં દેશભરમાં ચકચાર મચાવી હતી. તે સમયે કેરળમાં દબાણપૂર્વક ધર્મપરિવર્તન કરાવવાના આરોપો લાગ્યા હતા. ત્યાર પછી કર્ણાટકમાં પણ આવા આરોપો લગાવવામાં આવ્યા હતા.

જોકે, લગભગ બે વર્ષની તપાસ પછી 2012માં કેરળ પોલીસે જણાવ્યું હતું કે 'લવજેહાદ'ના નામે ખોટો શોર મચાવવામાં આવી રહ્યો છે. લગ્ન માટે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાના આરોપોમાં કોઈ દમ નથી.

સપ્ટેમ્બર 2014માં ઉત્તર પ્રદેશ પોલીસને પણ પોતાની તપાસમાં જાણવા મળ્યું કે તેની પાસે 'લવજેહાદ' એટલે કે લગ્ન માટે ધર્મપરિવર્તનની જે છ ફરિયાદો મળી હતી તેમાંથી પાંચ ફરિયાદો પાયા વગરની હતી. પરંતુ આ માત્ર કેટલાંક તથ્ય છે.

હાલની પરિસ્થિતિમાં ધર્મપરિવર્તન અને 'લવજેહાદ'નો આરોપ મૂકવા માટે નવો મંચ બની રહી છે.

નિકિતાના પિતા મૂલચંદ તોમર કહે છે કે, "અમારા પર જ્યારે જૂનો કેસ પાછો ખેંચી લેવા દબાણ કરવામાં આવ્યું તે પછી અમે અહીંથી જતા રહેવા માગતા હતા."

મૂલચંદે આમ જણાવ્યું તો રિપોર્ટરે તેમને કહ્યું કે, "તમે આ જગ્યા છોડીને શા માટે જશો? તમારી સાથે તો આખું મીડિયા છે."

ત્યારપછી તે રિપોર્ટરે પોતાના દર્શકોને લાગણીભરી અપીલ કરતા કહ્યું કે "તેઓ સમજી લે કે નિકિતાનો પરિવાર અહીં કેવી મુશ્કેલીમાં રહી રહ્યો છે. હિંદુઓની બહુમતી ધરાવતા દેશમાં એક હિંદુ પરિવાર જ ખતરામાં છે."

રિપોર્ટરે જણાવ્યું કે, "હવે અમારે જ આ મામલાને પોતાના હાથમાં લેવો પડશે."

તૌસિફ કોણ છે?

તૌસિફના સંબંધ એક રાજકીય પરિવાર સાથે છે. તૌસિફના દાદા ચૌધરી કબીર અહમદ હરિયાણાના નૂંહમાં વર્ષ 1975માં કૉંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

1982માં પણ તૌસિફના દાદા કૉંગ્રેસની ટિકિટ પર હરિયાણાની તવાડુ સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

હરિયાણામાં કૉંગ્રેસના એક કાર્યકરે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે ત્યારથી તૌસિફના ખાનદાનમાંથી કોઈ ચૂંટણી હાર્યું નથી. જોકે, કૉંગ્રેસ આ મામલે આરોપીઓની મદદ કરે છે તે આરોપો પાયાવિહોણા છે.

હરિયાણા કૉંગ્રેસના અધ્યક્ષ કુમારી શૈલજા પણ મંગળવારે નિકિતાનાં પરિવારને મળવાં માટે ગયાં હતાં. તેમણે પૂછ્યું હતું કે, "આ અપરાધ સાથે કૉંગ્રેસના શું સંબંધ છે?"

તૌસિફના કાકા જાવેદ અહમદ ગયા વર્ષે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં બસપાની ટિકિટ પરથી મેદાનમાં ઊતર્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.

તૌસિફનાં બહેનનાં લગ્ન હરિયાણા પોલીસના ડીએસપી તારિક હુસૈન સાથે થયા છે.

સોહનામાં જાવેદ અહમદનો લાલ પથ્થરોથી બનેલો એક ભવ્ય બંગલો છે. બપોરના સમયે અમે ત્યાં પહોંચ્યા ત્યારે કેટલાક મજૂરો કામ કરતા હતા. કંઈક બનાવી રહ્યા હતા.

ત્યારપછી જાવેદ અહમદ ત્યાં આવ્યા તો તેમણે કહ્યું કે તૌસિફનાં અમ્મી બીમાર છે અને તેમના પિતા ત્યાં હાજર નથી. બાજુમાં જ એક મોટું મકાન હતું જે લાલ પથ્થરોથી જ બનેલું હતું.

જાવેદ અહમદે જણાવ્યું કે તે તેમના મોટા ભાઈનું મકાન છે અને તેઓ ખેતી કરે છે.

તૌસિફને વલ્લભગઢ ભણવા માટે મોકલવામાં આવ્યો હતો, કારણ કે હરિયાણાના મેવાત વિસ્તારમાં સારી શાળાઓ નથી, અને તે સમયે બીજો કોઈ વિકલ્પ ન હતો. શાળામાં જ તેની મુલાકાત નિકિતા સાથે થઈ અને બંને વચ્ચે પરિચય થઈ ગયો.

'તૌસિફને તેના કર્મની સજા મળે'

જાવેદ અહમદે જણાવ્યું કે, "હું હવે આ વિશે વધુ વાત કરવા નથી માગતો, કારણ કે અમારા પર કોણ ભરોસો કરશે. અમે તો રહ્યા મુસલમાન."

"બંને સાથે ભણતાં હતાં અને તે તેને મેસેજ કરવા અથવા ફોન કરવા માટે પોતાનું નામ શા માટે બદલે? અમને આ ઘટના બદલ ખૂબ અફસોસ છે. અમે સમજી શકીએ છીએ કે છોકરીના માતા-પિતા પર શું વીતતી હશે. પોલીસે અમને ફોન કર્યો તો અમે તૌસિફને તેમને સોંપી દીધો."

કાકા કહે છે, "તૌસિફ એક ભલો છોકરો હતો. તે ક્યારેય સિગારેટ નહોતો પીતો અને શરાબને તો કદી સ્પર્શ પણ કર્યો નથી. પરંતુ હવે હું વધારે કંઈ નથી કહેવા માંગતો. તેણે જે કર્યું તેની તેને સજા મળવી જોઈએ."

જોકે, જાવેદ અહમદે એમ જરૂર જણાવ્યું કે, આને 'લવજેહાદ'નો મામલો બનાવવામાં આવી રહ્યો છે, જેથી આખા મામલાને હિંદુ-મુસ્લિમના વિવાદમાં રૂપાંતરિત કરી શકાય.

જાવેદ અહમદ પૂછે છે, "લવજેહાદ શું છે? શું તમે મને જણાવી શકો છો? ઘણા હિંદુ છોકરાઓ પણ મુસ્લિમ છોકરીઓ સાથે લગ્ન કરે છે. બંને સમુદાયમાં આવા ઘણા સંબંધ છે. આખરે બંને સમુદાયના લોકો અંદરોઅંદર લગ્ન શા માટે ન કરી શકે?"

તમે જ્યારે નિકિતાના ઘરેથી બહાર નીકળો છો તો છોકરીની તસવીર પર લટકતો ફૂલહાર નજરે પડે છે. એ છોકરી જેને શાળાએ જવાનું અને ભણવાનું બહુ ગમતું હતું. જે પોતાની માતા માટે રસોઈ બનાવતી હતી અને બીજી ઘણી છોકરીઓની જેમ પોતાની પાસે એક કપડાની ઢીંગલી રાખતી હતી.

તે એવી છોકરી હતી જેના હજારો સપનાં હતાં. જે કોઈ પણ સામાન્ય છોકરીનાં હોય છે. તે છોકરીની સાથે પણ એ જ છેડતી અને પીછો કરવાની ઘટના ઘટી જે બીજી ઘણી છોકરીઓનાં જીવનમાં બનતી હોય છે.

પરંતુ હવે તે એવી છોકરી બની ગઈ છે જેના જીવન અને મોત પર એવા લોકો હાવી થઈ ગયા છે જેમનો તેની સાથે કોઈ સંબંધ ન હતો. બિલકુલ એવી જ રીતે જે રીતે અન્ય કોઈ સામાન્ય છોકરી સાથે થાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો