ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મતદાન પૂર્ણ, 10 નવેમ્બરે પરિણામ

ગુજરાતમાં મંગળવારે વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. આઠ બેઠકોમાં ભાજપ-કૉંગ્રેસ સહિત કુલ 81 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામની સાથે એટલે કે 10 નવેમ્બરના રોજ ગુજરાત પેટાચૂંટણીનું પરિણામ પણ આવશે.

કોરોના મહામારી વચ્ચે યોજાયેલી પેટાચૂંટણીમાં ગુજરાતની ડાંગ બેઠક સિવાય તમામ બેઠકો પર મતદાનની ટકાવારી ઓછી રહી હતી.

કોરોના અને હાલ ખેતીની સિઝનને કારણે પેટાચૂંટણીમાં મતદાન ઓછું થયું હોવાનું અનુમાન કેટલાક રાજકીય નિષ્ણાતો લગાવી રહ્યા છે.

સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર નોંધાયું છે અને સૌથી ઓછું ધારી બેઠક પર નોંધાયું છે.

આઠ બેઠકોનું સરેરાશ મતદાન છ વાગ્યા સુધીમાં 56.85 ટકા નોંધાયું છે.

પૈસા વહેંચવાથી લઈ પત્રિકા ફેરવવા સુધીની કથિત ગેરરીતિ

જૂન 2019માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં, બાદમાં અહીં પેટાચૂંટણી યોજવી પડી હતી.

આ આઠ બેઠકોમાં અબડાસા, લીંબડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણનો સમાવેશ થાય છે.

સવારે શરૂ થયેલા પેટાચૂંટણીના મતદાનમાં ઘણી જગ્યાએ ઈવીએમ અને વીવીપેટ ખરાબ થવાના પણ સમાચાર આવ્યા હતા.

મોરબી બેઠક પર આશરે 35 જેટલાં ઈવીએમ ખરાબ થયાં હતાં. જે બાદ આ ઈવીએમને બદલીને ત્યાં ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પેટાચૂંટણીમાં કેટલીક કથિત ગેરરીતિઓની ફરીયાદો પણ નોંધાઈ હતી.

જેમાં મોરબીમાં બૉયઝ હાઇસ્કૂલના મતદાનમથકની અંદર ભાજપની પત્રિકાઓ ફરતી થયાનો કથિત વીડિયો વાઇરલ થયો હતો. જેની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

તો સ્થાનિક પત્રકાર સચીન પીઠવાના કહેવા પ્રમાણે લીંબડીમાં ગાડી ગામમાં બોગસ મતદાન કરવામાં આવતું હોવાની કૉંગ્રેસના પ્રિસાઈડિંગ ઑફિસરે ફરિયાદ કરી છે.

વડોદરાની કરજણ બેઠક પર કથિત રીતે ભાજપના કાર્યકરો રૂપિયા વહેંચી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેની સામે કૉંગ્રેસે ફરિયાદ કરી હતી. આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

કરજણ બેઠક પરની પેટાચૂંટણીની પૂર્વ રાત્રીએ પોલીસે બે વ્યક્તિની આશરે 57 હજાર રૂપિયા સાથે અટકાયત કરી હતી.

પોલીસનું કહેવું છે કે આ બંને વ્યક્તિ કૉંગ્રેસના કાર્યકર છે અને તેઓ મતદારોને રિઝવવા માટે પૈસા આપવા જતા હતા.

હાર્દિક પટેલ અને સી. આર. પાટીલની શાખનો સવાલ

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પોતાનું પદ સંભાળ્યું તે બાદ પ્રથમ વખત તેમના નેતૃત્વમાં આ પેટાચૂંટણી યોજાઈ રહી છે.

પાટીલે પ્રમુખપદ સંભાળ્યા બાદ પાટીદારોના ગઢ મનાતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રેલીઓ કરી હતી.

તેમની રેલીમાં કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો અને તે મામલે સવાલો પણ થયા હતા.

આ પેટાચૂંટણીમાં ભાજપે કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી છે. હવે પાટીલના નેતૃત્વમાંથી તેઓ કેટલી બેઠકો જીતી શકે તે જોવાનું રહેશે.

બીજી તરફ કૉંગ્રેસમાંથી હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા તે બાદ તેમના માટે પણ આ પહેલી ચૂંટણી છે.

હાર્દિક પટેલ જ્યારથી કાર્યકારી અધ્યક્ષ બન્યા છે ત્યારથી તેઓ સતત ગામડાંનો પ્રવાસ કરી રહ્યા છે અને ખેડૂતો મુદ્દે રૂપાણી સરકાર પર નિશાન સાધી રહ્યા છે.

તેમના માટે કૉંગ્રેસમાંથી જ ગયેલા અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારો સામે જીતવાની કસોટી હશે.

કૉંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યોને ભાજપની ટિકિટ

આ વર્ષ જૂન મહિનામાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં. જે બાદ ગુજરાતમાં પેટાચૂંટણી યોજવી પડી હતી.

જેમાંથી ભાજપમાં જોડાયેલા પાંચને આ પેટાચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે.

આ પાંચ ઉમેદવારોમાં મોરબીથી બ્રિજેશ મેરજા, કરજણ બેઠક પરથી અક્ષય પટેલ, કરપડાથી જીતુ ચૌધરી, કચ્છની અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા તથા ધારી બેઠક પરથી જે. વી. કાકડિયાનો સમાવેશ થાય છે.

ભાજપના બીજા ત્રણ ઉમેદવારો, ગઢડાથી આત્મારામ પરમાર, ડાંગથી વિજય પટેલ અને લીંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા ચૂંટણી લડી રહ્યા છે.

જેમાંથી પરમાર અને રાણા આ પહેલાં ગુજરાતમાં ભાજપની સરકારમાં મંત્રી પદે રહી ચૂક્યા છે. જેઓ હાલ જ્યાંથી લડી રહ્યા છે તે જ બેઠકો પરથી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા.

કૉંગ્રેસ-ભાજપના ઉમેદવાર

કૉંગ્રેસના ઉમેદવારો આ મુજબ છે, અબડાસા- શાંતિલાલ સેંધાણી, લીંબડી- ચેતન ખાચર, મોરબી-જયંતીલાલ પટેલ, ધારી-સુરેશ કોટડિયા, ગઢડા- મોહન સોલંકી, કરજણ- કિરીટસિંહ જાડેજા, ડાંગ-સૂર્યકાન્ત ગાવિત અને કપરાડા- બાબુભાઈ પટેલ

આ ઉપરાંત ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ પણ પોતાના બે ઉમેદવાર ડાંગ અને કરજણમાં ઊભા રાખ્યા છે જ્યારે 51 અપક્ષોએ પણ આ વખત ચૂંટણી લડી છે.

તો ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો અબડાસા બેઠક- પ્રદ્યુમ્નસિંહ જાડેજા, લીંબડી-કિરીટસિંહ રાણા, મોરબી- બ્રિજેશ મેરજા, ધારી- જે.વી. કાકડિયા, ગઢડા- આત્મારામ પરમાર, કરજણ- અક્ષય પટેલ, ડાંગ- વિજય પટેલ અને કપરાડા-જીતુભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો