કોરોના વાઇરસ : શું ભારતીયોમાં Covid-19 સામે વધુ પ્રતિકારકશક્તિ છે?

    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

લાખો ભારતીયને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી, અસ્વચ્છ ખાણું મળે છે, અશુદ્ધ હવા શ્વાસમાં લેવી પડે છે અને ગીચ ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર તેના કારણે આ ભારતીયોને હૃદય અને ફેફસાંની બીમારી, કૅન્સર અને ડાયાબિટીસ જેવા રોગો થાય છે.

સરકારી અહેવાલો અનુસાર તેના કારણે આરોગ્ય તંત્ર પર ભારણ વધે છે. માત્ર વાયુ પ્રદૂષણને કારણે જ ભારતમાં વર્ષે લાખોનાં મોત થાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કહે છે કે ચોખ્ખું પાણી, શૌચાલય અને સ્વચ્છતા કોરોના વાઇરસ સામે રક્ષણ માટે જરૂરી છે.

WHO અને યુનિસેફના સંયુક્ત અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે લગભગ 300 કરોડ લોકો-વિશ્વના વિકાસશીલ દેશોમાં વસતા લગભગ 40% લોકો પાસે "હાથ ધોવા માટેની પાયાની સુવિધાઓ" પણ નથી. તેના કારણે કોરોના વાઇરસ ફેલાવા લાગ્યો ત્યારે ચિંતા જાગી હતી કે ભારત જેવા દેશોમાં લાખો લોકોમાં ચેપ ફરી વળશે અને મોતનો ઓછાયો ફરી વળશે.

"આરોગ્ય, સ્વચ્છતા અને શૌચાલયની સુવિધાઓ આ દેશોમાં ઓછી જોવા મળતી હોય અને તેના કારણે જ ચેપી રોગો વધારે ફેલાતા હોવાનું માનવામાં આવે છે. ઓછી આવક ધરાવતા દેશોમાં Covid-19ના કારણે હાહાકાર મચી જશે તેમ માની લેવું અસ્થાને નહોતું," એમ કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ના ડિરેક્ટર જનરલ ડૉ. શેખર માંડે કહે છે.

દુનિયાની છઠ્ઠા ભાગની વસતી ભારતમાં છે અને છઠ્ઠા ભાગના કેસો પણ અહીં નોંધાયા છે.

જોકે વિશ્વમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુમાં ભારતનો હિસ્સો માત્ર 10% છે. મૃત્યુદરની ગણતરી કરવામાં આવે તો તેમાં પણ Covid-19 દર્દીઓમાંથી 2%થી પણ ઓછાના મૃત્યુ થયાં છે, જે વિશ્વમાં સૌથી નીચો દરોમાં આવે છે.

ભારતના વિજ્ઞાનીઓએ હાલમાં કરેલા નવા સંશોધન અનુસાર અશુદ્ધ પાણી, અસ્વચ્છતાને કારણે ઊલટાના અનેક લોકો Covid-19માં ભોગ બનતા અટક્યા છે.

રોગપ્રતિકારશક્તિ વધી છે?

બીજા શબ્દોમાં કહીએ તો ઓછી અને નીમ્ન મધ્યમ-આવક ધરાવતા પરિવારનાં બાળકો નાનપણથી જ અસ્વચ્છતા વચ્ચે અનેક વાઇરસથી ઘેરાયેલાં હોય છે.

તેના કારણે ઊલટાની તેમની પ્રતિકારકશક્તિ કેળવાયેલી હોય છે.

આ વિશે બે સંશોધનો થયાં છે, જેનો સાથી સંશોધકો દ્વારા રિવ્યૂ બાકી છે, પણ તેમાં દર દસ લાખે કેટલાં મોત કોરોનાથી થયાં તેની ગણતરી કરીને તારણ કાઢવામાં આવ્યું છે.

એક સંશોધન પેપરમાં જાહેરમાં ઉપલબ્ધ 106 દેશોના ડેટાનો બે ડઝન બાબતોના આધારે અભ્યાસ કરવામાં આવ્યો હતો.

વસતીની ગીચતા, વસતીનો પ્રકાર, રોગોનું પ્રમાણ અને સ્વચ્છતાનાં ધોરણો સહિતની બાબતોની સરખામણી કરાઈ હતી.

વિજ્ઞાનીઓએ જોયું કે વધુ સમૃદ્ઘ દેશોમાં Covid-19ને કારણે વધુ લોકોનાં મોત થયાં હતાં.

આ અભ્યાસના એક લેખક ડૉ. માન્ડે કહે છે કે "સમૃદ્ધ દેશો કરતાં ગરીબ અને ઓછી આવક ધરાવતા દેશોમાં પ્રતિકારકશક્તિ વધુ જોવા મળી હતી."

બીજા અભ્યાસમાં મનુષ્ય શરીરમાં અસંખ્ય માઇક્રોબ્સ જીવતા હોય છે તેના આધારે અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં બૅક્ટેરિયા, વાઇરસ, ફૂગ અને એકકોષી આર્કિયાનો સમાવેશ થાય છે. તેનાથી પાચનમાં મદદ મળે છે, બૅક્ટેરિયા સામે રક્ષણ મળે છે, પ્રતિકારકશક્તિ નિયમિત થાય છે અને વિટામિન્સ પેદા થાય છે.

નવાં સંશોધન શું કહે છે?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજના પ્રવીણકુમાર અને બાલ ચંદરે 122 દેશોના ડેટા ચકાસ્યા હતા, જેમાં 80 દેશો સમૃદ્ધ અને ઉચ્ચ-મધ્યમ આવક ધરાવનારા દેશો હતા. વધુ વસતી ધરાવતા અને જુદાજુદા, ગ્રામ નૅગેટિવ બૅક્ટેરિયા કહેવાતા માઇક્રોબ્સથી ઘેરાયેલી વસતી ધરાવતા દેશોમાં Covid-19થી ઓછાં મોત થયા.

આ બૅક્ટેરિયાના કારણે ન્યુમોનિયા, લોહી અને મૂત્રમાર્ગ તથા ત્વચા પર ચેપ લાગે છે. પણ સાથે સાથે તે એન્ટિવાઇરલ કાયટોક્લાઇન મોલેક્યુલ પેદા કરે છે, જે કોરોના વાઇરસ સામે કોષનું રક્ષણ કરવામાં સહાયક થયા હશે.

"હજી સુધી Covid-19 સામે માઇક્રોબ્સના ચેપને કારણે કેટલી પ્રતિકારકશક્તિ આવી તેને ધ્યાનમાં લેવાયું નથી," એમ ડૉ. ચંદર કહે છે.

વિજ્ઞાનીઓ તેને હાઇજીન હાયપોથિસિસ તરીકે ઓળખે છે.

તેની પાછળ એવો વિચાર છે કે આપણી આસપાસનું વાતાવરણ વધારે પડતું સ્વચ્છ થઈ જાય તો પ્રતિકારકશક્તિને કામ કરવા માટેની તક કે તાલીમ જ મળતી નથી, એમ મેટ રિશેલ કહે છે.

An Elegant Defense: The Extraordinary New Science of the Immune System પુસ્તકના લેખક રિશેલ કહે છે, "વ્યાપક વિચાર એ છે કે આપણે પ્રતિકારકશક્તિને મોકો જ નથી આપતા કે તૈયાર થાય, કેમ કે સ્વચ્છતા માટે વધારે પડતી કાળજી લઈએ છીએ."

આ વિચાર આમ સાવ નવો પણ નથી.

'વાઇરસ અંગે ઘણું જાણવાનું બાકી છે'

1989માં હે ફિવર વિશેના એક અભ્યાસમાં એક બાબત ધ્યાને આવી હતી કે કેટલાં ભાઈબહેનો છે તેના આધારે આ ફિવર થવાની શક્યતા જાણી શકાય છે.

અભ્યાસમાં મૂકાયેલા અંદાજ અનુસાર "નાનપણમાં મોટા ભાઈબહેન સાથે સતત સંપર્કના કારણે એલર્જિક રોગો થવાની શક્યતા ઘટી જતી હતી."

વર્લ્ડ એનર્જી ઑર્ગેનાઇઝેશનના એક અભ્યાસને ટાંકીને રિશેલ જણાવે છે કે લોકો "ગરીબ દેશોમાંથી અમીર દેશોમાં માઇગ્રેટ થાય તે સાથે એલર્જી અને ઓટો-ઇમ્યુનિટી બંનેમાં વધારો" થતો હતો.

કૅલિફોર્નિયા યુનિવર્સિટીના ઇમ્યુનોલૉજિસ્ટ સ્મિતા ઐયર માને છે કે "હાઇજીન હાયપોથિસિસ" Covid-19 ચેપમાં કેવી રીતે કામ કરે છે તે સમજવું આપણા માટે એક પડકાર છે.

"આપણી પ્રતિકારકશક્તિ ઘણી વાર બહુ ઝડપથી ચેપનો સામનો કરવા માટે તૈયાર થઈ જતી હોય છે તેનો અભ્યાસ કરીને આપણે એવું મૉડલ તૈયાર કરી શકીએ, જે વર્તમાન વાઇરસ સામે પ્રતિકારકશક્તિ જગાવી શકે," એમ ડૉ. ઐયર કહે છે.

વિજ્ઞાનીઓ કહે છે કે સરખાપણાને કારણે કારણો નિશ્ચિત ના કરી શકાય અને તેથી આવા અભ્યાસોને નિરીક્ષણતાત્મક તરીકે જોવા જોઈએ.

ડૉ. માન્ડે કહે છે, "આનો અર્થ એ નથી કે આપણે ઓછી અસ્વચ્છતા તરફ આગળ વધીએ."

સાઉથ કેરોલાઇનાની મેડિકલ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર કૃતિકા કુપલ્લી કહે છે કે નવા સંશોધનમાં ઘણીબધી ધારણાઓ બાંધવામાં આવી છે, પણ તેની વૈજ્ઞાનિક સાબિતી હજી સુધી મળી નથી. "તેમાં હાઇપોથિસિસ વધારે છે અને વૈજ્ઞાનિક તથ્ય ઓછું," એમ તેઓ કહે છે.

બીજું કે નિષ્ણાતો ભારતમાં થયેલા ઓછા મોત માટે તેની યુવાવસતીને પણ કારણભૂત માને છે. આ રોગમાં વૃદ્ધોને જ વધારે જોખમ હોય છે. અન્ય ચેપ અને અગાઉના કોરોના વાઇરસ ચેપને કારણે પણ ફાયદો થયો હશે કે કેમ તે પણ સ્પષ્ટ નથી.

દેખીતી રીતે જ ઓછા મૃત્યુદર માટે ઘણાં બધાં કારણો હોઈ શકે છે. પ્રોફેસર કૃપલ્લી કહે છે, "રોગચાળાને આવ્યે હજી 10 મહિના જ થયા છે એટલે આપણે વાઇરસ વિશે હજી ઘણુંબધું જાણવાનું બાકી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો