ડોનાલ્ડ ટ્રમ્પઃ હોટલ ડેવલપરથી અમેરિકાના પ્રમુખપદ સુધીની સફર

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પહેલી વાર ઝૂકાવ્યું તે પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સૌથી વધુ મશહૂર અને રંગીન મિજાજ અબજપતિ હતા. મુશ્કેલ લાગતી 2016 ચૂંટણી તેઓ જીતી ગયા અને અમેરિકાના પ્રમુખ પણ બની ગયા.

ઇમિગ્રેશન વિરોધી વિચારો અને કર્કશ પ્રકારની તેમની પ્રચારની પદ્ધતિના કારણે જ માત્ર નહીં, પરંતુ સેલિબ્રિટી તરીકે તેમનો જે ભૂતકાળ રહ્યો હતો તેના કારણે પણ ટ્રમ્પ કેવા પ્રમુખ બની રહેશે તેની સામે શંકાઓ જાગી હતી.

આમ છતાં 70 વર્ષના ઉદ્યોગપતિ બધાની ધારણા ખોટી પાડીને રિપબ્લિકન પાર્ટીમાં તેમના અનુભવી હરીફોને પાછળ રાખીને પ્રાઇમરીમાં જીતી ગયા અને સૌ જોતા જ રહી ગયા.

2016માં અમેરિકાના ઇતિહાસની સૌથી વધુ વિભાજક અને વિવાદાસ્પદ ચૂંટણી યોજાઈ અને તેમાં તેઓ ડેમૉક્રેટિક પક્ષના હરીફ હિલેરી ક્લિન્ટનને હરાવીને પ્રમુખપદે બિરાજમાન પણ થઈ ગયા.

line

પ્રારંભિક જીવન

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂ યૉર્કના રિયલ એસ્ટેટના ટાયકૂન ફ્રેડ ટ્રમ્પના ચોથા સંતાન તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ થયો હતો. પરિવાર ધનિક હતો, આમ છતાં તેમણે પિતાની કંપનીમાં સૌથી નાના પાયાની કામગીરી કરીને આગળ વધવાનું હતું.

શાળામાં ભણતા હતા ત્યારે બહુ તોફાન કરતા હતા અને તેના કારણે 13 વર્ષની ઉંમરે તેમને મિલિટરી એકૅડેમીમાં મોકલી દેવાયા હતા.

બાદમાં પેન્સિલવેનિયા યુનિવર્સિટીની વ્હાર્ટન સ્કૂલમાં ભણ્યા અને પિતાના બિઝનેસનો વારસો સંભાળવા માટે ફેવરિટ બન્યા, કેમ કે તેમના મોટા ભાઈ ફ્રેડે પાઇલટ બનવાનું પસંદ કર્યું હતું.

ફ્રેડ બહુ નશો કરતા હતા અને તેમાં જ 43 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. આ બનાવના કારણે ડોનાલ્ડે કાયમ માટે દારૂ અને સિગરેટ પીવાનું છોડી દીધું હતું એમ તેમના મિત્રો કહે છે.

ટ્રમ્પ કહે છે કે તેમણે રિયલ એસ્ટેટમાં પોતાના ધંધાની શરૂઆત પિતા પાસેથી "નાનકડી" $1 મિલિયન ડૉલરની લૉન લઈને કરી હતી. બાદમાં તેઓ કંપનીમાં જોડાયા હતા અને પિતાએ ન્યૂ યૉર્કનાં પરાંઓમાં જુદાજુદા હાઉસિંગ પ્રોજેક્ટ્સ કર્યા હતા તેને સંભાળ્યા. 1971માં તેમણે કંપનીનો હવાલો સંપૂર્ણ સંભાળી લીધો તે પછી તેને ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન એવું નામ આપ્યું.

તેમના પિતાનું 1999માં અવસાન થયું. "મારા પિતા મારા પ્રેરણાસ્રોત હતા" એમ ટ્રમ્પે ત્યારે કહ્યું હતું.

line

વેપારમાં દબદબો

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

પરિવારનો બિઝનેસ બ્રૂકલિન અને ક્વિન્સમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સનો હતો, તેમાંથી ટ્રમ્પે મેનહટ્ટનમાં ચમકદમક સાથેના પ્રોજેક્ટ્સમાં ઝંપલાવ્યું.

ખખડી ગયેલી કૉમૉડોર હોટલને ચમકાવીને તેને ગ્રાન્ડ હયાત બનાવી અને ફિફ્થ એવેન્યૂ પર સૌથી જાણીતા બનેલા 68 માળના ટ્રમ્પ ટાવરનું નિર્માણ કર્યું. તે પછી બીજી મશહૂર બનેલી ઇમારતો પણ બનાવી - ટ્રમ્પ પ્લેસ, ટ્રમ્પ વર્લ્ડ ટાવર, ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલ ઍન્ડ ટાવર વગેરે. મુંબઈ, ઇસ્તંબૂલ અને ફિલિપિન્સમાં પણ ટ્રમ્પ ટાવર્સ ખડા થયા છે.

ટ્રમ્પે હોટેલ અને કૅસિનો પણ વિકસાવ્યા, જોકે તે ધંધામાં ખોટ કરી હતી અને તેના માટે ચાર નાદારી (બિઝનેસમાં નાદારી, વ્યક્તિગત નહીં) અરજીઓ કરવી પડી હતી.

લાઇન યૂએસ

ટ્રમ્પે એન્ટરટેઇન્મેન્ટ બિઝનેસ પણ જમાવ્યો અને 1996થી 2015 સુધીમાં તેમની માલિકી હેઠળની કંપનીઓ મિસ યુનિવર્સ, મિસ યુએસએ, અને મિસ ટીન યુએસએ જેવી સૌંદર્ય સ્પર્ધાઓનું આયોજન કરતી હતી.

2003માં તેમણે NBCના રિયાલિટી શો The Apprenticeમાં ભાગ લીધો હતો, જેમાં સ્પર્ધકોએ ટ્રમ્પની કંપનીઓમાં મૅનેજમૅન્ટ જોબ માટે સ્પર્ધા કરવાની હતી. 14 હપ્તા સુધી તેમણે શોનું સંચાલન કર્યું હતું. તેમણે હિસાબો જાહેર કર્યા તેમાં જણાવાયું હતું કે તેમને ટીવી કંપની તરફથી $213 મિલિયન મળ્યા હતા.

તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે અને નેકટાઇથી માંડીને બોટલ્ટ વૉટર સુધીની અનેક વસ્તુઓ વેચતી બ્રાન્ડ ધરાવે છે. ફૉર્બ્સ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિનું મૂલ્ય $ 3.7 અબજ છે, પરંતુ ટ્રમ્પ કહેતા આવ્યા છે કે આ મૂલ્ય $10 અબજથી વધારે છે.

line

પિતા અને પતિ તરીકે

ઇવાના અને ડોનાલ્ડ ટ્રમ્પ 1989માં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇવાના અને ડોનાલ્ડ ટ્રમ્પ 1989માં

ટ્રમ્પે ત્રણ વાર લગ્ન કર્યાં છે અને તેમાં તેમનાં પ્રથમ પત્ની સૌથી વધુ જાણીતી ઝેક એથ્લિટ અને મૉડલ ઇવાના ઝેલ્નિકોવા હતાં.

1990માં છૂટાછેડા લીધા ત્યાં સુધીમાં તેનાથી તેમને ત્રણ સંતાનો થયાં હતાં - ડોનાલ્ડ જુનિયર, ઇવાન્કા અને એરિક. તે કેસ બહુ ચગ્યો હતો અને ટેબ્લોઇડમાં સનસનાટી સાથે અહેવાલો પ્રગટ થતા હતા. તેમાં એવું જણાવાયું હતું કે ટ્રમ્પ ઇવાના પ્રત્યે આક્રમક હતા. જોકે બાદમાં ઇવાનાએ આરોપોને ઓછું મહત્ત્વ આપ્યું હતું.

1993માં તેમણે અભિનેત્રી માર્લા મેપલ્સ સાથે લગ્ન કર્યાં અને 1999માં અલગ થયાં ત્યાં સુધીમાં તેમને ટિફની નામની દીકરી થઈ હતી.

હાલમાં તેમનાં પત્ની તરીકે મેલાનિયા નોસ છે, જેઓ મૉડલ હતાં અને તેમની સાથે 2005માં લગ્ન પછી બેરોન વિલિયમ ટ્રમ્પ નામનો એક દીકરો છે.

પ્રથમ પત્નીથી થયેલાં સંતાનો અત્યારે ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશનનો કારોબાર સંભાળે છે અને હજી પણ તેઓ ચીફ એક્ઝિક્યુટિવના હોદ્દા પર છે.

line

ચૂંટણીના ઉમેદવાર

ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડવા માટે 1987થી તેમણે રસ દાખવ્યો હતો અને 2000ની સાલમાં રિફોર્મ પાર્ટીના ઉમેદવાર પણ બન્યા હતા.

2008 પછી તેઓ "birther" મૂવમૅન્ટના સૌથી આક્રમક પ્રવક્તા જેવા બની ગયા હતા. આ મૂવમૅન્ટમાં બરાક ઓબામા સામે સવાલો ઉઠાવાયા હતા કે તેઓ શું ખરેખર અમેરિકામાં જન્મ્યા હતા ખરા.

આ દાવાઓને સહેલાઈની નકારી કઢાયા હતા, અને સાબિત થયું હતું કે ઓબામાનો જન્મ હવાઈમાં થયો હતો. ટ્રમ્પે બાદમાં સ્વીકાર્યું પણ હતું કે તેમણે કરેલા આક્ષેપોમાં કોઈ વજૂદ નહોતું, પણ તેમના મિજાજ પ્રમાણે તેમણે માફી માગવાની પરવા કરી નહોતી.

તે પછી જૂન 2015માં ટ્રમ્પે પ્રમુખપદની ચૂંટણી લડવા માટેની સત્તાવાર રીતે જાહેરાત કરી.

"આપણને એવા કોઈની જરૂર છે જે આ દેશને ફરી એક વાર મહાન બનાવે. આપણે તે કરી શકીએ તેમ છીએ" એમ તેમણે દાવેદારી જાહેર કરતી વખતે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ચૂંટણી લડવા માટે તેમણે ફંડ ઊભું કરવાની જરૂર નથી અને તેના કારણે તેમના કોઈ વિશેષ સ્થાપિત હિતો નથી અને તે રીતે ઉત્તમ ઉમેદવાર છે.

મેક અમેરિકા ગ્રેટ અગેઇન એવા નારા સાથે તેમણે બહુ વિવાદાસ્પદ પ્રચાર ઝુંબેશ ચલાવી હતી અને વચનો આપ્યાં હતાં કે પોતે અમેરિકાના અર્થતંત્રને ફરીથી મજબૂત બનાવશે, મેક્સિકો અને અમેરિકા વચ્ચેની સરહદે દીવાલ બનાવશે અને "આપણા દેશના પ્રતિનિધિઓ ખરેખર જાણી ના લે શું ચાલી રહ્યું છે" ત્યાં સુધી મુસ્લિમોના ઇમિગ્રેશન પર કામચલાઉ પ્રતિબંધ મૂકશે.

તેમની પ્રચારસભાઓમાં બહુ વિરોધ થતો હતો અને તેમના રિપબ્લિક પક્ષના હરીફ દાવેદારો ટેડ ક્રૂઝ અને માર્કે રુબિયોએ ભરપૂર પ્રયાસો કર્યા, તેમ છતાં ઇન્ડિયાના પ્રાઇમરી પછી ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના દાવેદાર તરીકે સૌથી આગળ નીકળી ગયા.

line

ચૂંટણીમાં જીત

ડોનાલ્ડ ટ્રમ્પ અને બરાક ઓબામા

ઇમેજ સ્રોત, Reuters

ટ્રમ્પના ચૂંટણીપ્રચાર દરમિયાન ભારે વિવાદો જાગ્યા હતા અને તેમાં એક 2005નું રેકૉર્ડિંગ પણ બહાર આવ્યું, જેમાં તેઓ મહિલાઓ વિશે ગંદી કૉમેન્ટ કરતાં સંભળાતા હતા. તેના કારણે તેમના પોતાના પક્ષમાંથી જ વિરોધ થવા લાગ્યો હતો કે તેઓ પ્રમુખ બનવાને લાયક નથી.

જોકે તેઓ પોતાના ટેકેદારોને કહેતા રહ્યા હતા કે જનમત સર્વેક્ષણની વિપરીત તેઓ જીતી જવાના છે અને રાજકીય હિતોને તેઓ વૉશિંગ્ટનમાંથી ઉખાડીને ફેંકી દેશે. જનમતમાં તેઓ હિલેરી ક્લિન્ટનની પાછળ ચાલી રહ્યા હોવાનું જણાવાયું હતું.

હરીફ હિલેરીનાં ઇમેઇલ્સ વિશે એફબીઆઈએ તપાસ કરી હતી તેવી માહિતી લીક થઈ અને વિવાદો થયા તે પછી તેમના પ્રચારને જોર મળવા લાગ્યું હતું, તેમ છતાં બહુ ઓછા લોકો માનતા હતા કે ખરેખર તેઓ જીતી જશે.

તેમની જીતથી અમેરિકામાં અનેકને આશ્ચર્ય થયું હતું, પણ તેમના ટેકેદારો ખરેખર તેમને ઓવલ ઑફિસમાં પ્રમુખ ઓબામા પાસેથી કાર્યભાર સંભાળતા જોઈ શક્યા.

તેઓ પ્રથમ એવા પ્રમુખ બની રહ્યા, જેમણે અગાઉ કોઈ પદ પર ચૂંટણી જીતી નહોતી કે સેનામાં કામ નહોતું કર્યું. તેનો અર્થ એ થયો કે તેમણે 20 જાન્યુઆરી, 2017ના રોજ 45મા પ્રમુખ તરીકે શપથ લીધા ત્યારે એક નવું પ્રકરણ લખી જ નાખ્યું હતું.

2020માં એ જ પ્રકરણ તેઓ ફરી લખી શકશે કે કેમ એ નક્કી થવાનો સમય આવી ગયો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો