WHO : 'કોરોના હજી બદથી બદતર થઈ શકે છે, વૅક્સિન અને ઇમ્યુનિટીથી પણ નિરાશા'

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે જો આકરા પગલાં ન લેવાયાં તો કોરોના વાઇરસની મહામારી બદથી બદતર થઈ જશે.

WHOના પ્રમુખ ડૉ. ટેડ્રોસે કહ્યું, "દુનિયાનાં ઘણાં દેશો કોરોનાને પહોંચી વળવા મામલે ખોટી દિશામાં જઈ રહ્યા છે. ડૉ.ટેડ્રોસે કહ્યું કે કોરોના વાઇરસના સંક્રમણના નવા કેસ વધી રહ્યા છે અને એનાથી પુરવાર થાય છે કે જે સંભાળ અને ઉપાયની વાત કહેવામાં આવી રહી છે એનું પાલન કરાઈ નથી રહ્યું.

ઉત્તર અને દક્ષિણ અમેરિકા મહામારીની ચપેટમાં હાલ સૌથી ખરાબ રીતે છે. અમેરિકામાં સ્વાસ્થ્ય નિષ્ણાતો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સંક્રમણનાં નવા કેસ સતત ઝડપથી વધી રહ્યા છે.

જ્હોન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે અમેરિકા અત્યારે કોરોનાનો સૌથી વધુ માર ઝીલી રહ્યો છે. અહીં અત્યાર સુધી ૩૩ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 1 લાખ 35 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

WHOએ શું કર્યું કહ્યું?

સોમવારે જિનિવામાં પત્રકારપરિષદ દરમિયાન ડૉ.ટેડ્રોસે કહ્યું કે વિશ્વભરમાં નેતા જે રીતે મહામારીને પહોંચી વળવાની કોશિશ કરી રહ્યા છે એનાથી લોકોનો ભરોસો ઘટયો છે.

ડૉ. ટેડ્રોસે કહ્યું, "કોરોના વાઇરસ હજી પણ લોકોનો નંબર વન દુશ્મન છે પરંતુ દુનિયાભરની અનેક સરકારો આને લઈને જે પગલાં ઉઠાવી રહી છે એનાથી એ આભાસ થાય છે કે કોરોનાને તેઓ ગંભીર ખતરાના રૂપમાં નથી લઈ રહ્યાં."

ડૉ. ટેડ્રોસે કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા અને માસ્ક પહેરવો આ મહામારીથી બચવાના કારગર રસ્તા છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.

તેમણે ચેતવણી આપતા કહ્યું કે નજીકના ભવિષ્યમાં એવું લાગી નથી રહ્યું કે પહેલાની જેમ બધું સામાન્ય થઈ જશે. ડૉ. ટેડ્રોસે કહ્યું, "જો મૂળભૂત બાબતો નું પાલન કરવામાં ન આવ્યું તો એક જ રસ્તો છે કે કોરોના અટકશે નહીં અને તે વધતો જશે તે બદથી બદતર થઇ જશે."

WHOના આપાત કાળના નિર્દેશક માઇક રાયને કહ્યું કે અમેરિકામાં લૉકડાઉનમાં ઢીલ અને કેટલાક વિસ્તારો ખોલવાને કારણે સંક્રમણ વધુ ઝડપથી ફેલાવાનો ડર છે.

લેટિન અમેરિકામાં 1 લાખ 45 હજારથી વધુ લોકોનાં મૃત્યુ કોરોનાથી થઈ ચૂક્યાં છે. કહેવાઈ રહ્યું છે કે મૃત્યુનો આંક હજુ વધશે કારણ કે પર્યાપ્ત ટેસ્ટિંગ નથી રહ્યું. આમાંથી અડધાંથી વધુ મૃત્યુ બ્રાઝિલમાં થયાં છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસેનારો કડક લૉકડાઉનના વિરોધમાં હતા. એટલું જ નહીં તેઓ લૉકડાઉનની મજાક ઉડાવતા હતા અને પાછળથી તેઓ પોતે જ સંક્રમિત થઈ ગયા.

ડૉ. રાયને કહ્યું કે લૉકડાઉનથી ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે પરંતુ કેટલીક ખાસ જગ્યા પર લૉકડાઉન સંક્રમણ રોકવા માટે ખૂબ જ જરૂરી છે.

તેમણે દુનિયાભરની સરકારોને આગ્રહ કર્યો કે તેઓ સ્પષ્ટ અને મજબૂત રણનીતિ અપનાવે. તેમણે એમ પણ કહ્યું કે નાગરિકો પણ એની ગંભીરતાને સમજે અને દિશા-નિર્દેશોનું પાલન કરે.

વૅક્સિન અથવા ઇમ્યુનિટી વિશે શું કહ્યું?

ડૉ. રાયને કહ્યું, "આપણે વાઇરસ સાથે કેવી રીતે જીવવાનું છે તે શીખવું પડશે. એમ આશા રાખવી કે વાઇરસને ખતમ કરી શકાય છે અથવા કેટલાક મહિનાઓમાં અસરકારક રસી તૈયાર થઈ જશે તે સાચું નથી."

તેમણે કહ્યું, "હજુ સુધી ખબર નથી કે કોરોના વાઇરસથી સ્વસ્થ થનારામાં ઇમ્યુનિટી બની રહી છે કે નહીં અને જો તે બની પણ રહી છે તો એ ખબર નથી કે તે કેટલો સમય અસર બતાવશે."

સોમવારે લંડન કિંગ્સ કૉલેજના વૈજ્ઞાનિકોએ પોતાનો એક અહેવાલ જાહેર કર્યો હતો અને એમાં જણાવ્યું હતું કે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં બનેલી રોગપ્રતિકારક શક્તિ થોડા સમય માટે જ હોઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ 96 લોકો પર અભ્યાસ કર્યો કે કેવી રીતે શરીર ઍન્ટિબૉડીના માધ્યમથી સ્વભાવિક રીતે કોરોનાનો સામનો કરે છે અને તે કેટલા દિવસો સુધી ટકે છે. એનો અર્થ એ કે હજુ સુધી સ્પષ્ટ નથી કે કોરોના પીડિત દરદી સ્વસ્થ થયા બાદ ક્યાં સુધી સ્વસ્થ રહી શકે છે. આ અભ્યાસમાં સામેલ તમામ લોકોમાં મળેલા ઍન્ટિબૉડી કોરોના વાઇરસને રોકતા હતા પરંતુ 3 મહિનામાં એનું સ્તર ઘટવા લાગ્યું હતું.

WHOએ તેની પત્રકારપરિષદમાં કહ્યું કે એ વાતનાં પ્રમાણ મળ્યા છે કે દસ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કોવિડ-19થી આંશિક રીતે પ્રભાવિત થયાં, જ્યારે કે જે દસ વર્ષથી વધુ વયના છે એમાં પણ આ જ પ્રકારના લક્ષણો જોવા મળ્યાં. બાળકો વાઇરસનું સંક્રમણ કયા સ્તર સુધી ફેલાવી શકે છે એ જાણવું હજુ બાકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો