You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યા અને રામ : પીએમ ઓલીના નિવેદન પર નેપાળની સ્પષ્ટતા
નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ અયોધ્યા અને રામને લઈને આપેલા નિવેદન પર નેપાળે સ્પષ્ટતા કરી છે.
મંગળવારે નેપાળી વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે વડા પ્રધાન ઓલી કોઈની પણ લાગણીઓને દુભાવવા નહોતા ઇચ્છતા.
વિદેશમંત્રાલયે પોતાના નિવેદનમાં ત્રણ મુદ્દાઓ પર સ્પષ્ટિકરણ આપ્યું છે.
સૌથી પહેલાં એવું પણ કહેવાયું છે, "આ ટિપ્પણી કોઈ રાજકીય મુદ્દા સાથે જોડાયેલી નહોતી અને કોઈની લાગણીઓને દુભાવવાની ઇચ્છા નહોતી. "
આગળ કહેવાયું છે, "શ્રી રામ અને સંબંધિત સ્થાનોને લઈને કેટલાય મત અને સંદર્ભ છે. વડા પ્રધાન શ્રી રામ, અયોધ્યા અને તેને સંબંધિત વિવિધ સ્થાનોને લઈને તથ્યોની જાણકારી માટે એ વિશાળ સાંસ્કૃતિક ભૂગોળના અભ્યાસ તેમજ શોધના મહત્ત્વનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેને રામાયણ પ્રદર્શિત કરે છે."
નિવેદનમાં ત્રીજા બિંદુમાં કહેવાયું છે, "આનો અર્થ અયોધ્યા અને સાંસ્કૃતિક મૂલ્યોને ઓછાં આંકવાનો નહોતો. "
નિવેદનના અંતે કહેવાયું છે, "નેપાળમાં દર વર્ષે વિવાહપંચમીનું ઊજવવામાં આવે છે. આ પ્રસંગે ભારતના અયોધ્યાથી નેપાળના જનકપુર સુધી જાન જાય છે. નેપાળ અને ભારતના વડા પ્રધાનોએ વર્ષ 2018માં રામાયણ સર્કિટ લૉન્ચ કરી હતી અને જનકપુર-અયોધ્યા બસસેવા એનો એક મહત્ત્વનો ભાગ છે. આ બધા જ તથ્યો બન્ને દેશો અને ત્યાંની પ્રજા વચ્ચેના લાંબા સમયના સાંસ્કૃતિક સંબંધોને દર્શાવે છે."
નેપાળના વડા પ્રધાને શું કહ્યું હતું?નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ એક નિવેદન આપતાં વિવાદ ઊભો થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે કહ્યું કે રામનો જન્મ નેપાળમાં થયો હતો.
પોતાના સરકારી નિવાસસ્થાને કવિ ભાનુભક્તની જંયતી નિમિત્તે યોજાયેલા એક સમારોહમાં કેપી શર્મા ઓલીએ આ નિવેદન આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે ભારત અને નેપાળ વચ્ચે તાજેતરમાં તણાવ ચાલી રહ્યો છે.
કેપી શર્મા ઓલીએ દાવો કર્યો કે અસલી અયોધ્યા નેપાળમાં વીરગંજ પાસે એક ગામ છે અને ત્યાં રામનો જન્મ થયો હતો.
નેપાળમાં રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના નેતા કમલ થાપાએ વડા પ્રધાન કેપી શર્મા ઓલીના આ નિવેદનનો વિરોધ કર્યો હતો.
એમણે કહ્યું કે "કોઈ પણ વડા પ્રધાન આ પ્રકારનાં આધારહીન અને અપ્રમાણિત નિવેદન આપે તે યોગ્ય નથી."
એમણે ટ્વીટમાં કહ્યું કે "એમણે તણાવ ઓછો કરવા પર કામ કરવું જોઈએ પણ એવું લાગે છે કે વડા પ્રધાન ઓલી ભારત અને નેપાળના સંબંધો વધારે ખરાબ કરવા માગે છે."
લેખક કનકમણિ દીક્ષિતે પણ આનો વિરોધ કર્યો.
ભારત અને નેપાળ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી તણાવની સ્થિતિ છે.
નેપાળે 20મેના રોજ પોતાનો નવો નકશો જાહેર કર્યો હતો.
આ નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીને પોતાના વિસ્તાર તરીકે રજૂ કર્યો હતો. આ ત્રણે વિસ્તાર હાલ ભારતમાં છે પરંતુ નેપાળનો દાવો છે કે એ તેમનો વિસ્તાર છે.
તણાવ
આ પછી બે દેશો વચ્ચે તણાવ વધ્યો છે. જોકે, આ અગાઉ ભારતે ગત વર્ષે નવેમ્બરમાં જમ્મુ-કાશ્મીરમાં બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવ્યા અને એ પછી પોતાનો નવો નકશો જાહેર કર્યો.
આ નકશામાં એ ત્રણે વિસ્તાર ભારતમાં છે.
નેપાળનો આરોપ છે કે ભારતે એના વિસ્તારો પોતાના ગણાવ્યા. જોકે, ભારતનું કહેવું છે કે એણે કોઈ નવા વિસ્તારોનો સમાવેશ નથી કર્યો અને એ ત્રણે વિસ્તારો પહેલાંથી જ ભારતમાં છે.
તાજેતરમાં ભારતના મીડિયાની ભૂમિકાને લઈને પણ નેપાળે સખત નારાજગી દર્શાવી છે.
અનેક ભારતીય ન્યૂઝ ચેનલોએ નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી અને ચીનનાં રાજદૂત હોઉ યાંકીને લઈને સનસનીખેજ દાવાઓ કર્યા છે. અનેક ન્યૂઝ ચેનલોએ એવી સ્ટોરી પણ ચલાવી કે નેપાલના વડા પ્રધાન ઓલીને હની ટ્રેપમાં ફસાવી દેવામાં આવ્યા છે.
નેપાળે આ અહેવાલોનો આકરો વિરોધ કર્યો છે અને કેબલ ઓપરેટરોને કહ્યું છે કે આવા ભારતીય સમાચારોનું પ્રસારણ પોતાની જવાબદારી સમજીને રોકે.
નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ જાવલીએ કહ્યું કે એમણે નેપાળમાં ભારતના રાજદૂત નીલાંબર આર્ચાયને ભારતના વિદેશ મંત્રાલય આગળ આકરો વિરોધ રજૂ કરવા કહ્યું છે.
નેપાળમાં ભારતના રાજદૂત નીલાંબરે કહ્યું કે ભારતનું મીડિયા નેપાળ અને ભારતના સંબંધોને વધારે ખરાબ કરી રહ્યું છે.
જોકે, ચીનના રાજદૂતની સક્રિયતાને લઈને નેપાળમાં પણ વિરોધ થયો છે.
નેપાળમાં વિરોધપક્ષથી લઈને મીડિયા સુધી દેશની આંતરિક રાજનીતિમાં કોઈ રાજદૂતની આવી સક્રિયતા ઠીક નથી એવી વાત પણ થઈ. આ મુલાકાતો પર છેલ્લા અઢી મહિનાથી ચાલી રહી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો