સુનિતા યાદવ અને મંત્રીના પુત્રના વિવાદમાં સોશિયલ મીડિયા બન્યું સમરાંગણ

સુરતના મહિલા પોલીસ કૉન્સ્ટેબલ સુનિતા યાદવ અને ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાનાણીના પુત્ર વચ્ચે બોલાચાલીને કારણે મોટો વિવાદ ઊભો થયો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ સુરત પોલીસે આ બાબતે તપાસના નિર્દેશ આપ્યા છે.

કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીના મિત્રો સુરતના વરાછા વિસ્તારના મિની બજારમાં ગત બુધવારે રાત્રે માસ્ક પહેર્યા વગર ગાડી લઈને નીકળ્યા હતા, જેમને સુનિતા યાદવે રોક્યા હતા.

કથિત રૂપે ત્યાર પછી તેમણે પ્રકાશ કાનાણીને ઘટનાસ્થળ પર બોલાવ્યા હતા. પ્રકાશ કાનાણીએ કથિત રૂપે સુનિતા યાદવને 365 દિવસ સુધી ઊભા રાખવાની ધમકી આપી હતી જે બાદ સુનિતા યાદવે પણ ખૂબ જ આકરા શબ્દોમાં પ્રકાશ કાનાણી અને તેમના મિત્રો સાથે વાત કરી.

આ ઘટનાની ઑડિયો અને વીડિયો ક્લિપ વાઇરલ થઈ હતી જેમાં સુનિતા યાદવે કહ્યું હતું કે 'તેઓ તેમનાં ગુલામ નથી.'

બોલાચાલી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી ગયો અને પછી સુનિતા યાદવે રાજીનામું આપ્યું હતું.

જોકે સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ તેમની પોલીસ હેડ ક્વાર્ટરમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

રવિવારે પ્રકાશ કાનાણી અને તેમના બે મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.

જોકે મીડિયા રિપોર્ટ પ્રમાણે સુનિતા યાદવ સામે તપાસ હજી બાકી છે ત્યારે તેઓ રજા પર ઊતરી ગયાં છે.

'અમદાવાદ મિરર'ના અહેવાલ મુજબ સુનિતા યાદવ સિક લીવ પર જતાં રહ્યાં છે. કુમાર કાનાણીને ટાંકતા આ અહેવાલમાં લખવામાં આવ્યું છે કે સુનિતા યાદવે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો જ્યારે તેમનો પુત્ર હાથ જોડીને વાત કરી રહ્યો હતો.

કુમાર કાનાણીએ 'અમદાવાદ મિરર'ને કહ્યું કે સુનિતા યાદવ સાથે તે રાત્રે ફોન પર વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે 'કાયદાકીય પગલાં લે પણ અપશબ્દો ના વાપરે.'

જોકે રવિવારે આ ઑડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી અને ત્યારથી લોકો સોશિયલ મીડિયા પર સુનિતા યાદવનું સમર્થન કરી રહ્યા છે.

આ ઑડિયો ક્લિપમાં સુનિતા યાદવ કથિત રૂપે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને પ્રકાશ કાનાણીની ગાડી પરથી એમએલએનું પાટિયું હઠાવવાનું પણ કહ્યું હતું.

તેઓ એવું પણ કહેતા સાંભળી શકાય છે કે તેઓ પોલીસકર્મીની ફરજ બજાવતી વખતે નરેન્દ્ર મોદીને પણ રોકી શકે છે.

સોશિયલ મીડિયા પર #SunitaYadav #ISupportSunitaYadav જેવા હૅશટૈગ ટ્રેન્ડ કરી રહ્યા છે.

લોકો કુમાર કાનાણીના રાજીનામાની માગ કરી રહ્યા છે તો વિજય રૂપાણીની સરકારને આ બાબતે પગલાં લેવાની વિનંતી પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં સુનિતાની હિંમત અને ફરજ પ્રત્યે જવાબદારીનાં વખાણ થઈ રહ્યાં છે અને લોકો તેમને 'લેડી સિંઘમ'નું નામ પણ આપી રહ્યા છે.

દીપક નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે ધારાસભ્યના પુત્ર માટે કાયદો અલગ છે. એક તો કર્ફ્યુ ભંગ કરવો છે અને 365 દિવસ ડ્યૂટી કરાવવાની ધમકી આપવી ક્યાં સુધી વ્યાજબી છે.

એ સિવાય હિંદીના જાણીતા કવિ કુમાર વિશ્વાસે પણ આ અંગે ટ્વીટ કરીને મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પ્રશ્ન કર્યો છે કે 'સત્તાનું ચરિત્ર પણ બદલાશે કે માત્ર દર વખતે સરકાર જ બદલાશે? બહાદુર જૂનિયરને સિનિયર બનાવો.'

'ટેડ એક્સ' સ્પીકર કુમાર મનીષે ટ્વીટ કરીને લખ્યું છે કે મંત્રીના પુત્ર દ્વારા ધમકી મળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓએ કંઈ પગલાં ન લેતાં ગુજરાત પોલીસનાં મહિલા કૉન્સ્ટેબલ સુનિતા યાદવે રાજીનામું આપવાની ફરજ પડી હતી. પોલીસ તંત્રથી પરેશાન મહિલા કૉન્સ્ટેબલે ગુજરાતના સુરતમાં રાજીનામું આપી દીધું.

આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ સાથે સંકળાયેલાં આરતીએ ટ્વિટર પર લખ્યું છે કે 'જેમ અપેક્ષિત હતું સુનિતા યાદવની બદલી કરી નાખવામાં આવી...તેમની ડ્યૂટી યોગ્ય રીતે કરવા માટે.... આ ભારત છે!'

'ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશન' નામના એક સ્વતંત્ર થિંક ટૅન્કના ટ્વિટર હૅન્ડલ પર લખવામાં આવ્યું કે 'આંતરિક પોલીસ સુધારો માટે સુનિતા યાદવ જેવાં અધિકારીઓ જ આશાનું કિરણ છે જે સિદ્ધાંતો અનુરૂપ સ્ટૅન્ડ લેતાં હોય છે. જેઓ કાયદો તોડનારાઓ સામે નથી ઊભા રહેતા, જેમને ઊંચા હોદ્દેદારો દ્વારા ઠપકો આપવામાં આવે છે, એ લોકો દેશનું વધારે નુકસાન કરે છે.'

ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના ટ્વિટર હૅન્ડલ પ્રમાણે આ સંસ્થા પોલીસતંત્રમાં ફેરફારો અને સાઇન્ટિફિક પૉલિસિંગ માટે પોલીસ અને લોકોને સાથે લાવે છે.

આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ડૉ હસન સફીને લખ્યું છે કે 'સુનિતા યાદવને સસ્પેન્ડ કરવામાં આવે તો અચરજ ન પામતા. કુમાર કાનાણીનો અહંકાર તેમના ગૃહનગર સુરતમાં કોરોના સંક્રમણના જેટલા કેસ છે તેના કરતા પણ મોટો છે.'

દિલ્દી મહિલા કમિશનનાં પ્રમુખ સ્વાતી માલીવાલે પણ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે 'ગુજરાતમાં મંત્રીનો બગડેલો પુત્ર કર્ફ્યુનું ઉલ્લંઘન કરીને માસ્ક વગર ફરતો હતો, કૉન્સ્ટેબલ સુનિતા યાદવે કોઈ દબાણમાં આવ્યા વગર પોતાની ડ્યૂટી નિભાવી. આ કાર્ય માટે તેમને સન્માનિત કરવાં જોઈતાં હતાં પરંતુ તેમણે પ્રશાસનના દબાણમાં રાજીનામું આપવું પડ્યું હતું. શરમજનક કહેવાય!'

ગુજરાત પોલીસના ભૂતપૂર્વ પોલીસ અધિકારી ડી જી વણઝારાએ સુનિતા યાદવનાં સમર્થનમાં ટ્વીટ કરીને કહ્યું કે કાયદો તોડનારાઓ સામે જલદી ગુનો નોંધાવો જોઈએ.

તેમણે ટ્વીટમાં લખ્યું કે 'મેં કેટલાય એસપી જોયા છે જેમની પ્રતિભા કૉન્સ્ટેબલ કરતા પણ ઓછી હતી અને કેટલાક એવા કૉન્સ્ટેબલને જોયાં છે જેમણે અવસર મળતા સારું પ્રદર્શન કર્યું છે. હું સુનિતા યાદવનું સમર્થન કરું છું.'

જોકે, સોશિયલ મીડિયામાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રની તરફેણમાં પણ લોકો પોસ્ટ લખી રહ્યા છે.

ઉજ્જવલ શાહ નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે સુરત પોલીસ કમિશનર, આ મહિલા કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા જોઈએ. સુનિતા યાદવને વીડિયો બનાવીને તેને વાઇરલ કરવાનો કોઈ હક નથી અને કોઈને નાની બાબત માટે ધમકાવવાનો પણ અધિકાર નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો