You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ભારતમાં 'હોમ આઈસીયુ' દરદીઓને કેવી રીતે મદદ કરે છે?
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
ગીચ વસ્તીવાળા પશ્ચિમ દિલ્હી પાસે એક પરિવાર હૉસ્પિટલમાં બેડની વ્યવસ્થા માટે સંઘર્ષ કરતો હતો.
જૂનનો શરૂઆતનો સમય હતો અને ભારતમાં આઠ અઠવાડિયાં લાંબા સખત લૉકડાઉનને હઠાવવાનો નિર્ણય લેવાયો હતો.
સાઠ વર્ષીય રાજકુમાર મહેતા યાદ કરે છે, "અનલૉક-2 થયે બે દિવસ થયા હતા અને હળવાં લક્ષણો હોવાથી મેં મારો રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પૉઝિટિવ આવ્યો અને અમે કોઈ હૉસ્પિટલની શોધ કરી, જેથી મને ત્યાં દાખલ કરી શકાય."
મહેતા પરિવારે ઘણી હૉસ્પિટલોમાં તપાસ કરી, પણ દરેક જગ્યાએથી તેમને નિરાશા મળી, "કેમ કે બધી હૉસ્પિટલો દર્દીઓ ભરેલી હતી અને દરેક જગ્યાએ ભીડ જ ભીડ હતી."
પણ એક મિત્રની સલાહે તેમનામાં આશા જગાવી હતી. રાજકુમાર મહેતાએ પુત્ર મનીષનો ફોન ઉઠાવ્યો અને એ કંપનીનો સંપર્ક કર્યો "જે ઘરે જ હૉસ્પિટલ બેડ ઉપલબ્ધ કરાવવાનો દાવો કરે છે, જેની સાથે ઓક્સિજન સપોર્ટ અને પૂરી સારસંભાળની સુવિધા પણ આપવામાં આવે છે."
કેટલાક કલાકોમાં ઘરે પહોંચી જાય છે 'હોમ આઈસીયુ'
સહમતી બનતા અને એડવાન્સ પૈસા આપવાના કેટલાક કલાકોમાં જ મહેતા પરિવારના ઘરે મેડિકલ ઉપકરણ પહોંચાડી દેવાયાં. જેમાં કાર્ડિઆક મૉનિટર સામેલ હતું, જેની સાથે ઓક્સિમીટર જોડાયેલું હતું. સાથે જ ઓક્સિજન સિલેન્ડર અને એક પોર્ટેબલ વૅન્ટિલેટર પણ મોકલાયું. આ બધાં ઉપકરણો સાથે એક પ્રશિક્ષિત પેરામેડિક પણ આવી.
હોમ આઇસોલેશનની સુવિધા આપનારી એચડીવાય હેલ્થકૅર નામની કંપની ચલાવતા અંબરીશ મિશ્રા કહે છે, "અમે તેમને પૂરી પ્રક્રિયા સમજાવી અને હોમ કૅર ફૅસિલિટીમાં આવતા ખર્ચ અને જરૂરી લૉજિસ્ટિક અંગે જણાવ્યું. અને આગળના દિવસે રાજકુમાર મહેતા અમારી દેખરેખમાં હતા. તેમને તેમના જ ઘરમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમણે બહુ સારી રીતે રિકવર કર્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં અત્યાર સુધીમાં સંક્રમણના આઠ લાખથી વધુ કેસ આવી ચૂક્યા છે અને 23 હજારથી વધુનાં મૃત્યુ થયાં છે.
અહીં કોવિડ-19ના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, એ સાથે જ ભારત કોરોના વાઇરસની વૈશ્વિક સૂચિમાં હવે ત્રીજા નંબરે આવી ગયું છે.
જૂનના અંતમાં ચેન્નાઈસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેથેમેટિકલ સાયન્સના શોધકર્તાઓએ એક સાંખ્યિક વિશ્લેષણના આધારે કહ્યું હતું કે "ભારતમાં જુલાઈના અંત સુધીમાં કે પહેલાં 10 લાખથી વધુ સક્રિય કેસ હોઈ શકે છે."
હૉસ્પિટલોમાં વધતું ભારણ
સરકાર દાવો કરે છે કે તેઓ બધા અસરગ્રસ્ત લોકોને સ્વાસ્થ્ય સુવિધા આપી રહી છે, પરંતુ પથારીને કમીને લીધે સેંકડો લોકો હૉસ્પિટલોથી પાછા આવ્યાના સમાચારો આવતા રહે છે.
હવે પોતાની શક્તિ પ્રમાણે લોકો અન્ય વિકલ્પોની શોધ કરી રહ્યા છે, જેમ કે કેટલાક લોકો પોતાના જ ઘરમાં પ્રાઇવેટ સારવાર કરાવી રહ્યા છે.
સતત કેસ વધતાં અને હૉસ્પિટલો પર ભારણને કારણે જ કદાચ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે કે "કોવિડ-19ના એસિમ્પ્ટોમેટિક અને સિમ્પ્ટોમેટિક દર્દીઓને ઝડપથી ક્વૉરેન્ટીન કરવાની જરૂર છે."
સરકારે પોતાના આઇસોલેશન વૉર્ડ વધારવા માટે ઘણી હોટલો, સ્પૉર્ટ્સ સ્ટેડિયમ અને એટલે સુધી કે રેલસેવાને પણ પોતાના નિયંત્રણમાં લીધી છે. પણ જે પરિવારોમાં એક કે એકથી વધુ સભ્યો પૉઝિટિવ છે, તેઓ હોમ ફૅસિલિટીના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે.
કોરોનાથી સાજા થઈ ગયેલા એક 56 વર્ષીય દર્દીનાં પુત્રી ભારતી સિંહ કહે છે, "ઘરમાં આઈસીયુ-સેટ લગાવવો એક સારો નિર્ણય હતો, કેમ કે હું મારા પિતાના સ્વાસ્થ્ય પર નજર રાખી શકતી હતી. તેમાં હૉસ્પિટલમાં જવાનું નહોતું."
તેમને લાગતું હતું કે "હૉસ્પિટલોના કોવિડ-19 વૉર્ડમાં સેંકડો દર્દીઓ હોય છે, અને બધા પર ધ્યાન આપવાનું હોય છે, બધાને સમય આપવાનો હોય છે, આથી સંક્રમણ વધવાનો ખતરો પણ હોય છે."
દર્દીની સાથે રહે છે એક નર્સ
પોતાના ઘરમાં સારવાર માટ દર્દી સાથે એક નર્સ રહે છે, જે એક ડૉક્ટરની દેખરેખમાં કામ કરે છે.
કોવિડ-19ના દર્દીઓ સાથે રહેતા પેરામેડિક સ્ટાફ કે નર્સોનો કોઈ નવા દર્દી પાસે જતાં પહેલાં અને બાદમાં ટેસ્ટ કરાય છે. અને તેમણે એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે દર્દીના પરિવારજનો પણ નિર્ધારિત આઇસોલેશનનું પાલન કરે.
કોવિડકૅર આપનારી એક પ્રાઇવેટ હેલ્થકૅર કંપની સાથે કામ કરતાં એક નર્સ કે.એ. વોરસેમલા ઘણા દર્દીઓની સારવાર કરી ચૂક્યાં છે.
તેમને લાગે છે કે આ કામ ખરેખર જવાબદારીવાળું છે, કેમ કે એ સમયે રૂમમાં મેડિકલ પ્રોફેશનલના રૂપમાં માત્ર તેઓ જ ત્યાં હોય છે.
તેઓ કહે છે, "હૉસ્પિટલોમાં ઇમરજન્સી દરમિયાન દરેક પ્રકારનાં મેડિકલ ઉપકરણ અને ડૉક્ટરો હાજર રહે છે, પણ ઘરોમાં ડૉક્ટરો હોતા નથી. આથી નર્સે એટલાં સક્ષમ થવું પડે છે કે કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળે. એ વાતનો પણ યોગ્ય સમયે નિર્ણય લે કે ડૉક્ટરોને ક્યારે અને કેવી અપડેટ આપવી છે."
નર્સ અને પેરામેડિક એક વિશેષજ્ઞ ડૉક્ટરોને જાણકારી આપતા રહે છે કે દર્દીને કેટલું ઓક્સિજન અપાયું છે, દર્દીના શરીરનું તાપમાન અને અન્ય લક્ષણો કેવાં છે.
એક હેલ્થકૅર પ્રોવાઇડર માટે આ કામ કરતાં વિશેષજ્ઞ ડક્ટર દીક્ષિત ઠાકુર માને છે કે "સૌથી મહત્ત્વનું છે કે ડૉક્ટરનું યોગ્ય સમયે કૉલ લેવું."
તેઓ કહે છે, "હજુ સુધી આપણી પાસે કોવિડ-19નું કોઈ પ્રમાણિત ઇલાજ નથી, પરંતુ જે સપોર્ટિવ થૅરપી અમે હૉસ્પિટલમાં આપી રહ્યા છીએ જ એ ઘરોમાં આપીએ છીએ. સૌથી મહત્ત્વનું છે કે ડૉક્ટર જરૂર પડ્યે યોગ્ય સમયે દર્દીને હૉસ્પિટલના પ્રોપર આઈસીયુમાં શિફ્ટ કરવાનો કૉલ લે."
હોમ આઈસીયુની કિંમત
સ્વાભાવિક છે કે ઘરમાં મળતી સુવિધાની એક કિંમત પણ છે. આ મિની આઈસીયુ જેવા સેટ-અપ માટે 10 હજારથી લઈને 15 હજાર પ્રતિદિન ભાડું આપવું પડે છે. મોટા ભાગના લોકો માટે આ મોંઘો સોદો છે, પણ તેમ છતાં તેની માગ વધી રહી છે.
ઘરમાં ક્રિટિકલ કૅરની સુવિધા આપવાના ધંધામાં 'એચડીયુ હેલ્થકૅર' કે 'હેલ્થકૅર એટ હોમ' મોટાં નામ રહ્યાં છે. પણ કોવિડ-19 પહેલાં આ સુવિધાની માગ એટલી વધુ ક્યારેય રહી નહોતી.
કિંમત અને એડવાન્સ પૈસાની પૂછપરછ માટે આવતાં ફોન-કૉલ વચ્ચે અંબરીશે કહ્યું, "દરરોજ પાંચ પરિવારો અમારી સાથે જોડાયેલા રહે છે, એટલે કે 20થી 25 દર્દી."
ભારતનાં મોટાં શહેરોમાં મલ્ટિ-સ્પેશિયાલિટી હૉસ્પિટલની ચેન રૅસિડેન્ટ વેલ્ફેર ઍસોસિયેશન અને ગ્રૂપ હાઉસિંગ સોસાયટી સાથે મળીને ત્યાં 'હોમ આઇસોલેશન સેન્ટર' સેટ-અપ કરી રહ્યા છે.
દિલ્હી જેવી ઘણી રાજ્ય સરકારો લક્ષણ વિનાના કે હળવાં લક્ષણવાળા કોવિડ દર્દીઓને ઘરમાં આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી રહી છે. તેમનાં ઘરોમાં મફતમાં ઓક્સિમીટર પહોંચાડી રહી છે, તેથી તેઓ જાતે ઓક્સિજન લેવલ પામી શકે.
સલાહ આપવામાં આવી છે કે તેઓ ત્યારે જ હૉસ્પિટલ આવે જ્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ હોય કે અન્ય કૉમ્પ્લિકેશન હોય.
થોડા સમય પહેલાં ભારતની 'કોરોના રાજધાની' કહેવાઈ રહેલું મુંબઈ પણ હૉસ્પિટલની ભીડથી પરેશાન છે. પછી સરકારે હોટલો અને સ્ટેડિયમોમાં મેક શિફ્ટ કોવિડ સેન્ટર બનાવી દીધાં.
વસાહતી એપાર્ટમેન્ટમાં બનેલા વૉર્ડ વચ્ચે આ શહેરના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ઘણા વસાહતી એપાર્ટમેન્ટોએ પોતાના ક્લબ હાઉસ કે ઢંકાયેલા એરિયાને આઇસોલેશન ઝોનમાં બદલવાનો નિર્ણય લીધો છે. તેના માટે તેઓને માત્ર મોટી હેલ્થકૅર કંપનીઓએ જ નહીં પણ ઘણા વરિષ્ઠ ડૉક્ટરોએ પણ મદદ કરી છે.
એક એપાર્ટમેન્ટમાં રહેતા ડૉક્ટર અને રેડિયોલૉજિસ્ટ વિવેદ દેસાઈને 'હેલ્થકૅર એટ હોમ'થી પણ સહયોગ મળ્યો.
તેઓ કહે છે, અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો, કેમ કે દર્દીઓને હૉસ્પિટલમાં પથારી મળતી નહોતી અને આવી ઘટનાઓ મુંબઈમાં વધતી હતી. અમે એપાર્ટમેન્ટમાં એક સેનેટાઇઝ્ડ એરિયા પસંદ કર્યો, જ્યાં આઠ-દસ દર્દી રહી શકતા હતા અને ત્યાં તેમને આઈસોલેટ કરવાનું શરૂ કર્યું."
જોકે કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે કોઈ દર્દી ભલે પોતાના ઘરમાં હોય કે કોઈ પ્રાઇવેટ એપાર્ટમેન્ટ બિલ્ડિંગના વૉર્ડમાં- એ રિસ્કી હોઈ શકે છે.
પરંતુ ખતરો પણ છે....
મોટા ભાગના લોકોને લાગે છે કે કોવિડ-19 દર્દીઓના ઓક્સિજન લેવલમાં અચાનક વધારે કમી આવી શકે છે. એવામાં ત્યાં એક વિશેષજ્ઞ ડૉક્ટર અને પૂરી રીતે ફક્શનલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ હોવું જરૂરી છે, જેની સાથે એડવાન્સ વૅન્ટિલેટર પણ હોય.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના ડૉ. સંદીપ શર્મા કહે છે, "જો કોઈ કહે કે મેં એક સામુદાયિક કેન્દ્ર કે એક જિમખાનાને એક મેડિકલ સેન્ટર કે કોવિડ કૅર સેન્ટર કે આઈસીયુમાં બદલી નાખ્યું છે, તો તેમાં એક જ સમસ્યા છે કે ત્યાં તેને મૉનિટર કરવા માટે મેડિકલ વિશેષજ્ઞ નથી. જો ત્યાં 10 દર્દી છે અને કંઈક થઈ જાય તો કોણ જવાબદાર હશે."
દિલ્હીની મૈક્સ હૉસ્પિટલમાં કોવિડ-19 દર્દીઓની સારવાર કરતાં વિશેષજ્ઞ ડૉક્ટર મનોજ સિન્હા કહે છે, "કોઈને હૉસ્પિટલમાં ભરતી કરાવવું એક મુશ્કેલ નિર્ણય હોય છે, કેમ કે તેની સાથે એક સોશિયલ સ્ટિગ્મા જોડાયેલું છે. પણ જો કોઈ મેડિકલ હસ્તક્ષેપ કે દેખરેખની જરૂર હોય તો હૉસ્પિટલના આઈસીયુ સિવાય કોઈ વિકલ્પ હોઈ ન શકે."
આર્થિક રીતે સક્ષમ એવા લોકોની સંખ્યા વધી રહી છે, તેઓ ઘરોમાં મિની આઈસીયુ ઇચ્છે છે, પરંતુ મોટા ભાગના લોકો પાસે એ વિકલ્પ છે જ નહીં અને એ બધાને સરકારી કે ખાનગી હૉસ્પિટલમાં પોતાનો નંબર લાગે તેનો વધુ ઇંતેજાર રહે છે.
જોકે દેશભરની આ તમામ હૉસ્પિટલોમાં કેટલાક બેડ, કર્મચારીઓ અને ઉપકરણોની કમીનો સામનો કરી રહ્યા છે. પણ એ 'કેટલાક' લોકો સામે એ સ્થિતિ નથી કે તેઓ પોતાના ઘરમાં જ કોઈને સાજા થતા જોઈ શકે.
જેમ કે ભારતી સિંહ કહે છે, "હું તેને કોઈ અન્ય રીતે કરી શકતી નહોતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો