કોરોના વાઇરસની મહામારીને માત આપનારો એ દેશ

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો પ્રકોપ યથાવત્ છે અને ચિંતાજનક વાત એ છે કે આ બીમારીના કારણે મૃત્યુ પામી રહેલા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

વિશ્વના અન્ય દેશોની જેમ જ ભારતમાં પણ કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને મૃતકોની સંખ્યા પણ વધી રહી છે.

સમગ્ર વિશ્વમાં હવે ભારત આ બીમારીના દર્દીઓની બાબતમાં ચોથા ક્રમે છે.

આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને અમેરિકા છે, ત્યારબાદ બ્રાઝિલ, રશિયા અને ભારત આવે છે. પરંતુ એક દેશ એવો પણ છે જેણે આ બીમારીને હરાવવામાં સફળતા મળી છે. એક નાનકડો એવો દેશ, જેનું નામ છે ન્યૂઝીલૅન્ડ.

પરંતુ ન્યૂઝીલૅન્ડે આ કમાલ કેવી રીતે કરી બતાવી?

છેલ્લાં બે અઠવાડિયાંથી એક પણ કેસ નહીં

ગત અઠવાડિયે ન્યૂઝીલૅન્ડ, લેવલ-1 કે જે 4 ટીયર ઍલર્ટ સિસ્ટમનું સૌથી નીચેના સ્તરનું લેવલ છે, તેના પર પહોંચી ગયું છે.

નવા નિયમો પ્રમાણે હવે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની કોઈ જરૂર નથી. પબ્લિક ગેધરિંગ પર પણ કોઈ જ પ્રતિબંધ નથી, પરંતુ વિદેશીઓ માટે દેશની સરહદો બંધ છે.

ન્યૂઝીલૅન્ડમાં પાછલાં બે અઠવાડિયાં કરતાં વધુ સમયથી કોરોના વાઇરસનો એક પણ નવો કેસ સામે નથી આવ્યો.

ત્યાંનાં વડાં પ્રધાનનું કહેવું છે કે જ્યારે તેમને આ અંગેના સમાચાર મળ્યા ત્યારે તેમણે થોડો ડાન્સ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી.

પરંતુ અહીં પ્રશ્ન એ ઊઠે છે કે આખરે ન્યૂઝીલૅન્ડને આવી સફળતા કઈ રીતે મળી?

ત્યાં પણ 25 માર્ચના રોજ પ્રથમ વખત લૉકડાઉનની જાહેરાત કરાઈ હતી, જે એક નવી 4 સ્ટેજ ઍલર્ટ સિસ્ટમ છે અને તે સીધું લેવલ 4 પર ગયું.

તે દરમિયાન તમામ કારોબાર બંધ કરી દેવાયા, સ્કૂલ-કૉલેજો પણ બંધ કરી દેવાઈ અને લોકોને ઘરે રહેવાની સલાહ અપાઈ.

લગ્ન સહિતના પ્રંસગોએ લોકો એકઠા થઈ શકે

પાંચ અઠવાડિયાં બાદ એપ્રિલ માસમાં તેનું લેવલ ત્રણ આવ્યું. જેમાં ટેક-અવે ફૂડ શૉપ અને અમુક જરૂરી સામાન માટેની દુકાનો શરૂ કરાઈ.

નવા નિયમો પ્રમાણે હવે સ્કૂલ અને વર્ક-પ્લેસ શરૂ કરી શકાય છે. લગ્ન અને અંતિમસંસ્કાર જેવા પ્રસંગો વખતે હવે લોકો એકઠા થઈ શકે છે અને સાર્વજનિક પરિવહન પર લાગેલા પ્રતિબંધો પણ હવે હઠાવી લેવાયા છે.

પરંતુ હજુ દેશની સરહદો વિદેશી મુસાફરો માટે બંધ રાખવામાં આવશે. આ સિવાય વિદેશમાંથી પાછા ફરતા ન્યૂઝીલૅન્ડના નિવાસીઓએ 14 દિવસ માટે આઇસોલેશન કે ક્વોરૅન્ટીનમાં રહેવું પડશે.

નોંધનીય છે કે ન્યૂઝીલૅન્ડમાં અત્યાર સુધી કોરોનાના માત્ર 1154 કેસ જ સામે આવ્યા હતા અને આ બીમારી હજુ સુધી આ દેશમાં માત્ર 22 લોકોનાં મોતનું જ કારણ બની શકી છે. જેને એક મોટી સફળતા ગણાવાઈ રહી છે.

ન્યૂઝીલૅન્ડમાં આ વાઇરસ સૌપ્રથમ ફેબ્રુઆરી માસના અંતે પહોંચ્યો હતો, પરંતુ આ સંકટ સામે બાથ ભીડવાની તેની રણનીતિથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો