કોરોના વાઇરસ : લૉકડાઉન સિવાય સ્વિડન કેવી રીતે કરી રહ્યું છે કોરોનાનો મુકાબલો?

    • લેેખક, મૈડી સૈવેજ
    • પદ, બીબીસી ન્યૂઝ, સ્ટૉકહોમ

કોરોના વાઇરસ મહામારીને રોકવા માટે એક તરફ દુનિયાભરના દેશો પોતાને ત્યાં કડક લૉકડાઉન કરી રહ્યા છે, તો બીજી તરફ સ્વિડનના મોટા ભાગમાં આવા કોઈ પ્રતિબંધ નથી.

સ્વિડનમાં રોજિંદી જિંદગી અને આર્થિક ગતિવિધિઓને ચાલુ રાખવાના નિર્ણયનું લોકોએ સમર્થન કર્યું છે.

હકીકતમાં આ નિર્ણયની રૂપરેખા સ્વિડનના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે અને સરકારે તેનો સહયોગ આપ્યો છે.

જોકે તેમ છતાં દેશના ઘણા વિષાણુ નિષ્ણાતો સરકારના આ પગલાથી સહમત નથી.

સ્વિડનમાં કોઈ લૉકડાઉન નથી. ખીચોખીચ પબ્સ, બાલ્ટિક દરિયાકિનારે આઇસક્રીમ ખાવા લાંબી લાઇનમાં ઊભેલા લોકો-દુનિયાભરમાં સ્વિડનની આવી તસવીરો શૅર કરાઈ રહી છે.

પરંતુ એવું નથી કે સ્વિડનમાં બધું ઠીકઠાક છે અને અહીંની જિંદગી પહેલાંની જેમ 'સામાન્ય' છે.

સ્વિડનની રણનીતિ

સ્વિડનમાં કોવિડ-19ની મહામારીને કારણે બહુ ઓછી બાબતોને ફરક પડ્યો છે અથવા તો તેને બંધ કરવી પડી છે.

તેમ છતાં આંકડા દર્શાવે છે કે વસતીનો એક મોટો ભાગ આપમેળે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યો છે.

કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સ્વિડનની રણનીતિ સૌથી મોટી વાત છે.

સાર્વજનિક સેવાનો ઉપયોગ કરનારની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે. મોટા ભાગના લોકો પોતાનાં ઘરેથી જ કામ કરે છે.

ઇસ્ટરના દિવસે જ્યારે વિકેન્ડની રજા હતી ત્યારે ઘણા લોકોએ યાત્રા કરવાનું ટાળ્યું હતું.

સરકારે એક જગ્યાએ 50થી વધુ લોકોને ભેગા થવા પર અને વૃદ્ધાશ્રમમાં જવા પર રોક લગાવી દીધી છે.

સર્વે કરાવનાર એજન્સી નોવુસનું કહેવું છે કે મહિના પહેલાં 10માંથી 7 સ્વિડિશ લોકો એકબીજાથી ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખીને ચાલતા હતા. આજે એવા લોકોની સંખ્યા 9 છે.

સ્વિડનમાં મહામારી કેટલી ગંભીર છે?

સ્વિડનની સરકારી હેલ્થ એજન્સીનું કહેવું છે કે કોવિડ-19ની મહામારી રોકવા માટે સ્વિડનની રણનીતિ પર જે રીતે લોકોએ પ્રતિક્રિયા આપી છે, એનાં વખાણ કરવાં જોઈએ. જોકે તેમ છતાં સાવધાની રાખવાની જરૂર છે.

સ્વિડિશ વૈજ્ઞાનિકોના દૃષ્ટિકોણ પર અઠવાડિયાં સુધી ચર્ચા ચાલી કે શું સ્વિડનની યોજના સંવેદનશીલ અને લાંબા સમય સુધી રહેવાની છે.? કે પછી સ્વિડને અજાણતા લોકો સાથે એવો પ્રયોગ કર્યો છે, જેમાં બિનજરૂરી મૃત્યુ થઈ રહ્યાં છે? કે કોવિડ-19ની મહામારી પર કાબૂ મેળવવા તે નિષ્ફળ જશે?

રાજધાની સ્ટૉકહોમ અત્યાર સુધી આ મહામારીનું કેન્દ્ર રહ્યું છે. અહીં સંક્રમણના કેસ સ્થિર કહી શકાય. જોકે અઠવાડિયાના અંતમાં તેમાં થોડો ઉછાળો ચોક્કસ જોવા મળ્યો હતો.

ઇન્ટેસિવ કૅર યુનિટ (આઈસીયુ)માં હજુ પણ જગ્યા ખાલી છે અને નવી ફિલ્ડ હૉસ્પિટલનો ઉપયોગ હજુ શરૂ થયો નથી. આ હૉસ્પિટલ એક જૂના કૉન્ફરન્સ વેન્યુ પર તૈયાર કરાઈ છે.

મીડિયા સામે રાજનેતા નહીં ડૉક્ટર

સ્વિડનના સ્વાસ્થ્ય વિભાગમાં કામ કરતાં મહામારી વિશેષજ્ઞ એન્ડર્સ ટેગ્નેલ કહે છે, "અમે જે લક્ષ્ય ધાર્યું હતું એમાં અમને ઘણા અંશે સફળતા મળી છે. સ્વિડનની સ્વાસ્થ્ય વ્યવસ્થા સતત કામ કરી રહી છે. અમારા પર દબાણ પણ છે, તેમ છતાં એવું પણ નથી કે કોઈ દર્દીઓને પાછા મોકલાતા હોય."

મોટા ભાગના દેશોમાં કોરોના વાઇરસ અંગેની જાણકારી માટે ખુદ રાજકીય નેતાઓ મીડિયા સામે આવી રહ્યા છે, પરંતુ એનાથી ઊલટું સ્વિડનમાં મહામારીના વિશેષજ્ઞ એન્ડર્સને આ જવાબદારી સોંપાઈ છે. કોવિડ-19 પર મોટા ભાગે પત્રકારપરિષદને ડૉક્ટર એન્ડર્સે સંબોધિત કરી છે.

મીડિયા સાથે વાત કરતી વખતે તેઓ તથ્યો સાથે વાત કરી છે, આંકડા પર ફોકસ રાખે છે, સંક્રમિતો અને તેમના પરિવારજનોની ભાવનાત્મક સ્થિતિનો થોડોઘણો ઉલ્લેખ કરે છે.

આ મહામારી દરમિયાન સ્વિડનની પબ્લિક હેલ્થ એજન્સીનાં કામકાજનાં બહુ વખાણ થયાં છે.

સ્વિડને અલગ રસ્તો કેમ અપનાવ્યો?

ડૉક્ટર એન્ડર્સ ટેગ્નેલ અને તેમની ટીમનું માનવું છે કે વસતીના એક ભાગ પર કોરોના વાઇરસનો સીમિત પ્રભાવ પડશે.

જ્યારે લંડનની ઇમ્પિરિયલ કૉલેજના વૈજ્ઞાનિકો સહિત અન્ય વિશેષજ્ઞો તેનાથી અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

ત્યારબાદ સ્વિડને સમાજના મોટા હિસ્સાને ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો.

બીજી તરફ યુરોપના મોટા ભાગના વિસ્તારમાં લૉકડાઉન કરાઈ રહ્યું હતું. લંડનની ઇમ્પિરિયલ કૉલેજના રિપોર્ટના આધારે બ્રિટને પોતાને ત્યાં લૉકડાઉનનો નિર્ણય કર્યો.

આ સિવાય સ્વિડનના સ્વાસ્થ્ય વિભાગે એ વિચાર પર વધુ ભાર મૂક્યો, જેમાં કહેવાયું હતું કે સંક્રમિત લોકોમાં મોટા ભાગનામાં સામાન્ય લક્ષણો જોવાં મળશે.

જોકે સ્વિડન આ વાતનો ઇન્કાર કરે છે કે હર્ડ ઇમ્યુનિટીનું લક્ષ્ય હાંસલ કરવાના ઇરાદા સાથે તેણે પોતાની રણનીતિ બનાવી હતી.

સ્વિડનનું કહેવું છે કે તેનો હેતુ અપેક્ષિત સામાન્ય સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ લાગુ કરવાનો હતો. આ રણનીતિને લાંબા સમય સુધી લાગુ કરી શકાય છે.

સોળ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની સ્કૂલો ચાલુ રખાઈ, જેથી તેમનાં માતાપિતા પોતાનું કામ કરી શકે.

ડેન્માર્ક, ફિનલૅન્ડ, આઇસલેન્ડ, નૉર્વે જેવા નૉર્ડિક દેશોમાં આ મહામારીને રોકવા માટે તાત્કાલિક કડક પ્રતિબંધ લાગુ કરાયા હતા. જોકે આ પ્રતિબંધોમાં હવે ઘણી છૂટ અપાઈ છે.

આંકડા શું કહે છે?

કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યાના હિસાબે જોઈએ તો એક કરોડની વસતીવાળા સ્વિડનની ગણના દુનિયાના સૌથી વધુ પ્રભાવિત 20 દેશોમાં થાય છે.

આ આંકડા ત્યારે છે કે સ્વિડનમાં મોટા ભાગના લોકોના કોરોના સ્ટેટ કરાયા છે, જેમનામાં સંક્રમણનાં ગંભીર લક્ષણો હતાં.

મોટા પાયે સ્વાસ્થ્યકર્મીઓના ટેસ્ટ કરવાની વ્યવસ્થા હવે લાગુ કરાઈ છે. સ્કૈંડિનેવિયા વિસ્તારમાં વસતીના પ્રમાણમાં સૌથી વધુ મૃત્યુદર સ્વિડનમાં જ છે.

સ્વિડનના આંકડામાં વૃદ્ધાશ્રમોમાં મરનારા લોકો પણ સામેલ છે. કુલ મૃત્યુના 50 ટકા આંકડા આ વૃદ્ધાશ્રમના જ છે. ડૉક્ટર એન્ડર્સ આને ચિંતાનું સૌથી મોટું કારણ ગણે છે.

સ્વિડનમાં રહેતા વિદેશી લોકોમાં (જેમાં સોમાલિયાઈ મોટી સંખ્યામાં છે) કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ છે.

દેશના સૌથી મોટા મેડિકલ રિસર્ચ સેન્ટરનાં મહામારી રોગનિષ્ણાત ડૉક્ટર ક્લૉડિયા હૈંસન સરકારના વલણની આલોચના કરે છે, "અહીં ઘણા બધા લોકો મરી રહ્યા છે."

તેમનું કહેવું છે કે માર્ચમાં જ્યારે અધિકારીઓ સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે સમાજના મોટા ભાગ પર અસ્થાયી રીતે લૉકડાઉન લાગુ કરવાની જરૂર હતી.

ડૉક્ટર ક્લૉડિયા એ 22 વૈજ્ઞાનિકોમાં છે જેઓએ ગત અઠવાડિયે સ્વિડનના મુખ્ય અખબારમાં સરકારની નીતિ પર આલોચનાત્મક લેખ લખ્યો છે.

એ લોકોનું કહેવું છે કે પ્રતિભા વિનાના અધિકારીઓને નિર્ણય લેવાની જવાબદારી આપી દેવાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો