કોરોના મહામારીને આ રીતે વધારે કાતિલ બનાવી રહ્યું છે મુસલમાનો વિરુદ્ધ ફેક ન્યૂઝનું ઝેર - ફૅક્ટ ચેક

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

"હું મુસલમાનોને સામાન નહીં આપી શકું. મારો ફોટો લો, મારો વીડિયો બનાવો, પણ હું મુસલમાનોને શાકભાજી કે સામાન આપીશ નહીં. મારી દુકાન સળગાવવાની ધમકી આપી રહ્યા છે. મારા કહેવાથી કશું નહીં થાય. હું સામાન આપી શકીશ નહીં."

ઇન્દૌરના શીખોની બહુમતીવાળા વિસ્તારનો આ વીડિયો દર્શાવે છે કે ભારતમાં કોરોના વાઇરસને ધર્મ સાથે કેટલી હદે જોડી દેવામાં આવ્યો છે.

અહીંનો એક દુકાનદાર પાસેના મહોલ્લામાં રહેતા મુસલમાનોને શાકભાજી આપવાનો ઇન્કાર કરે છે, કારણ કે કેટલાક લોકોએ તેને એમ કરવા કહ્યું છે.

આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇન્દૌર પોલીસે ઇન્કાર કર્યો હતો, પણ પાયાનો સવાલ એ છે કે સમાજના એક મોટા વર્ગે 'મુસલમાનોને કોરોનાનો પર્યાય' બનાવી દીધા એવી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે પહોંચી ગયા?

દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગને કોરોના વાઇરસનો પ્રસાર રોકવાનું એકમાત્ર સાધન માનવામાં આવી રહ્યું છે ત્યારે એક અન્ય પ્રકારનું ડિસ્ટન્સિંગ ઝડપથી પ્રસરી રહ્યું છે. એ છે કોમી ડિસ્ટન્સિંગ. આ ડિસ્ટન્સિંગને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ મારફત ફેલાવવામાં આવી રહ્યું છે.

છેલ્લા એકથી દોઢ સપ્તાહમાં દિલ્હી, ઉત્તરાખંડ, કર્ણાટક, હરિયાણા અને પંજાબ સહિતના દેશના અનેક વિસ્તારોમાંથી એવા વીડિયો બહાર આવી રહ્યા છે, જેમાં ગરીબ મુસલમાનોને તેમનું નામ પૂછવામાં આવે છે, કેટલાકની મારપીટ કરવામાં આવી છે અને તેમને જે તે વિસ્તારમાં ફરી ન આવવાની ધમકી આપવામાં આવી રહી છે.

આ બધાનું કારણે એવી ધારણા છે કે 'કોવિડ-19 મુસલમાનોને કારણે ફેલાઈ રહ્યો છે.'

જોકે, ફેક ન્યૂઝ મુસલમાનોના નામવાળા એકાઉન્ટ્સ મારફત ફેલાવવામાં નથી આવ્યા એવું પણ નથી. જોકે, મુસલમાનો દ્વારા ફેલાવાયેલા ફેક ન્યૂઝમાં ઇસ્લામની શ્રેષ્ઠતા પર વધારે ભાર આપવામાં આવ્યો છે.

દાખલા તરીકે તેમાં એવો દાવો કરવામાં આવે છે કે 'દિવસમાં પાંચ વખત નમાઝ પઢતો હોય એ મુસલમાનનું કોરોના કંઈ બગાડી ન શકે.'

અલબત્ત, ફેક ન્યૂઝ મારફત એ ધારણાને પારાવાર ફેલાવવામાં આવી કે મુસલમાનો જાણીજોઈને કોરોનાનો ચેપ ફેલાવી રહ્યા છે.

મેરઠની વેલેન્ટિસ કૅન્સર હૉસ્પિટલે હિન્દી અખબાર 'દૈનિક જાગરણ'ના સ્થાનિક સમાચારના પાના પર શુક્રવારે એક જાહેરાત પ્રકાશિત કરાવીને જણાવ્યું હતું કે હવેથી કોઈ પણ કોરોના પૉઝિટિવ મુસ્લિમ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે નહીં.

હૉસ્પિટલના મૅનેજમૅન્ટનું કહેવું છે કે તબલીગી જમાતના લોકો સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી રહ્યા છે અને તેનું પરિણામ આખા સમુદાયે ભોગવવું પડશે.

એટલું જ નહીં, ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના એક અહેવાલ મુજબ, ઝારખંડની એક મહિલા જમશેદપુરની મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં સુવાવડ માટે ગઈ હતી. તેને બ્લીડિંગ થયું ત્યારે હૉસ્પિટલના સ્ટાફે કોવિડ-19નો ચેપ લાગવાના ડરથી એ મહિલાને તેનું લોહી જાતે જ સાફ કરવા કહ્યું હતું. એ પછી એ સગર્ભા બીજા નર્સિંગ હોમમાં ગઈ હતી, જ્યાં તેનાં ગર્ભસ્થ બાળકનું મૃત્યુ થયું હતું.

જમાતના બહાને

આ ભયનો પાયો તબલીગી જમાતના ધાર્મિક આયોજનને લીધે કોવિડ-19ના કેસોમાં આવેલા ઉછાળામાં છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં લગભગ સવા ચાર હજારથી વધુ કેસોને તબલીગી જમાત સાથે સંબંધ છે.

દિલ્હીમાં 12થી 15 માર્ચ દરમિયાન યોજાયેલા જમાતના કાર્યક્રમમાં લગભગ 8,000 લોકોએ ભાગ લીધો હતો. એ કારણે ચેપ ફેલાયો હતો.

ઇન્દૌર, મુરાદાબાદ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પોલીસ તથા આરોગ્ય કર્મચારીઓ, સ્થાનિક લોકોને આ રોગચાળાથી બચાવવા માટે ટેસ્ટિંગ કરવા ગયા હતા ત્યારે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી એ વાત પણ સાચી છે.

પોલીસ તથા આરોગ્ય કર્મચારીઓ સાથે મારપીટની ઘટના સાચી હોવાની સાથે એ વાત પણ ખરી છે કે એ ઘટનાનો ઉપયોગ દેશભરમાં મુસલમાનો વિરુદ્ધ નફરત પેદા કરવા માટે બહુ સારી રીતે કરવામાં આવ્યો છે.

આ ઘટનાઓએ ભારતમાં કોવિડ-19ના ચેપને ધર્મનાં ચશ્માંમાંથી જોવાની તક આપી દીધી છે. જોકે, લોકોમાં કોઈ ધર્મવિશેષ પ્રત્યે નફરતની લાગણી ભડકાવવામાં આવી હોય એવી આ પહેલી ઘટના નથી.

સતત ચાલતું અભિયાન

છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશમાં બનેલી દરેક મોટી ઘટના વખતે ફેક ન્યૂઝનું ઘોડાપૂર આવ્યું હતું અને તેમાં મોટા ભાગે મુસલમાનોને 'સમસ્યા માટે કારણભૂત' ગણાવવામાં આવ્યા હતા એ સમજવું પડશે.

શાકભાજીની લારી ચલાવતા ગરીબ મુસલમાનો આજે જે રીતે નફરત અને અવિશ્વાસનો શિકાર થઈ રહ્યા છે, એ માત્ર ગત 15-20 દિવસમાં બહાર આવેલા ફેક વીડિયો કે ફક્ત તબલીગી જમાતની ઘટનાની અસર નથી. આ નફરતના બીજને છેલ્લા કેટલાક મહિનાથી સતત ખાતર-પાણી આપવામાં આવતાં હતાં.

જામિયા, એએમયુ, શાહીનબાગ, દિલ્હીનાં તોફાન અને હવે કોવિડ-19. આ બધી ઘટનાઓ દરમિયાન અનેક ફેક ન્યૂઝ ઘણી વાર સોશિયલ મીડિયા દ્વારા તો ઘણી વાર ન્યૂઝ ચેનલો અને અધિકૃત ટ્વિટર એકાઉન્ટ્સ મારફત લોકોને પહોંચાડવામાં આવ્યા હતા.

કોવિડ-19 અને ફેક ન્યૂઝ

ભારતમાં કોવિડ-19નો પહેલો કેસ 30 જાન્યુઆરીએ બહાર આવ્યો એ પછી તેના ઇલાજ બાબતે અનેક ખોટી માહિતી બહાર આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે લસણ ખાવાથી, દારૂ પીવાથી કે ગરમીથી કોરોના વાઇરસ મરી જશે.

જોકે, દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ 6 લોકોના કોવિડ-19ને લીધે મૃત્યુના સમાચાર 30 માર્ચે બહાર આવ્યા કે તરત જ ફેક ન્યૂઝની પ્રકૃતિ બદલાઈને કોમી થઈ ગઈ હતી. ટ્વિટર પર #CoronaJihad જેવાં હેશટેગ ટ્રૅન્ડ થવાં લાગ્યાં હતાં.

પહેલી એપ્રિલના અનેક મીડિયા રિપોર્ટ્સમાં, તુગલકાબાદસ્થિત રેલવે ક્વોરૅન્ટીન ફેસિલિટીમાં જમાતના લોકોએ મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યાના તથા તેમના પર થૂંક્યાના સમાચાર આવ્યા હતા.

એ ઉપરાંત તબલીગી જમાતના એ દર્દીએ મહિલા નર્સ સાથે ગેરવર્તન કર્યાના સમાચાર પણ આવ્યા હતા, પણ એ પૈકીની એકેય ઘટનાનો વીડિયો અત્યાર સુધી બહાર આવ્યો નથી.

બીજી એપ્રિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર થયો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તબલીગી જમાતના લોકો પોલીસ પર થૂંકી રહ્યા હોવાનો આ વીડિયો છે. બીબીસીએ તે વીડિયોના મૂળની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે એ વીડિયો મુંબઈમાં 29 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાનો છે.

વીડિયોમાં જે વ્યક્તિને તબલીગી જમાતનો ગણાવવામાં આવી હતી એ વાસ્તવમાં કાચા કામની કેદી હતો. એ ઘટનાને કોરોના વાઇરસનાં સંક્રમણ અને જમાત સાથે કોઈ સંબંધ ન હતો.

ત્રીજી એપ્રિલે વધુ એક વીડિયો શૅર કરવામાં આવ્યો હતો. તેમાં ફળોની લારી લઈને ઊભેલા એક વૃદ્ધ ફેરિયાને ફળોને ચાટીને સાફ કરતો દેખાડવામાં આવ્યો હતો. એ વીડિયો દીપક નામદેવ નામના ટિકટૉક યૂઝરે બનાવ્યો હતો. મુસલમાનો ફળો-શાકભાજી પર થૂંકીને કોરોના ફેલાવતા હોવાની ધારણાને એ વીડિયોથી ઘણું બળ મળ્યું હતું.

એ વીડિયો મધ્ય પ્રદેશના રાયસેનનો હતો અને 16 ફેબ્રુઆરીનો હતો. એ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. એ વીડિયોમાં જોવા મળતી વ્યક્તિનું નામ શેરુ છે અને શેરુની દીકરી ફિઝાના જણાવ્યા મુજબ, શેરુ માનસિક રીતે બીમાર છે. વીડિયોમાં જે જોવા મળી રહ્યું છે એ સાચું છે, પણ તેને કોરોના સંક્રમણ કે જમાત સાથે કોઈ સંબંધ નથી.

માર્ચના અંત અને એપ્રિલની શરૂઆત તબલીગી જમાતવાળા સમાચારથી સનસનાટી ફેલાયા બાદ ફેબ્રુઆરીના વીડિયોનો ઉપયોગ દર્શાવે છે કે કાં તો એવુ જાણીજોઈને કરવામાં આવ્યું હતું અથવા ઘણા બધા લોકોએ તેને સાચો માનીને શૅર કર્યો હોવાથી વ્યાપક રીતે જોવા મળ્યો હતો.

એ પછી વધુ એક વીડિયો બહાર આવ્યો હતો, જેમાં પહેરવેશથી મુસ્લિમ જણાતી એક વ્યક્તિ રેસ્ટોરાંમાં ભોજનના પાર્સલ કરતી વખતે પ્લાસ્ટિકની કોથળીમાં ફૂંક મારતો જોવા મળી રહ્યો હતો. એ વીડિયોને શૅર કરવાની સાથે જણાવવામાં આવ્યું હતું કે "ઝૉમેટોમાંથી ભોજનનું પાર્સલ લાવી આપતા મુસલમાનો પાસેથી આ કારણે પાર્સલ લેવું ન જોઈએ."

તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે એ વીડિયો એપ્રિલ-2019થી ઇન્ડોનેશિયા, સિંગાપુર અને યુએઈ જેવા એશિયન દેશોમાં અલગ-અલગ સમયે શૅર કરવામાં આવ્યો હતો અને એ પછી ભારતમાં શૅર કરવામાં આવ્યો હતો.

'ઑપઇન્ડિયા'એ તેની વેબસાઇટ પર 15 એપ્રિલે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજસ્થાનના જેસલમેરમાં રેવતસિંહ નામની એક વ્યક્તિની મુસલમાનોનાં ટોળાંએ હત્યા કરી નાખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી રેવતસિંહે ઘંટડી વગાડી હોવાથી તેમની હત્યા કરવામાં આવી હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

આ મામલે વધુ માહિતી મેળવવા બીબીસીએ જેસલમેરના પોલીસ વડા કિરન કંગ સાથે વાત કરી ત્યારે ખબર પડી હતી કે મામલો કંઈક અલગ જ છે.

જેસલમેર પોલીસના જણાવ્યા મુજબ, રેવતસિંહ ચોથી એપ્રિલે ચંદુમૈયા મંદિર પાસેથી મોટરબાઇક પર આવી રહ્યા હતા ત્યારે દિલદાર સિંહ ઉર્ફે દિલદાર ખાંએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. રેવતસિંહે બાઇક રોકી નહીં એટલે દિલદાર ખાંએ તેમનો પીછો કર્યો હતો અને પીછો કરતી વખતે દિલદાર ખાં રેવતસિંહને હેરાન કરતા રહ્યા હતા. એ કારણે રેવતસિંહે મોટરબાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેમને ગંભીર ઈજા થઈ હતી.

સારવાર દરમિયાન રેવતસિંહનું મોત થયું હતું. એ સંબંધે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસવડા કિરણ કંગનું કહેવું છે કે આ કેસ બન્ને વચ્ચેની દુશ્મનાવટનો હતો. એટલે લૉકડાઉન કે વડા પ્રધાનની અપીલ સાથે તેને કોઈ સંબંધ નથી.

બીબીસીએ તે ઘટનાની એફઆઈઆરની કોપી પણ મેળવી હતી. તેમાં પણ સાંપ્રદાયિક રંગ ભેળવીને રજૂઆત કરવામાં આવી છે. પાકિસ્તાનના એક જૂના વીડિયોને આ ઘટના સાથે જોડી દેવામાં આવ્યો છે અને તેને મુસલમાનો દ્વારા આચરવામાં આવેલી હિંસા ગણાવવામાં આવી છે.

આવા અનેક જૂના વીડિયો 30 માર્ચ પછી બહાર આવ્યા હતા, જેને ખોટી માહિતી સાથે રજૂ કરવામાં આવ્યા હતા.

આ શ્રેણીમાં સૌથી તાજો મામલો મહારાષ્ટ્રના પાલઘરમાં લોકોનાં ટોળાં દ્વારા હિંદુ સાધુઓની હત્યાનો છે.

આ ઘટનાને પણ કોમી રંગ આપવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અનેક ટ્વિટર હેન્ડલો તથા ફેસબુક એકાઉન્ટ્સ મારફત એ સાબિત કરવાના પ્રયાસ થયા હતા કે હુમલાખોરો મુસલમાન હતા.

સંગઠિત નેટવર્ક

બીબીસીએ છેલ્લા એક સપ્તાહમાં 'ધ રિયલ હિંદુ', 'રિસર્જ હિંદુઇઝમ', 'વેકઅપ હિંદુ' અને 'ઍક્સપોઝ ધ દેશદ્રોહી' જેવાં 15 ફેસબુક પેજીસ અને ગ્રૂપની પોસ્ટ્સની તપાસ કરી હતી.

બીબીસીને જાણવા મળ્યું હતું કે એ પેજીસ પરની લગભગ દરેક ત્રીજી પોસ્ટ કોમવાદને બળ આપનારી છે. તમામ પેજીસ પર એકસમાન કન્ટેન્ટ શૅર કરવામાં આવી રહ્યું છે.

આ પેજીસ એકમેકની સાથે જોડાયેલા એક નેટવર્ક તરીકે કામ કરે છે. એક યૂઝર આવી એક પેજને લાઇક કરે કે ગ્રૂપમાં જોડાય તો એ પેજ મારફત યૂઝર બીજાં અનેક સમાન પેજીસ પરનું કન્ટેન્ટ મેળવી શકે છે.

આ પેજીસ પર ઘણી વાર સાચી ઘટનાઓના વીડિયો પણ શૅર કરવામાં આવે છે, પણ તેની સાથેની પોસ્ટમાં લખાયેલી ભાષા મોટા ભાગે ઉશ્કેરણીજનક હોય છે.

કોરોનાના આગમન પહેલાંની ઘટનાઓ પર એક નજર નાખીએ તો સમજાય છે કે માહિતીમાં હાથચાલાકી કરીને લોકોમાં ઘટના અનુસાર કેવી રીતે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.

ફેબ્રુઆરીમાં દિલ્હીમાં થયેલા કોમી હુલ્લડના તણાવપૂર્ણ માહોલમાં ફેક ન્યૂઝ મારફત નફરત વધારવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના નેતા તાહિર હુસૈન ઇન્ટેલિજન્સ બ્યૂરોના કર્મચારી અંકિત શર્માની હત્યાના કેસમાં આરોપી છે.

દિલ્હી પોલીસે તાહિર હુસૈનની ધરપકડ કરી ત્યારે સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાઇરલ થયા હતા કે તાહિર હુસૈનને ઘરમાં સગીર વયની એક હિંદુ છોકરી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.

'હિંદુ પોસ્ટ' (આર્કાઇવ લિન્ક), 'સિર્ફ ન્યૂઝ' (આર્કાઇવ લિન્ક) અને 'નેશનલ દુનિયા' જેવી વેબસાઇટોએ ઉપરોક્ત સમાચારને પ્રકાશિત પણ કર્યા હતા.

એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી પોલીસને અંકિત શર્માની લાશની સાથે નાળામાંથી એક મહિલાની લાશ પણ મળી હતી. જોકે, એ વાત સાચી ન હતી.

સગીર વયની જે છોકરી સાથે બળાત્કારનો દાવો કરવામાં આવ્યો હતો એ છોકરી મધ્ય પ્રદેશના પરસુલિયાકલાં ગામની જ્યોતિ પાટીદાર હતી. 12મા ધોરણની વિદ્યાર્થિની જ્યોતિની બળેલી લાશ તેનાં ઘરમાંથી મળી આવી હતી. એ ઘટના દિલ્હીમાં હુલ્લડ શરૂ થયાના ત્રણ દિવસ પહેલાંની એટલે કે 20 ફેબ્રુઆરીની હતી.

તાહિર હુસૈન પર અંકિત શર્માની હત્યાનો આરોપ તો છે, પણ તેની સાથે 'સગીર વયની હિન્દુ છોકરી પર બળાત્કાર'નો આરોપ પણ જોડી દેવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર, તાહિર હુસૈન પર ભારતીય દંડસંહિતાની કલમ ક્રમાંક 365 (અપહરણ) અને 302 (હત્યા) લગાવવામાં આવી છે. બળાત્કારનો કોઈ ઉલ્લેખ નથી.

આવો જ બીજો એક રિપોર્ટ પણ દિલ્હીના હુલ્લડ દરમિયાન કેટલીક વેબસાઇટ્સ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમાં દિલ્હીના શિવવિહારની બે સ્કૂલો પરના હુમલાની ખોટી રીતે રજૂઆત કરવામાં આવી હતી.

'હિંદુપોસ્ટ' અને 'ઑપઇન્ડિયા'એ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વ દિલ્હીના શિવવિહારમાં ડીઆરપી સ્કૂલ પર હુમલો બાજુમાંની રાજધાની પબ્લિક સ્કૂલમાંથી કરવામાં આવ્યો હતો. ડીઆરપી સ્કૂલના માલિક હિન્દુ અને રાજધાની સ્કૂલના માલિક મુસલમાન હોવાથી ડીઆરપી સ્કૂલ પર પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા અને રાજધાની સ્કૂલનો ઉપયોગ હુમલાના બેઝ તરીકે કરવામાં આવ્યો હતો.

દિલ્હીના હુલ્લડમાં સૌથી માઠી અસર શિવવિહારમાં જોવા મળી હતી. શિવવિહારના અનેક પરિવારો આજે પણ તેમના ઘરે પાછા ફરી શક્યા નથી. અનેક ઘરોને સંપૂર્ણપણે સળગાવી નાખવામાં આવ્યાં છે.

આ સ્કૂલો વિશેનો ઇન્ડિયા ટુડેનો એક ગ્રાઉન્ડ રિપોર્ટ જણાવે છે કે રાજધાની સ્કૂલનું ધ્યાન રાખતા મનોજ અને સંગીતાએ જેમતેમ કરીને હુલ્લડખોરોથી પોતાનો તથા પોતાનાં સંતાનોનો જીવ બચાવ્યો હતો અને 60 કલાક સુધી બાળકોની સાથે બિલ્ડિંગમાં પાણી વિના ફસાયેલાં રહ્યાં હતાં.

આ રિપોર્ટમાં ડીઆરપી સ્કૂલના વહીવટીવડા જણાવે છે કે હિંસક ટોળું રાજધાની સ્કૂલની છત ઉપરથી ડીઆરપી સ્કૂલમાં દાખલ થયું હતું અને સ્કૂલમાં આગ લગાવીને બધું રાખ કરી નાખ્યું હતું.

બન્ને સ્કૂલો દિલ્હીના હુલ્લડની આગમાં સળગી ગઈ. હુલ્લડખોરોએ આ સ્કૂલોમાં તોડફોડ કરી હતી. તેની છતનો ઉપયોગ એ વિસ્તારમાં હુમલા માટે કર્યો હતો. આ હકીકતને એનડીટીવીના રિપોર્ટમાં પણ સમર્થન આપવામાં આવ્યું હતું. અહીં પણ એક પેટર્ન અનુસાર ખોટી માહિતી વડે નફરતના માહોલને ભડકાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

હુલ્લડ દરમિયાન જ વધુ એક વીડિયો વાઇરલ થયો હતો અને તેની સાથે બે ખોટા દાવા કરવામાં આવ્યા હતા કે શાહીનબાગમાં ધરણાં પર બેઠેલી મહિલાઓને પૈસા વહેંચવામાં આવી રહ્યા છે. એ વીડિયોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે દિલ્હીમાં હુલ્લડ કરવા માટે મુસલમાનોને પૈસા આપવામાં આવ્યા હતા.

હકીકત એ હતી કે એ વીડિયો શિવવિહાર નજીકના બાબુનગરની ગલી નંબર-ચારનો હતો. ત્યાં હુલ્લડમાં બેઘર થયેલા લોકોને એક સામાજિક સંગઠન દ્વારા મદદના હેતુસર રોકડનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. બીજી બાજુ સોશિયલ મીડિયામાં સતત એવી પોસ્ટ જોવા મળતી હતી કે આ લોકોને પથ્થરમારો કરવા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે.

આવા ખોટા એટલે કે ફેક દાવાઓ તથા સમાચારોની યાદી બહુ લાંબી છે. એવા ફેક દાવાઓ તથા સમાચારો વડે લોકોને સમયાંતરે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. એ ઉપરાંત ઘટનાઓને કોમી રંગ આપવાના પ્રયાસ પણ થયા હતા.

આ સિલસિલો કેટલાક મહિનાઓથી ચાલી રહ્યો છે. ગયા વર્ષે 15 ડિસેમ્બરે દિલ્હીના જામિયા વિસ્તારમાં સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલનો વિરોધ કરી રહેલા લોકો અને દિલ્હી પોલીસ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી.

એ ઘટના પછી અનેક મીડિયા ચેનલો તથા સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવ્યા હતા કે જામિયા કૅમ્પસમાંથી 750 બનાવટી આઈડી કાર્ડ્ઝ મળ્યાં છે. આ વાત ખુદ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર નજમા અખ્તરે કહી હોવાનું તેમાં જણાવવામાં આવ્યું હતું.

એ દાવાની સચ્ચાઈની તપાસ પણ બીબીસીની ફૅક્ટ ચેક ટીમે કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે જુલાઈ-2019થી ઑક્ટોબર-2019 સુધીમાં 750 ગડબડવાળાં આઈડી કાર્ડ્ઝ મળ્યાં હતાં, પણ તેને બનાવટી આઈડી કાર્ડ્ઝ ન કહી શકાય, કારણ કે વાસ્તવમાં તે કાર્ડઝની મુદ્દત પૂરી થઈ ગઈ હતી અને કેટલાક વિદ્યાર્થીઓ એ કાર્ડ્ઝનો ઉપયોગ લાયબ્રેરીની સુવિધા માટે કરતા હતા. એ કાર્ડઝને જામિયા પ્રકરણ સાથે કોઈ સંબંધ ન હતો.

નજમા અખ્તરે એક સવાલના જવાબમાં આ આંકડાઓનો ઉલ્લેખ કર્યો હતો, પણ ઍડિટ કરાયેલી 40 સેકન્ડની ક્લિપનો ઉપયોગ એ જુઠ્ઠાણું ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો કે જામિયા કૅમ્પસમાં હિંસા દરમિયાન કેટલાક એવા લોકો હાજર હતા, જેઓ હુલ્લડખોર હતા અને તેમની પાસે બનાવટી આઈડી કાર્ડઝ હતાં.

ટિકટૉક અને કોરોનાવિરોધી મૅસેજ

ઘણા એવા વીડિયો પણ બહાર આવ્યા છે કે જેમાં કોરોના વાઇરસથી બચવા માટે જરૂરી કાળજી ન રાખવાનો સંદેશો ધર્મના નામે આપવામાં આવી રહ્યો છે. ટિકટૉક જેવી ઍપ આવા વીડિયો મૅસેજનું એક મોટું પ્લૅટફૉર્મ બની રહી છે.

વાઇરલ થયેલા અનેક ટિકટૉક વીડિયો પૈકીના એકમાં મુસ્લિમ યુવાનોને એવું કહેવામાં આવ્યું હતું કે "કોરોનાને કારણે અમારે સુન્નત પણ છોડી દેવાની કે?"

કેટલાક વીડિયોમાં એવું કહેવામાં આવ્યું હતું કે "કુરાનમાં ભરોસો રાખતા લોકોનું કોરોના કશું બગાડી શકતો નથી." અથવા તો "આ અલ્લાહનું એનઆરસી છે."

આવી એક ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી. તેમાં "સરકાર મુસલમાનો વિરુદ્ધ કાવતરું ઘડી રહી" હોવાના ખોટા સમાચાર લોકોને આપવામાં આવ્યા હતા.

દિલ્હીની વોયેજર ઇન્ફોલૅબે માર્ચના છેલ્લા સપ્તાહોમાં શૅર કરવામાં આવેલી 30,000 ટિકટોક ક્લિપોનો અભ્યાસ કર્યો હતો. એ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે કેટલાક મુસલમાન યુવાનો કોરોના બાબતે મુસ્લિમ સમુદાયમાં ભ્રમ સર્જી રહ્યા હતા. એ પ્લૅટફૉર્મ પર વીડિયો મારફત એવો મૅસેજ આપવામાં આવતો હતો કે મુસલમાનોએ સોશિઅલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ન જોઈએ.

વોયેજર ઇન્ફોલૅબના ડિરેક્ટર જિતેન જૈને બીબીસીને કહ્યું હતું, "એ પૈકીના ઘણા વીડિયો લાખો લોકોએ નિહાળ્યા છે. એવા વીડિયો શૅર કરનારા કેટલાક એકાઉન્ટ્સ હવે ડિલીટ કરી નાખવામાં આવ્યાં છે.

ટિકટૉક પર કેટલાક એવા વીડિયો બહાર આવ્યા હતા, જે વિદેશી હતા, પણ તેને હિન્દીમાં ડબ કરીને ફેલાવવામાં આવ્યા હતા."

વોયેજર ઇન્ફોલૅબનો અહેવાલ કેન્દ્રના ગૃહ મંત્રાલયને સોંપી દેવાયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો