નોવા સ્કોટિયા : કૅનેડામાં ફાયરિંગ, ગનમૅને ઓછામાં ઓછા 16ની હત્યા કરી

કૅનેડાના નોવા સ્કોટિયામાં એક પોલીસ કર્મચારીના વેશમાં આવેલા એક બંદૂકધારીએ એક મહિલા પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા 16 લોકોની હત્યા કરી છે.

આ ગોળીબાર કૅનેડાના ઇતિહાસની સૌથી ખરાબ ઘટના માનવામાં આવે છે.

12-કલાકનો આ ઘટનાક્રમ શનિવારે મોડે શરૂ થયો હતો અને કારના પીછો સાથે સમાપ્ત થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિએ નોવા સ્કોટિયાનાં જુદાંજુદાં સ્થળોએ લોકોને ગોળી મારી હતી. પોલીસ સાથેની અથડામણમાં ગનમૅનનું મૃત્યુ થયું હતું.

ગનમૅન પોલીસની કાર જેવી લાગતી કાર ડ્રાઇવ કરી રહ્યો હતો એવું જાણવા મળ્યું હતું.

ધ ગ્લોબ અને મેઇલ અહેવાલો અનુસાર, પોલીસને લોકલ સમય અનુસાર 10 વાગ્યે પોર્ટાપીકમાં એક ઘરમાં ગોળીબાર થયાની ખબર મળી હતી.

રોયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) અધિકારીઓ ઘરની અંદર અને બહાર શોધખોળ શરૂ કરી હતી, જોકે શંકાસ્પદ વ્યક્તિ મળી નહોતી.

ગ્લોબ અને મેઇલ કહે છે કે નોવા સ્કોટિયા પોલીસે બાદમાં ટ્વીટ કર્યું હતું કે કથિત હુમલાખોર 51 વર્ષીય ગેબ્રિયલ વૉર્ટમેનની ગામમાં બે મોટી સંપત્તિ પણ હતી.

10.30 કલાકે આરસીએમપીએ ટ્વીટ કર્યું હતું કે અધિકારીઓ આ વિસ્તારમાં જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. અને લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી હતી.

અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આ વિસ્તારની આસપાસ આગ ફાટી નીકળી હતી.

પડોશીઓએ અખબારને જણાવ્યું હતું કે મિસ્ટર વૉર્ટમેને તેમના મકાન અને મિલકતને આગ ચાંપી હતી અને જ્યારે તેઓ ઘરની બહાર દોડી રહ્યા હતા ત્યારે લોકોને ગોળી મારી હતી.

પોલીસ આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી અને ટીમ સાથે કામ શરૂ કર્યું હતું. આરસીએમપીએ કલાકો સુધી વૉર્ટમૅનનો પીછો કર્યો હતો.

સીબીસી ન્યૂઝના રિપોર્ટ અનુસાર આરસીએમપી કમિશનર બ્રેન્ડા લુકીએ કહ્યું, "મને લાગે છે કે હુમલાખોરે શરૂઆતમાં કોઈ ઇરાદા સાથે ગોળીબાર કર્યો હતો અને બાદમાં અંધાધૂંધ હુમલા કર્યા હતા."

કૅનેડાનાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે આ ભયાનક સ્થિતિ છે.

નોવા સ્કોડિયાના પ્રમુક સ્ટીફન મૈક્નિલે સંવાદદાતાઓને કહ્યું, "આ પ્રાંતની ઇતિહાસમાં થયેલી અત્યાર સુધીની સૌથી મોટી અકારણ હિંસા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો