કોરોના વાઇરસ : સુરતના ખૂંખાર કેદીઓનાં હૃદય પીગળ્યાં, પોતાની બચત દાન કરી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી

“ક્યારેક ગુસ્સામાં અમારાથી ગુનો થઈ ગયો પણ અમે પણ માણસ છીએ. રોજ ટી.વી. અને છાપામાં સમાચાર વાંચીએ છીએ. અમને જ્યારે જેલમાં માસ્ક આપવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આ રોગ કેટલો ભયાનક છે. અમે કેદીઓ છીએ. બહાર નીકળીને લોકોની મદદ કરી શકતા નથી એટલે અમે અમારી બચત ભેગા થઈને કોરોના રાહતફંડમાં આપી રહ્યા છીએ.”

આ શબ્દો છે સુરતની લાજપોર જેલના ખૂંખાર આજીવન કેદી અયૂબ હસનના.

સુરતની લાજપોરના જેલના 212 કેદીઓએ કોરોના મહામારી સામેની લડાઈમાં પોતાનું આર્થિક રીતે પોતાનું યોગદાન આપ્યું છે.

‘અમારે કોઈ પણ રીતે મદદ કરવી હતી’

અયૂબ હસન સુરતની લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

અયૂબે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે “અમને જેલમાં બેઠાબેઠા કોરોના શું છે અને એની ભયાનકતા શું છે? એની ખાસ ખબર નહોતી, પણ જ્યારે અમે છાપાં વાંચતાં અને કેટલોક સમય અમને ટી.વી. જોવા મળતું એમાં અમને ખબર પડી કે કોરોના ભયાનક બીમારી છે.”

“આ સમયમાં અમને જેલમાંથી માસ્ક આપવામાં આવ્યા છે. અમને કહેવામાં આવ્યું કે માસ્ક વગર કોઈએ ફરવાનું નથી ત્યારે અમને ખબર પડી કે કોરોના ખાતરનાક બીમારી છે. મેં અને મારા સાથી હરીશ પટેલે એક રાત્રે જમતાં-જમતાં નક્કી કર્યું કે આપણે તો જેલમાંથી બહાર જઈને કોઈને મદદ કરી શકવાના નથી. તો જેલમાંથી મદદ કરવી જોઈએ.”

અયૂબે આ વિચાર બધા કેદીઓ સમક્ષ મૂક્યો અને બધા સહમત થતાં દાન આપવાનું નક્કી કરાયું.

અયૂબ વધુમાં કહે છે કે અમે આ વિચાર અમારી સાથેના કેદીઓ વચ્ચે મૂક્યો તો બધા સહમત થયા. મારી જેલના 212 કેદીઓએ નક્કી કર્યું કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ મદદ કરવી જોઈએ.

“પછી અમે ફાળો ઉઘરાવવાનું નક્કી કર્યું. દરેકને જેલના કામમાંથી જે મહેનતાણું મળે છે એમાંથી જે બચત થઈ હોય એ ભેગી કરીને આપવાનું નક્કી કર્યું. આ વાત અમે જેલરને કહી કે અમે બચતના એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા ભેગા કર્યા છે. કોઈ રીતે અમારે લોકોપયોગી થવું છે એટલે જેલરસાહેબની મદદથી અમે આ પૈસા મુખ્ય મંત્રી રાહતફંડમાં આપીશું.”

કેદીઓએ આપેલા પૈસા સુરતના કલેક્ટરને અપાશે અને પછી તેઓ મુખ્ય મંત્રી રાહતફંડમાં જમા કરાવશે.

તમામ કેદીઓ પાકા કામના

સુરતની લાજપોર જેલના સુપરિન્ટેન્ડેન્ટ મનોજ નિનામાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “મારી જેલમાં પાક કામના 650 કેદી છે. આ કેદીઓને રોજ કામ આપવામાં આવે છે અને એનું મહેનતાણું પણ આપવામાં આવે છે.”

“આ કેદીઓ મારી પાસે આવ્યા અને કહ્યું કે કોરોનાની લડાઈમાં એ લોકો ફાળો આપવા માગે છે. મેં તપાસ કરી કે જે લોકો ફાળો આપવા માગે છે એ સ્વેચ્છાએ આપવા માગે છે કે બળજબરીથી?”

નિનામાએ વધુમાં કહ્યું કે, “આ 212 કેદીઓને હું અંગત રીતે મળ્યો તો કોઈકે પોતાના મહેનતાણાંમાંથી 200-500થી માંડી પોતાની તાકાત પ્રમાણે જે બચત હતી તે આપી છે. આ પૈસા અમે સુરત કલેક્ટરને આપીશું. અને એ મુખ્ય મંત્રી રાહતફંડમાં જમા કરાવશે."

"કોરોનાના રાહતફંડમાં પોતાની મહેનતના પૈસા આપનાર તમામ પાકા કામના કેદીઓ છે. મોટા ભાગના જનમટીપની સજા કાપી રહ્યા છે અને તેમાં 12 મહિલા છે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો