કોરોના વાઇરસ : હેલિકૉપ્ટર મની શું છે અને તેનાં જોખમો શું છે?

કલ્પના કરો કે કોરોના વાઇરસને કારણે તમે તમારા ઘરમાં ક્વોરૅન્ટીનમાં છો અને અચાનક અગાશી પરથી દેખાય કે આકાશમાં ઊડી રહેલું એક હેલિકૉપ્ટરમાંથી ચલણી નોટો વરસાવી રહ્યું છે.

અર્થશાસ્ત્રીઓ આ કાલ્પનિક સ્થિતિને 'હેલિકૉપ્ટર મની' અથવા 'મૉનિટરી હેલિકૉપ્ટર' કહે છે. આનો અર્થ શું છે?

અર્થતંત્રના સંકટ વચ્ચે જ્યારે લોકોને એવી આશા સાથે પૈસા આપવામાં આવે કે તેનાથી ખર્ચ અને ઉપભોગ બંને વધશે તથા અર્થતંત્ર સુધરશે, તેને 'હેલિકૉપ્ટર મની' કહેવાય છે.

મહામારીના સમયમાં લોકોને બચાવવા માટે સરકાર તરફથી લોકોને આર્થિક સહાય આપવામાં આવે છે એવી જ આ વાત પ્રથમ નજરે ભલે લાગે, પરંતુ ખરેખર એવું હોતું નથી.

અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમૅને વર્ષ 1969માં 'હેલિકૉપ્ટર મની'ને કેન્દ્રીય બૅન્ક નોટો છાપે અને સરકાર તેને વાપરી ખર્ચ કરી દે એ રીતે સમજાવ્યું છે.

જેમ કે આ સરકારના માથે કોઈ કરજ નથી, પરંતુ જેવી કલ્પના કરી હતી કે પૈસા આકાશમાંથી વરસી રહ્યા છે એવું છે.

જ્યારે આર્થિક સંકટ ચરમ પર હોય...

અર્થશાસ્ત્રના સિદ્ધાંત કહે છે કે જ્યારે આર્થિક સંકટ ચરમ પર હોય, ત્યારે આ છેલ્લો વિકલ્પ હોય છે.

પરંતુ ભૂતકાળમાં જ્યારે પણ 'હેલિકૉપ્ટર મની'નો વિકલ્પ વાપરવામાં આવ્યો છે, ત્યારે તેના પરિણામ બહુ ખરાબ આવ્યા છે.

'હેલિકૉપ્ટર મની'ની વાત કરીએ તો આપણા મનમાં ઝિમ્બાબ્વૅ અને વેનેઝુએલાનું ચિત્ર સામે આવે છે. આ દેશોમાં બેહિસાબ ચલણી નોટો છાપવામાં આવી અને તેમની કિંમત કોડીની થઈ ગઈ.

ડૉલર અને યુરોને ચલણ માનતા વિકસિત દેશોમાં કેન્દ્રીય બૅન્ક આ રીતે નોટ છાપે તેનો વિચાર પણ પાગલ મગજના ખરાબ સ્વપ્ન જેવો ગણવામાં આવે છે.

પરંતુ તસવીરની બીજી બાજુ એ છે કે આપણી સામે કોરોના વાઇરસ મહામારીનું સંકટ છે અને હેલિકૉપ્ટર મનીનો વિચાર અમુક નિષ્ણાતો તરફથી આવ્યો છે.

જો પરિસ્થિતિ અલગ હોત, તો કદાચ તેના વિશે લોકો વાત પણ ન કરત.

આગથી રમવા જેવું...

દરેક વ્યક્તિ જાણે છે કે 'હેલિકૉપ્ટર મની' એક ખતરનાક આઇડિયા છે અને તેના પર અમલ કરવો આગ સાથે રમત જેવું છે.

સ્પેનમાં એક બિઝનેસ સ્કૂલમાં ફાઇનાન્સિયલ સ્ટડી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર મૅન્યુઅલ રોમેરો કહે છે:

"હેલિકૉપ્ટર મનીની નીતિ ક્યારેય લાગુ નથી થઈ, કારણ કે આમાં બહુ જોખમ હોય છે. કેન્દ્રીય બૅન્કો આના વિચારમાત્રથી ડરે છે."

"મુશ્કેલી એ છે કે જ્યારે આપણે અર્થતંત્રમાં આ રીતે પૈસા નાખીએ છીએ, તો લોકોનો એ પૈસા પરથી ભરોસો ઉઠી જાય છે અને તેનું પરિણામ હાયપરઇન્ફ્લેશન એટલે બેલગામ મુદ્રાસ્થિતિ આપણી સામે આવે છે."

કોરોના વાઇરસની મહામારીને જોતાં શું આવી રીતે પૈસા વાપરવાનો યોગ્ય સમય છે?

મૅન્યુઅલ રોમેરો કહે છે, "હું નથી જાણતો કે આ પરિસ્થિતિમાં હું શું કરત?"

"જો કોરોના વાઇરસની સારવાર માટે કોઈ રસ્તો એક મહિનામાં સામે આવી જાય તો આ ખોટો નિર્ણય હશે અને નહીં આવે તો મે મહિનાના અંત સુધી આપણે રસ્તા પર આવી જઈશું."

"જો આ મહામારી થોડાક મહિનાઓ સુધી ચાલુ રહેશે તો આ રસ્તાની મદદ લઈ શકાય."

'હૅલિકૉપ્ટર મની'ની પૉલિસી

'હૅલિકૉપ્ટર મની' ઉપર અત્યારે જે ચર્ચા ચાલી રહી છે, તેના અન્ય અર્થ પણ હોઈ શકે છે. મિલ્ટન ફ્રીડમૅનના વિચાર ભલે એવા હોય કે કેન્દ્રીય બૅન્ક છાપે અને સરકાર વાપરે.

અમુક અર્થશાસ્ત્રીઓ માને છે કે થોડી બાંધછોડ કરીને 'હેલિકૉપ્ટર મની'ની નીતિને લચીલી બનાવી શકાય છે.

આપાતકાલીન ખર્ચ માટે પૈસાની વ્યવસ્થા કરે એ કેન્દ્રીય બૅન્કની જવાબજારી હોય છે, પરંતુ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે (પૈસાની કમીને દૂર કરવા માટે) બીજા અઘરા રસ્તાઓ પણ રસ્તા છે જેને અપનાવી શકાય.

અમુક લોકો એ પણ માને છે કે યુરોપ અને અમેરિકામાં આર્થિક સુસ્તીની અસરને ઘટાડવા માટે હાલમાં જે પગલાં લેવામાં આવ્યા છે તેને 'હેલિકૉપ્ટર મની'નો દાખલો કહી શકાય. કારણકે ટૅક્સમાં છૂટ આપવા પાછળ ઇરાદો એજ હોય કે લોકો વધારે ખર્ચ કરે.

જોકે, આ તેના પર નિર્ભર કરે છે કે તમે 'હેલિકૉપ્ટર મની'ના વિચારમાં કઈ શક્યતા જોવો છો અને તેને લચીલું બનાવી શકવાની શક્યતાઓ કેટલી શોધો છો.

'આ સમય છે... '

હવે જ્યારે અમેરિકા કોરોના વાઇરસ મહામારીનું કેન્દ્ર બની ગયું છે તો 'હેલિકૉપ્ટર મની'ની ચર્ચા થઈ રહી છે.

અમેરિકામાં બેરોજગારી દર 20થી 40 ટકા રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

કોલંબિયા યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ પબ્લિક ઍન્ડ ઇન્ટરનેશનલ અફૅર્સના પ્રોફેસર વિલેમ બુઇટર કહે છે, ''આવું કરવાનો આ યોગ્ય સમય છે.''

''કોરોના વાઇરસ મહામારીથી જે આર્થિક નુકસાન થયું છે, તેની ભરપાઈ માટે પગલાં લેવામાં આવશે. આપણે કદાય જોઈશું કે 'હેલિકૉપ્ટર મની'થી સરકારો આ અસાધારણ નુકસાનની ભરપાઈ કરી શકશે.''

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો