You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાના ટેરર ફંડિગ અંગેના રિપોર્ટથી પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ શકે
અમેરિકાના વિદેશવિભાગ દ્વારા રજૂ કરાયેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે પાકિસ્તાન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવાં ઉગ્રવાદી સંગઠનોની ફંડિંગ રોકવામાં અસફળ રહ્યું છે.
અમેરિકાના વિદેશ વિભાગે સંસદના પ્રસ્તાવ આધારે વર્ષ 2018 માટે તૈયાર કરાયેલા ઉગ્રવાદ પર આધારિત એક રિપોર્ટમાં આ વાત રજૂ કરી છે.
આ પહેલાં ઉગ્રવાદને મળનાર નાણાકીય સહાય પર નજર રાખનાર એજન્સી ફાયનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સે (એફએટીએફ) પણ પાકિસ્તાનને ઉગ્રવાદ વિરુદ્ધ નક્કર પગલાં લેવા માટે ચાર મહિનાનો સમય આપ્યો છે.
અમેરિકાના વિદેશ વિભાગના આ રિપોર્ટમાં કઈ કઈ મુખ્ય વાતો સમાવિષ્ટ છે અને પાકિસ્તાન માટે આ રિપોર્ટ કેટલી મુશ્કેલીઓ સર્જી શકે છે, એ જાણવા માટે બીબીસીના સંવાદદાતા નવીન નેગીએ અમેરિકાના ડેલાવેયર યુનિવર્સિટીના પ્રોફેસર મક્તદર ખાનનો સંપર્ક સાધ્યો. વાંચો એમનો દૃષ્ટિકોણ.
અમેરિકાનું વિદેશ મંત્રાલય દર વર્ષે ઉગ્રવાદ પર પોતાનો રિપોર્ટ રજૂ કરે છે.
આ રિપોર્ટમાં દુનિયાભરમાં ઘટી રહેલી ઉગ્રવાદી ઘટનાઓનો ઉલ્લેખ હોય છે, સાથે જ કયો દેશ ઉગ્રવાદને લઈને શું કરી રહ્યો છે, એ અંગે પણ આ રિપોર્ટમાં વાત કરાય છે.
આ રિપોર્ટના આધારે અમેરિકાની સંસદ આ દેશોને અપાતી આર્થિક મદદ અંગે નિર્ણય લે છે.
હાલમાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર પાકિસ્તાન આ બે દિશામાં કામ નથી કરી શક્યું. એક તો પાકિસ્તાને પોતાની જમીન પર ચાલી રહેલા ઉગ્રવાદી સંગઠનો પર કાર્યવાહી કરવામાં નિષ્ક્રિયતા દાખવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી બાજુ પાકિસ્તાનમાં ઉગ્રવાદી સંગઠનો માટે ધન ભેગું કરવાનું કામ ખુલ્લેઆમ થાય છે, જે રોકવામાં પણ પાકિસ્તાન સરકાર અસફળ રહી છે.
પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા જેવાં સંગઠનો માટે નાણાં એકઠાં કરવા માટે રસ્તા પર ડબ્બા મુકાયેલા જોવા મળે છે અને લોકો સામાન્યપણે તેમાં પૈસા પણ નાખે છે.
પાકિસ્તાન માટે આ સમાચાર ખૂબ જ ગંભીર છે, કારણ કે બે અઠવાડિયાં પહેલાં જ પેરિસ સ્થિત એફએટીએફએ કહ્યું હતું કે તેમણે ગયા વર્ષે પાકિસ્તાનને 27 ઍક્શન પૉઇન્ટ આપ્યાં હતાં, જે પૈકી 22 પર પાકિસ્તાને કોઈ જ પગલાં ભર્યાં નહોતાં.
જો ફેબ્રુઆરી, 2020 સુધી પાકિસ્તાને આ દિશામાં કશું જ ન કર્યું તો તેને બ્લૅક લિસ્ટ કરી દેવાશે.
જો આવું થશે તો પાકિસ્તાન માટે વિદેશી આર્થિક સહાય, વિદેશી રોકાણ વગેરે મેળવવું મુશ્કેલ બની જશે.
એફએટીએફ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે ટેરર ફંડિંગને ઘટાડવાના પ્રયાસો કરે છે.
બે અઠવાડિયાંમાં જ આવેલા આ રિપોર્ટ પરથી સ્પષ્ટ છે કે ઇમરાન ખાને નવા પાકિસ્તાનમાં ઉગ્રવાદ વિરુદ્ધ લડતની જે મોટી-મોટી વાતો કરી હતી, એ દિશામાં તેઓ કોઈ જ પગલાં લઈ રહ્યાં નથી.
પાકિસ્તાન પર કેટલું દબાણ?
અમેરિકાના સાંસદો આ મુદ્દાને લઈને પાકિસ્તાન પર દબાણ કરશે. જોકે, અત્યારે વ્હાઇટ હાઉસ આ અંગે શું કરશે એ વિશે કંઈ જ કહી ન શકાય.
મીડિયામાં આ મુદ્દા પર ઘણી ચર્ચા થઈ રહી છે. જોકે, અમેરિકન મીડિયામાં આ મુદ્દો એટલો ચગાવાયો નથી.
રિપોર્ટ દર વર્ષે રજૂ કરવામાં આવે છે અને રિપોર્ટમાં કહેવાય છે કે પાકિસ્તાન હજુ પણ કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યું.
તેથી હવે લોકો અને નેતા આ મુદ્દો એટલી ગંભીરતાથી નથી લેતા.
અમેરિકાનું વલણ
સમાચારો મુજબ રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે પાકિસ્તાને અફઘાનિસ્તાન-તાલિબાન સાથે અમેરિકાને વાતચીતમાં મદદ કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ આ મુદ્દે પણ પાકિસ્તાન નિષ્ક્રિય જ જોવા મળ્યું હતું.
સાથે હક્કાની સમૂહ દ્વારા નાણાં એકઠાં કરવાનાં અભિયાન અને પાકિસ્તાનના કેટલાક પ્રાંતોમાં ખુલ્લેઆમ ચાલી રહેલા આ સમૂહને રોકવા માટે તેણે કોઈ જ પગલાં લીધાં નથી.
તેમ છતાં પાકિસ્તાન પ્રત્યે અમેરિકાનું સૈન્ય, સાંસ્કૃતિક અને રાજકીય વલણ જરૂર બદલાયું છે.
15-20 વર્ષ પહેલાં અમેરિકા ભારતને પોતાનો સહયોગી નહોતું માનતું, જ્યારે પાકિસ્તાનને તે પોતાના સહયોગી અને મિત્ર સ્વરૂપે જોતું હતું, પરંતુ હવે પાકિસ્તાન તરફી અમેરિકાનું એ વલણ બદલાયું છે.
અમેરિકા પાકિસ્તાન સાથેના સંબંધો નથી સુધારવા માગતું, પરંતુ મુશ્કેલી તો એ છે કે તેઓ અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે.
તેમજ પાકિસ્તાન પાસે રહેલા પરમાણુ હથિયારના કારણે પણ અમેરિકા ચિંતિત છે.
અમેરિકાને ડર છે કે જો એ હથિયાર લશ્કર-એ-તૈયબા, તાલિબાન કે અલકાયદાના હાથમાં પડી જશે તો તેઓ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે મોટો ખતરો બની જશે.
તેથી પણ પાકિસ્તાન સાથેના સંબંધો જાળવી રાખવા એ અમેરિકાની મજબૂરી છે.
ઇમરાન ખાન પર કેટલું દબાણ છે?
સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરને લઈને અપાયેલા ઇમરાન ખાનના ભાષણને મુસ્લિમ દેશોમાં ઘણું કવરેજ મળ્યું.
ઇંગ્લૅન્ડના મીડિયામાં પણ તેમને ઘણું કવરેજ મળ્યું, પરંતુ અમેરિકાના પ્રમુખ મીડિયામાં તેને એટલું કવરેજ ન અપાયું.
પાકિસ્તાની-અમેરિકનો અને કેટલાક બીજા મુસ્લિમ-અમેરિકનોએ ઇમરાન ખાનના ભાષણની પ્રશંસા કરી હતી. તેમ છતાં પાકિસ્તાન કે ઇમરાન ખાનની છબિ ન બદલાઈ.
બીજી વાત એ કે ઇમરાન ખાને ચૂંટણી પહેલાં અને છેલ્લાં 10-15 વર્ષની પોતાની રાજકીય કારકિર્દીમાં તેમણે અમેરિકાવિરોધી ઘણી વાતો કરી છે.
જેમ કે, તેમણે 9/11 જેવા હુમલા પાછળ પણ અમેરિકાને જ જવાબદાર ગણાવ્યું હતું.
તેથી અમેરિકાની વિદેશનીતિના અધિકારીઓ આ બધું આટલું જલદી ભુલાવી દેવા માટે તૈયાર નથી.
દક્ષિણ એશિયાના તમામ વિશ્લેષકો જાણે છે કે ઇમરાન ખાન પશ્ચિમવિરોધી અને અમેરિકાવિરોધી છે.
જોકે, અત્યારે તેઓ વિવશતાના કારણે પશ્ચિમના દૃષ્ટિકોણ સાથે સંમત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
પરંતુ આ તમામ વાતોથી અલગ પાકિસ્તાનની સુરક્ષા અને આર્થિક બાબતો પણ છે.
પાકિસ્તાને ચીન સાથેના પોતાના સંબંધો વધુ ગાઢ બનાવ્યા છે. ચીન પાસેથી પાકિસ્તાને અબજોનું ઋણ લીધું છે.
જોકે, ચીન તેમને પૂરતી આર્થિક મદદ નથી કરી શકી રહ્યું. તેથી મજબૂરીમાં તેમણે ફરીથી આઈએમએફ અને વિશ્વ બૅન્ક આગળ હાથ લંબાવવા પડે છે.
ત્યાં ફરીથી અમેરિકાની મદદ તો જોઈશે જ. અમેરિકાની લૉન ગૅરંટી વગર તેમને આઈએમએફ પાસેથી લૉન નહીં મળી શકે.
વૉશિંગ્ટનના રિપોર્ટ કરતાં એફએટીએફનો રિપોર્ટ વધારે મહત્ત્વનો છે. જો ફેબ્રુઆરીમાં પાકિસ્તાનને અસ્થાયીપણે બ્લેકલિસ્ટ કરી દેવાશે તો પાકિસ્તાન સરકાર કંઈકને કંઈક પગલાં તો જરૂર લેશે.
પાકિસ્તાનમાં ઉગ્રવાદ ફેલાવતા લોકો સાથે ઇમરાન ખાનના નિકટના સંબંધો છે.
ઇમરાન ખાનને જે વાતો તેઓ કહે છે ઇમરાન એ જ વાતો આંતરરાષ્ટ્રીય મંચ પર વ્યૂહરચના સ્વરૂપે રજૂ કરે છે.
તેમના પ્રત્યે ઇમરાન ખાનનું વલણ ખૂબ જ સહાનુભૂતિપૂર્ણ રહ્યું છે. તેથી આ ઉગ્રવાદી સંગઠનો વિરુદ્ધ કોઈ પણ પગલાં ભરવાં એ ઇમરાન ખાન માટે ઘણું મુશ્કેલ બની જશે.
ભારતને કેટલું સમર્થન મળશે?
હાલ ભારતની જે રાજનૈતિક સ્થિતિ છે, તે કાશ્મીરના કારણે થોડી નબળી પડી ગઈ છે.
અને જે પ્રકારે હાલ ભારત સરકાર, યુરોપિયન સાંસદોને લઈને કાશ્મીર ગઈ, તેનાથી સ્પષ્ટ છે કે પાછલાં કેટલાંક અઠવાડિયાંથી ભારત રાજનૈતિક સ્તરે નબળું પડ્યું છે.
કહેવાઈ રહ્યું છે કે કાશ્મીરમાં કલમ 370 હઠાવ્યા બાદ ત્યાં ઉગ્રવાદમાં વધારો થઈ શકે છે.
જો ઉગ્રવાદ અને કાશ્મીરમાં સેના દ્વારા થઈ રહેલા કથિત માનવાધિકારના ઉલ્લંઘનના મામલામાં વધારો થાય છે તો ભારત માટે પાકિસ્તાનને ઉગ્રવાદના મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું પાડી દેવાનું કામ મુશ્કેલ બની જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો