You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
UNGA : નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાનની રણનીતિ શું હતી કોની થઈ વધુ અસર?
ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74મા સત્રને સંબોધિત કર્યું. આ સંબોધનની રાહ ભારત અને પાકિસ્તાનને જ નહીં, પરંતુ અન્ય દેશોના લોકો અને વિવચકો પણ જોઈ રહ્યા હતા.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના વિશ્વશાંતિ અને ઉગ્રવાદની સમસ્યા પર વિચારો રજૂ કર્યા અને દુનિયા સામે પોતાની ઉપલબ્ધિઓ રજૂ કરી, તો સામે ઇમરાન ખાને આ વૈશ્વિક મંચ પર ભારતને ઘેરવાની કોશિશ કરી.
ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને બેઉ દેશો વચ્ચે સંભવિત યુદ્ધની સ્થિતિને લઈ થનાર વૈશ્વિક નુકસાન વિશે દુનિયાના દેશોને ચેતવણી આપી.
જોકે, સવાલ એ છે કે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની ચર્ચા કરવાને બદલે અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની વાત કેમ કરી?
અને, ઇમરાન ખાને એનાથી સાવ ઊલટું પોતાના દેશ વિશે વાત ન કરવાને બદલે કાશ્મીર વિશે વાત કેમ કરી?
આ બેઉ નેતાઓના ભાષણોનો અર્થ સમજવા માટે બીબીસીએ કાશ્મીર સ્થિત ડેલાવેયર વિશ્વવિદ્યાલયના પ્રોફેસર મુક્તદર ખાન અને પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હારૂન રશીદ સાથે વાત કરી. વાંચો એમનો દૃષ્ટિકોણ.
નરેન્દ્ર મોદીના ભાષણ પર પ્રોફેસર મુક્તદર ખાનનું મંતવ્ય
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ-ચાર મહત્ત્વની વાતો કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌથી મહત્ત્વની વાત એ હતી કે એમણે દુનિયાને એ યાદ કરાવ્યું કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે.
તાજેતરમાં થયેલી ચૂંટણીમાં એમને અને એમની પાર્ટીને મોટું સમર્થન મળેલું છે. એક રીતે તેઓ ઇશારો કરી રહ્યા હતા કે તેઓ દુનિયામાં સૌથી મોટા ચૂંટાયેલા નેતા છે.
સાથે જ એમણે એમ પણ કહ્યું કે હવે ગરીબી કેવી રીતે હઠાવી શકાય અને જળવાયુ પરિવર્તન કેવી રીતે રોકી શકાય એનો માર્ગ હવે ભારત દુનિયાને દર્શાવવા માગે છે.
એમણે સરકારની કેટલીક નીતિઓ પર ઇશારો કરીને કહ્યું કે ભારત સારું કામ કરી રહ્યું છે.
જોકે, કાશ્મીર મામલે ભારતની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે જે પણ કહેવાઈ રહ્યું છે એના વિશે તેઓ કંઈ ન બોલ્યા.
આ રીતે ભારતની સામે ઉપસ્થિત થઈ રહેલા સવાલો પર દુનિયાને કોઈ વિશ્વાસ ન અપાવ્યો.
એમણે વિશ્વશાંતિ, બંધુત્વ અને ઉગ્રવાદ સામે દુનિયાના દેશોને એક થવા આહ્વાન કર્યું, પરંતુ એમની જ પાર્ટી સાથે જોડાયેલા લોકો લઘુમતીઓ સાથે જે વહેવાર કરે છે એ વિશે કંઈ ન બોલ્યા.
જો દુનિયાને શાંતિ અને બંધુત્વનો પાઠ ભણાવવો હોય તો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમામ સમુદાય વચ્ચે બંધુત્વ કેવી રીતે લાગુ કરી શકાય તેની નીતિઓ પોતાના દેશમાં લાગુ કરે.
સુસ્ત પડી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કંઈ ન કહ્યું.
એમણે એને સુધારવા માટે કેવી નીતિઓ બનાવાશે એ વિશે પણ ઇશારો ન કર્યો.
તાજેતરના સમયમાં રોકાણમાં ઘટાડો થયો છે અને તેને લીધે ભારતની જ નહીં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ ચિંતિત છે.
અર્થવ્યવસ્થા ફરી પાટે ચડી જશે તેનો દુનિયાને ભરોસો આપવાની તેમના માટે આ સારી તક હતી.
સંયુક્ત રાષ્ટ્રમાં ગંભીર વાતો થતી હોય છે. દુનિયા ફ્રાંસ, ચીન અને રશિયાના નેતાઓની વાત સાંભળવા માગતી હોય છે.
એવામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મુદ્દે વાત કરવાની કોશિશ જરૂર કરી, પણ શરૂઆતના ભાષણમાં તો તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની નકલ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું.
તેઓ પોતાનાં વખાણ કરી રહ્યાં હતાં. ચૂંટણીમાં મળેલા ભવ્ય જનસમર્થનની વાત કરી રહ્યા હતા. એટલું જ નહીં તેમણે એમની સફળતાઓ પણ ગણાવી.
તેઓ પોતાના સંસદીય ક્ષેત્રને સંબોધિત કરી રહ્યા હોય એવું મને લાગ્યું.
નરેન્દ્ર મોદી પાસે એક શ્રેષ્ઠ તક હતી કે તેઓ ભારતને એક વૈશ્વિક આગેવાન તરીકે રજૂ કરે પણ એમાં તેઓ સફળ નથી થયા.
નરેન્દ્ર મોદીનું ભાષણ થીમને અનુરૂપ - નવતેજ સરનાનું મંતવ્ય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર કેન્દ્રિત રહી પોતાના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલી સફળ યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને તેને વૈશ્વિક ફલક પર મૂકવાની કોશિશ કરી.
વડા પ્રધાને ભારતના વિકાસમાં લોકભાગીદારી અને સમગ્રતાના સકારાત્મક અસરનો ઉલ્લેખ કર્યો અને એ દર્શાવવાની કોશિશ કરી કે ભારતની નીતિ સંયુક્ત રાષ્ટ્રનાં દર્શન મુજબ છે.
ભારતે એ જ દર્શન મુજબ વૈશ્વિક મુદ્દાઓ અને પડકારો પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ભારતના વડા પ્રધાને જળવાયુ પરિવર્તનનો ઉલ્લેખ કર્યો.
ભલે ભારત પ્રતિ વ્યક્તિ દીઠ વધારે પ્રદૂષણ નથી ફેલાવતું, પરંતુ તેણે રિન્યૂબલ ઍનર્જીનું લક્ષ્ય વધારીને 450 ગીગાવૉટ કરી દીધું છે.
વડા પ્રધાને કહ્યું કે ભારત શાંતિ અને અહિંસામાં વિશ્વાસ રાખે છે અને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ-અભિયાનોમાં અગ્રણી રહીને બલિદાન આપવામાં આગળ રહ્યું છે.
વડા પ્રધાને દર્શાવ્યું કે ઉગ્રવાદ માનવતા સામેનો એક વૈશ્વિક પડકાર છે અને તેથી ભારત એની સામે અવાજ ઉઠાવતું રહ્યું છે.
એમણે કહ્યું કે આ એક એવો પડકાર છે જેની સામે દુનિયાએ એક થવું જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉગ્રવાદના પ્રાયોજક કે સમર્થક તરીકે વિશેષરૂપે પાકિસ્તાનનો ઉલ્લેખ ટાળ્યો.
તેમણે સંબંધમાં મર્યાદા જાળવીને ઉગ્રવાદને એક ક્ષેત્રીય મુદ્દો ગણવાને બદલે સંપૂર્ણ માનવતા સામેના પડકાર તરીકે રજૂ કર્યો.
એમણે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્ય દરજ્જો હઠાવવાનો કે કલમ 370ને નાબૂદ કરવાનો કોઈ ઉલ્લેખ ન કર્યો. એવો ઉલ્લેખ થવાની આશા પણ નહોતી, કેમ કે આ મામલે ભારતનું વલણ સ્પષ્ટ છે કે આ આંતરિક મામલો છે.
મહાત્મા ગાંધીની 150મી જયંતી પર એમનામાંથી પ્રેરણા લેવાની વાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 125 વર્ષ અગાઉ આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદ તરફથી મળેલા સદભાવ અને શાંતિના સંદેશનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજે પણ ભારતનો એ જ સંદેશ છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74મા અધિવેશનનો વિષય 'ગરીબ ઉન્મૂલન, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે સમાવેશક પગલાં ભરવાની દિશામાં બહુપક્ષીય પ્રયાસોને મજબૂત કરવાનો' હતો.
આ વિષય પર વડા પ્રધાનનું ભાષણ સટીક હતું.
એમણે અન્ય વિકાસશીલ દેશો પ્રેરણા લે એ રીતે ભારતના વિકાસના પ્રયાસોને વહેંચ્યા.
ઇમરાન ખાનના ભાષણ પર વરિષ્ઠ પત્રકાર હારૂન રશીદનો દૃષ્ટિકોણ
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રની સભામાં ત્રણ-ચાર મુદ્દાઓ પર વાત કરી, પણ તેમણે કાશ્મીર પર વધુ ભાર આપ્યો.
તેમણે એમના ભાષણ પર કાશ્મીર વિશે એ તમામ વાતો કરી જે તેઓ પહેલેથી કહી રહ્યા હતા.
જોકે, ફરક મંચનો હતો. આ વખતે મંચ સંયુક્ત રાષ્ટ્રનો હતો અને દુનિયા તેને ગંભીરતાથી લેતી હોય છે.
એમણે દુનિયાને એ દર્શાવ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થશે તો તેની અસર ફક્ત બેઉ દેશોને જ નહીં, પરંતુ આખી દુનિયાને થશે. એમણે એક રીતે દુનિયાને ડરાવવાની પણ કોશિશ કરી.
તેમની આ વાતોની અસર આંતરરાષ્ટ્રીય સમુદાય પર કેટલી થાય છે કે સંયુક્ત રાષ્ટ્ર કોઈ પગલું ભરે છે એ હવે જોવું રહ્યું.
ઇમરાન ખાને જે રીતે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર વિશે વાત કરી એનાથી તેમનાં આખા પાકિસ્તાનમાં વખાણ થઈ રહ્યાં છે.
અત્યાર સુધીનો ઘટનાક્રમ એવો લાગે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ બેઉ દેશો પર આ મુદ્દે અસર ઊભી કરી શકે છે.
જોકે, તેઓ ભારત અને પાકિસ્તાન બેઉને ખુશ રાખવા માગે છે.
જો અમેરિકાના રાષ્ટ્રપતિનું વલણ આવું હોય તો બાકીના દેશો ભારતની સામે કોઈ નક્કર પગલાં ભરે એવું મને નથી લાગતું.
કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની વાત કોઈ નથી સાંભળતું એનું કારણ ભારતનું મોટું બજાર છે એવું પાકિસ્તાનના લોકો અને ઇમરાન ખાન પોતે પણ સમજે છે.
જે પણ દેશો ભારત સાથે વેપાર કરવા માગે છે તેઓ કદી નહીં ઇચ્છે કે ભારત નારાજ થાય.
ઇમરાન ખાનનું કહેવું છે કે આ દેશો માણસો અને માનવાધિકારને બદલે આર્થિક ફાયદાને મહત્ત્વ આપી રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ જે રીતે આંતરરાષ્ટ્રીય મંચ પર ઉપલબ્ધિઓ ગણાવી એવું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ન કર્યું.
તેમણે પાકિસ્તાન સાથે જોડાયેલા કોઈ પણ મુદ્દા ઉપર ખાસ વાત ન કરી.
ઇમરાન ખાન મકસદમાં કામિયાબ ન થયા
ભાષણની પાછળ ઇમરાન ખાનનો જે હેતુ હતો એમાં તેઓ કામિયાબ નથી થયા. તેઓ કહી રહ્યા હતા કે કાશ્મીરમાંથી કર્ફ્યુ હઠાવવામાં આવે.
એમનો આરોપ હતો કે ભારતે જે 13000 કાશ્મીરી યુવાનોની અટકાયત કરી છે તેમને મુક્ત કરવામાં આવે.
જો આ ભાષણના એક-બે દિવસમાં એમની માગણી પૂરી થશે તો એને કામિયાબી કહેવાશે, પરંતુ એવી શક્યતાઓ ખૂબ ઓછી છે.
ફક્ત ભાષણ આપવાથી કે ગુસ્સો દેખાડવાથી કે ડરાવવાથી વાત નથી બનતી, આંતરરાષ્ટ્રીય સમુદાય તમારી વાત કઈ રીતે લે છે તેના પર બધો આધાર છે.
પાકિસ્તાનમાં વિપક્ષની આલોચના
અહીં લોકો દુઆ કરતા હતા કે ઇમરાન ખાન જે રીતે પાકિસ્તાનની અંદર ભાષણ આપતા અને વિપક્ષના નેતા હતા ત્યારે કન્ટેનર પર ચડીને બોલતા હતા તેવું તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ન કરે તો સારું.
સૌ ઇચ્છતા હતા કે ક્લાઇમેટ ચેન્જ, ઇસ્લામફોબિયા જેવા આંતરરાષ્ટ્રીય વિષયો અને કાશ્મીર સુધી જ મામલો સીમિત રહે તો સારું રહેશે.
પરંતુ ક્યાંક તેમણે ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ કર્યો. આ મામલે વિપક્ષ એમની ટીકા કરી રહ્યો છે. એમનું કહેવું છે કે પાકિસ્તાનની આંતરિક બાબતનો ઉલ્લેખ એમણે નહોતો કરવો જોઈતો.
પોતાના સ્થાનિક મુદ્દાઓની એમણે વાત ન કરી. કેટલાક લોકો ખુશ છે કે ઇમરાન ખાને ઝરદારીસાહેબ કે નવાઝ શરીફનો ઉલ્લેખ ન કર્યો.
ઘરનો ઝઘડો સંયુક્ત રાષ્ટ્રમાં નથી લઈ જવાયો એનાથી કેટલાક લોકોને રાહત થઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો