UNGA 2019 : ઇમરાન ખાને કહ્યું કે ભારત મોટું બજાર છે એટલે દુનિયા ચૂપ છે

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાના ભાષણમાં કાશ્મીરને લઈને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે કાશ્મીરમાં કર્ફ્યુ હઠશે ત્યારે ખૂનરેજી થશે.

ઇમરાને આરએસએસ પર પણ નિશાન તાકતાં કહ્યું કે સંઘ ઍડોલ્ફ હિટલરથી પ્રભાવિત છે અને વંશીય હિંસામાં માને છે.

તેમના મતે સત્તામાં આવતાની સાથે જ તેમણે ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો પણ ભારત તરફથી તેમને કોઈ સકારાત્મક જવાબ નહોતો મળ્યો.

પોતાના ભાષણને ચાર મુદ્દામાં વહેંચતા ઇમરાન ખાને ઇસ્લામફોબિયા, જળવાયુ-પરિવર્તન, આતંકવાદ અને કાશ્મીરને વણી લીધા.

ઇસ્લામફોબિયા અંગે ઇમરાનની ચિંતા

ઇમરાને કહ્યું, "હું ઇસ્લામફોબિયાની વાત કરીશ. દુનિયામાં 1.3 મિલિયન ઇસ્લામમાં માનનારા છે અને તમામ ખંડોમાં મુસ્લિમ રહે છે. 9/11 બાદ ઇસ્લામફોબિયા વધ્યો છે અને તે વિભાજન સર્જી રહ્યો છે."

"મુસ્લિમ મહિલાના હિજાબ પહેરવા પર પણ સમસ્યા ઊભી થઈ ગઈ છે. તેમને હથિયારના રૂપમાં જોવામાં આવે છે. આવું કેમ થયું? કારણ કે પશ્ચિમના કેટલાક નેતાઓએ તેમાં ઇસ્લામ જોડી દીધો છે."

"કટ્ટરવાદી ઇસ્લામ એટલે શું? ઇસ્લામ માત્ર એક જ છે અને તે પયંબરનો ઇસ્લામ છે."

"વિદેશયાત્રા દરમિયાન અમને ઇસ્લામફોબિયાનો સામનો કરવો પડે છે. યુરોપિયન દેશો મુસ્લિમ સમુદાયને હાંસિયામાં રાખે છે."

કાશ્મીર મુદ્દે શું કહ્યું?

તેમણે કહ્યું કે ભારતમાં ચૂંટણી યોજાવાની હતી એટલે તેઓ મોદી સરકારના વલણને સમજી શકે એમ હતા પણ સત્તામાં ફરીથી આવતાની સાથે જ મોદી સરકારે શાંતિપ્રયાસોને નકારી દીધા.

ઇમરાન ખાને કહ્યું કે જ્યારે ભારતે પાંચ ઑગસ્ટે કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી નાખ્યો અને 80 લાખ લોકો પર ખાસ પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા ત્યારે તેમને સમજમાં આવ્યું કે આ પાછળ મોદી સરકારનો ખાસ ઍજન્ડા છે.

તેમણે કાશ્મીરમાંથી કર્ફ્યુ હઠાવવાની અને રાજકીય કેદીઓને મુક્ત કરવાની વાત કરી.

ઇમરાને એવું પણ કહ્યું કે ભારતે શિમલા કરાર અને પોતાના જ બંધારણ વિરુદ્ધ આ પગલું ભર્યું છે.

તેમણે એવું પણ કહ્યું કે આતંકવાદને કોઈ ધર્મ નથી અને કોઈ પણ ધર્મને આતંકવાદ સાથે જોડવો ન જોઈએ.

રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘની વાત કરતા તેમણે કહ્યું કે સંઘ ઍડોલ્ફ હિટલરથી પ્રેરિત છે અને વંશીય શુદ્ધતામાં માને છે.

ઇમરાન ખાને એમ પણ કહ્યું કે ભારત મોટું બજાર છે એટલે દુનિયા ચૂપ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો