રણને રોકવા બનવાઈ રહી એ વૃક્ષોની દીવાલ જે 2000 વર્ષ સુધી જીવિત રહી છે

    • લેેખક, રિચર્ડ ગ્રે
    • પદ, બીબીસી ફ્યૂચર

આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત લેવાનું થાય ત્યારે ઘાનાની ઉત્તરે આવેલા પગાની સફર પર જવા માટે તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે.

તમે ત્યાં એક પણ ખોટું પગલું ભરો તો તમારો સામનો તીક્ષ્ણ દાંતવાળા મગરોથી થઈ શકે છે.

વર્ષોથી સ્થાનિક લોકોનો આ મગરો સાથે નિકટનો સંબંધ રહ્યો છે.

સ્થાનિક લોકો પ્રમાણે આ મગરો પગાનાં પવિત્ર તળાવોમાં રહે છે.

એક લોકકથા પ્રમાણે, પગાના એક કબીલાના સરદારનો જીવ એક મગરે જ બચાવ્યો હતો.

આ બનાવ બાદ સરદારે પોતાના લોકોને મગરોને ક્યારેય ન મારવાનો અને તેમની પૂજા કરવાનો હુકમ કર્યો, કારણ કે મગરો કોઈનેય નુકસાન નહીં પહોંચાડે.

ત્યારથી લઈને આજે પણ સ્થાનિકો આ મગરોનું ધ્યાન રાખે છે.

આજે પણ આ વિસ્તારના લોકોના મનમાં મગરો માટે આદરભાવ છે.

લોકો મગરોને ખવડાવે-પીવડાવે છે અને તેમની સુરક્ષા કરે છે. અહીં આવનાર મુસાફરો પણ મગરો સાથે અજીબ શિકલ બનાવીને તસવીરો લે છે.

રેતીના તોફાનની સમસ્યા

જો તમે આ મગરોને પાછળની તરફથી અડકશો તો તેઓ ક્યારેય તમને નુકસાન નહીં પહોંચાડે.

તેમ છતાં પગા અને ત્યાંના મગરો સામે ઝડપથી વધી રહેલા એક મોટું જોખમ છે.

પગા, ઉત્તર આફ્રિકાના વિશ્વના સૌથી મોટા રણ સહરાથી જોડાયેલા વિસ્તારનો એક ભાગ છે.

ક્યારેક હરિયાળીથી શોભતા આ વિસ્તારમાં હવે ઘાસ અને નાનાંનાનાં વૃક્ષો જ જોવામ મળે છે, જે માંડમાંડ માટીને ઊડતી અટકાવી રહ્યાં છે.

હવે વધતી જતી વસતીના કારણે પગાની આસપાસ રહેલાં થોડાં-ઘણાં વૃક્ષો પણ કપાઈ રહ્યાં છે, જેથી તેનો ઉપયોગ ઈંધણ અને મકાન બનાવવા માટે થઈ શકે.

આ વૃક્ષો કપાઈ જવાના કારણે આ વિસ્તારની રેતાળ માટી માટે રેતીનાં તોફાનોનો સામનો કરવો મુશ્કેલ બની રહ્યો છે.

હવે વિસ્તારની માટી પર રેતી છવાઈ રહી છે. બાકી બચેલાં વૃક્ષો અને ઘાસ રેતીનાં તોફાનો સામે ટકી શકતાં નથી.

આ કારણસર વિસ્તારની ફળદ્રુપ જમીન રણમાં ફેરવાઈ રહી છે.

એક નવી શરૂઆત

એક સ્થાનિક પર્યાવરણ સંગઠનના સંસ્થાપક જુલિયસ એવારેગ્યા કહે છે, "આ વિસ્તારમાં જમીનનું ખૂબ જ ધોવાણ થઈ રહ્યું છે, કારણ કે અહીં મોટા પાયે જંગલોનું નિકંદન કઢાઈ રહ્યું છે."

"અમારી આવનારી પેઢી પર આ વાતની ઊંડી અસર થશે. જે બચ્યું છે, તેની જાળવણી માટે અમારે અત્યારથી સંરક્ષણની શરૂઆત કરવાની જરૂર છે."

એવારેગ્યા હવે રણનો વિસ્તાર વધતો અટકાવવા માટે કામ કરી રહ્યા છે.

તેઓ વૃક્ષોની એક દીવાલના નિર્માણના કામમાં જોતરાયેલા છે. આ વૃક્ષોનાં થડ અને પાન, રણના હુમલાને અટકાવશે.

એવારેગ્યા અને તેમનું સંગઠન બાવળ, લીમડો અને બાઓબાબ જેવાં વૃક્ષો વાવી રહ્યાં છે.

જે પૈકી બાઓબાબના વૃક્ષનું સ્થાનિક સમાજ સાથે અનોખો સંબંધ રહ્યો છે.

સંપૂર્ણપણે વિકસિત થાય ત્યારે આ વૃક્ષ અત્યંત આકર્ષક લાગે છે. આ વૃક્ષોનાં મોટાં થડ એક અલગ જ દુનિયાનો અહેસાસ કરાવે છે.

આ વૃક્ષ શુષ્ક વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલું હોય છે.

200 વર્ષ બાદ યુવા થતું વૃક્ષ

આ વૃક્ષો આફ્રિકાના સવાના ઘાસનાં મેદાનોમાં 2000 વર્ષ સુધી જીવિત રહી શકે છે.

લગભગ 200 વર્ષ બાદ બાઓબાબ વૃક્ષ યુવાન થાય છે. આ વૃક્ષમાંથી મળતી આમલીનો સ્વાદ ખાટો હોય છે.

તેથી એવારેગ્યા આજે જે વૃક્ષો વાવી રહ્યાં છે, તે ખરેખર તો ભવિષ્યનાં રોકાણ સમાન છે.

આમ તો સ્થાનિક લોકો બાઓબાબનાં ફળ નથી ખાતા, પરંતુ ફળોથી તેઓ સારી કમાણી કરી લે છે.

આ વૃક્ષનાં ફળ તોડીને પીસી લેવાય છે, જેની યુરોપ અને આફ્રિકામાં ખૂબ માગ છે.

તેથી હવે પગા જ નહીં, આખા ઘાનામાં બાઓબાબનાં વૃક્ષોની માગ વધી ગઈ છે. મહિલાઓ આ ફળોને તોડીને ઘરે લઈ આવે છે અને પીસીને તેનો પાઉડર તૈયાર કરે છે.

જેનું વેચાણ યુરોપિયન દેશો અને અમેરિકામાં થાય છે. તેથી પગાની મહિલાઓની આવક વધી છે.

મહિલાઓ આર્થિકપણે સક્ષમ બની છે તેથી ઘરના નિર્ણયોમાં તેમનું યોગદાન અને હક્ક પણ વધ્યાં છે.

બાઓબાબના પાઉડરનો વેપાર આગામી પાંચ વર્ષમાં વધીને 5 અબજ ડૉલર થઈ જવાની સંભાવના છે.

તેમાં વિટામિન સી, કૅલ્શિયમ, મેગ્નશિયમ, પોટૅશિયમ અને આયર્નની માત્રા ખૂબ વધારે હોય છે.

તેથી, કોકાકોલા, કોસ્ટકો, ઈનોસેન્ટ સ્મૂદીઝ, સુજા જ્યૂસ અને યેઓ વેલી જેવી મોટી કંપનીઓ મોટા પ્રમાણમાં તેની ખરીદી કરી રહી છે.

બાઓબાબના લાભ

હેલ્થ ફૂડ બનાવનાર કંપની એડુનાના સંસ્થાપક એન્ડ્ર્યુ હંટ જણાવે છે કે બાઓબાબમાં પ્રચુર સંભાવનાઓ છે.

ઘાના અને બુર્કિનાફાસોને આ વૃક્ષના કારણે વિદેશી મુદ્રા મળી રહી છે. હંટ પ્રમાણે આ એક ખૂબ જ ખાસ વૃક્ષ હોય છે અને તે પશ્ચિમી આફ્રિકાની સંસ્કૃતિ સાથે પણ સંકળાયેલું છે.

બાઓબાબના પાઉડરની માગ વધી એ પહેલાં આ વૃક્ષ વધારે મહત્ત્વનું નથી.

પહેલાં ખેતી માટે આ વૃક્ષો કપાતાં હતાં, પરંતુ હવે બાઓબાબનાં નવાં વૃક્ષો વવાઈ રહ્યાં છે.

હંટની કંપની એડુના ઘાનાના લોકોને બાઓબાબનાં વૃક્ષો વાવવાં માટે પ્રોત્સાહિત કરે છે.

આ વૃક્ષોને કારણે સાહેલ રણવિસ્તારમાં ગ્રેટ ગ્રીન વૉલ બનાવવામાં ઘણી મદદ મળી રહી છે.

આવી જ દીવાલ સમગ્ર સહરા ફરતે તૈયાર કરવાની છે, જેથી રણને આગળ વધતું અટકાવી શકાય.

પાછલા એક દાયકામાં સહરા રણે 7,600 વર્ગ કિમી કરતાં વધારે વિસ્તારે પોતાની અંદર સમાવી લીધો છે.

ખાસ કરીને દક્ષિણ વિસ્તારમાં એટલે કે સાહેલમાં. 1920ની સરખામણીએ આજની તારીખમાં સહરાનું ક્ષેત્રફળ 94 કરોડ વર્ગ કિમી થઈ ગયું છે.

કંઈક આવું જ આખી દુનિયામાં પણ બની રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે વિશ્વમાં દર વર્ષે 1.20 લાખ વર્ગ કિલોમિટર જમીન રણમાં સમાતી જાય છે.

રણના ફેલાવવાને રોકવા માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુએન કન્વેન્શન ટુ કૉમ્બેટ ડેઝર્ટિફિકેશનના ઈબ્રાહીમ થિયાવ જણાવે છે, "રણવિસ્તાર કેન્સરની જેમ હોય છે."

"તેના કારણે વિશ્વને દરરોજ લગભગ 1.3 અબજ ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે આપણે રણના વિસ્તારના કારણે માત્ર ખેતીલાયક જમીન અને ગૌચર જ નથી ગુમાવી રહ્યા છીએ."

"જે જમીન આપણે રણના કારણે ગુમાવી રહ્યા છીએ, તેનો ઉપયોગ માણસો માટે ઘણા પ્રકારે થઈ શકે છે. જેમ કે, રહેઠાણ અને ટૂરિઝમ."

રણને અટકાવવાનો પ્રયત્ન

ગ્રેટ ગ્રીન વૉલ પ્રોજેક્ટની શરૂઆત આફ્રિકન યુનિયને 2007માં કરી હતી. જેનો હેતુ વિશ્વના સૌથી ગરમ રણને આગળ વધતું અટકાવવાનો છે.

આ કામમાં સંયુક્ત રાષ્ટ્ર પણ આફ્રિકન યુનિયનની મદદ કરી રહ્યું છે.

સાહેલમાં રેતીના દાનવને દૂર રાખવા માટે આ વૃક્ષો મદદરૂપ થઈ રહ્યાં છે.

પ્રોજેક્ટ હેઠળ આફ્રિકન દેશોમાં ખેતીની નવી રીતોના વિકાસ અને જમીનનું ધોવાણ અટકાવવાની રીતો શીખવવા માટે અત્યાર સુધી આઠ અબજ ડૉલરનું રોકાણ કરાયું છે.

આ કામમાં આફ્રિકન લોકોના સદીઓ પુરાણા અનુભવોની પણ મદદ લેવાઈ રહી છે.

બર્કીના ફાસો, માલી અને સેનેગલમાં ખેડૂતો, પથ્થરની રેખા અને હાર બનાવીને જમીનને બચાવવાની દિશામાં કામ કરી રહ્યા છે.

આવું કરવાથી પાણી જમીનમાં શોષાઈને સંઘરાઈ જાય છે.

જે પાછળથી કામ લાગે છે, પરંતુ આ પ્રોજકેટમાં સૌથી વધારે ભાર વૃક્ષોના લગાવવા પર જ મુકાઈ રહ્યો છે.

સેનેગલે એકલા જ તેમના વિસ્તારમાં 1.20 કરોડ જેટલાં વૃક્ષો વાવ્યાં છે, જેથી દુષ્કાળને રોકી શકાય.

ઈબ્રાહીમ થિયાવ જણાવે છે, "20 દેશોમાં 3 કરોડ હેક્ટર જમીન પર વૃક્ષો વાવીને આ જમીનને ફરીથી હરિયાળી બનાવી દેવાઈ છે."

"જોકે, આ પ્રોજેક્ટ મને તો નહીં, પરંતુ મારી આવનાર પેઢીને જ કામ લાગશે. તેથી ભવિષ્ય માટેનું રોકાણ છે."

યુએનડીસીસીએ આફ્રિકામાં 2030 સુધી 10 કરોડ હેક્ટર જમીન ફરીથી હરિયાળી બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

જેથી આફ્રિકાના દેશોને ખાદ્ય સુરક્ષા મળી શકશે અને તેમની ઊપજમાં પણ વધારો થશે.

જોકે, હજુ સુધી આ પ્રોજેક્ટમાં ઓછી સફળતા હાંસલ થઈ છે. પ્રોજેક્ટની ધીમી ગતિના કારણે તેની ટીકા પણ થઈ રહી છે.

ખાનગી ક્ષેત્રથી મદદ

આફ્રિકાથી બહારના આવા પ્રોજેક્ટ અસફળ રહ્યા છે. ચીને ગોબીના રણમાં વૃક્ષો વાવીને રણને વધતું અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનાં પરિણામો વિપરીત જ આવ્યાં.

રણનો વિસ્તાર ઘટવાની જગ્યાએ વધતો જ જઈ રહ્યો છે, પરંતુ યુએનડીસીસીને આ પ્રયત્નોમાં જ આશા દેખાય છે.

તેઓ સ્થાનિકોને વૃક્ષો વાવવાં માટે પ્રોત્સાહિત કરે છે. જ્યારે બાઓબાબ જેવાં વૃક્ષો આવકનું સાધન બનશે, તો ખેડૂતો તેમને કાપવા કરતાં તેમનું રક્ષણ કરશે.

બાઓબાબના કારણે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ત્યાં રોકાણ કરે એવી આશા છે.

ઈબ્રાહીમ થિયાવ જણાવે છે, "આ એવું કામ છે, જે માત્ર સરકારથી ન થઈ શકે. તેમાં ખાનગી ક્ષેત્રનું જોડાણ આવશ્યક છે."

તેથી ઘણી મોટી ખાદ્ય કંપનીઓને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે અને માત્ર બાઓબાબનું વૃક્ષ જ તેનો એકમાત્ર માર્ગ નથી.

ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જોવા મળતા સરગવાનાં વૃક્ષો (મોરિંગા) પણ સાહેલમાં લગાવાઈ રહ્યાં છે.

આ સિવાય શિયા બટરના છોડ પણ લગાવાઈ રહ્યા છે, કારણ કે તેનો ઉપયોગ કૉસ્મેટિક અને મૉઈશ્ચરાઈઝર બનાવવામાં થાય છે.

તે પણ ભારતીય ઉપ-મહાદ્વીપમાં જોવા મળતો એક છોડ છે. આ તમામ વનસ્પતિઓ પણ બાઓબાબ જેટલી જ ઉપયોગી છે, તેથી કહી શકાય કે આ પ્રોજેક્ટમાં બાઓબાબનું વૃક્ષ એક કડી પૂરતું જ છે.

કેટલાંક જોખમો પણ

જોકે, ઘણા લોકોનું માનવું છે કે મોટા પ્રમાણમાં એક જ પ્રકારના વૃક્ષનું વાવેતર નુકસાનકારક પણ નીવડી શકે છે.

આવું જ કંઈક એશિયા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં બન્યું હતું, જ્યારે પામ ઑઈલ મેળવવા માટે પુષ્કળ પ્રમાણમાં તાડનાં વૃક્ષો લગાવાયાં હતાં.

બ્રિટનની જાણકાર લિંડસે સ્ટ્રિંગર કહે છે, "આવું કરવાથી રણના વિસ્તારની સમસ્યા ઘટવાના સ્થાને વધી શકે છે, કારણ કે જ્યારે પણ કોઈ કાર્ય આર્થિક દૃષ્ટિકોણથી કરાય છે ત્યારે તેનાં પરિણામો ખરાબ આવે છે."

"સ્થાનિકોની આવક અવરોધાય ત્યારે પ્રોજેક્ટમાં તેમનો રસ ઘટવા લાગે છે."

લિંડસે માને છે, "આ પ્રોજેક્ટ અંતર્ગત અલગઅલગ પ્રકારનાં વૃક્ષો લગાવવાની વાત પર ભાર મૂકવો જોઈએ."

"આ વૃક્ષોમાં ખજૂરનાં વૃક્ષો પણ હોય અને એવાં વૃક્ષો પણ સામેલ હોય જે સ્થાનિકોને છાંયડો અને ફળોનો લાભ આપી શકે.

લિંડસે જણાવે છે, "માત્ર વૃક્ષો વાવવાથી પરિસ્થિતિ નહીં બદલાય. આપણે આ પરિસ્થિતિ માટે જવાબદાર કારણોને પણ દૂર કરવાં પડશે. જેથી રણને આગળ વધતું અટકાવી શકાય."

બદલાવ

જેમ કે, સોલર ઍનર્જીનો પ્રચાર કરીને ઈંધણ તરીકે લાકડાંની જરૂરિયાત ઘટાડી શકાય છે.

બુર્કિના ફાસોમાં રાજમા અને બાવળનાં વૃક્ષો પર બૅક્ટેરિયા અને ફૂગ ઉગાડાઈ રહ્યાં છે, જેથી એ વાતની જાણકારી મેળવી શકાય કે તે શુષ્ક વાતાવરણમાં જાતે વિકસિત થઈ શકે છે કે નહીં.

પગામાં જમીનની ફળદ્રુપતા વધારવા માટે બાયોચાર નામના એક તારકોલનો ઉપયોગ થઈ રહ્યો છે.

જેને સુકાઈ ગયેલી ઘાસ અને પાકના બીજા કચરાથી તૈયાર કરાય છે.

બાઓબાબનાં વૃક્ષોથી કમાણી કરી રહેલી મહિલાઓ માટે ગ્રેટ ગ્રીન વૉલનો પ્રોજેક્ટ વરદાન બની ગયો છે.

એવારેગ્યા જણાવે છે,"સ્થાનિક સમુદાય પણ બદલાઈ રહ્યો છે. તેઓ હવે વૃક્ષો બાળતાં નથી, પરંતુ તેનું રક્ષણ કરે છે."

વધુ વૃક્ષો અને જમીન સારી બનાવાના કારણે પગા અને તેના મગરોનું ભવિષ્ય સુરક્ષિત બનશે. તેઓ સ્થાનિકો સાથે પહેલાંની જેમ પ્રસન્ન રહી શકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો