સુમિત નાગલ : ભારતનો એ ખેલાડી, જે ફેડરર સામે હારીને પણ ચોંકાવી ગયા

ભારતના યુવા ટેનિસ ખેલાડી સુમિત નાગલે યૂએસ ઓપનમાં વર્લ્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરને ચોંકાવી દીધા હતા.

190મા ક્રમના નાગલે પોતાના સેટમાં ત્રીજા ક્રમના ફેડરરને 6-4થી હરાવ્યા.

નાગલે ગ્રાન્ડ સ્લામના મેઈન ડ્રૉમાં પહેલી વખત ભાગ લીધો.

2003 પછી પહેલી વખત

20 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા ફેડરરને નાગલે પ્રથમ રાઉન્ડમાં પડકાર આપ્યો હતો.

જોકે, બીજા સેટથી ફેડરરે (ઉં.વ. 38) શાનદાર મૅચમાં પુનરાગમન કર્યું અને બે સેટ જીત્યા. ફેડરરે 6-1, 2-6 અને 4-6થી મૅચ જીતી.

2003થી અત્યાર સુધીમાં ફેડરર ક્યારેય એકપણ ગ્રાન્ડ સ્લેમમાં પહેલો રાઉન્ડ હાર્યા ન હતા.

નાગલ 2015માં જુનિયર વિમ્બલ્ડન ડબલ્સનો ખિતાબ જીતી ચૂક્યા છે.

આ પહેલાં ડેનિયલ મેદવેવે ભારતના પ્રજનેશ ગણ્ણેશ્વરનને 4-6, 1-6, 2-6થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો.

naDal નહીં naGal

મૅચ પછીના કાર્યક્રમમાં એન્કરે કહ્યું, "શું તમને એક પળ માટે થયું કે ત્યાં 'G' નહીં અને 'D' હોય. મતલબ કે નાગલ નહીં નાદાલ હોય?"

એન્કરના સવાલથી સ્ટેડિયમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ તેના જવાબમાં ફેડરરે કહ્યું, 'ના.'

માથું ખંજવાળતા ફેડરરે પોતાનો જવાબ આગળ વધાર્યો અને કહ્યું, "એ બધું કદાચ તમારા અને સોશિયલ મીડિયા માટે (કામનું) છે."

ઉલ્લેકનીય છે કે રફાલ નાદાલ વિશ્વમાં બીજા ક્રમના ખેલાડી છે. બન્ને વચ્ચેની કટ્ટર સ્પર્ધા જગજાહેર છે.

કોણ છે સુમિત નાગલ?

22 વર્ષના નાગલ દિલ્હી-એનસીઆર (નેશનલ કૅપિટલ રિજન)ના છે અને ત્યાં ભણેલાં છે.

સૌ પહેલાં મહેશ ભૂપતિની તેમની ઉપર નજર પડી હતી અને નાગલને પોતાની એકૅડેમી શીખવા આવવા માટે આમંત્રણ આપ્યું.

ત્યારબાદ નાગલે જર્મની ખાતે ટેનિસની વધુ ટ્રેનિંગ લીધી.

નાગલ ગત ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં ક્વોલિફાયિંગ રાઉન્ડમાંથી બહાર નીકળી ગયા હતા, પરંતુ યૂએસ ઓપનના ક્વોલિફાયિંગ રાઉન્ડમાં ત્રણ મૅચ જીતીને પહેલી વખત મેઇન ડ્રૉમાં પ્રવેશ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો