IND Vs WI : ભારતે 318 રને જીતી પહેલી ટેસ્ટ મૅચ, આ રેકર્ડ બન્યા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

એંટિગા ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મૅચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે 318 રને વિજય મેળવ્યો છે. 419 રનના ટાર્ગેટ સાથે મેદાન ઉપર ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની સમગ્ર ટીમ 100 રન બનાવીને આઉટ થઈ હતી.

ચોથા દિવસે બીજી ઇનિંગ દરમિયાન ભારતીય ટીમે સુંદર પ્રદર્શન કર્યું હતું.

ટી-બ્રેક સુધીમાં ટીમે આઠ ઓવરમાં માત્ર 15 રન આપીને પાંચ બૅટ્સમૅનને પરત મોકલી દીધા હતા.

આ વિજયમાં ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે ચાવીરૂપ ભૂમિકા ભજવી, તેમણે સાત રન આપીને પાંચ વિકેટ લીધી.

ઇશાંત શર્માએ ત્રણ તથા મોહમ્મદ શમીએ બે વિકેટ લીધી.

કેમર રોચે વેસ્ટ ઇન્ડીઝના કેમર રોચે સૌથી વધુ 38 રન બનાવ્યા, જ્યારે મિગલ કમિન્સે અણનમ 19 રન ફટકાર્યા. આ સિવાય રોસ્ટન ચેસે 12 રન બનાવ્યા.

આ ત્રણ બૅટ્સમૅનને બાદ કરતા અન્ય કોઈ ખેલાડી બે આંકડાનો સ્કોર કરી શક્યા ન હતા.

ટેસ્ટમાં કુલ 183 રન બનાવનારા રહાણેને 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.

ટેસ્ટની નોંધપાત્ર બાબતો

  • કૅપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ ટેસ્ટ મૅચ (27) જીતવાના મહેન્દ્રસિંહ ધોનીના રેકર્ડની બરાબરી કરી.
  • રહાણેએ બે વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી, તેમણે 102 રન ફટકાર્યા હતા.
  • આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપની જાહેરાત બાદ આ ભારતની પ્રથમ ટેસ્ટ મૅચ છે.
  • આ વિજય સાથે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં 60 પૉઇન્ટ્સ મળ્યા.
  • ગુજરાતી બૉલર જસપ્રીત બુમરાહે માત્ર 11મી ટેસ્ટ મૅચમાં 50 વિકેટ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
  • ઓછી મૅચમાં આ સિદ્ધિ મેળવનારા તેઓ ભારતના પ્રથમ ફાસ્ટ બૉલર બન્યા છે.
  • વિદેશમાં 11 ટેસ્ટ વિજયના સૌરવ ગાંગુલીના રેકર્ડને પણ કોહલીએ તોડ્યો છે.

419 રનનું લક્ષ્ય

આ પહેલાં બીજી ઇનિંગમાં ભારતે સાત વિકેટ ગુમાવીને 343 રન બનાવ્યા હતા અને ઇનિંગ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

આમ વેસ્ટ ઇન્ડીઝને 419 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

રહાણેએ 102 તથા હનુમા વિહારીએ 93 રન બનાયા હતા, જ્યારે કૅપ્ટન કોહલીએ 51 રનનું પ્રદાન આપ્યું હતું.

બીજી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોસ્ટ ચેસે 38 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

ટેસ્ટ ચૅમ્પિયનશિપ મૅચ

તા. 22મી ઑગસ્ટે ટેસ્ટ મૅચ શરૂ થઈ હતી અને વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પહેલી ઇનિંગમાં ભારતની ટીમ 297 રન બનાવીને ઑલાઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઇનિંગમાં રહાણેએ 81 તથા રવિન્દ્ર જાડેજાએ 58 રનની ઇનિંગ રમી હતી.

પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર 222 રને ઑલાઉટ થઈ ગઈ હતી.

પ્રથમ ઇનિંગ દરમિયાન ઇશાંત શર્માએ પાંચ વિકેટ લીધી હતી, જ્યારે મોહમ્મ શમી તથા રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટો લીધી હતી.

આમ પ્રથમ ઇનિંગના આધારે ભારતને વેસ્ટ ઇન્ડીઝ ઉપર 75 રનની લીડ મળી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો