વેસ્ટ ઇન્ડીઝના એ બૉલરો જેમની સામે કોહલી-પૂજારા ફેલ થયા

એટીંગા ટેસ્ટ મૅચના પ્રથમ દિવસે જ ભારતે ભલે 200થી વધારે રન કરી લીધા હોય, પરંતુ સામે હકીકત એ છે કે 6 વિકેટ ગુમાવી દીધી.

જોકે, ફક્ત સ્કોરબૉર્ડ જોઈને વેસ્ટ ઇન્ડીઝના બૉલરો વિશે વધારે ખબર નહીં પડે.

વેસ્ટ ઇન્ડીઝના ઝડપી બૉલરોની ઘાતક ક્ષમતાનો અંદાજ એ વાત પરથી મૂકી શકાય કે રન મશીન વિરાટ કોહલી અને વર્તમાન ટેસ્ટ ટીમમાં સૌથી ભરોસાપાત્ર બૅટ્સમૅન ચેતેશ્વર પૂજારા 10નો આંક પણ પાર ન કરી શક્યા.

પૂજારા કેમારની ઝડપનો શિકાર બન્યા, જ્યારે કોહલીને શૅનન ગ્રેબ્રિયલે સસ્તામાં આઉટ કરી દીધા.

ચાહકોને આશા હતી કે આ વિરાટ કોહલી ટેસ્ટ મૅચમાં કૅપ્ટન તરીકે એમની 19મી સદી કરશે અને રિકી પોન્ટિંગનો રેકર્ડ તોડશે.

જોકે, હજી એમની પાસે બીજી ઇનિંગમાં એ મોકો છે જ, પરંતુ એ માટે એમણે વેસ્ટ ઇન્ડીઝની ઝડપી બૉલિંગનો વધારે સારી રીતે સામનો કરવો પડશે.

ખતરનાક કેમાર રોચ

વેસ્ટ ઇન્ડીઝની વર્તમાન ટીમમાં બૉલિંગ આક્રમણમાં કેમાર રોચ અને શૅનન ગૅબ્રિયલ સિવાય કૅપ્ટન જૅસન હોલ્ડર પણ ઝડપી બૉલિંગથી ભારતીય બૅટ્સમૅનોને પરેશાન કરી શકે છે.

એટિંગા ટેસ્ટમાં પ્રથમ દિવસે એમને ભલે સફળતા ન મળી, પરંતુ એમણે 15 ઓવરમાં ફક્ત 27 રન આપ્યા.

જોકે, ઝડપને મામલે સૌથી ખતરનાક તો કેમાર રોચ જ છે. 30 વર્ષીય રોચ વેસ્ટ ઇન્ડીઝના સૌથી અનુભવી બૉલર છે.

એમણે 53 ટેસ્ટ મૅચમાં 184 વિકેટ લીધી છે. પોતાની કારકિર્દીની શરૂઆતમાં તેઓ ખૂબ ઝડપી બૉલર હતા અને એ વખતે એમની ઝડપ 143 કિલોમિટર પ્રતિકલાકની હતી.

2009માં બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મૅચમાં એમણે 13 વિકેટ ઝડપી કૅરિયર શરૂ કરી હતી.

એ પછીની સિરીઝમાં એમણે એક બૉલમાં લિજેન્ડરી રિકી પોન્ટિંગને પર્થમાં રિટાયર્ડ હર્ટ કરી દીધા હતા.

146 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે ફેંકાયેલો એ બૉલ પોન્ટિંગ સમજે તે પહેલાં એમની કોણી પર વાગ્યો હતો.

કેમાર રોચની ઊંચાઈ વધારે નથી, પરંતુ 5 ફૂટ 10 ઇંચની ઊંચાઈ સાથે તેઓ ઘાતક શૉર્ટ પીચ બોલ ફેંકવામાં કુશળ છે.

જોકે, ખભાની સર્જરીને લીધે તેમની બૉલિંગની ગતિ ઘટી ગઈ છે, પણ હવે તેઓ વધારે ચાલાક બૉલર થઈ ગયા છે અને આંકડા એ વાતની સાક્ષી પૂરે છે.

2017 પછી તેમણે 19ની સરેરાશથી વિકેટો લીધી છે, જ્યારે તેમની કૅરિયરની સરેરાશ 27થી વધારે રહી છે.

કેમાર રોચની આગેવાનીમાં શૅનન ગ્રૅબિયલે ટીમ ઇન્ડિયાને મુશ્કેલ સ્થિતિમાં લાવી દીધી.

તેમણે પહેલાં વિરાટ કોહલી અને ત્યારબાદ વિકેટ પર ટકી રહેલા અજિંક્ય રહાણેને 81 રન પર આઉટ કરી દીધા અને સદી પૂર્ણ કરવા ન દીધી.

શૅનન ગૅબ્રિયલની કારકિર્દી ઇંગ્લૅન્ડ વિરુદ્ધ 2010માં લૉર્ડ્ઝ ખાતે રમાયેલી ટેસ્ટથી શરૂ થઈ હતી.

તેમને શરૂઆતના દિવસોમાં ઇયાન બિશપ જેવા બૉલર માનવામાં આવતા હતા.

પહેલાં તેમની ઝડપ સારી હતી, પણ સમય સાથે તેમની બૉલિંગ વધારે જ નિખરી છે.

2017 પછી અત્યાર સુધીમાં તેમણે ટેસ્ટ મૅચમાં 50થી વધારે વિકેટ લીધી અને આ દરમિયાન તેમની સરેરાશ 15ની આસપાસ રહી છે.

કપ્તાન પણ કમ નથી

બન્ને બૉલર્સનો સાથ આપવા માટે કૅપ્ટન જૅસન હોલ્ડર પણ છે.

2017 પછી તેમનો બૉલિંગનો સરેરાશ દર 15થી ઓછો રહ્યો હતો.

આ દરમિયાન તેમણે 40થી વધારે વિકેટ પણ લીધી હતી.

હોલ્ડરની બૉલિંગમાં રોચ અને ગૅબ્રિયલ જેટલી ગતિ નથી, પણ છ ફૂટ સાત ઇંચના હોલ્ડર તેમની બૉલિંગ દરમિયાન અસામાન્ય બાઉન્સરથી બૅટ્સમૅનોને ચકિત કરી દેતા હોય છે.

એવામાં જો ભારતીય ટીમે ચૅમ્પિયનશિપનો પ્રારંભ જીત સાથે કરવા હોય, તો ભારતીય બૅટ્સમૅનોએ આ ત્રણેય બૉલર્સનો સામનો કરવા સજ્જ રહેવું પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો