IND vs WI : વેસ્ટ ઇન્ડીઝ એક દેશ નથી તો મૅચ પહેલાં રાષ્ટ્રગીત કોનું ગવાય છે?

ઇંગ્લૅન્ડમાં વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, જેમાં દસ ટીમ રમી રહી છે. પ્રત્યેક મૅચ શરૂ થાય ત્યારે બન્ને દેશના રાષ્ટ્રગીતનું ગાન થાય છે.

વેસ્ટ ઇન્ડીઝ એક દેશ નથી, તે અનેક દેશોનો સંઘ છે. તો પછી વેસ્ટ ઇન્ડીઝની મૅચ યોજાય ત્યારે કયા દેશનું રાષ્ટ્રગીત ગવાય છે?

વર્લ્ડ કપમાં કૅરેબિયન આઇલેન્ડના જાણીતા ગીતકાર ડેવિડ રુડરનું ગીત 'રૅલી રાઉન્ડ ધ વેસ્ટ ઇન્ડીઝ...' વગાડવામાં આવે છે.

આ ગીત રુડરે લખ્યું છે અને તેમણે જ તેનું સંગીત પણ આપ્યું છે.

તેઓ કૅરેબિયન આઇલેન્ડના ટ્રિનિદાદના રહેવાસી છે.

આ ગીતમાં વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના ગૌરવશાળી ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે.

વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ બાદ ટીમ માટે કપરો સમય પણ આવ્યો, જેનો ઉલ્લેખ પણ આ ગીતમાં કરવામાં આવ્યો છે.

માયકલ હોલ્ડિંગ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટજગતનું મોટું નામ છે, જેમના વિશે પણ આ ગીતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એમાં વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટની થઈ રહેલી અધોગતિ વિશે લખ્યું છે.

વેસ્ટ ઇન્ડીઝ અનેક આઇલેન્ડનો સમૂહ છે, દરેક આઇલેન્ડની પોતાની વિશેષતાઓ છે. આ વૈવિધ્યતાની ગીતકારે નોંધ લીધી છે અને સન્માન કર્યું છે.

શરૂના સમયમાં વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન જે આઇલૅન્ડના રહેવાસી હોય એ આઇલૅન્ડનું રાષ્ટ્રગીત ગવાતું હતું. સમય જતા પરિવર્તન આવ્યું અને આ પ્રથા બંધ થઈ ગઈ.

એક ગીતના બદલે તેમામ આઇલેન્ડનાં રાષ્ટ્રગીત વગાડવાનું સૂચન પણ આપવામાં આવ્યું હતું.

સમય અને સંસાધનને ધ્યાને લેતા એ શક્ય ન હોવાનું ઠેરવવામાં આવ્યું હતું.

વેસ્ટ ઇન્ડીઝ એટલે કયા દેશ?

ઍંટિગા ઍન્ડ બારબ્યુડા, બાર્બાડોસ, ડૉમિનિકા, ગ્રેનેડા, ગયાના, જમૈકા, સેંટ લુસિઆ, સેંટ વ્હિન્સેંટ ઍન્ડ ગ્રેનેડિયન્સ, ત્રિનિદાદ ઍન્ડ ટોબૅગો, સેંટ કિટ્સ ઍન્ડ નેવ્હિસ, ઍંગ્યુઇલા, મૉંટેસેરાય, બ્રિટિશ વ્હર્જિન આઇલેન્ડ્સ, સિંટ માર્ટેન, યુએસ વર્જિન આઇલેન્ડ્સ.

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ સંલગ્ન ઍસોસિયેશન્સ

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ સંલગ્ન છ ક્રિકેટ ઍસોસિયેશન્સ છે, જેમાં બાર્બાડોસ, ગયાના, જમૈકા, ત્રિનિદાદ ઍન્ડ ટોબૅગો, લીવર્ડ આઇલેન્ડ્સ અને વિંડવર્ડ આઇલેન્ડ્સના બોર્ડ્સનો સમાવેશ થાય છે.

લીવર્ડ આઇલેન્ડ્સ ઍસોસિયેશનમાં ઍંટિંગા ઍન્ડ બારબુડા, સેંટ કિટ્સ ઍન્ડ નેવ્હિસ સાથે ઍંગ્યુઇલા અને બ્રિટિશ આઇલેન્ડ્સનો સમાવેશ થાય છે.

વિંડવર્ડ આઇલેન્ડ્સ ક્રિકેટ બોર્ડમાં ડૉમિનિકા, ગ્રેનેડા, સેંટ લુસિઆ, સેંટ વ્હિન્સેંટ ઍન્ડ ગ્રેનેડિયન્સનો સમાવેશ થાય છે.

દેશ નથી તો રાષ્ટ્રધ્વજ કયો?

વેસ્ટ ઇન્ડીઝ આ બધા દેશોનો સંઘ છે તો પછી તેના રાષ્ટ્રધ્વજ કે ચિહ્ન હોઈ ન શકે, જેથી વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે ઇનસિગ્નિઆ તૈયાર કર્યું. ઇનસિગ્નિઆ એટલે અધિકાર કે પદનું વિશેષ ચિહ્ન.

મરુણ રંગના બૅકગ્રાઉન્ડમાં સૌંદર્યસભર આઇલેન્ડ પર નારિયેળી અને સ્ટમ્પ્સ દોર્યાં છે, જે વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમનું ઇનસિગ્નિઆ અથવા ચિહ્ન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો