વડોદરા : મુસ્લિમ પોલીસમૅનને દાઢી ખેંચી માર મરાયો, પાંચની ધરપકડ

વડોદરામાં મુસ્લિમ પોલીસમૅનને માર મારવાની ઘટના બહાર આવી છે, હુમલાખોરોએ કથિત રીતે ધર્મ વિરુદ્ધ ટિપ્પણીઓ પણ કરી હતી.

હુમલામાં ઘાયલ આરિફ ઇસ્માઇલ શેખ (ઉં.વ. 44) વડોદરા પોલીસ હેડ ક્વાર્ટર્સ (ગ્રામ્ય) ખાતે ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.

મળતી માહિતી પ્રમાણે, રોડ ક્રૉસ કરવા બાબતે થયેલી માથાકૂટથી ઝઘડો શરૂ થયો હતો. ટોળા દ્વારા હુમલા સુધી માથાકૂટ વકરી ગઈ હતી.

પોલીસે હુલ્લડખોરીનો કેસ દાખલ કરીને એક સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

શું છે ઘટના?

પોલીસ એફઆઈઆર પ્રમાણે, શુક્રવારે સાંજે સાડા આઠ વાગ્યા આજુબાજુ કૉન્સ્ટેબલ આરિફ શેખ આજવા રોડ સ્થિત અરુણા કૉમ્પલેક્સ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક સગીરે અચાનક જ રોડ ક્રૉસ કર્યો હતો.

આરિફભાઈએ બ્રેક મારીને સંભવિત દુર્ઘટનાને ટાળી હતી અને સગીરને સંભાળીને રોડ ક્રૉસ કરવા તાકિદ કરી હતી.

આથી ઉશ્કેરાયેલા સગીર તથા પોલીસમૅન આરિફભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી.

દરમિયાન આસપાસથી પાંચેક લોકો એકઠા થઈ ગયા હતા અને આરિફભાઈની દાઢી પકડીને અપશબ્દો બોલીને મૂઢમાર માર્યો હતો.

આ સિવાય તેમને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

પાણી ગેટ તથા આજવા રોડને કોમી દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે અને ત્યાં સામાન્ય બાબત પણ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે.

આરિફભાઈના કહેવા પ્રમાણે, "ઇસ્લામમાં દાઢી રાખવાનું ફરમાન છે, પરંતુ કોઈ રાખે, કોઈ ન રાખે. જોકે, 2013માં હજ કર્યા બાદથી દાઢી રાખું છું."

આરિફભાઈ 22 વર્ષથી પોલીસ ખાતામાં સેવાઓ આપી રહ્યા છે.

ધરપકડ, જામીન, છૂટકારો

તપાસનીશ પોલીસ અધિકારી રાજેશભાઈ બારિયાએ બીબીસી ગુજરાતીના જયદીપ વસંત સાથે વાત કરતા કહ્યું :

"રાયોટિંગના ગુના હેઠળ ફરિયાદના દિવસે બે તથા પછીના દિવસે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી."

"આ એક જામીનપાત્ર ગુનો હોવાથી તેમને જામીન મળ્યા હતા."

એક સગીર આરોપીની પણ ધરપકડ કરાવામાં આવી હોવાનું ઇન્સ્પેક્ટર બારિયા ઉમેરે છે.

તેઓ આ કેસને માર્ગ અકસ્માતનો મામલો માને છે અને 'કૉમ્યુનલ એંગલ'ને નકારે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો