You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરુણ જેટલીનું નિધન : જ્યારે જેટલીએ શપથવિધિ પહેલાં મોદીને લખ્યો ભાવનાત્મક પત્ર
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
નરેન્દ્ર મોદીએ 30મી મેના રોજ બીજી વખત પદભાર સંભાળ્યો, તેના એક દિવસ પહેલાં અરુણ જેટલીએ તેમને એક ભાવનાસભર પત્ર લખ્યો હતો.
આ સિવાય જેટલીએ મોદી પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો અને તેમને આગ્રહ કર્યો હતો કે તેમને નવી સરકારમાં કોઈ 'ઔપચારિક' જવાબદારી સોંપવામાં ન આવે.
નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે મોદી સરકાર તથા ભાજપ માટે 'અનૌપચારિક' રીતે કામ કરવાની તૈયારી દાખવી હતી.
એ દિવસે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેટલીના ઘરે જઈને તેમને મળ્યા હતા.
મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન અરુણ જેટલીએ નાણામંત્રી ઉપરાંત કૉર્પોરેટ બાબતોના મંત્રી તથા સંરક્ષણમંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી.
નવી સરકારે પદભાર સંભાળતા જ જેટલીએ નવી દિલ્હીમાં પ્રધાન તરીકેનું સરકારી નિવાસસ્થાન છોડી દીધું હતું અને પોતાના નિવાસસ્થાને રહેવા જતા રહ્યા હતા.
શું હતું એ પત્રમાં?
અરુણ જેટલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધેલા પત્રમાં લખ્યું :
'ગત પાંચ વર્ષ દરમિયાન તમારી સરકારમાં રહીને મને ખૂબ જ શીખવા મળ્યું અને તે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'એ પહેલાં પણ પ્રથમ વખત એનડીએની સરકાર બની ત્યારે પણ મને પ્રધાનપદ આપવામાં આવ્યું હતું.'
'આ સિવાય પાર્ટી વિપક્ષમાં હતી, ત્યારે પણ મને જવાબદારી સોંપાઈ હતી. આથી વધુ હું શું માગું?'
'ગત 18 મહિનાથી મારી તબિયત નાદુરસ્ત રહી હતી. સારવાર બાદ મોટા ભાગની બીમારીઓમાંથી સાજો થઈ શક્યો છું.'
'ચૂંટણીપ્રચાર સંપન્ન થયો અને તમે કેદારનાથ જઈ રહ્યા હતા, ત્યારે મેં આપને મૌખિક રીતે જણાવ્યું હતું કે ચૂંટણીપ્રચાર દરમિયાન મને જે કોઈ જવાબદારી સોંપવામાં આવી, તેને મેં નિભાવવાનો પ્રયાસ કર્યો.'
જેટલીએ આગળ લખ્યું, 'હવે, આગામી થોડા સમય માટે મને કોઈ જવાબદારી સોંપવામાં ન આવે, જેથી કરીને હું મારા આરોગ્ય પર ધ્યાન કેન્દ્રીત કરી શકું.'
'તમારા નેતૃત્વમાં ભાજપ તથા એનડીએને ભવ્ય સફળતા મળી છે અને આવતીકાલે તમે શપથ લેવાના છો, ત્યારે હું આપને ઔપચારિક રીતે વિનંતી કરવા માટે આ પત્ર લખું છું કે મારી સારવાર તથા આરોગ્યને માટે પૂરતો સમય મળી રહે તે માટે હાલ મને સરકારમાં કોઈ ઔપચારિક જવાબદારી સોંપવામાં ન આવે.'
પત્રના અંતમાં જેટલીએ પક્ષ કે મોદી સરકાર માટે 'અનૌપચારિક રીતે' કોઈ પણ કામ કરવાની તૈયારી દાખવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો