દેશના પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને શું થયું હતું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

પંદર દિવસની સારવાર બાદ નવી દિલ્હીની 'ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટશન ઑફ મેડિકલ સાયન્સ' (ઍઇમ્સ) હૉસ્પિટલમાં દાખલ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારે સવારે નિધન થયું છે.

શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદને પગલે ગત 9મી ઑગસ્ટથી જેટલીને એઇમ્સમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કાર્ડિયોલૉજી-વિભાગમાં તેમની સારવાર ચાલી રહી હતી.

અહીં ઍન્ડોક્રૉનોલૉજિસ્ટ, નૅફ્રોલૉજિસ્ટ અને કાર્ડિયોલૉજિસ્ટની ટીમની દેખરેખ હેઠળ તેમને સારવાર આપવામાં આવી.

મે મહિનામાં જેટલીએ પત્ર લખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે તેમને કોઈ જવાબદારી સોંપવામાં ન આવે.

હીમૉડાઇનામિકલી સ્ટૅબલ એટલે?

'હીમૉડાઇનામિકલી સ્ટૅબલ'નો અર્થ થાય છે કે હૃદય એટલી ઊર્જા ઉત્પન્ન કરી રહ્યું છે કે તે રક્તપ્રવાહને ધમનીઓમાં યોગ્ય રીતે મોકલી શકે છે.

આનાથી લોહીનો પ્રવાહ યોગ્ય રહે છે અને શરીરનાં અંગોને ઑક્સિજન મળતું રહે છે.

66 વર્ષના જેટલી છેલ્લાં બે વર્ષથી બીમાર હતા. ગત વર્ષે તેમણે કિડની-ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી અને તેને પગલે ત્રણ મહિના માટે સરકારી કામકાજમાંથી રજા પણ લીધી હતી.

એ વખતે ડાયાબિટીસને કારણે ટ્રાન્સપ્લાન્ટની સર્જરીમાં વિલંબ થયો હતો. સર્જરીના એક મહિના પહેલાંથી જ જેટલી ઘરે રહીને નાણામંત્રાલયનું કામકાજ સંભાળ્યું હતું.

અરુણ જેટલીના કિડનીદાતાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી.

નાદુરસ્ત તબિયતના કારણે જેટલીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પણ નહોતી લડી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતા સંબંધીઓ પણ ઍઇમ્સ જઈને અરુણ જેટલીના ખબરઅંતર પૂછી આવ્યા હતા.

ભાજપના દિગ્ગજ નેતા

ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં જેટલી સારવાર કરાવવા માટે વિદેશ ગયા હતા અને તેને કારણે તેઓ વચગાળાનું બજેટ રજૂ નહોતા કરી શક્યા.

સ્વાસ્થ્યના કારણોસર જેટલીએ ભાજપની વર્તમાન સરકારમાં કોઈ જવાબદારી ન સોંપવામાં આવે એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી-પત્ર લખ્યો હતો.

વકીલાતમાંથી રાજકારણમાં આવેલા જેટલીની ગણના ભાજપના દિગ્ગજ નેતાઓમાં થતી હતી.

જેટલી દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના અધ્યક્ષ પણ રહ્યા છે અને હાલમાં ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો