You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીને વાંધો ન લેતા મસૂદ અઝહર UN દ્વારા 'આતંકવાદી' જાહેર, મૂક્યો પ્રતિબંધ
જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કરવાના ભારતના અભિયાનને સફળતા મળી છે. આ અંગેની જાહેરાત કરતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે ભારતના કાયમી ઍમ્બૅસેડર સૈયદ અકબરુદ્દીને ટ્વિટર ઉપર લખ્યું કે નાના-મોટા તમામ એક થયા છે.
મસૂદ અઝરને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની યાદીમાં મૂકવામાં આવ્યા છે.
સહકાર બદલ તમામનો આભાર. આ સાથે જ તેમણે #Zerotolerance4Terrorism હૈશટૅગ પણ મૂક્યું હતું.
માર્ચ 2019માં મસૂદ અઝહરને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવ્યો હતો.
આ પ્રસ્તાવને અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન જેવા દેશોનું સમર્થન મળ્યું હતું પણ ચીનના વીટોના કારણે આ પ્રસ્તાવ પસાર નહોતો થઈ શક્યો.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલે જણાવ્યું, "કાશ્મીરીઓની આઝાદી માટેની લડત તથા પુલવામા હુમલામાં ભૂમિકાના રાજકીય સંદર્ભોને દૂર કરાયા બાદ તેમના (મસૂદ અઝહર) પર પ્રતિબંધ લગાવવાની સહમતી સાધવામાં આવી છે."
"આને ભારતના 'વિજય' તરીકે દર્શાવવા જે વાર્તા ઘડાઈ રહી છે તે સંપૂર્ણ રીતે ખોટી અને પાયાવિહોણી છે. વડા પ્રધાન ઇમરાન ખાને સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ પ્રતિબંધિત સંગઠન કે તેની સાથે સંબંધ ધરાવનાર માટે પાકિસ્તાનમાં કોઈ સ્થાન નથી."
જાણકારોના કહેવા પ્રમાણે, યૂએનની નિષેધ યાદીમાં નામ આવવાથી મસૂદ અઝહરને ખાસ કોઈ ફેર નહીં પડે, કારણ કે તેઓ વિદેશ પ્રવાસ ખેડતા નથી તથા તેમના સંગઠનને વિદેશથી ફંડ મળતું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ વર્તમાન ચૂંટણીપ્રચાર અભિયાનમાં તે ચોક્કસથી મુદ્દો બનશે. આ સિવાય ભારત અને ચીનના કૂટનીતિક સંબંધોમાં ઉષ્મા આવશે.
ઉલ્લેખનીય છે કે તા. 14મી ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામા ખાતે ઉગ્રપંથી હુમલો થયો હતો, જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 40થી વધુ જવાનનાં મૃત્યુ થયાં હતાં.
ભારતે 26મી ફેબ્રુઆરીએ બાલાકોટ ખાતે હવાઈ હુમલો કરીને ત્યાં જૈશ-એ-મોહમ્મદના કથિત ઉગ્રવાદી તાલીમ કેન્દ્રને ટાર્ગેટ કર્યું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો