You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મસૂદ અઝહરને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કરવાનું અભિયાન ફરી શરૂ?
જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કરવાના ભારતના અભિયાનને ફરી એકવખત બળ મળતું દેખાઈ રહ્યું છે.
તાજેતરમાં જ ભારતમાં બ્રિટનના હાઈ કમિશનર ડોમિનિક એસ્કૉથે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આતંકવાદીઓની યાદીમાં મસૂદ અઝહરને સમાવવા અંગે તેઓ આશાવાદી છે.
તેમણે કહ્યું કે જે દેશ(ચીન) યાદીમાં નામ ઉમેરવા અંગે વાંધો ઉઠાવતો રહ્યો છે, તે વાંધો પરત લેશે અને બ્રિટન આ અંગે રાહ જોઈ રહ્યું છે. ત્યારબાદ તેમણે કહ્યું કે તેઓ 'આશાવાદી' છે કે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાશે.
માર્ચ 2019માં મસૂદ અઝહરને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન જેવા દેશોનું સમર્થન મળ્યું હતું પણ ચીનના વીટોના કારણે આ પ્રસ્તાવ પસાર નહોતો થઈ શક્યો.
તમે આ વાંચ્યું કે નહીં?
એવું પહેલી વખત નથી થયું જ્યારે ચીને મસૂદ અઝહરનું નામ આ યાદીમાં સામેલ કરવા અંગે અસંમતિ દાખવી હોય, અગાઉ પણ ઘણી વખત ચીને વંધો ઉઠાવ્યો છે.
પરંતુ ભારતમાં બ્રિટનના હાઈ કમિશનરે તાજેતરમાં આપેલા નિવેદનનું શું અર્થઘટન કરવું જોઈએ? શું ચીન અંગે ભારતની કોઈ કૂટનૈતિક રણનીતિન ચાલી રહી છે? શું બ્રિટન ભારત માટે ચીનને રાજી કરવા જઈ રહ્યું છે?
આ પ્રશ્નોના જવાબ માટે બીબીસી સંવાદદાતા મોહમ્મદ શાહિદે વૈશ્વિક મામલાઓના જાણકાર અને અમેરિકાની ડેલાવેયર યુનિવર્સિટીના પ્રોફેસર મુક્તદર ખાન સાથે વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુક્તદર ખાનનો દૃષ્ટિકોણ
બ્રિટને પહેલાં પણ ભારતના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું પણ તેમના નિવેદનની સમયસૂચકતા પર ધ્યાન આપવું જોઈએ. બ્રિટન અત્યારે બ્રેક્સિટ જેવા મોટા મુદ્દાઓનો સામનો કરે છે.
બ્રેક્સિટ પહેલાં તે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી લેવા માગે છે, જેની માટે ભારત અને ચીન જેવા દેશો સાથે વેપાર વધવો જરૂરી છે.
એ જ કારણથી જે દિવસે ભારતમાં બ્રિટનના હાઈ કમિશનરે આ નિવેદન આપ્યું એ જ દિવસે ચીનમાં બ્રિટનના એક અધિકારીએ કહ્યું કે ચીનનો 'વન બેલ્ટ વન રોડ' પ્રોજેક્ટ દુનિયા માટે 'નઝીર' છે.
આ પ્રકારનાં કૂટનૈતિક નિવેદનબાજી બ્રિટન એ દેશો સાથે કરે છે, જે વિકસિત અર્થવ્યવસ્થાઓ છે.
એ સિવાય મસૂદ અઝહરને 'આંતરરાષ્ટ્રીય આંતકવાદી' જાહેર કરવું એ સંપૂર્ણ રીતે ચીન પર નિર્ભર છે કેમકે ચીન બે કારણોસર આવું થવા દેતો નથી.
બે કારણસર ચીનનો વિરોધ
પહેલું કારણ ચીનનો 'વન બેલ્ટ વન રોડ' પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે જે સીપીઈસી (ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર)ના નામથી જાણીતો છે.
અંદાજ પ્રમાણે આ પ્રોજેક્ટમાં 60 અબજ ડૉલરનું રોકાણ છે.
એ સિવાય ચીનને આશા છે કે આ રોકાણ હજી વધી શકે છે. સાથે જ જો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખરાબ થઈ તો ચીન માટે આ એક મોટા બંદરનો રસ્તો ખોલશે.
બીજું મોટું કારણ 'વીગર' મુસલમાન છે જેમની પર ચીન જુલમ કરે છે. તેમને ડર છે કે જો તેઓ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં સમાવવાને સમર્થન આપશે તો ઉગ્રવાદી સમૂહ ચીનના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આતંકને પ્રોત્સાહન આપી શકે છે.
હકીકતમાં આ જૈશ-એ-મોહમ્મદ સાથેની મૌન સંમતિ છે કે તમે અમારા મામલામાં ચૂપ રહો અને અમે તમારા મામલામાં ચૂપ રહીશું.
પડદા પાછળની કૂટનીતિ
બ્રિટન કરતાં વધારે અમેરિકા ઇચ્છે છે કે મસૂદ અઝહર જેવા લોકોને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવે. જો ચીન મંજૂરી આપી દે તો આ કામ સરળતાથી કરી શકાશે.
જોવાનું એ રહેશે કે બ્રિટન ચીનને રાજી કરવા માટે શું દબાણ કરે છે?
ચીન પર કોઈ દબાણ નથી. એક રીતે ચીન ઉગ્રવાદીઓની મદદ કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન પર કોઈ દબાણ નથી.
આ કારણથી જો બ્રિટનના નિવેદનને માત્ર નિવેદનની રીતે જોવામાં આવે તો ભારતના હિતમાં છે.
આ નિવેદનથી બ્રિટન અને પાકિસ્તાનના સંબંધો પર અસર થઈ શકે છે જે ભારત માટે ફાયદાકારક છે.
મસૂદ અઝહરના 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર થવાથી બ્રિટનને કોઈ લાભ નથી. આ મામલાને ભારત અને ચીનના કૂટનૈતિક સંબંધો વધારવાથી ઉકેલી શકાશે.
અન્ય એક મોટી વાત એ છે કે મસૂદ અઝહરને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કરવાથી ભારતને ઝાઝો લાભ નહીં થાય કેમકે મસૂદ અઝહર આંતરરાષ્ટ્રીય યાત્રા કરતા નથી, આંતરરાષ્ટ્રીય ફંડ પણ એકઠું કરતા નથી.
એનાથી ભારતની કૂટનૈતિક જીત થશે જેનો ચૂંટણીમાં ઉપયોગ કરી શકાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો