જો કૅલિફોર્નિયા અમેરિકાથી અલગ થાય તો શું થાય?

    • લેેખક, રચેલ નોવર
    • પદ, બીબીસી ફ્યૂચર

છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકાની જનતા વચ્ચે ધ્રુવીકરણ બહુ ઝડપથી વધી રહ્યું છે. રિપબ્લિકન અને ડેમૉક્રેટિક પાર્ટીઓના સમર્થકો દિવસે ને દિવસે કટ્ટર થઈ રહ્યા છે.

જાણકારો કહે છે કે જે રીતે દાસપ્રથાની ગૃહ યુદ્ધો બાદ જે સ્થિતિ હતી, આજે અમેરિકામાં લગભગ એવી જ હાલત છે.

કૅલિફોર્નિયા યુનિવર્સિટીના રાજકીય નિષ્ણાત બર્નાર્ડ ગ્રૉફમૅન કહે છે કે આજે અમેરિકાની સંસદમાં જેટલું ધ્રુવીકરણ છે, એટલું છેલ્લાં 100 વર્ષોમાં નહોતું.

અમેરિકાનું સૌથી મૌટું રાજ્ય કૅલિફોર્નિયા પણ આ ધ્રુવીકરણનો શિકાર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કૅલિફોર્નિયા અને બાકી અમેરિકાની જનતા વચ્ચેના મતભેદો વધી ગયા છે.

તેને ધ્યાનમાં રાખીને કમ સે કમ એવા છ પ્રસ્તાવ આવી ચૂક્યા છે, જેમાં કૅલિફોર્નિયાને નાનાં-નાનાં રાજ્યોમાં વહેંચવાથી લઈને અમેરિકાથી સંપૂર્ણ સ્વતંત્ર કરવાના સૂચન હોય.

બૉસ્ટનની ટફ્ટ્સ યુનિવર્સિટીમાં ભણાવતાં મોનિકા ટૉફ્ટ કહે છે કે કૅલિફોર્નિયાના લોકો એવું માનવા લાગ્યા છે કે અમેરિકાની કેન્દ્ર સરકાર તેમના હિતોની રક્ષા કરી શકતી નથી.

તેમનું માનવું છે કે કૅલિફોર્નિયા એટલું મોટું રાજ્ય છે કે તેના નાના-નાના ટુકડા થાય તો જ તેનો આર્થિક વિકાસ શક્ય છે.

ઘણા મુદ્દાઓ પર કૅલિફોર્નિયાના લોકો અન્ય અમેરિકનોથી અલગ મત ધરાવે છે.

જો કૅલિફોર્નિયા અલગ થાય તો શું થશે?

જોકે, કૅલિફોર્નિયાની અમેરિકાથી અલગ થવાની દૂર-દૂર સુધી કોઈ શક્યતા નથી. પણ એક વખત વિચારી પણ લઈએ કે કૅલિફોર્નિયા, અમેરિકાથી અલગ થઈ શકે છે, તો શું થશે? અમેરિકા અને બાકીની દુનિયા પર તેની શું અસર થશે?

અમેરિકાનું બંધારણ કોઈ પણ રાજ્યને અલગ થવાની પરવાનગી આપતું નથી. કૅલિફોર્નિયાના લોકો પણ અમેરિકાથી અલગ થવાની માગ કરતા નથી. છતાં આપણે માની લઈએ કે કૅલિફોર્નિયા અમેરિકાથી અલગ થઈ જાય તો શું સ્થિતિ હશે?

તમે આ વાંચ્યું કે નહીં?

અમેરિકામાં ફરી ગૃહયુદ્ધો થશે?

અમેરિકામાં આજે કોઈ ગૃહયુદ્ધની સ્થિતિ જણાતી નથી. પરંતુ જ્યારે પણ કોઈ દેશનો ભાગ અલગ પડે ત્યારે હિંસા ભડકે એ સ્વાભાવિક છે. અમેરિકામાં જ 157 વર્ષ પહેલાં આવું થયું હતું, જ્યારે અશ્વેત લોકોને ગુલામ બનાવી રાખવાનું સમર્થન કરતાં દક્ષિણનાં રાજ્યોએ અમેરિકાથી અલગ થવાની જાહેરાત કરી દીધી હતી.

ત્યારે છેડાયેલા યુદ્ધમાં 6 લાખ 20 હજાર અમેરિકનોનાં મૃત્યુ થયાં હતાં. અમેરિકાના પાયા હલી ગયા હતા.

દુનિયામાં આવા અનેક દાખલા છે, જ્યારે એક દેશના ભાગલા થાય છે, ત્યારે કેટલી હિંસા ભડકે છે. 1947માં જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે દસ લાખથી વધુ લોકો માર્યા ગયા હતા.

આ જ રીત જ્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન અલગ થયા ત્યારે તો પાકિસ્તાની સેનાએ સામૂહિક બળાત્કારથી લઈને નરસંહાર જેવા અનેક જુલમો કર્યા હતા. આ જ રીતે આફ્રિકન દેશ ઇરીટ્રિયાએ જ્યારે ઇથોપિયાથી અલગ થવાની જાહેરાત કરી ત્યારે બંને દેશો વચ્ચે લગભગ 30 વર્ષ સુધી ગૃહયુદ્ધ ચાલ્યું.

પરંતુ 1993માં જ્યારે ચેક અને સ્લોવાક રિપબ્લિક અલગ થયા તો પ્રક્રિયા બહુ શાંતિથી થઈ ગઈ. બ્રિટનની યુરોપિયન યુનિયનથી અલગ થવાની પ્રક્રિયા પણ હજી સુધી શાંતિપૂર્ણ જ રહી છે.

જો કૅલિફોર્નિયા અમેરિકાથી અલગ થવાનો નિર્ણય કરે તો રિપબ્લિકન પાર્ટીના લોકો તો ખુશ થશે કે ચલો બલા ટળી, પરંતુ ડેમૉક્રેટિક પાર્ટીના સભ્યો કદાચ તે ન સ્વીકારે. કારણ એવું છે કે ઘણા દાયકાઓથી કૅલિફોર્નિયા, ડેમૉક્રેટિક પાર્ટીનો ગઢ રહ્યું છે. તેની રાજકીય તાકાત વિના કદાચ જ કોઈ ડેમૉક્રેટિક પાર્ટીનો સભ્ય અમેરિકાનો રાષ્ટ્રપતિ બની શકે.

જોકે, હાલ એવી કોઈ સ્થિતિ જણાતી નથી કે કૅલિફોર્નિયાને અમેરિકાથી અલગ થવાનું બળવાખોર પગલું લેવું પડે.

રાજકીય પાવરહાઉસ

કૅલિફોર્નિયા, અમેરિકાનો સૌથી વધુ વસતી ધરાવતો વિસ્તાર છે. જો તે અમેરિકાથી અલગ થાય તો અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીનું પ્રભુત્વ સ્થપાશે. અમેરિકાની સંસદમાં રિપબ્લિકન પાર્ટીને સરળતાથી બહુમત મળી જશે.

જાણકારો કહે છે કે 1990ના દાયકાથી જો અમેરિકામાં ઓબામા અથવા ક્લિન્ટન જેવા ડેમોક્રેટિક પાર્ટીના નેતા રાષ્ટ્રપતિ બન્યા હોય તો તેમાં કૅલિફોર્નિયાનું પ્રદાન સૌથી મોટું હતું.

50-60ના દાયકામાં રાષ્ટ્રપતિ ડ્વાઇટ ડી. આઇઝનહૉવરના સમયમાં જેવી સ્થિતિ હતી એવી જ સ્થિતિ સર્જાઈ શકે. એ વખતે કૅલિફોર્નિયાના અલગ થવાની સ્થિતિમાં ડેમૉક્રેટિક પાર્ટીની બચી-કૂચી ઉદારતા પણ કટ્ટરવાદી વિચારધારાની સમર્થક થઈ જાય એવી શક્યતા છે. એ વખતે ડેમૉક્રેટિક પાર્ટીએ મધ્યમમાર્ગી વિચારધારા અપનાવીને દેશનો વિકાસ કર્યો હતો.

કૅલિફોર્નિયા જો અમેરિકાથી અલગ થાય તો અમેરિકાની અર્થવ્યવસ્થાનાં મૂળિયાં હલી જશે. અલગ થઈને કૅલિફોર્નિયા દુનિયાની પાંચમી શક્તિશાળી અર્થવ્યવસ્થા બની જશે. તેની આર્થિક શક્તિ બ્રિટનથી પણ વધારે એટલે કે 2.7 અરબ ડૉલરની હશે. કૅલિફોર્નિયાથી અમેરિકન સરકારને સૌથી વધુ ટૅક્સની આવક થાય છે. આ આવક અમેરિકાના હાથમાંથી નીકળી જશે.

જાણકારો કહે છે કે અમેરિકાન ડૉલરની તાકાત દુનિયામાં ઘટી જશે. ડૉલરનું સ્થાન યુરોપિયન નાણું યુરો અથવા ચીનનું નાણું યુઆન લઈ લેશે.

કૅલિફોર્નિયા અલગ થશે તો એ સુપરપાવર રહેશે નહીં. તે પોતાના સહયોગીઓ પર નિર્ભર થઈ જશે. જમણેરી વલણ વધ્યા બાદ અમેરિકા, રશિયા, હંગેરી જેવા દેશોની યાદીમાં આવી જશે. સાથે પડોશી દેશ કૅનેડા સાથેના તેના સંબંધો અત્યારે છે એટલા સારા નહીં રહે. આવી જ સ્થિતિ મૅક્સિકો સાથેના સંબંધમાં પણ જોવા મળશે.

તેની સરખામણીએ કૅલિફોર્નિયા ઉદારમતવાદી દેશોના જૂથનો હિસ્સો હશે. ત્યારે દુનિયા ચીન અને અમેરિકા એમ બે ધ્રુવોમાં વહેંચાયેલી નહીં હોય. તેના બદલે આપણે અમેરિકા, ચીન, કૅલિફોર્નિયા અને ભારત જેવા શક્તિશાળી દેશો વચ્ચે ધ્રુવીકરણ જોઈશું.

કૅલિફોર્નિયાની અલગ થવાની સ્થિતિમાં આપણે ગ્લોબલ વૉર્મિંગ અને પ્રદૂષણ નિયંત્રણ મુદ્દે વિકાસ થતો જોઈશું. પરંતુ અમેરિકામાં વધતી કટ્ટરવાદી વિચારધારા, દુનિયાને એકજૂથ થવામાં વિઘ્ન ઊભા કરશે.

શરણાર્થીઓનું સ્વર્ગ

કૅલિફોર્નિયાની વિચારધારા ઉદારમતવાદી રહી છે, ત્યારે અમેરિકા આવતા મોટા ભાગના લોકો કૅલિફોર્નિયાનો રસ્તો પકડશે. સિલિકૉન વૅલી જેવા ધંધાકીય વિસ્તારમાં નવા લોકો આવવાથી વિકાસની ગતિને નવી ધાર મળશે.

કૅલિફોર્નિયામાં ખેતીમાં લૅટિન અમેરિકન મૂળના લોકો મોટી સંખ્યામાં છે. તેમનું રાજ્યની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન છે. બની શકે કે અલગ થયા બાદ કૅલિફોર્નિયા, અપ્રવાસી માટેના નિયમોમાં વધુ ઢીલ આપી દે.

આ સ્થિતિમાં કૅલિફોર્નિયાની અંદર પણ ઉત્તર અને દક્ષિણ વચ્ચે ખેંચતાણ વધી શકે છે. એક તરફ દક્ષિણ કૅલિફોર્નિયાના લોકો અપ્રવાસી માટે ઉદારવાદી છે, ત્યારે ઉત્તર કૅલિફોર્નિયાના લોકો અપ્રવાસીઓના પૂરને રોકવાના સમર્થનમાં છે.

કૅલિફોર્નિયાના અમેરિકાથી અલગ થવાથી મૅરીલૅન્ડથી લઈને મૅન અને પેન્સિલ્વેનિયા જેવાં ઘણાં ઉદારવાદી રાજ્યો અમેરિકાથી અલગ થવાની માગ કરી શકે છે. કારણ કે કૅલિફોર્નિયાના અલગ થવાથી અમેરિકામાં રૂઢિવાદી વિચારધારા હાવી થઈ જશે. તેથી ઉદારવાદી વિચારધારા ધરાવતાં રાજ્યોને અલગ કરવાની વાત પર ધ્યાન આપવું પડશે.

આપણે સોવિયેત સંઘના વિઘટન વખતે આવું જોઈ ચૂક્યા છીએ તેથી આવું કહી શકીએ. પહેલાં લૅટવિયા, લિથુઆનિયા અને એસ્ટોનિયાએ સોવિયેત સંઘમાંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ જ્યોર્જિયા, યુક્રેન અને મૉલ્દોવાએ આ જ માર્ગ અપનાવ્યો.

બની શકે કે કૅલિફોર્નિયા અલગ થયા બાદ દક્ષિણનું રાજ્ય ફ્લોરિડા પણ અલગ થવાની માગ કરે. ટેક્સાસના કેટલાક લોકો પણ આ અંગે વિચારી શકે છે. આવું થાય તો આર્થિક રીતે સંપન્ન છે એવાં ઘણાં રાજ્યો અલગ થવાનું વિચારી શકે છે.

ક્યારેય કૅલિફોર્નિયા અમેરિકાથી અલગ થયું તો સંયુક્ત રાજ્ય અમેરિકાના વિઘટનની શરૂઆત થઈ શકે છે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો