ગઢચિરૌલીમાં હુમલો : શું નોટબંધીએ નક્સલવાદની કમર તોડી નાખી?

બુધવારે મહારાષ્ટ્રના ગઢચિરૌલી ખાતે નક્સલવાદીઓએ કૂરકખેડા ક્વિક રિસ્પોન્સ ટીમને નિશાન બનાવી IED વિસ્ફોટ કર્યો હતો, જેમાં ડ્રાઇવર સહિત 16 જવાનનાં મૃત્યુ થયાં છે.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ પ્રમાણે, આ પહેલાં ગઢચિરૌલીના કૂરખેડા ખાતે માર્ગ નિર્માણ સ્થળની સાઇટને નિશાન બનાવાઈ હતી અને ત્યાં રાખવામાં આવેલાં 27 વાહનોને આગ ચાંપી દેવાઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, આ ઘટના કૂરકખેડા પાસે ઘટી હતી. મૃત્યુ પામનારા જવાનો એક ખાનગી વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

છત્તીસગઢને લગોલગ આવેલા ગઢચિરૌલીને મહારાષ્ટ્રના નક્સલવાદ પ્રભાવિત વિસ્તારમાંથી એક માનવામાં આવે છે.

'દોષિતોને છોડીશું નહીં'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર લખ્યું, "મહારાષ્ટ્રના ગઢચિરૌલી ખાતે જવાનો ઉપર થયેલા જઘન્ય હુમલાની કડક શબ્દોમાં ટીકા કરું છું. હું તમામ બહાદુર જવાનોને સલામ કરું છું. તેમનું બલિદાન ભૂલીશું નહીં. મારી સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે. આ હુમલાના દોષિતોને છોડવામાં નહીં આવે."

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે લખ્યું કે મારો વિભાગ મહારાષ્ટ્ર સરકાર સાથે સંપર્કમાં છે અને શક્ય તમામ સહાયતા આપીશું.

કોણ છે સી-60 કમાન્ડો?

1992માં નક્સલવાદીઓને ટક્કર આપવા માટે મહારાષ્ટ્ર પોલીસે વિશિષ્ટ દળની સ્થાપના કરી હતી. આ ટુકડીમાં સ્થાનિક જનજાતિના લોકોને સામેલ કરાયા હતા.

પ્રારંભમાં સ્થાનિક જાતિના 60 લોકોને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. ધીમેધીમે નક્સલવાદીઓ સામે તેમની શક્તિ વધવા લાગી અને ઑપરેશન્સમાં સફળતા પણ મળવા લાગી.

આ દળમાં સામેલ જવાનો સ્થાનિક જનજાતિના હોવાને કારણે, સ્થાનિક ભાષા-સંસ્કૃતિની જાણકારી હોવાને કારણે નક્સલવાદીઓને ટક્કર આપવામાં સફળ રહ્યાં.

ગત વર્ષે 22મી એપ્રિલે સી-60 કમાન્ડોઝને નક્સલવાદીઓ સામેના અભિયાનમાં મોટી સફળતા મળી હતી.

પાક્કી બાતમીના આધારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં 40 નક્સલવાદીનાં મૃત્યુ થયાં હતાં.

બુધવારે જ્યારે વિસ્ફોટ કરાયો ત્યારે મહારાષ્ટ્ર તેનો સ્થાપનાદિવસ ઊજવી રહ્યો છે.

ગઢચિરૌલી ખાતે તા. 11મી એપ્રિલે પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું, મહારાષ્ટ્રમાં તમામ ચાર તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે.

તા. 9મી એપ્રિલે છત્તીસગઢના દંતેવાડા ખાતે એક વિસ્ફોટમાં ભાજપના ધારાસભ્ય અને ચાર સિક્યૉરિટી ગાર્ડ્સ સહિત પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

નોટબંધીએ નક્સલવાદની કમર તોડી?

(એપ્રિલ 29, 2019 સુધીના ડેટા, સ્રોત : સાઉથ એશિયા ટૅરરિઝમ પૉર્ટલ)

નક્સલવાદી વિસ્તારમાં પત્રકારત્વનો બહોળો અનુભવ ધરાવતા બીબીસીના વરિષ્ઠ પત્રકાર સલમાન રાવીના જણાવ્યા અનુસાર જે વિસ્તારમાં હુમલો કરાયો છે તે અત્યંત દુર્ગમ છે.

રાવી જણાવે છે, "પરિસ્થિતિ એવી છે કે નક્સલવાદી વિસ્તારમાં તહેનાતી એ સુરક્ષાજવાનો માટે દુ:સ્વપ્ન બની રહે છે. ગઢચિરૌલીની ટૉપોગ્રાફી કંઈક એવી છે કે અહીંથી નક્સલવાદીઓ તેલંગણા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, યૂપીના નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં સરળતાથી જતાં રહે છે."

"વળી આ વિસ્તારો એટલા દુર્ગમ છે કે અહીંના આદિવાસીઓ યુનિફૉર્મ પહેરેલી વ્યક્તિને જ સરકારની પ્રતિનિધિ ગણી લે છે."

"નોટબંધીને કારણે નક્સલવાદીઓની કમર તૂટી ગઈ હોવાના વડા પ્રધાનના દાવાની હકીકત 2016 બાદ થયેલા નક્સલવાદી હુમલાઓ છતી કરે છે."

નોટબંધી વર્ષ 2016માં લાગુ કરાઈ હતી. મોદીના કહેવા અનુસાર નોટબંધીએ નક્સલવાદીઓની આર્થિક કમર તૂટી ગઈ છે.

જોકે, આંકડા એવુ્ં દર્શાવે છે કે નોટબંધી બાદ નક્સલવાદી હુમલાઓમાં વધારો નોંધાયો છે.

"નક્સલવાદીઓને ચીનથી હથિયાર મળે છે એ વાત પણ ખોટી છે. નક્સલવાદીઓ પાસે મોટાં ભાગનાં હથિયારો પોલીસકર્મી કે સુરક્ષાદળના જવાનો પાસેથી આંચકીને મેળવાયેલાંે છે."

"આ ઉપરાંત નક્સલવાદીઓ પાસે રહેલા વિસ્ફોટકો પણ ચિંતા જન્માવનારી બાબત છે."

"લિબરૅશન ટાઇગર્સ ઑફ ઇલમ અને શ્રીલંકન સરકારની અંતિમ લડાઈ બાદ કેટલાય તમિલ ટાઇગર્સ તામિલનાડુના રસ્તે નક્સલવાદી વિસ્તારોમાં પ્રવેશ્યા હોવાના અહેવાલો છે."

"આ તમિલ ટાઇગર્સે નક્સલવાદીઓને આઈઈડીની તાલીમ આપી હોવાનું માનવામાં આવે છે."

ગઢચિરૌલીના નક્સલવાદી હુમલામાં સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસેસિંગનો ઉપયોગ ના કરાયો હોવાનું પણ સલમાન માને છે.

તેમના જણાવ્યા અનુસાર "હુમલાનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસેસિંગના મામલે ચૂક થઈ છે."

જે કોઈ રસ્તે સુરક્ષાદળોની ટુકડી પસાર થવાની હોય એ રસ્તા પર સુરક્ષાની માટેની ખાસ તપાસ કરવાની હોય છે. ઉપરાંત સુરક્ષા માટેનાં ખાસ પગલાં લેવાના હોય છે, જેને સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસેસિંગ કહેવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો