વેનેઝુએલા : અંધારપટની વચ્ચે પાણી માટે વલખાં મારતાં લોકો

પહેલાં વીજળી નહીં અને હવે પાણીની અછત. વિશ્વના સમૃદ્ધ દેશોમાંથી એક દેશ આજે પાણી માટે વલખાં મારી રહ્યો છે.

વેનેઝુએલાના કારાકાસ અને બીજા અન્ય શહેરોમાં છેલ્લાં કેટલાક દિવસથી વીજળી નથી અને હવે સ્થાનિકોને વીજળી ન હોવાને કારણે પાણી મળી રહ્યું નથી.

ઘરે ઘરે પાણી પહોંચાડતા પંપ નકામા બની ગયા છે.

કેટલાક વિસ્તારોમાં થોડાં સમય માટે વીજળી આવી તો લોકોએ ફટાફટ બાલટીઓ પાણીથી ભરી લીધી, જ્યારે બીજી જગ્યાઓએ છેલ્લા ઘણા દિવસથી લોકોને પાણી નસીબ થયું નથી.

કારાકાસમાં લોકોને જે હાથમાં આવ્યું તે લઈને પાણી ભરવા નીકળી પડ્યા હતા.

કેટલાક લોકો ગામની બહાર પાણીની શોધમાં નીકળતા જોવા મળ્યા. રસ્તાઓ પર લોકોની લાંબી લાઇન જોવા મળી હતી.

દેશમાં વીજળી સંકટ માટે વેનેઝુએલાની સરકાર અને દેશની વિપક્ષ પાર્ટી એકબીજા પર દોષારોપણ કરી રહી છે. વિપક્ષના આંકડા અનુસાર વેનેઝુએલામાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં 24 લોકોનાં મૃત્યુ થયાં છે.

રાષ્ટ્રપતિ નિકોલસ મદુરાઓએ કોઈ પુરાવા વગર કહી દીધું છે કે આ બધું સાઇબર અટેકનું પરિણામ છે જે અમેરિકા અને અમેરિકાની ટેકનૉલૉજી દ્વારા કરવામાં આવ્યો છે.

દેશના વકીલ તારેક સાબે કહ્યું છે કે વિપક્ષ નેતા જુઆન ગુઆઇદોની આ હુમલામાં સંડોવણી અંગે તપાસ થશે.

આ તરફ જુઆન ગુઆઈદોનું કહેવું છે કે આ સમસ્યા સરકારની અવ્યવસ્થાનું પરિણામ છે.

મદુરાઓ અને ગુઆઇદો વચ્ચે છેલ્લા કેટલા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું છે જ્યારથી વિપક્ષ પાર્ટીના નેતાએ પોતાની જાતને 23 જાન્યુઆરીના રોજ દેશના વચગાણાના રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા છે.

તેમની દલીલ હતી કે નિકોલસ મદુરાઓને ગત મે મહિનામાં ફરી સત્તા મળી તે યોગ્ય ન હતું.

જુઆન ગુઆઈદોને વિશ્વના 50 દેશોનું સમર્થન છે કે જેમાં અમેરિકા અને લેટિન અમેરિકાના ઘણા લોકોનો સમાવેશ થાય છે. આ તરફ નિકોલસ મદુરાઓને ચીન અને રશિયાનું સમર્થન છે.

ચીને વેનેઝુએલાની સરકારની મદદની રજૂઆત પણ કરી છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કેંગએ કહ્યું હતું, "ચીનને આશા છે કે વેનેઝુએલાને જલદી પરિસ્થિતિ શા માટે સર્જાઈ છે તેનું કારણ મળી જાય અને ત્યાં સ્થિતિ સામાન્ય થાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો