વેનેઝુએલા : એ શોપિંગ મૉલ જે બની ગયો યાતનની પરાકાષ્ટા આપતી જેલ

    • લેેખક, કૈરાનીના વેલાન્ડિયા,
    • પદ, બીબીસી સંવાદદાતા

વેનેઝુએલાની રાજધાની કરાકસના મધ્યમાં આધુનિકતાનું પ્રતીક માનવામાં આવે તેવી ઘણી ઇમારતો દેખાઈ આવે છે. જે આસપાસની ઝૂંપડપટ્ટીની વચ્ચે અલગ તરી આવે છે.

ઍલ હૅલિકૉએડ ક્યારેક અહીંની આર્થિક સમૃદ્ધિ તથા વિકાસનું પ્રતીક માનવામાં આવતી હતી.

આજે આ ઇમારતમાં દુનિયાની સૌથી ભયાવહ જેલ છે જે લેટિન અમેરિકાની શક્તિનું કેન્દ્ર રહેલા દેશના વર્તમાન સંકટની મૂક ગવાહી આપે છે.

આ ઇમારતને 1950ના દાયકામાં બનાવવામાં આવી હતી જ્યારે વેનેઝુએલા પાસે તેલથી થતી અઢળક કમાણી હતી.

બીજા વિશ્વયુદ્ધ બાદ દેશની આર્થિક સારી હતી અને તાનાશાહ માર્કોસ પેરેઝ જિમેનેઝ વેનેઝુએલાને આધુનિકતાનું ઉદાહરણ બનાવવા માગતા હતા.

'ડાઉનવર્ડ સ્પાઇરલ ઍલ હૅલિકૉએડ્સ ડિસૅન્ટ ફ્રૉમ મૉલ ટૂ પ્રિઝન'નાં સહલેખિકા તથા યૂકેના ઍસેક્સ વિશ્વવિદ્યાલયમાં લેટિન અમેરીકન સ્ટીઝનાં નિદેશક ડૉ લીઝા બ્લૅકમોર કહે છે, "આધુનિકતાના આ સ્વપ્નમાં બહું મોટું રોકાણ કરવામાં આવ્યું હતું."

"1948માં આ દેશમાં સૈન્ય શાસન લાગું થયું અને એવી ધારણા બની ગઈ હતી કે નિર્માણની સાથે જ અમે વિકાસની રાહ પર આગ વધી શકીએ છીએ."

તમે આ વાંચ્યું કે નહીં?

આ ઇમારતને દેશના સૌથી મોટા વ્યવસાયિક કેન્દ્ર રૂપે બનાવવામાં આવી હતી.

ઇમારતમાં 300 થી વધુ દુકાનોની જગ્યા હતી અને લોકો પોતોની કાર ઉપર સુધી લાવી શકે એટલે 4 કિલોમીટરનો રૅમ્પ હતો.

આ ઇમારત એટલી મોટી છે કે કરાકસ શહેરના કોઈ પણ ખૂણામાંથી તેને જોઈ શકાય છે.

ડૉ બ્લૅકમોર કહે છે, "આ વાસ્તુકલાનો ભવ્ય નમૂનો છે. પૂરા લૅટિન અમેરિકામાં આવી કોઈ જ ઇમારત નહોતી."

ઇમારતને ગુંબજનો આકાર આપવામાં આવ્યો હતો અને આમાં અત્યાધુનિક ટેક્નૉલૉજી ધરાવતાં હોટેલ, થિયેટર અને ઑફિસોની કલ્પના કરવામાં આવી હતી.

આમાં હેલિકૉપ્ટર ઉતારવા માટે હેલિપૅડ અને વિએનામાં બનેલી ખાસ લિફ્ટ લગાવાની હતી.

જોકે, 1958માં પેરેઝ જિમેનેઝની સત્તા છીનવાઈ ગઈ અને તેમનું સપનું અધુરું રહી ગયું હતું.

ઇમારત બનવા લાગી ભયનું સામ્રાજ્ય

વર્ષો સુધી આ ઇમારત સૂમસામ પડી હતી.

આને જીવંત કરવા માટે નાની-મોટી યોજનાઓ લાવવામાં આવી પરંતુ તે પણ નિષ્ફળ રહી હતી.

1980ના દાયકામાં સરકારે નિર્ણય લીધો કે ખાલી પડેલી ઍલ હૅલિકોઍડ ઇમારતમાં સરકારી કાર્યાલય ખોલાશે.

આ કાર્યાલયમાં એક બોલિવારિયન ઇન્ટેલિજેન્સ સર્વિસ પણ હતી અને એ સેબિનના નામથી ઓળખાતી હતી.

ત્યારબાદ આ જગ્યાની ઓળખ યાતના અને ભયના પ્રતીકરૂપે થવા લાગી હતી.

આ જગ્યામાં સાધારણ કેદીઓની સાથે રાજકીય કેદીઓ પણ રાખવામાં આવતા હતા.

આપને આ પણ વાંચવું ગમશે

ઍલ હેલિકૉઍડમાં જીવન કેવું હતું એ જાણવા માટે અહી રહી ચૂકેલા અમુક પૂર્વ કેદીઓ, તેમના પરિવારજનો, તેમના કાનૂની સલાહકારો અને બિન સરકારી સંગઠનો સાથે વાત કરી હતી.

બીબીસીએ બે એવા લોકો સાથે વાત કરી જે જેલના ગાર્ડ તરીકે કામ કરી ચૂક્યા છે.

સરકાર તરફથી પગલાં લેવાય તેના ભયથી આ લોકોએ પોતાની કે પરિવારની ઓળખ જાહેર કરવા માગતા નથી.

2014માં રોસ્મિત મન્ટિલા ઍલ હેલિકૉઍડમાં લાવવામાં આવ્યા હતા.

દેશમાં થયેલા સરકાર વિરોધી પ્રદર્શનોમાં 3,000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં મન્ટિલા પણ સામેલ હતા.

આમ તો 32 વર્ષના મન્ટિલા રાજકીય કાર્યકર્તા હતા પરંતુ તેઓ એલજીબીટી અધિકારો માટે પણ આગળ પડતા હતા.

જ્યારે તેઓ કેદ હતા ત્યારે તેઓ વેનેઝુએલાની રાષ્ટ્રીય ઍસેમ્બલી માટે ચૂંટાયા હતા અને તેઓ પહેલા સમલૈંગિક નેતા હતા જે રાષ્ટ્રીય ઍસેમ્બલીમાં ચૂંટાયા હતા.

આર્થિક તથા રાજકીય સંકટ

હવે વેનેઝુએલામાં ધીરેધીરે મોંઘવારી વધવા લાગી અને ખાવા-પીવાની વસ્તુઓ તથા દવાઓનો અભાવ થવા લાગ્યો.

દેશની સાર્વજનિક સેવાઓ કથડવા લાગી અને લોકો માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું.

ઍલ હેલિકૉએડ માટે આ અવ્યવસ્થાનો સમય હતો.

બસોમાં ભરી-ભરીને કેટલાક કેદીઓ અહીં લાવવામાં આવતા.

આ કેદીઓમાં વિદ્યાર્થીઓ, રાજકીય કાર્યકર્તાઓ અને સાધારણ લોકો સામે હતા.

જેમની ધરપકડ માત્ર એટલે કરવામાં આવેલી કારણ કે ખોટા સમયે ખોટી જગ્યાએ પકડાયા હતા.

મન્ટિલા પર આરોપ છે કે તેઓ સરકાર વિરોધ પ્રદર્શનો માટે ભંડોળ ભેગું કરતા હતા.

તેઓ આ આક્ષેપને ખોટો ગણાવે છે. તેઓ કહે છે, "તે એવા કેદીઓમાંથી એક હતા, જેમનું ત્યાં હોવું જરૂરી નહોતું."

લોકો સત્તાથી ડરવા લાગ્યા

જેલના પૂર્વ ગાર્ડ મૅન્યુઅલે બીબીસીને કહ્યું, "વધારે લોકોને પકડીને તેઓ લોકોના મનમાં ભય બેસાડવા માંગતા હતા."

"મને લાગે છે કે તેઓ તેમાં અમુક હદ સુધી સફળ પણ થયા હતા. કારણ કે આજકાલ વેનેઝુએલાના લોકો સરકાર વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લેતાં ડરે છે."

ઍલ હેલિરૉએડમાં આવનાર કેદીઓને સુનાવણી માટે ઘણાં અઠવાડિયાં, મહિનાઓ રાહ જોવી પડતી હતી.

મૅન્યુઅલ કહે છે, "સેબિન એક એવી એજન્સી છે જેનું મિશન જાણકારી એકઠી કરવાનું હતું."

"જોકે, અમુક સમય એવો હતો કે જ્યારે તેની ભૂમિકા બદલાઈ ગઈ હતી."

"તેમની ભૂમિકા સત્તા ને બચાવવી કે તમે કહી શકો કે તાનાશાહીને બચાવવાની હતી."

અઢી વર્ષ સુધી જેલમાં રહેલા મન્ટિલા કહે છે કે તેઓ હંમેશાં ભયમાં રહેતા હતા.

જોકે, તેઓ જણાવે છે કે તેમની ઇચ્છા હતી કે તેઓ ઍલ હેલિકૉએડમાં રહેતા કેદીઓને આપવામાં આવતી યાતનાઓ વિશે લખે.

જેલના ઓરડામાં સુવાની જગ્યા પણ ન હતી

મન્ટિલા યાદ કરે છે કે વર્ષ 2014માં જ્યારે તેઓ ઍલ હેલિકૉએડ પહોંચ્યા હતા તો અહીં માત્ર 50 કેદીઓ હતા પણ 2 વર્ષની અંદર ત્યાં કેદીઓની સંખ્યા વધીને 300 થઈ ગઈ હતી.

તેઓ કહે છે, "જેમ-જેમ કેદીઓની સંખ્યા વધતી ગઈ જેલના ગાર્ડ્સે કેદીઓને રાખવા માટે વ્યવસ્થા કરવી પડતી હતી.

"ઇમારતમાં કાર્યાલય, સીઢીઓ, ટૉઇલેટ અને ખાલી પડેલી જગ્યાને ઘેરીને જેલની સેલમાં બદલવામાં આવી હતી."

જેલના કેદીઓ દ્વારા આ ઓરડાઓને ફિશ ટૅંક, લિટલ ટાઇગર તથા લિટલ હૉલ જેવાં નામ પણ આપવામાં આવ્યાં હતાં. પણ આમા સૌથી ખરાબ ઓરડો હતો તો એ હતો ગ્વાંતાનામો.

ઍલ હેલિકૉએડમાં જેલના ગાર્ડ તરીકે કામ કરી ચૂકેલા વિક્ટર કહે છે, ''પહેલાં આ ઓરડો સાક્ષીઓને રાખવા માટે વપરાતો."

"આ 12 મીટરના ઓરડામાં 50 કેદીઓને રાખવામાં આવતા હતા. આ ગરમ ઓરડો હતો જેમાં મુશ્કેલીથી હવા પસાર થતી હતી."

મન્ટિલા કહે છે, ''એમાં ન પ્રકાશ હતો, ન ટૉઇલેટ, ન સાફ-સફાઈ કે પછી ન સૂવાની કોઈ વ્યવસ્થા હતી."

"ઓરડાની દીવાલો પર લોહી અને માણસનું મળ ફેલાયેલું હતું.''

તેમણે બીબીસીને કહ્યું કે અહીં કેદીઓને મહિનાઓ સુધી ન્હાયા વગર રહેવું પડતું હતું.

તેઓ કહે છે, "તેમને પ્લાસ્ટિકની બૉટલોમાં પેશાબ કરવો પડતો અને પ્લાસ્ટિકની નાની બૅગમાં મળત્યાગ કરવો પડતો. આ નાની બૅગને તેઓ 'લિટલ શિપ' કહેતા હતા."

'મારા માથા પર બંદૂક રાખી અને..'

ઍલ હેલિકૉએડમાં જવા સાથે માત્ર ભય જ ન હતો પરંતુ જેલમાં રહી ચૂકેલા કાર્લોસ કહે છે, "તેમણે મારા ચહેરાને એક બૅગથી ઢાંકી દીધો."

"મને બહુ મારવામાં આવ્યો અને મારા માથાના અમુક ભાગમાં, ગુપ્તાંગ અને પેટમાં વિજળીના ઝાટકા આપવામાં આવ્યા હતા."

"ત્યારે મેં શરમ, અપમાન અને આક્રોષનો અનુભવ કર્યો હતો. મને થયું કે હું નપુંસક થઈ જઈશ."

જેલમાં કેદી તરીકે સમય વિતાવી ચૂકેલા લુઈએ જણાવ્યું, "તેણે મારું માથું ઢાંક્યુ પછી મેં સેબિનના એક અધિકારીને કહેતા સાંભળ્યો હતો કે બંદૂક લાવો, અમે તને મારવાના છીએ."

"તેઓ હસતા હતા અને કહી રહ્યા હતા કે એક જ ગોળી છે, જોઈએ કે તારું ભાગ્ય કેટલો સાથ આપે છે."

"હું અનુભવી શકતો હતો કે મારા મારા માથે બંદૂક તાણી રાખી હતી અને પછી મને ટ્રિગર ખેંચવાનો અવાજ આવ્યો. મારી સાથે આવું ઘણી વાર થયું."

મન્ટિલા કહે છે કે તેમણે અન્ય કેદીઓ સાથે વાત કરીને જાણ્યું કે તમામ કેદીઓને લગભગ યાતના આપવાની એક જ પ્રકારની રીત હતી.

તેઓ કહે છે, "એક વિદ્યાર્થીનું મોઢું તેમણે પ્લાસ્ટિકની એ બૅગથી ઢાંકી દીધું હતું જેમાં મળ ભરેલું હતું, તે વિદ્યાર્થી શ્વાસ નહોતો લઈ શકતો."

"મેં એવું પણ સાંભળ્યું કે ખરબચડી વસ્તુઓ ગુપ્તાંગમાં નાખીને લોકો સાથે યૌન હિંસા પણ કરવામાં આવી હતી."

"ઘણા લોકોને વીજળીના ઝટકા આપવામાં આવ્યા અને ઘણાની આંખો પર ત્યાં સુધી પાટા બાંધીને રાખવામાં આવ્યા જ્યાં સુધી તેઓ બેભાન ન થઈ ગયા."

હાથ બાંધીને છત પર લટાકાવાતા

જેલના બન્ને પૂર્વ ગાર્ડે કેદીઓને યાતના આપવામાં સામેલ હોવાથી ઇનકાર કર્યો પણ કહ્યું કે તેમણે આ બધું આંખે જોયું છે.

વિક્ટર કહે છે, "મેં જોયું કે લોકોને માર મારવામાં આવ્યો, તેમના હાથ બાંધીને તેમને છત પર લટકાવવામાં આવ્યા."

મૅન્યુઅલ કહે છે, "તેઓ એક બૅટરીનો ઉપયોગ કરતા હતા જેમાં બે તાર જોડાયેલા હતા."

"જેને તે કેદીઓના શરીર સાથે બાંધી દેતા હતા અને તેમને વીજળીના ઝટકા આપતા હતા."

તેઓ કહે છે, "અહીં રોજ યાતના આપવામાં આવતી, એ સાધારણ વાત હતી."

આમાંથી અમુક બાબતનું આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને દસ્તાવેજીકરણ કર્યું છે.

ફેબ્રુઆરી 2018માં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે આ મામલામાં માનવાધિકારોના ઉલ્લંઘન અને અપરાધની પ્રારંભિક તપાસ શરૂ કરી છે.

વેનેઝુએલાની સરકારે આ તપાસમાં પૂર્ણ સહયોગ કરવાની બાંહેધરી આપી હતી.

એ વીડિયો જેણે કેદીને છોડાવ્યા

ઍલ હેલિકૉએડ જેલમાં અઢી વર્ષ વિતાવ્યા બાદ ઑક્ટોબર 2016માં મન્ટિલા ગંભીર રીતે બીમાર પડી ગયા.

જેલ અધિકારીઓએ સર્જરી માટે તેને બીજી જેલમાં સ્થળાંતરીત કર્યા હતા.

એક જજે આ પ્રક્રિયાને મંજૂરી આપી હતી પણ આખરી સમયે સેબિન અધિકારીઓ આ બાબતમાં દખલ કરી.

મન્ટિલાને ઘસડીને હૉસ્પિટલથી લાવવામાં આવ્યા અને જેલના એક ઓરડામાં ફેંકી દેવામાં આવ્યા હતા.

મન્ટિલા કહે છે, "મારી હાલત એવી હતી જાણે હું બહુ જીવી નહીં શકું. મને એક ઓરડામાં એકલો બંધ કરીને રાખ્યો હતો."

"મને કહ્યું હતું કે મને ક્યારેય આઝાદ કરવામાં નહીં આવે. આ એવું લાગતું હતું કે મને મોતની સજા આપવામાં આવી હતી."

મન્ટિલાને જબરદસ્તી સેબિનની ગાડીમાં બેસાડવાનો પ્રયાસ અને તે દરમ્યાન તેમની બૂમો પાડવાનો વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયો હતો.

ત્યારબાદ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને તેમને છુટા કરવાની માંગ શરૂ કરી દીધી.

દસ દિવસ બાદ અધિકારીઓ પર દબાણ ની અસર દેખાઈ અને તેમને એક સૈન્ય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ તેમને બીજી હૉસ્પિટલમાં લઈ જઈને ઑપરેશન કરવામાં આવ્યું.

અધિકારિક રીતે મન્ટિલાને નવેમ્બર 2016માં જેલમાંથી છોડવામાં આવ્યા અને થોડા દિવસોની અંદર કૉંગ્રેસ સદસ્ય તરીકે તેમણે શપથ લીધા.

ત્યારબાદ આ કુખ્યાત જેલમાં તેમણે જે જોયું અને અનુભવ્યું તેના વિશે તેઓ સાક્ષી તરીકે પેશ થવા લાગ્યા.

તેઓ કહે છે, "માનવતા વિરુદ્ધ થયેલા અપરાધની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી."

મન્ટિલા કહે છે, જેલમાંથી છૂટ્યા બાદ તેમને ક્યારેય સુરક્ષિત નથી લાગ્યું.

જુલાઈ 2017માં આખરે તેમણે વેનેઝુએલા છોડીને ફ્રાંસમાં રહેવાનું નક્કી કર્યું. મે 2018માં તેમને શરણાર્થી તરીકે માન્યતા મળી.

ઍલ હેલિકૉએડમાં મળેલી યાતનાઓનો પડછાયો હજુ તેમના જીવનનો ભાગ છે.

તેઓ કહે છે, "હું ક્યારેય પહેલાં જેવો નહીં થઈ શકું કારણ કે ઍલ હેલિકૉએડ અઢી વર્ષ માટે મારું ઘર હતું એ મારા જીવનનું સત્ય છે જેને હું લાખ ઇચ્છા છતાં નકારી ન શકું."

મૅન્યુઅલ અને વિક્ટર બન્ને વિદેશમાં જીવન પસાર કરી રહ્યા છે.

2018 મે મહિનામાં આ જેલની પરિસ્થિતિને લઈને વિરોધ શરૂ થયો અને ત્યારબાદ અમુક કેદીઓને છોડવામાં આવ્યા.

એ સિવાય પરિસ્થિતિમાં સુધાર કરવાની વાત કરવામાં આવી.

જેલની અંદર ઘણા લોકો પ્રમાણે ઍલ હેલકૉએડમાં કેદીઓની પરિસ્થિતિ સુધારવા માટે વિશેષ પગલાં લેવામાં આવ્યાં નથી.

બીબીસીએ ઘણી વાર વેનેઝુએલાના અધિકારીઓ સાથે સંપર્ક કર્યો છે અને તેમની પ્રતિક્રિયા લેવાના પ્રયાસ કર્યા.

બીબીસીએ કરાકસમાં સૂચના મંત્રાલય અને બ્રિટેનમાં વેનેઝુએલા સરકારના પ્રતિનિધિઓ સાથે સંપર્ક કર્યો પણ આ સંબંધમાં તેમનો કોઈ જવાબ મળ્યો નથી.

નિર્માતા/ ચિત્રકાર : ચાર્લી ન્યૂલૅન્ડ

આ રિપોર્ટમાં જેલની અંદરનાં જે દૃશ્યો આપવામાં આવ્યાં છે, આ જાણકારી જૂની જાણકારી અને બીબીસીને મળેલી જેલની અંદરની તસવીરોના આધારે બનાવવામાં આવ્યાં છે.

જે લોકોનાં ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યાં છે તેમની ઓળખને ખાનગી રાખવા માટે અમુક વિવરણ બદલવામાં આવ્યું છે. જેમનાં ઇન્ટરવ્યૂ કર્યાં છે તેઓ જેલમાંથી બહાર આવી ગયા છે અને વેનેઝુએલામાંથી બહાર છે.

સ્રોત: ઑર્ગેનાઝેશન ઑફ અમેરિકન સ્ટેસ્ટ( ઑએએસ). હ્યૂમન રાઇટ્સ વૉચ, ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ, ઇન્ટર અમેરિકન કમિશન ઑન હ્યૂમન રાઇટ્સ, આઈઍમઍફ, સંયુક્ત રાષ્ટ્ર, ફૉરે પેનલ, જસ્ટિકા વાઈ પ્રોસેસો, ઉન્ના વેન્ટાના અ લા લબેટાર્ડ

ઍલ હેલિકૉએડ, પૂર્વ કૅદિયો, તેમના પરિવારના સદસ્યો, વકીલ તથા માનવાધિકાર કાર્યકર્તાઓ વિશે જાણકારી આપવા માટે સેલેસ્ટે ઑલાક્વીગાનો વિશેષ આભાર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો