You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉજ્જવળ ભાવિની આશાએ લાખો છોડી રહ્યાં છે વેનેઝુએલા
વેનેઝુએલામાં લાખોની સંખ્યામાં લોકો દેશ છોડીને જઈ રહ્યાં છે. ત્યાં મોંઘવારી અમુક ટકા નહીં, પરંતુ હજારો ગણી વધી ગઈ છે. દેશની અર્થવ્યવસ્થા ડૂબવાના આરે છે અને લોકો પાસે ખાવા માટે પણ કંઈ જ નથી.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માડુરોએ આ પરિસ્થિતિને પહોંચી વળવા પગલાં ભર્યાં છે, પરંતુ તેનાથી ખાસ કોઈ ફાયદો થયો નથી.
મહામંદીના સમયથી પસાર થઈ રહેલી વેનેઝુએલાની અર્થવ્યવસ્થા અને ભયાનક પરિસ્થિતિનાં નિર્માણ પાછળ ઘણાં લોકો રાષ્ટ્રપતિ નિકોલસ માડુરો અને તેમની સરકારને જવાબદાર ગણાવે છે.
પરંતુ દેશમાં આવી પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું અને મંદીમાંથી નીકળવાના પ્રયાસો બાદ પણ તેમાં સુધારો કેમ ન આવ્યો એ સવાલ થવો સ્વાભાવિક છે.
વિપક્ષનાં નિયંત્રણવાળી વેનેઝુએલાની રાષ્ટ્રીય ઍસેમ્બ્લીના કહેવા અનુસાર, સરેરાશ 26 દિવસ બાદ કિંમતો બેગણી થઈ રહી છે. જુલાઈ માસમાં મોંઘવારીનો દર 83,000 ટકા સુધી પહોંચી ગયો હતો.
આ કારણે વેનેઝુએલાના લોકો માટે ખાવા-પીવાનો સામાન અને મૂળભૂત જરૂરી વસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની ગઈ છે.
25 લાખ બોલિવરની એક કપ કૉફી
મોંઘવારીના સ્તરને એ રીતે સમજી શકાય કે એક કપ કૉફીની કિંમત 25 લાખ બોલિવર સુધી પહોંચી ગઈ છે. કોઈ સામાન માટે લોકો રોકડમાં પૈસા પણ નથી ચૂકવી શકતા.
આ પરિસ્થિતિમાં લોકો ખરીદી માટે થેલો ભરીને પૈસા લઈ જવાની જગ્યાએ ઇલેક્ટ્રૉનિક ટ્રાન્સફરનો ઉપયોગ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીના દક્ષિણ અમેરિકાના સંવાદદાતાએ કરાકસ ખાતે નોંધ્યું કે, લોકો વેઇટરને પ્રથમ બૅન્ક ડિટેઇલ બતાવે છે, જેથી કરીને વેઇટરને વિશ્વાસ બેસે કે ગ્રાહક ઇલેક્ટ્રૉનિક ટ્રાન્સફર કરશે.
તમે આ વાંચ્યું કે નહીં?
શા માટે મોંઘવારી વધી?
લોકો ઉપલબ્ધ સામાનની તુલનામાં વધારે સામાન ખરીદી કરવા માગે છે, તે મોંઘવારીનું સૈદ્ધાંતિક કારણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
વેનેઝુએલામાં મોટી સંખ્યામાં તેલના ભંડાર છે, પરંતુ આ તાકત જ તેની આર્થિક સમસ્યાનું કારણ બની ગયું છે.
વેનેઝુએલાની અર્થવ્યવસ્થા ઘણાં ખરાં અંશે તેલ પર ટકેલી છે. તેલથી મળતાં નાણાં તેની નિકાસના 95 ટકા છે.
તેલનું પ્રચુર માત્રામાં ઉત્પાદન અને નિકાસથી તેમની પાસે મોટી માત્રામાં ડૉલર આવી રહ્યા છે, જેનાથી તેઓ વિદેશોમાંથી પોતાના નાગરિકો માટે જરૂરી સામાન ખરીદે છે.
વર્ષ 2014માં તેલની કિંમતો ઘટી અને ત્યારબાદ વેનેઝુએલાના વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઘટાડો નોંધાયો, આ સાથે જ વેનેઝુએલાની સમસ્યા વધવાની શરૂ થઈ.
દેશમાં વિદેશી મુદ્રા આવવાથી પેહલાંની જેમ વિદેશથી સામાન આયાત કરવાનું મુશ્કેલ બન્યું, પરંતુ લોકોની માગ અને જરૂરિયાત તો પહેલાં જેમ જ યથાવત્ રહી.
હવે માંગ અને આપૂર્તિનું અંતર એટલું વધી ગયું કે મોંઘવારી તેની ટોચ પર પહોંચી ગઈ.
આ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે વધુ માત્રામાં નાણું છાપ્યું, જેને કારણે પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે.
લોકોના હાથમાં એ નાણું આવ્યું જે પોતાનું મૂલ્ય ખોઈ રહ્યું હતું.
શું કરી રહી છે સરકાર?
નિકોલસ માડુરોની સરકારે બોલિવારનું નામ બદલીને 'સૉવરેન બોલિવાર' કર્યું હતું. આ સાથે જ તેનું 95 ટકા અવમૂલ્યન પણ કર્યું હતું.
સરકારે 2, 5, 10, 20, 50, 100, 200 અને 500ની નોટ સાથે બે નવા સિક્કાઓ પણ બહાર પાડ્યા.
કથળતી આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે અમુક ઉપાયો શોધ્યા છે, જેને 'ઇકોનોમિક પેકેજ' તરીકે ઓળખવામાં આવે છે. નવાં ચલણની જાહેરાત પણ આનો જ ભાગ છે.
સરકારે અપનાવેલા અમુક ઉપાયો નીચે મુજબ છે:
- એક સપ્ટેમ્બરથી દૈનિક મજૂરી 34 ગણી વધારી દેવામાં આવી છે.
- સૉવેરન બોલિવારને વર્ચ્યુઅલ કરન્સી પેટ્રોલથી સહારો આપવો. સરકારનું કહેવું છે કે આ કરન્સી વેનેઝુએલાના તેલ ભંડારો સાથે જોડાયેલી છે.
- વેટ ચાર થી વધારીને 16 ટકા કરી દેવામાં આવ્યો.
લોકો પર અસર
હાલમાં લોકો વેનેઝુએલા છોડીને જઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2014થી અત્યારસુધીમાં 23 લાખ લોકો દેશ છોડી ચૂક્યાં છે.
લોકો અહીંથી પાડોશી દેશ કોલમ્બિયા જઈ રહ્યા છે. અમુક લોકો ત્યાંથી આગળ ઇક્વોડોર, પેરુ, ચિલિ અને બ્રાઝિલમાં શરણ લઈ રહ્યાં છે.
નવી મુદ્રાને કારણે રોકડ વ્યવહારમાં થોડો લાભ થયો છે, પરંતુ તેનાથી મુશ્કેલી પણ ઊભી થઈ છે.
અમુક અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે જો મહામોંઘવારીને નાબૂદ કરવામાં ન આવી, તો પરિસ્થિતિ જૂની મુદ્રા જેવી જ થઈ જશે. મતલબ કે જૂના ચલણમાં સર્જાયેલી પરિસ્થિતિ જેવી થઈ જશે.
દેશની કંપનીઓની સમસ્યા એ છે કે તેમના માટે 34 ગણી દૈનિક મજૂરી આપવી મુશ્કેલ છે.
આ સાથે જ બજારમાં સામાન નથી. અમુક શહેરમાં પાણી અને વીજળીની સમસ્યાઓ ઊભી થઈ છે.
પાણી અને વીજળીની અસર હૉસ્પિટલોમાં વર્તાઈ રહી છે. દેશ છોડનાર અમુક લોકોનું કહેવું છે કે વેનેઝુએલામાં સારવાર અને ઑપરેશન નથી કરાવી શકતા.
ગર્ભવતી મહિલાઓ ડિલિવરી માટે કોલમ્બિયા જઈ રહી છે. એક વર્ગ એવો છે જે રાષ્ટ્રપતિ માડુરો અને પૂર્વ નેતાઓને આ પરિસ્થિતિ માટે જવાબદાર ગણે છે.
બીજી તરફ માડુરોના સમર્થકોનું કહેવું છે કે, આ પરિસ્થિતિ પાછળ સત્તા પલટાવવાના પ્રયાસો કરનાર વિપક્ષ, અમેરિકાના પ્રતિબંધો અને કોલમ્બિયા પણ જવાબદાર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો