You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માઇકલ કોહેન : ડોનાલ્ડ ટ્રમ્પે પોર્નસ્ટારને ચૂપ રાખવા નાણાં આપવાનું કહેલું
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ વકીલ માઇકલ કોહેને મેનહટન કોર્ટમાં એવી કબૂલાત કરી હતી કે તેમણે ચૂંટણી સંબંધી નાણાકીય નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
માઇકલ કોહેને એવી દલીલ કરી હતી કે તેમણે 'ઉમેદવાર'ના કહેવાથી એવું કર્યું હતું અને તેનો હેતુ 'ચૂંટણીને પ્રભાવિત કરવાનો' હતો.
એક મહિલાને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેમના કથિત સંબંધ વિશે ચૂપ રહેવા માટે નાણાં આપવામાં આવ્યાની ઘટના સાથે માઇકલ કોહેનનું આ નિવેદન જોડાયેલું છે.
માઇકલ કોહેને આઠ ગડબડની કબૂલાત કરી છે, જેમાં ટેક્સ તથા બૅન્ક ફ્રોડના મામલાઓનો પણ સમાવેશ થાય છે.
પશ્ચિમ વર્જિનિયામાં મંગળવારે યોજાયેલી એક રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પે માઇકલ કોહેન સંબંધી સવાલોને નજરઅંદાજ કર્યા હતા. વ્હાઇટ હાઉસે પણ આ મામલે પ્રતિભાવ આપવાનો ઇન્કાર કર્યો છે.
કોર્ટમાં શું થયું?
માઇકલ કોહેને કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને 'એક ઉમેદવારે' ચૂંટણી સંબંધી કાયદાઓને નજરઅંદાજ કરવા કહ્યું હતું.
એ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ હોવાનું માનવામાં આવે છે.
આ કેસમાં કસૂરવાર પુરવાર થશે તો 51 વર્ષના માઇકલ કોહેનને 65 વર્ષ સુધીના કારાવાસની સજા થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ન્યાયમૂર્તિ વિલિયમ પાઉલેના જણાવ્યા મુજબ, માઇકલ કોહેનને મહત્તમ પાંચ વર્ષ અને ત્રણ મહિનાની સજા થઈ શકે છે.
માઇકલ કોહેનને પાંચ વખત ટેક્સચોરી, આર્થિક સંસ્થાઓ સમક્ષ એકવાર ખોટું બોલવાના, કોર્પોરેટ કંપનીને જાણીજોઈને ખોટી રીતે ફંડિંગ આપવાના અને ઉમેદવારના કહેવાથી એક વખત ખોટી રીતે ઝુંબેશ ચલાવવા બદલ દોષી ઠરાવવામાં આવ્યા છે.
માઇકલ કોહેનને સજાની જાહેરાત અદાલત 12 ડિસેમ્બરે કરશે. હાલ દંડ ભર્યા પછી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
માઇકલ કોહેનને તેમના કબૂલાતનામા સંબંધે અદાલતે સવાલ કર્યો હતો કે તમે શરાબ પીને કે ડ્રગ્ઝની અસર હેઠળ ગુનાની કબૂલાત કરી છે કે કેમ?
આ સવાલના જવાબમાં માઇકલ કોહેને ન્યાયમૂર્તિને જણાવ્યું હતું કે તેમણે ગઈ રાતે ભોજન કરતી વખતે માત્ર એક ગ્લાસ સિંગલ મોલ્ટ સ્કોચ પીધો હતો.
સરકારી વકીલે શું કહ્યું?
ફરિયાદ પક્ષના વકીલે રિપોર્ટરો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે માઇકલ કોહેન એક પ્રશિક્ષિત વકીલ હોવાથી તેમણે આચરેલા ગુનાઓ ગંભીર છે.
ન્યૂ યૉર્કના દક્ષિણ જિલ્લાના સરકારી વકીલ રોબર્ટ ખુજામીએ કહ્યું હતું, "માઇકલ કોહેને જે કર્યું હતું એ એકદમ ખોટું છે. તેમણે વકીલાતના વ્યવસાયનું અપમાન કર્યું છે.
"તેઓ ખુદને કાયદાથી પર માને છે અને એ બદલ તેમણે તેની કિંમત ચૂકવવી પડશે."
માઇકલ કોહેને નકલી બિલ રજૂ કર્યાં હોવાનું પણ રોબર્ટ ખુજામીએ જણાવ્યું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
મૂળ ઘટના શું હતી?
પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે દાવો કર્યો હતો કે તેમને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખાસ સંબંધ હતો.
સ્ટોર્મી ડેનિયલ્સનું અસલી નામ સ્ટેફની ક્લિફોર્ડ છે, જે વ્યવસાયે એક પોર્ન એક્ટર છે.
વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને 2016ની અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પહેલાં સ્ટોર્મી ડેનિયલ્સ સાથે 1.30 લાખ ડૉલરમાં સોદો કર્યો હતો.
એ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્ટોર્મી ડેનિયલ્સ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેમના સંબંધની વાત ક્યારેય જાહેર નહીં કરે તેનો સોદો થયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો