કેવી રહેશે ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત?

    • લેેખક, કેરી ગ્રેસી
    • પદ, સંપાદક, બીબીસી ચીન

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ એવા વ્યક્તિ છે જેઓ સમયાંતરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સંઘર્ષમાં ઉતરતા રહે છે.

અરબપતિ ટ્રમ્પને લાગે છે કે પક્ષની સરખામણીએ તેમનું વર્ચસ્વ વધુ છે અને તેમની સામે રાષ્ટ્રીય યોજનાઓ પણ વામણી છે.

ટ્રમ્પનું આ વ્યક્તિત્વ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના કડક અનુશાસન સામે બહુ કારગત સાબિત ન થયું અને બાદમાં તેઓ પ્રશંસા કરવા લાગ્યા.

દુનિયાની બે મહાસત્તાઓના નેતાઓ આ રસપ્રદ વિરોધાભાસ વચ્ચે બેઈજિંગમાં મુલાકાત કરવા જઈ રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ સભ્યો જ વ્હાઈટ હાઉસને 'એડલ્ટ ડે સેન્ટર' (અશક્ત વૃદ્ધોની જ્યાં દિવસના સમય દરમિયાન સારસંભાળ રાખવામાં આવતી હોય તેવી જગ્યા)ની ઉપમા આપી ચૂક્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

જ્યારે જિનપિંગની પાર્ટીના પ્રતિનિધિઓ તેમના નેતાને મહાન, બુદ્ધિશાળી અને 'સમાજવાદના મસીહા' તરીકે ઓળખાવે છે.

ટ્રમ્પ તેમના સાથીદાર અમેરિકન ધનાઢ્ય લોકો પર પણ નિર્ભર નથી રહી શકતા.

અમેરિકામાં રહેતા અને ટૅક્નોલૉજીની દુનિયાના બેતાજ બાદશાહ ગણાતી વ્યક્તિઓ ટ્રમ્પ સાથે એશિયાના પ્રવાસે નથી.

ફેસબુકના માર્ક ઝકરબર્ગ, એપ્પલના ટીમ કુક અને માઈક્રૉસૉફ્ટના સત્ય નાડેલા ગત અઠવાડિયે બેઇજિંગમાં શી જિનપિંગના ખભા સાથે ખભા મેળવી ઊભા હોય તેવી રીતે દેખાયા હતા.

એક વ્યક્તિ તરીકે પણ બન્ને નેતાઓ વચ્ચે ખૂબ અસમાનતા છે. ટ્રમ્પ ઘણીવાર કહી ચૂક્યા છે કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સન્માન કરે છે.

તેઓ જિનપિંગની અસાધારણ પ્રગતિના પણ તેઓ પ્રશંસક છે. ટ્રમ્પ જિનપિંગને એક શક્તિશાળી અને સારા મિત્ર કહે છે.

પૂર્વ મુખ્ય રણનીતિકાર સ્ટીફન બૈનનનું કહેવું છે કે દુનિયામાં એવા કોઈ નેતા નથી જેમનાં વખાણ ટ્રમ્પે જિનપિંગની જેમ કર્યા હોય, પરંતુ જિનપિંગે જાહેરમાં ટ્રમ્પને મિત્ર સિવાય ક્યારેય મહાન કે સક્ષમ નથી કહ્યા.

જિનપિંગનો દાવો છે કે તેમણે વૉલ્ટ વિટમૈનથી લઈને માર્ક ટ્વેઈન અને અર્નેસ્ટ હેમિંગ્વે સહિતના ઘણાં લોકોને વાંચ્યા છે, પરંતુ તેમની યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાંય નથી.

રિયલ એસ્ટેટના વ્યવસાયી ટ્રમ્પે 'આર્ટ ઑફ ધ ડીલ' નામનું એક પુસ્તક લખ્યું છે

શક્ય છે કે ટ્રમ્પનું આ પુસ્તક અમેરિકામાં બેસ્ટસેલર રહ્યું હોય પરંતુ સુન ઝી નામના ચીનના પ્રચીન સૈન્ય વ્યૂહરચનાકારે લખેલો 'આર્ટ ઑફ વૉર' ગ્રંથ જિનપિંગ માટે વધુ મહત્વનો છે. આ જિનપિંગની શાસનકળા છે.

ટ્રમ્પ તેમના પુસ્તકમાં કહે છે, "જો તમારી પાસે ખૂબ માળખાઓ હોય તો તમે કલ્પનાશીલ કે ઉદ્યમી નથી થઈ શકતા. હું દરરોજ કામને પ્રાથમિકતા આપું છું અને તેનું મૂલ્યાંકન કરું છું."

પરંતુ પ્રાચીન સૈન્ય ગ્રંથ ચીનના તમામ રણનીતિકારો માટે ખૂબ મહત્વનો છે.

તેમાં કહેવામાં આવ્યું છે, "શત્રુઓને જાણશો અને ઓળખશો તો તમારો વિજય ક્યારેય સંકટમાં નહીં આવે. જમીની વાસ્તવિકતા સમજો, આસપાસનું વાતાવરણ સમજો અને તેના બાદ તમારો વિજય સંપૂર્ણપણે નિશ્ચિત છે."

જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચેનો વિરોધાભાસ તેમના અત્યાર સુધીના જીવનનો છે. જિનપિંગ એક સામ્યવાદી ક્રાંતિકારીના પુત્ર છે.

સત્તાની ટોંચ પર પહોંચનારા જિનપિંગે એક ખેડૂત તરીકે સાત વર્ષ સુધી ગુફામાં જીવન વીતાવ્યું છે.

8.9 કાર્યકર્તાઓ સાથે સત્તા મેળવનારી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં કઠોર અનુશાસન અને વ્યૂહાત્મક ધીરજ ખૂબ જરૂરી છે. બીજી તરફ ટ્રમ્પના આચરણમાં આ ગુણોનો ક્યારેક જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જગજાહેર છે કે બન્ને નેતાઓની શૈલીમાં પણ ખૂબ અંતર છે. જિનપિંગ ભાગ્યે જ કોઈ વાક્યની શરૂઆત 'હું'થી કરે છે.

તેમના નેતૃત્વ માટે રાષ્ટ્રધ્વજની મર્યાદા વધુ મહત્વની છે. ચીનના કાયાકલ્પ કરવાના સપનાંને લઈને તેઓ સંપૂર્ણપણે દૃઢનિશ્ચયી દેખાય છે.

ચીનના રાષ્ટ્રપતિના વર્તનમાં ગંભીરતા અને સંતુલનનું મિશ્રણ હંમેશા રહે છે. શી જિનપિંગના વ્યક્તિત્વ વિશે ચીનના લોકોના મનમાં આકર્ષણ છે.

ચીનની શાળાઓ, યુનિવર્સિટીઓ, કંપનીઓ અને સરકારી કચેરીઓમાં શી જિનપિંગના વિચારોનું શિક્ષણ આપવામાં આવશે.

તેમની તુલનામાં ટ્રમ્પમાં આત્મમુગ્ધતા છે. તેમના વ્યક્તિત્વ વિશે લોકો કરતા તેમના પોતાના મનમાં વધુ આકર્ષણ છે. ટ્રમ્પની શરૂઆત જ 'હું' થી થાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

ટ્રમ્પ જ્યારે એશિયાના પ્રવાસ પર છે ત્યારે અમેરિકામાં ઘણી રાજનીતિક હલચલ છે. ચીનના સરકારી મીડિયાએ આ ઘટનાઓને 'સંકટ' અને 'ઉથલપાથલ' તરીકે ઓળખાવી છે.

મેળ વગરની જોડી

એક ધનકુબેર અને બીજા સામ્યવાદી વચ્ચે આ તમામ વિરોધાભાસો ઉપરાંત સમાનતાઓ પણ છે.

બન્નેના હાથમાં શક્તિશાળી રાષ્ટ્રોની કમાન છે અને બન્નેને પોતાની જાત પર ભરોસો છે. બન્ને પોતાને પોતપોતાના દેશના મસીહા સમજે છે.

બન્નેને લાગે છે કે તેમનો દેશ દુનિયામાં મહત્વનો છે. શી જિનપિંગ ચીનની મોટા પાયે કાયાપલટ કરવાની વાત કરી રહ્યા છે તો સત્તામાં આવ્યા પહેલાંથી જ ટ્રમ્પ અમેરિકાને ફરીથી મહાન બનાવવાની વાત કરી રહ્યા હતા.

બન્ને નેતાઓના વાયદાઓ એક જેવા છે. દેશને ફરી સુવર્ણકાળમાં લઈ જવો અને તાકાતની બાબતમાં શ્રેષ્ઠ બનાવવો. તેની સાથે જ બહારનું કોઈ હિત નહીં અને પોતાના માર્ગ પર ચાલવું એ પણ તેમનો સંકલ્પ છે.

આ જ અઠવાડિયા ટ્રમ્પ અને જિનપિંગ વૈશ્વિક મંચ પર ભેગા થવાના છે.

ટ્રમ્પની આ મુલાકાતની ચીન રાજકીય મુલાકાતથી પણ વિશેષ રીતે જોઈ રહ્યું છે. ચીને આ મુલાકાતને 'સ્ટેટ વિઝિટ પ્લસ'નું નામ આપ્યું છે.

એક મોટો સવાલ એ છે કે બન્ને દેશો પોતાનો માર્ગ સાથે મળીને તૈયાર કરશે કે પછી બન્નેમાંથી એક દેશે તેની કિંમત ચૂકવવી પડશે.

જાહેર છે કે આ સવાલ માત્ર આ અઠવાડિયાનો નથી પરંતુ લાંબા સમય સુધી રહેશે. વર્ષ 2017નું ચીન ખૂબ શક્તિશાળી છે.

2001 કે 2009ની સરખામણીમાં આજના ચીનમાં વધુ આત્મવિશ્વાસ છે. જિનપિંગના નેતૃત્વવાળું ચીન અમેરિકન ઢબની પદ્ધતિઓ વિરૂદ્ધ લડવા માટે પ્રતિબદ્ધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો