You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પ સામે ઇનામ જાહેર કરનાર કોણ છે પોર્ન કિંગ?
અમેરિકાના 'પોર્ન કિંગ' તરીકે ઓળખાતા લેરી ફ્લિંટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઇનામની જાહેરાત કરી છે.
ટ્રમ્પ સામે મહાઅભિયોગ ચલાવવા માટે જરૂરી પુરાવા આપનારને એક કરોડ ડોલર એટલે કે અંદાજે 65 કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે.
મહિલા અધિકાર કાર્યકરોના ખલનાયક તરીકે પણ ઓળખાતા ફ્લિંટ 74 વર્ષના છે અને લકવા થયો હોવાને કારણે છેલ્લા 40 વર્ષથી વ્હીલચેરને સહારે જીવે છે.
પૈસા અને પ્રસિદ્ધિ મેળવ્યા પછી તેઓ રાજકારણમાં તેમનું નસીબ અજમાવવા ઈચ્છતા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
જોકે તેમના ભૂતકાળને કારણે રાજકારણમાં પ્રવેશવાના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા.
તેઓ અમેરિકામાં પોર્નને કાયદાકીય મંજૂરી અપાવવા માટે લાંબી અદાલતી લડાઈ લડ્યા હતા.
ત્યારથી તેઓ વિવાદાસ્પદ, ઉશ્કેરણીજનક નિવેદનો આપવા માટે જાણીતા છે. તેમાં મોટી ઇનામી રકમ પણ ચર્ચાનો વિષય બની રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વગદાર નેતાઓ પર નિશાન
તેમણે અખબાર 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના રવિવારના અંકમાં આખા પાનાની એક જાહેરાત આપી હતી. જેમાં એક કરોડ ડોલરના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.
ફ્લિંટ 'હસ્લર' નામનું એક મેગેઝીન પ્રકાશિત કરે છે. એ મેગેઝીન વિશે એવું કહેવાય છે કે કોઈ મોડેલના કે બોલ્ડ ફોટોગ્રાફ્સ વિના પણ 1970ના દાયકામાં 'હસ્લર' અમેરિકામાં 30 લાખ લોકો સુધી પહોંચતું હતું.
ફ્લિંટ 'હસ્લર' તરફથી જ પોર્નોગ્રાફીને કાયદેસરની બનાવવાની સફળ અદાલતી લડાઈ લડ્યા હતા.
જોકે રાજકીય નેતાઓને મુશ્કેલીમાં મૂકવા માટે ફ્લિંટે ભૂતકાળમાં પણ મીડિયા જાહેરાતોનો સહારો લીધો હતો.
ફ્લિંટે 1970ના દાયકામાં અમેરિકન કોંગ્રેસના સભ્યો કે કોઈ વગદાર વ્યક્તિના સેક્સ કૌભાંડો વિશે માહિતી આપનારને એક લાખ ડોલર ઇનામ આપવાની જાહેરાત પણ કરી હતી.
એ ઘટનાના 40 વર્ષ બાદ તેમણે ઈનામી રકમનું પ્રમાણમાં વધારીને એક કરોડ ડોલર કર્યું છે એટલું જ નહીં તેમણે અમેરિકામાં સર્વોચ્ચ પદ પર બેઠેલા ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવ્યા છે.
કોણ છે લેરી ફ્લિંટ?
લેરી ફ્લિંટની ગણતરી અમેરિકાના મોટા ઉદ્યોગપતિઓમાં થાય છે.
તેઓ ન્યૂડિસ્ટ ક્લબ રચવાની શરૂઆતથી માંડીને નૈતિકતા વિશે સવાલ ઉઠાવનારા અગ્રણી મેગેઝીનના પ્રકાશક અને કેસિનો, રિઅલ એસ્ટેટ, બ્રાન્ડ મેનેજમેન્ટ કંપની, મ્યુઝિક પ્રોડક્શન તથા વીડિયો ગેમ્સ કંપની સહિતના અનેક ક્ષેત્રમાં સફળ બિઝનેસમેન છે.
તેમનું બાળપણ બહુ ગરીબીમાં વીત્યું હતું. તેમના માતા ગૃહિણી હતાં અને પિતા સૈનિક. લેરી ફ્લિંટ 15 વર્ષના હતા ત્યારે તેમણે ઘર છોડી દીધું હતું.
જુગારમાં નિષ્ફળતા બાદ તેમણે ખોટા બર્થ સર્ટિફિકેટને આધારે દારૂની દુકાન ચલાવી હતી.
તેમના જણાવ્યા અનુસાર, એક પોલીસ કર્મચારીએ તેમનું જાતીય શોષણ કર્યું પછી તેઓ ઘરે પાછા ફરવા મજબૂર થયા હતા.
અમેરિકાના કેન્ટુકી સ્થિત પોતાના ઘરે પાછા આવ્યા પછી તેઓ એ સમયના અન્ય યુવાનોની માફક સેનામાં સામેલ થઈ ગયા હતા.
1964માં ફ્લિંટ સૈન્યમાંથી રિટાયર થયા હતા.
ન્યૂડિસ્ટ ક્લબની શરૂઆત
તેમણે તેમની 1800 ડોલરની બચતમાંથી એક બાર ખરીદ્યો હતો.
તેને નવો લૂક આપ્યો હતો. એ પછી તેઓ એક પછી એક બાર ખરીદવા લાગ્યા હતા.
બારમાં ન્યૂડ એટલે કે નગ્ન મહિલાઓને સામેલ કરવાનું તેમણે એ સમયમાં વિચાર્યું હતું.
તેઓ માનતા હતા કે સ્વેચ્છાચારીના એ સમયમાં પૈસાદાર શરાબીઓને નગ્ન મહિલાઓ આવકારે તથા બારમાં ડાન્સ કરે તો તેમને વધારે સારું લાગશે અને વધારે ગ્રાહકોને આકર્ષિત કરી શકાશે.
એ રીતે 'હસ્લર ક્લબ'ની શરૂઆત હતી અને એ અમેરિકાની પહેલી ન્યૂડિસ્ટ ક્લબ હતી.
શરૂઆતના ત્રણ વર્ષમાં જ તેની પાંચ શાખાઓ શરૂ થઈ હતી અને તેમાં કામ કરતી મહિલાઓની ગતિવિધિ ડાન્સ કરવા પૂરતી મર્યાદિત રહી ન હતી.
પોતાની ક્લબના પ્રચાર માટે ફ્લિંટે બે પાનાના 'હસ્લર ન્યૂઝ લેટર'નું પ્રકાશન શરૂ કર્યું હતું. તેમાં ન્યૂડ ફોટોગ્રાફ્સ છાપવામાં આવતા હતા.
પોર્નોગ્રાફીને કાયદેસર ગણાવવાની અદાલતી લડાઈ
એ ન્યૂઝ લેટરને ઘણી સફળતા મળી હતી. તેથી ફ્લિંટે તેના પાનાની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો હતો.
મંદીની ક્લબ બિઝનેસ પર માઠી અસર થઈ હતી. ન્યૂઝ લેટરનું નામ માત્ર 'હસ્લર' કરી નાખવામાં આવ્યું હતું અને એ સેક્સ મેગેઝીન બની ગયું હતું.
વંશિય અને મહિલાઓ વિરુદ્ધની વાંધાજનક સામગ્રીના પ્રકાશન બદલ 'હસ્લર' મહિલા અધિકાર કાર્યકરોના રોષનું નિશાન બન્યું હતું.
જોકે, તેને કારણે મેગેઝીને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.
તેમની અદાલતી લડાઈ 1978માં જ્યોર્જિયાની એક કોર્ટમાં શરૂ થઈ હતી.
એ લડાઈ રોજબરોજના જીવનમાં પોર્નોગ્રાફી અને 'વયસ્ક' ભાષાને કાયદેસરનું સ્વરૂપ આપવા વિશેની હતી.
તેમનો મુખ્ય તર્ક અભિવ્યક્તિ અને અખબારી સ્વાતંત્ર્યનું રક્ષણ કરતા અમેરિકન બંધારણના પહેલા સુધારા પર આધારિત હતો.
કોર્ટે પ્રથમ સુધારાને આધાર બનાવીને પોર્નોગ્રાફીના પ્રકાશનને કાયદેસરની માન્યતા આપી હતી.
અમેરિકા ત્યારથી પોર્નોગ્રાફી સેન્સરશીપના દાયરામાંથી બહાર આવી ગયું હતું.
જોકે ફ્લિન્ટ એ સફળતાની ઉજવણી કરી શક્યા ન હતા કારણ કે એક શ્વેત વ્યક્તિએ તેઓ કોર્ટમાં જતા હતા ત્યારે તેમના પર ગોળીબાર કર્યો હતો.
એ ગોળીબારને કારણે ફ્લિંટની કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી અને ત્યારથી તેઓ વ્હીલચેરના સહારે જીવન જીવી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો